Wednesday, 30 August 2017

વધુ ને વધુ સુંદર - કુન્દનિકા કાપડીઆઅમુક સંબંધોને કોઈ નામ હોતું નથી, ફક્ત એ હોય છે, એકબીજાને સહારો આપવા માટે, આ પ્રકારનો અર્થ સમજાવતી પુસ્તકની પ્રથમ વાર્તા 'ગોપાલ મોહન' જીવનનો અને ઈશ્વરનો મર્મ પણ સમજાવે છે. 'સ્નેહધન' નામની વાર્તા બાળકની હઠ અને કૂમળી ઉંમરનાં બાળકનું તોફાન અને મનની અંદરની વાત રજૂ કરે છે. લગ્ન પછી પિયર છોડીને નવી દુનિયામાં આવેલી સ્ત્રીની સ્થિતિને 'પ્રથમ રાત્રિએ' વાર્તામાં ખૂબ જ સુંદર રીતે આલેખવામાં આવી છે. 'બધું જ જૂઠું' ; 'માધવ અને કુસુમી' ; 'એક રાતની વાત' ; 'માર્ગ ક્યાં છે?' ; 'પુનરાગમન' ; 'જરા ઊભા રહો તો...' અને 'ચાર પત્રો' જેવી વાર્તાઓ જીવનની યાતનાઓ, ગેરસમજો, કેટલાક અફસોસ અને માનવજીવનની અર્થપૂર્ણતા જેવી વાતો આડકતરી રીતે કહે છે. 'વધુ ને વધુ સુંદર' વાર્તા પ્રત્યેક પેઢીએ જીવન વધારે સુંદર બનવું જોઈએ તે પ્રકારનો ભાવ વ્યક્ત કરે છે. 'સૂરજ ઊગશે' નામની વાર્તા જીવનનો અર્થ ભૂલી ગયેલી યુવતીને જિંદગીની નવી દિશા મળી આવે છે તે વિશેની વાત કરે છે. 'ઝરણું' વાર્તા પ્રકૃતિનું વર્ણન તો કરે જ છે, એ સાથે જ જીવન વિશે કેટલીય ન કહેવાયેલી વાતો પણ કહે છે. 'શોધ' વાર્તા ભૂતકાળની સુખરૂપ ક્ષણોને શોધતી એક યુવતી વિશે છે, 'શોધ' વાર્તામાં કરેલ ભૂતકાળની યાદો અને બાળપણનું વર્ણન આ પુસ્તકનું સૌથી સુંદર લખાણ છે તેમ હું માનું છું.

કુન્દનિકા કાપડીઆનો આ વાર્તાસંગ્રહ સંકેતોથી ભરપૂર છે તેમ તેમણે ખુદ પુસ્તકની શરૂઆતમાં લખ્યું છે. એ વાત સાચી પણ છે, કારણ કે અમુક વાર્તાઓમાં કહેલી વાતોનો ઘણો ગૂઢ અર્થ નીકળે છે, અમુક રૂપકોથી ભરેલ વાતો સમજવા જરાક વધારે મહેનત પણ કરવી પડે છે. હમેંશાની જેમ તેમની વાર્તાઓમાં હોય છે તેમ માનવજીવન, યાદો, પ્રકૃતિનું વર્ણન અને તત્વજ્ઞાન પણ આ પુસ્તકમાં છે. કેટલાક ખૂબ ગમેલા વાક્યો...

*****************************


મંજુને આ બધું બહુ જ નવું લાગ્યું. એમાંની ઘણી વાત તે સમજી નહિ. પણ તેને પોતાની સમક્ષ એક નવી સૃષ્ટિ ઊઘડતી લાગી. નદીકાંઠાની મેલી સાંજથી દૂર, મોહન સાથેની રમતોથી દૂર, દાદીમાના વાત્સલ્યથી દૂર, નાનકડા જીર્ણ ગામનાં સીમિત સુખદુ:ખોથી દૂર અહીં એક નવી જ સૃષ્ટિ હતી, પુસ્તકોની ને જ્ઞાનની સૃષ્ટિ, પતિના પ્રેમની સૃષ્ટિ, વિશ્વાસની, મૈત્રીની નવીન સંભાવનાઓથી સભર સૃષ્ટિ... તે કશા આયાસ વગર હેમંતની નજીક ખેંચાઈ આવી. ઘણા દિવસો પછી પહેલી વાર તેના હૃદયમાં સુખની એક પરમ માધુરીમય લહર ઊઠી, તેણે એક કોમળ સ્પર્શ અનુભવ્યો... સ્પર્શ વધુ ને વધુ સઘન બનતો ગયો - ને પછી સ્પર્શની પરમસીમાના કોઈક બિંદુએ તે તંદ્રામય, સ્વપ્નમય અવસ્થામાં સરી પડી. તે બધું જ ભૂલી ગઈ. તેને માત્ર એટલું જ યાદ રહ્યું કે પોતે સુખી છે...
(વાર્તા - પ્રથમ રાત્રિએ, પૃષ્ઠ - ૨૬-૨૭)

આજે હજુ એ બારણાં સામે જોઉં છું, રોજ રાતે જોઉં છું ને હૃદય ખૂબ ભારે થઈ જાય છે. ઓરડાની હવા ઠંડી બની જાય છે. દીવાલો ખૂબ ઊંચી ને અંધકાર વધારે અંધારો બની જાય છે અને એની અંદર રહેલી એકલતામાં હું વધુ એકલવાયો બની જાઉ છું.
(વાર્તા - એક રાતની વાત, પૃષ્ઠ - ૬૬)

નાનપણથી આપણે માતા-પિતાની છાયા નીચે, સુખ અને સગવડોમાં મોટાં થઈએ છીએ. આપણી અંદર કશું સ્પષ્ટ હોતું નથી. બધું ધીમે ધીમે ઘડાતું, આકાર લેતું રહે છે. આપણે સમજીએ તે પહેલાં ઘણી વસ્તુઓને સ્વીકારી લઈએ છીએ. પછી એક દિવસ આપણી અંદર એક સાદ જાગી ઊઠે છે. જીવનની સમગ્ર એષણાઓને પોતાનામાં સમાવી લેતી એક તીવ્રતમ ઇચ્છાનો નાદ. એ ઇચ્છાની તૃપ્તિમાં જ આપણી મુક્તિ રહેલી હોય છે. પણ ત્યાં સુધીમાં આપણે બંધાઈ ગયાં હોઈએ છીએ. અજ્ઞાન અને અપરિપક્વતામાં આપણે જાતે જ કરેલા કેટલાય સ્વીકારોથી. એને આપણે તોડી શકતા નથી. ડર લાગે છે, માબાપને કેવું લાગશે? સમાજ શું કહેશે? સ્વજનોનો વિશ્વાસ તો નહિ ગુમાવી બેસીએ? પરિચિત જીવનરીતિની સગવડ ખોઈ તો નહિ નાખીએ? આ કાયરતા જ આપણું સૌથી મોટું બંધન બને છે...
(વાર્તા - વિદાય, પૃષ્ઠ - ૮૦-૮૧)

તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા?... કૃષ્ણના બે વ્યાકુળ હોઠ પર જાણે કોઈએ બાંસુરી મૂકી દીધી અને તેમાંથી વારે વારે આ એક જ સૂર ઝરવા લાગ્યો - "તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા?"
(વાર્તા - વિદાય, પૃષ્ઠ - ૮૩)

... અને મારાં આ બધાં ગમગીન વ્યથાભર્યાં વર્ષો વીંધીને એનો એ જ સાદ મારા હૃદય નિરંતર સંભળાયા કરે છે: "જે સાવ પોતાની નિકટ છે, જે પોતાનું જ છે, તેને પામી ન શકવાની વેદના તમને ખબર છે?"
અને કૃષ્ણની પેલી વ્યાકુળ બંસી નિ:શ્વાસ ભર્યા સ્વરે બોલી ઊઠે છે: "તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા?"
(વાર્તા - વિદાય, પૃષ્ઠ - ૮૫)

કુંજવનના દક્ષિણ ખૂણે, અશોકના વૃક્ષ નીચે સાંજના ચાર. આખી પૃથ્વી સોનેરી, આખું આકાશ સોનેરી. અનામિકાના પગ જમીન પર ટકતા નથી. ચાર તો વાગ્યા, વાગી જ ગયા. કોઈ છે તો નહિ! કોઈ નથી! અરે હાય-
એની આંખ પર પાછળથી કોઈએ મૃદુ રીતે હાથ મૂક્યો. એક ક્ષણમાં અનામિકાની હૃદયધારે સો સો સૂર્યોદય થઈ ગયા.
(વાર્તા - એક મૂરખની પ્રેમકથા, પૃષ્ઠ - ૧૧૪)

મેં કહ્યું કે અમે સુખી હતાં. પછી ધીમે ધીમે અમે મોટાં થતાં ગયાં, 'સમજણાં' થતાં ગયાં, અને એ સુખ ધીમે ધીમે સરી ગયું. એ અદ્ભુત વિસ્મય અને નિતનવા ઉલ્લાસની સૃષ્ટિમાંથી અમે અચાનક જ એવી દુનિયામાં આવી પડ્યાં, જ્યાં બધાં જ માણસો સુખને શોધતાં હતાં ને કોઈ તેને પામતું નહોતું - અને તેની વેદના, તરફડાટ અને ક્રન્દનથી પૃથ્વીનો દેહ કલાન્ત બની ગયો હતો.
(વાર્તા - શોધ, પૃષ્ઠ - ૧૩૦)

બપોર પછી વરસાદ વળી પાછો જામ્યો, ચારે બાજુ ઘોર અંધારું છવાઈ ગયું, આકાશ એકદમ ગમગીન થઈ ગયું. એનાં નેત્રોમાંથી વરસતાં અનરાધાર આંસુમાં પૃથ્વી ફરી ડૂબવા લાગી. ચારે દિશાઓ જાણે શ્યામ ચાદર ઓઢી એક ઉદાસ મૌનમાં પોઢી ગઈ.
(વાર્તા - જરા ઊભા રહો તો..., પૃષ્ઠ - ૧૪૩)

એક ઝરણું છે.
ક્યાં છે અને શા માટે છે, એ જાણવાની કાંઈ જરૂર નથી. જેમ હું છું ને તમે છો, લોપા છે,
તેમ એક ઝરણું છે.
એક વહેતું, ઘૂઘવતું ઝરણું.
(વાર્તા - ઝરણું, પૃષ્ઠ - ૧૮૫)

*****************************

કુન્દનિકા કાપડીઆનાં બીજા પુસ્તકો વિશેની મારી પોસ્ટની લીંક -

જવા દઈશું તમને

કાગળની હોડી

Thursday, 24 August 2017

મશાલ - ચંદ્રકાંત બક્ષીબક્ષી સાહેબનો વધુ એક વાર્તાસંગ્રહ પૂરો કર્યો. વરસાદની રાતે, અડધી ઊંઘમાં, ઑફિસની વચ્ચે, શરદીની સ્થિતિમાં લાલઘૂમ આંખોથી કે બીજી ગમે તે સ્થિતિમાં હું બક્ષીનું પુસ્તક વાંચી શકું છું અને આ વખતે પણ એ જ થયું છે! એમનું લખાણ મને એ હદે ગમે છે, જેની માટે કદાચ શબ્દો નથી. હમેંશાની જેમ આ વાર્તાસંગ્રહમાં પણ ઘટનાઓ આબાદ ઝીલવામાં આવી છે, કારણ કે લેખકને 'ઘટનાના બેતાજ બાદશાહ' ગણવામાં આવે છે. બક્ષી સાહેબની બીજી અમુક ટૂંકી વાર્તાઓની જેમ માનવજીવનની સૂક્ષ્મ વાતો, રોજબરોજનાં જીવનની નીરસતા, જૂના શહેરોનું વર્ણન, યુધ્ધનું વર્ણન અને ઈતિહાસનાં પાત્રોની જેવી સ્થિતિ ધરાવતા પાત્રો પણ આ પુસ્તકની અમુક વાર્તાઓમાં છે. 

પુસ્તકની પ્રથમ વાર્તા 'અર્જુનવિષાદયોગ' કૃષ્ણ અને અર્જુન જેવી જ સ્થિતિ ધરાવતાં પાત્રોની વાત રજૂ કરે છે. પોતાની વ્યક્તિઓની સામે પોતાના હક માટે યુધ્ધ કરવું એ ખોટી વસ્તુ નથી, અર્જુનને આ વાત સમજાવતાં કૃષ્ણની જેમ અહીં પણ એક પાત્ર બીજા પાત્રને એ જ વાત સમજાવે છે, પાત્રોનાં નામ પણ એ જ રીતે છે! 'ગો ટુ ટેન હાઉસ' નામની વાર્તા હિલ સ્ટેશન પર થોડા દિવસ માટે આવેલ પરિવારની સાથે થતી એક કરુણ ઘટના પર આધારિત છે. 'ઑપરેશન ભુટ્ટો' ; 'ડોગરાઈ જતાં કૉન્વોય' અને 'મેજર ભલ્લાનો કિસ્સો' જેવી વાર્તાઓ યુધ્ધ અને જવાનોની જિંદગી વિશે ખૂબ સુંદર માહિતી આપે છે. '... અને મીણબત્તી' ; 'ગુડ નાઈટ, ડેડી!' ; 'બીજી સોહાગરાત' અને 'કૃશન' જેવી વાર્તાઓ લગ્ન વિશેનાં નિર્ણયો, લગ્નજીવનની ખરબચડી સપાટી અને લગ્ન વિશે મૂંઝાયેલા પાત્રો રજૂ કરે છે... 'કાળા તાજમહાલો' ; 'અનારકલી' અને 'રાણીબજારની માયા' જેવી વાર્તાઓ ઈતિહાસની સાથે પાત્રોને જોડીને જિંદગી રજૂ કરે છે. 'સ્પાર્ક્સ' નામની વાર્તા ભૂતકાળની જૂની યાદો અને જૂનો સમય તાજા કરતાં મુખ્ય પાત્રની જિંદગી અને પાલનપુર વિશે ખૂબ જ સુંદર વર્ણન ધરાવે છે. આ વાર્તાસંગ્રહમાં 'બન્દર' નામની વાર્તા પણ છે, જે મનુષ્યો અને પ્રાણીસંગ્રહાલયમાં પૂરાયેલ પ્રાણીઓ બંનેમાંથી કોણ સભ્ય છે તે સવાલ ઊભો કરે છે. 'વાર્તાકારની વાર્તા' લેખક અને વાચક વચ્ચેનાં પત્ર વ્યવહાર વિશે છે. 'બે ટંક ખાવું' ; 'અનારકલી' ; 'રાણીબજારની માયા' અને 'ટેક્સી' જેવી વાર્તાઓ રોજબરોજની હાડમારીમાં જીવન જીવી રહેલા પાત્રોની વાત રજૂ કરે છે. 'ત્રણ' નામની એક ખૂબ જ સુંદર વાર્તામાં પરિવારની ત્રણ વ્યક્તિઓ પોતાનાં જ પરિવાર વિશે અલગ અલગ મંતવ્યો આપે છે. 'હું, તમે અને... કલકત્તા!' હમેંશાની જેમ એ સમયનાં કલકત્તાનું સુંદર વર્ણન કરે છે... આ જ વાર્તાસંગ્રહમાં તેમની 'કુત્તી' નામની વાર્તા પણ છે, જેને માટે બક્ષી સાહેબની સામે ગુજરાત સરકારે કેસ કર્યો હતો. અહીં અડધા પૃષ્ઠની એકદમ જ ટૂંકી વાર્તા પણ છે અને 'અઢી મિનિટની વાર્તા' પણ છે, જે વાંચતા એટલો જ સમય જશે! પુસ્તકનું નામ 'મશાલ' રાખવા પાછળનું કારણ ખબર ન પડી, કારણ કે વાર્તાસંગ્રહમાં એ શીર્ષકની કોઈ વાર્તા પણ નથી.

અમુક વાક્યો આ વાર્તાઓમાંથી ...

રહમતને ઊંઘ આવતી ન હતી, બહુ મજાને લીધે. પહેલી વાર એ ટેક્સીમાં બેઠો હતો, સુલતાનીની જેમ.
માથા પરના પાટા પર એ આનંદથી હાથ ફેરવતો હતો, સારું થયું વાગ્યું, નહીં તો...
એની મીંચેલ આંખો સામે ઝરમરતા વરસાદમાં ટેક્સીનું વિન્ડશીલ્ડ- વાઇપર ફરી રહ્યું હતું- મોડી રાત સુધી.
(વાર્તા - ટેક્સી ; પૃષ્ઠ - ૭૩)

ખરેલા પાંદડાઓ પર ઝમેલા ઝાકળને બચાવતો હોય એમ એ સંભાળથી ભૂતકાળને ઢૂંઢતો ઘરની સ્મૃતિઓની આસપાસ ફરવા લાગ્યો.
જિંદગીમાં એક દરાર પડી જાય છે, અને બિડાતી નથી.
(વાર્તા - સ્પાર્ક્સ ; પૃષ્ઠ - ૮૫-૮૬) 

રેસ્ટોરાંમાં પ્રવેશીને એણે બે આઈસક્રીમનો ઓર્ડર આપ્યો, ઝાંખા અજવાળામાં પ્લાસ્ટિક દીવાલોના પેસ્ટલ શેડ સભ્યતાથી ચમકતા હતાં. વાઝમાં થોડાં સસ્તાં, ખુશબૂ વિનાનાં રંગીન ફૂલો હતાં. અને આસપાસ થોડાં સસ્તાં, ખુશબૂ વિનાનાં રંગીન સ્ત્રીપુરુષો... 
(વાર્તા - કૃશન ; પૃષ્ઠ - ૧૯૯-૨૦૦)

આ તરફ, શહેરોનાં જંગલોમાં, કાચ અને કૉંક્રીટની વીરાનોઓમાં એક વાર વર્ષે વસંત આવે છે, એકાએક, પાછલા ફેબ્રુઆરીમાં...
(વાર્તા - હું, તમે અને... કલકત્તા! ; પૃષ્ઠ - ૨૩૨)બક્ષી સાહેબનાં બીજા પુસ્તકો વિશે મેં લખેલી કેટલીક પોસ્ટની લીંક - 


Monday, 21 August 2017

અ ડેથ ઇન ધ ગંજઆ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ નથી.

નાતાલ પછી નવા વર્ષની ઉજવણી માટે કેટલીક વ્યક્તિઓ ભેગી થાય છે, મૈકલુસ્કીગંજ (ત્યારે બિહાર, અત્યારે ઝારખંડ) નામની જગ્યાએ. ફિલ્મની વાર્તા આ વ્યક્તિઓની સાથે એક અઠવાડિયામાં થયેલી ઘટનાઓ અને પરિવારની સાથે થતી એક કરુણાંતિકા પર આધારિત છે. પ્રખ્યાત અભિનેત્રી કોંકણા સેન શર્માની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ તેણીનાં પિતાએ લખેલી ટૂંકી વાર્તા પર આધારિત છે. વિવિધ ફિલ્મ સમારોહમાં ગયા વર્ષે રજૂ થઈને આ વર્ષે જૂન મહિનામાં ખૂબ મર્યાદિત થિયેટર્સમાં આ ફિલ્મ રજૂ થઈ. આ પ્રકારની ફિલ્મ કદાચ ખૂબ જ અલગ પ્રકારનાં દર્શકો માટે છે, ઉપરાંત ફિલ્મ અંગ્રેજી અને બંગાળી ભાષામાં છે. વિવિધ પ્રાદેશિક ભાષાનાં બે-ત્રણ ગીતો ધરાવતી આ ફિલ્મમાં 'બોલીવુડ' પ્રકારનું કોઈ જ ગીત નથી, આ ફિલ્મને 'બોલીવુડ' કહેવી પણ ન જોઈએ, કારણ કે ફિલ્મ હિન્દીમાં પણ નથી.

રોમાંચકારી (થ્રિલર) ફિલ્મ તરીકે રજૂ થયેલ આ ફિલ્મ મૂળભૂત રીતે પાત્રોની ઝીણવટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક પણ વ્યક્તિનાં અભિનયમાં ક્યાંય કોઈ જ કચાશ નથી. ફિલ્મનાં ઘણા દ્રશ્યોમાં પાત્રોનાં ચહેરાનાં હાવભાવ તેમજ આંખો વાત કરે છે. ગુલશન અને તિલોત્તમા શોમેનો યુગલ તરીકેનો અભિનય, રણવીર શોરેનું આડંબર સાથેનું પૌરુષ, કલ્કિની સુંદરતા અને આંખોથી વાત કરતું પાત્ર, જિમ સર્ભનો મોહક દેખાવ, આર્યા શર્માની આઠ વર્ષની નિર્દોષતા તેમજ પીઢ કલાકારો ઓમ પુરી અને તનુજાનો અભિનય, બધી જ વસ્તુઓ એકદમ લાજવાબ અને વાસ્તવિક લાગે છે. પરંતુ ફિલ્મમાં સૌથી વધારે પ્રભાવ છોડે છે, મુખ્ય પાત્ર ભજવનાર વિક્રાંત મેસ્સી. ગજબ! આ મુખ્ય પાત્રની આંખો ઘણી વાતો કહે છે, જે કોઈ જ સમજી શકતું નથી. આંતરરાષ્ટ્રીય ફિલ્મો જોવા માટે ટેવાયેલ લોકો જ આ પ્રકારની ફિલ્મ પચાવી શકે, કારણ કે ફિલ્મ જોયાં પછી એક ઉદાસી ઘેરી વળશે. દિગ્દર્શક કોંકણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મમાં ઘણી વાતો તેમનાં પોતાનાં બાળપણ જેવો અનુભવ આપે છે. જૂનો સમય, એ વખતનું વાતાવરણ, ઢળતી સાંજ, ઘરનો વરંડો, રજાઓ માણવા આવેલ વ્યક્તિઓનો ઉત્સાહ, આ પ્રકારની બધી જ વાતો ખૂબ જ સુંદર રીતે કેદ થઈ છે. એ જ ઇન્ટરવ્યૂમાં કોંકણાએ કહ્યું હતું કે ફિલ્મની પ્રેરણા પાછળ તેમનાં બાળપણની સાથે સાથે પિતાએ લખેલી એ વાર્તા, ફિલ્મ 'પિકનિક એટ હેંગિગ રોક' અને મહાન બંગાળી દિગ્દર્શક સત્યજીત રેનાં પાત્રોની છણાવટે મોટો ભાગ ભજવ્યો છે... સત્યજીત રેની ફિલ્મ 'અરણ્યેર દિન રાત્રિ' કલકત્તાની ભૌતિક જિંદગીથી કંટાળેલા મિત્રો થોડા દિવસ માટે પલમાઉ જંગલમાં રોકાય છે તેની વાર્તા માંડે છે, એ લોકો બીજી વ્યક્તિઓને મળે છે, ઘટનાઓની એક શ્રેણી સર્જાય છે. એ જ રીતે કોંકણા સેન શર્માની ફિલ્મ 'અ ડેથ ઇન ધ ગંજ' નવા વર્ષની ઉજવણી માટે ભેગા થયેલ પરિવાર અને મિત્રોની વાર્તા માંડે છે, ફિલ્મનાં અમુક પિકનિકનાં દ્રશ્યો પણ 'અરણ્યેર દિન રાત્રિ' ફિલ્મની યાદ અપાવે છે.   

અ ડેથ ઇન ધ ગંજ


પિકનિક એટ હેંગિગ રોક

અરણ્યેર દિન રાત્રિએ વ્યક્તિ જે દરેક વ્યક્તિની મદદ કરે છે, તે મોટેભાગે લોકોનો પ્રેમ ઝંખે છે. પરંતુ ખૂબ ઓછા લોકો એ વાત સમજી શકે છે અને ખૂબ જ ઓછા લોકો એ પ્રકારની વ્યક્તિની લાગણીઓ સાથે જોડાઈ શકે છે. જે વ્યક્તિ તેનો ભૂતકાળ છોડવા માંગતો નથી, તે વ્યક્તિ ભાવનાત્મક રીતે એ જ જૂનો સમય પણ ઝંખે છે. જૂની વ્યક્તિઓને વારંવાર યાદ કરવી, જૂની ચીજવસ્તુઓ વાપરવી, જૂની યાદો તાજા કરવી, અમુક જૂની વાતો પર પસ્તાવો વ્યક્ત કરવો, આ બધી વાતો લાગણીશીલ વ્યક્તિ માટે જીવન જીવવાનું માધ્યમ છે. તેની સાથે જ સમાજનાં અમુક લોકો માટે આ પ્રકારની વસ્તુઓ મજાકનું એક માધ્યમ પણ છે. કારણ કે સમાજ અને અમુક વ્યક્તિઓ દરેકને એક ડબ્બામાં બંધ કરી દે છે, અમુક નિયમો આપી દે છે, આમ કરી શકાય, આમ ન કરવું જોઈએ, નહીં તો લોકો આમ વિચારશે. આ પ્રકારની વસ્તુઓમાં જે વ્યક્તિને લાગે છે કે તેનાં વિચારોને કોઈ સમજી શકતું નથી, તેવી વ્યક્તિ એકલી થઈ જાય છે. કારણ કે લાગણીશીલ વ્યક્તિઓને ઘણા લોકો મૂર્ખ અને પાગલ પણ સમજે છે. આ વાત આપણે જે સમાજમાં રહીએ છીએ તેનો જ એક ભાગ રજૂ કરે છે અને આ કોઈ જ નાની વાત નથી. લોકોને સમજવાનો પ્રયાસ કરો, કદાચ એમ પણ બની શકે કે જે વ્યક્તિ સૌથી શાંત છે તેની પાસે કહેવા માટે ઘણી વાતો હોય. 

સંબંધિત પોસ્ટ -
Friday, 18 August 2017

દિલ માંગે મોર - પ્રેમનું મેઘધનુષ્યઅનંત મહાદેવનની ફિલ્મ 'દિલ માંગે મોર' પ્રેમની શોધ માટેની વાર્તા માંડતી ખૂબ સુંદર ફિલ્મ છે. આ પ્રકારની હળવી રમૂજી તેમ છતાં પ્રેમની વાર્તા માંડતી ફિલ્મો હું એક સમયે ઘણી જોતો, પરંતુ આ ફિલ્મ હમણાં જ મેં પ્રથમ વખત જોઈ. એક ખાસ મિત્રના કહેવાથી, તો આ પોસ્ટ એ ખાસ મિત્ર માટે...

ફિલ્મ સ્પોઈલર્સ...

ફિલ્મની વાર્તા નિખિલ (શાહિદ કપૂર) વિશે છે. સમરપુર નામનાં એક હિલ સ્ટેશન પર રહેતો નિખિલ ખૂબ જ પ્રેમ કરે છે નેહા (સોહા અલી ખાન) નામની યુવતીને. નેહાને નિખિલ ગમે તો છે પણ નેહાનું સપનું છે એર હૉસ્ટેસ બનવાનું અને એ માટે એ સમરપુર અને નિખિલને છોડવા તૈયાર થાય છે,... નેહાને પાછી લાવવા માટે મુંબઈ જાય છે ત્યારે નિખિલની મુલાકાત થાય છે સારા (તુલિપ જોશી) અને શગુન (આયેશા ટકિયા) સાથે... પ્રેમનો ગૂંચવાડો આગળ જઈને નવી દિશાઓ અને નવો રસ્તો ધારણ કરે છે... 

નેહા નિખિલને પ્રેમ કરવા માટે હમેંશા શરતો રાખે છે કે નિખિલે એની સાથે મુંબઈ આવવું પડશે, નિખિલ જો આ સમયે નહીં આવે તો એ એની રાહ નહીં જુએ... નિખિલ નેહાને લગ્ન માટે પૂછે છે ત્યારે પણ નેહા નિખિલને સમરપુર છોડવાનું કહે છે. નિખિલ એ જગ્યા, એના દાદાની કૉલેજ છોડવા માંગતો નથી, જે એને જ સંભાળવાની છે. નિખિલ સમરપુરનાં સુંદર વાતાવરણની પણ પ્રશંસા કરે છે, સમરપુરમાં રહેલ એક પહાડીની એ જગ્યા જ્યાં ક્યારેક સૂર્યાસ્ત સમયે સાત મેઘધનુષ્ય દેખાય છે. પણ નેહા કહે છે જિંદગીમાં મેઘધનુષ્યનાં સાત રંગો સિવાય પણ ઘણું બધુ હોય છે, એ બધા જ રંગોનો એને આનંદ લેવો છે. નેહાને પોતાના સપનાઓની ઉડાન ભરવી છે, પણ એ નિખિલનો પ્રેમ ખોઈ બેસે છે. કારણ કે જિંદગી તમને જ્યારે જે આપતી હોય તે ન સ્વીકારો તો એવી તક બીજી વખત મળે કે ન પણ મળે, એ જ નેહાની સાથે પણ બને છે. નિખિલ નેહાને પુષ્કળ પ્રેમ કરે છે, પણ નેહાનાં સપનાઓ અને નિખિલનાં પ્રેમની વચ્ચેનું અંતર એક દ્રશ્યમાં બંનેની વચ્ચે ખૂબ સુંદર રીતે વ્યક્ત થયેલ છે...

નિખિલનો નેહા તરફનો પ્રેમ

નિખિલનો પ્રેમ અને નેહાનાં સપનાઓ વચ્ચેનું અંતર


મુંબઈ જઈને જ્યારે નેહા સપનાઓ તરફ ડગ માંડે છે એ પછી નિખિલ સાથે સરખી વાત પણ કરતી નથી, અને નિખિલ સારાને પોતાને ઘેર સમરપુર લાવે છે. સારા અને નિખિલ એકબીજાને પસંદ કરવા લાગે છે પણ નિખિલ કશુંક સમજે એ પહેલા સારા પાછી ચાલી જાય છે અને પછીથી એ પોતાના જૂના બોયફ્રેન્ડની સાથે જાય છે અને નિખિલ તેને પોતાનો પ્રેમ જણાવતો નથી... 

મુંબઈમાં નિખિલની પાડોશી શગુન અને નિખિલ વચ્ચે અણબનાવો થતા રહે છે, પણ એ બંને એકબીજાની માટે સર્જાયેલ છે... નાની વાતોમાં ગુસ્સે થઈ જતી શગુન અંદરથી નિખિલ જેટલી જ કોમળ છે... ફિલ્મ વિશે ઘણી વાતો લખી શકાય, સુંદર ગીતો, જગ્યાઓ, અમુક ખૂબ જ સુંદર દ્રશ્યો, પણ પછી ક્યારેક જો બીજી વખત જોઈશ તો, અત્યારે એક ખૂબ સુંદર વસ્તુ લખવી છે, મેઘધનુષ્યનાં દ્રશ્યો વિશે. 

નિખિલ નેહા સાથે મેઘધનુષ્ય વિશે ચર્ચા કરે છે, પણ એ લોકોને મેઘધનુષ્યનાં દ્રશ્યમાં સાથે દર્શાવ્યા નથી. સારાની સાથે પણ નિખિલ એ પહાડી પર જાય છે પરંતુ એ લોકો એ દિવસે વાદળોને કારણે મેઘધનુષ્ય જોઈ શકતાં નથી. આખરે નિખિલ અને શગુન એ સાત મેઘધનુષ્યો જુએ છે, જે રીતે નિખિલ કહે છે તેમ, જાણે આકાશમાં કોઈ જાદુઈ લાકડી ફેરવવામાં આવી હોય. જિંદગી પણ મેધધનુષ્યનાં સાત રંગો જેવી છે, જ્યારે જેટલું પાસે છે એનો આનંદ માણવો જ રહ્યો, નહીં તો મેઘધનુષ્યનાં એ સુંદર સાત રંગોની જેમ ખુશીઓ પણ થોડીવાર માટે આવીને જતી રહેશે, એ ખુશીઓને, એ પળોને જો એ વખતે માણી નહીં હોય તો બની શકે કે ક્યાંક અફસોસ રહી જાય...  


સારા અને નિખિલ મેઘધનુષ્યો જોઈ શકતાં નથી

શગુન અને નિખિલ

સુંદર સાત મેઘધનુષ્યો

શગુન અને નિખિલ એ સાત મેઘધનુષ્યો જુએ છે

હેપી બર્થડે મૃગેશ

આઠમા ધોરણની એ સામાજિક વિજ્ઞાનની પરીક્ષા પછી સ્કૂલની બસમાં આપણો પરિચય ન થયો હોત તો મેં જિંદગીમાં ઘણી બધી વસ્તુઓ ગુમાવી હોત, કારણ કે જો એ પરિચય ન થયો હોત, તો મને તારા જેવો દોસ્ત ન મળ્યો હોત. એ દિવસ પછીની દરેક ખુશી અને દુ:ખ મહત્વનું છે મારી માટે... સ્કૂલ બસમાં પરીક્ષા પછીની ફિલ્મો વિશેની વાતો હોય, સિનેમેક્સમાં 'નો વન કિલ્ડ જેસિકા' જોયેલી એ વખતનો રોમાંચ હોય કે આપણી ફેસબુક પરની જૂની વાતો, એન્જિનિયરિંગની એક્ઝામ વખતની રાતોમાં કરેલ ચેટિંગ, એકબીજાની ખરાબ પળોમાં સાથે રહેલ એ વખતની લાગણીઓ, વિવેકાનંદ એકેડમીની એ પ્રથમ પાટલી, દરરોજ લેવાતી ટેસ્ટ, પેટ દુ:ખી જાય ત્યાં સુધી હસી શકીએ એ પ્રકારની એકબીજાને શેર કરેલી ટ્વિટ્સ... શું લખીશ હું જે મેં પહેલા તને કહ્યુ નથી? સેન્ટ્રલ વિસ્ટામાં પસાર થયેલી ઘણી સાંજ; જ્યારે તને કહેવાથી મારી વાતોનો ભાર ઓછો થઈ શકતો, ત્રિમંદિર; અડાલજનું અંબા રિફ્રેશમેન્ટ, આવકાર રેસ્ટોરન્ટ, ન જાણે કેટલાય લંચ્સ અને ડિનર્સ!! થિયેટરમાં અને એકબીજાને ઘેર જોયેલી ફિલ્મો, સાથે કરેલ વાંચન, રાત્રે એકબીજાને ઘેર રોકાઈને મોડી રાત સુધી કરેલી સ્કૂલની જૂની વાતો, બિગ બોસ!! સેક્ટર ૪નો એ બાંકડો, નાસ્તો!! આબુની સનસેટ પોઈન્ટ પરની સાંજ,...

સાડા અગિયાર વર્ષની દોસ્તીમાં આપણે એકબીજાથી નારાજ પણ રહ્યા છીએ, એકબીજાને મનાવી પણ લીધા છે અને ફરીથી નારાજ પણ થયા છીએ!! આ દુનિયામાં ખૂબ ઓછા લોકો તમને સમજી શકતા હોય છે અને હું ખૂબ જ આનંદની લાગણી મહેસૂસ કરુ છું કે તુ મારે માટે એ પ્રકારની વ્યક્તિ છે. હું ઇચ્છીશ કે તને જિંદગીમાં દરેક ખુશીઓ મળે, ક્યારેય બદલાઈશ નહીં, યુ આર પરફેક્ટ, એક એવો દોસ્ત જે મને ક્યાંય નહીં મળે. જન્મદિન મુબારક, શુભેચ્છાઓ... દોસ્તી, અગણિત સાંજ, નાસ્તો, ફિલ્મો, બિગ બોસ અને જિંદગીને નામ!!!

Tuesday, 15 August 2017

કૃષ્ણ : સાહિત્ય, સિનેમા અને સંગીત

કૃષ્ણ. હિન્દુ ધર્મનાં માનવામાં આવતા અનેક દેવો કે ઈશ્વરો પૈકી એક, જેણે મનુષ્યની જેમ વધારે જીવ્યું છે. જેમની સાથે સંકળાયેલી દંતકથાઓમાં દૈવી તત્વો છે, પરંતુ તેમની સાથે સંકળાયેલી વાતોમાં એક મનુષ્યની જેમ જીવન જીવ્યાનો વધારે ઉલ્લેખ છે. અગણિત લેખકોએ કૃષ્ણ વિશે કેટલીય વાતો લખી છે. મેં આ લખવાનું શરૂ કર્યુ ત્યારે વિચાર્યુ પણ નહોતું કે આ પોસ્ટ આટલી લાંબી થશે, અમુક અંગત વ્યક્તિઓને વાત કરેલી કે હું કૃષ્ણ વિશે લખી રહ્યો છું, તેમણે અમુક વસ્તુઓ સૂચવી પણ હતી જે કૃષ્ણ વિશે હતી. પરંતુ મેં એ વસ્તુઓમાંથી અમુક જ ઉપયોગમાં લીધી છે. અમુક ઓડિયો સાંભળ્યા નથી, કારણ કે પછી એ કોઈ બીજા કલાકારનાં વિચારો મારી પર પ્રભાવ જમાવી બેસે છે અને હું તે થાય તેમ ઇચ્છતો નથી. એ વસ્તુઓ આ પોસ્ટ પૂરી થશે પછી સાંભળીશ, એના પરથી ક્યારેક કોઈ અલગ વિચારો જરૂર ઉપયોગમાં આવી શકે. મારા કૃષ્ણ એ કોઈ ભગવાન નથી અને આમ કહીને હું કોઈની લાગણી દુભાવવાનો પ્રયત્ન પણ કરતો નથી. કારણ કે હું કૃષ્ણની પૂજા, ભક્તિ કે આરાધના કરતો નથી, તે છતાં મને લાગે છે કે ક્યાંક છે તેઓ, મારી પાસે, એક દોસ્ત તરીકે, એક મનુષ્ય તરીકે. કારણ કે કૃષ્ણ સાથે ભગવાન શબ્દ જોડો કે ન જોડો તેનાથી મને તો ફર્ક પડતો નથી, એ મારા જેવી બીજી કેટલીય વ્યક્તિઓ માટે શું છે એ શબ્દોમાં સમજાવી શકાશે નહીં. 

કૃષ્ણ હમેંશા એક સાધારણ માનવીની જેમ રહ્યા છે. બાળપણમાં પણ એક ગોવાળની જેમ. કનૈયાનો ઉછેર નંદ અને યશોદાએ કર્યો, અને તેઓ પાલક માતા-પિતા કહેવાયા. ખૂબ ઓછી જગ્યાઓએ વસુદેવ તેમજ દેવકીનો ઉલ્લેખ જોવા મળે છે. કૃષ્ણ નટખટ, મસ્તીખોર અંદાજમાં રહ્યા. પરંતુ તેઓએ પોતાનાં બધા જ કર્તવ્યો પણ પૂર્ણ કર્યા. એક પુત્ર તરીકે, એક રાજકુમાર, એક રાજા, એક મિત્ર, એક પ્રેમી, એક પતિ, એક માર્ગદર્શક તરીકેની બધી જ ફરજો કૃષ્ણ દ્વારા અદા કરવામાં આવી. રામ વિશે ઉલ્લેખ છે કે તેઓએ સીતાનો ત્યાગ કર્યો હતો. કૃષ્ણ વિશે કોઈ એવો ઉલ્લેખ નથી કે આ વ્યક્તિનો કૃષ્ણએ ત્યાગ કર્યો, મોટેભાગે તેઓએ લોકોને પોતાનાં શરણોમાં લીધા છે. એક દોસ્ત તરીકે સુદામા અને દ્રૌપદી માટે તેઓ મદદરૂપ થયા, એક પ્રેમી તરીકે રાધા સાથેનો તેમનો સમય જગવિખ્યાત છે. એક પતિ તરીકે પણ દરેક રાણીને સન્માન આપ્યું. એક ભાઈ તરીકે બલરામનો સાથ આપ્યો, એક માર્ગદર્શક તરીકે અર્જુનને જીવનનાં મૂલ્યો પણ સમજાવ્યાં અને રાજા તરીકે પ્રજાનું કલ્યાણ પણ વિચાર્યુ. મીરાને પણ તેઓએ દર્શન આપ્યા હોવાની માન્યતા છે તેમજ નરસિંહ મહેતાને પણ. 

મારા કૃષ્ણ કોઈ ભગવાન નથી, તે હું આગળ કહી જ ચૂક્યો છું, તો આ પોસ્ટમાં પણ મોટેભાગે એવો કોઈ જ ઉલ્લેખ નહીં આવે, એ માટે ફરીથી કહીશ કે કોઈની લાગણીઓ દુભાવવાનો મારો ઈરાદો નથી અને કોઈને ખરાબ લાગે તો પણ હું જવાબદાર નથી, કારણ કે આ મારા વિચારો છે અને હું કૃષ્ણને આ જ રીતે પૂજ્ય ગણીશ. કૃષ્ણની સાથે જ આ પોસ્ટમાં રાધા અને મીરાનો ઉલ્લેખ જરૂરથી આવશે જ ... ઘણી જગ્યાઓએ અમુક વસ્તુઓ બિનજરૂરી લખાયેલી હશે અથવા પુનરાવર્તિત થશે જ, પણ આ સિવાય હું કશું નવીન આપી શકીશ નહીં, કારણ કે કૃષ્ણ વિશે લખાયેલી બધી વાતોથી આ પોસ્ટ ઘણી જ અલગ છે. પરંતુ તે છતાં તેમાં કૃષ્ણ છે, તમે શોધશો તો તમને મળી રહેશે... અમુક જગ્યાઓએ લખેલી અમુક વાતોનું બીજા ફકરાઓ સાથે જોડાણ થશે નહીં, કારણ કે ખૂબ ટુકડાઓ ભેગા થઈને જેમ ચિત્ર બને તે રીતે આ પોસ્ટ પૂરી કરી છે, પણ મારા કહેવાનો અર્થ જરૂર સમજાઈ જશે તેમ હું માનું છું. યમુના કિનારે રાધા અને કૃષ્ણનો પ્રેમ જગજાહેર છે. ઘણા કલાકારોએ તેને સંબંધિત ચિત્રો બનાવ્યા છે. ઘણા દિગ્દર્શકોએ તેને પોતાની કળામાં રૂપક તરીકે પણ ઉપયોગમાં લીધેલ છે. કદંબનાં વૃક્ષની નીચે રાતનાં સમયે રાધા અને કૃષ્ણ પ્રેમમાં મગ્ન રહેતા હતાં, તે પ્રકારની માન્યતા છે. ઈતિહાસમાં પણ રાધા અને કૃષ્ણનાં પ્રેમને સર્વોચ્ચ ગણવામાં આવે છે. શીતળ ચાંદનીમાં મધુર વાંસળી વગાડતાં કૃષ્ણ પાસે બેઠેલી રાધાનું ચિત્ર મને ખૂબ આનંદ આપે છે. એમ પણ કહેવામાં આવે છે કે રાધા અને કૃષ્ણ બંનેએ ગાંધર્વ વિવાહ કર્યા હતાં, (જે મુજબ વર અને કન્યા પોતાની પસંદગીથી પાત્રો નક્કી કરી ખુદ વિવાહ કરવાનો નિર્ણય કરે છે, આ વિવાહમાં કોઈ ધાર્મિક વિધિ કરવામાં આવતી નથી, પરંતુ તેઓ મનોમન એકબીજાની સાથે લગ્ન કરી લે છે.) પરંતુ રાધા અને કૃષ્ણનાં ગાંધર્વ વિવાહ વિશે કેટલીક માન્યતાઓ હોવા છતાં તેનો મોટેભાગે ઉલ્લેખ મળતો નથી. કૃષ્ણની પત્ની તરીકે રુક્મિણીને ગણવામાં આવે છે, પરંતુ રુક્મિણીનું નામ ક્યારેય કૃષ્ણની સાથે લેવામાં આવતું નથી. કૃષ્ણ અને રાધાનું જ નામ હમેંશા સાથે લેવામાં આવે છે. દુનિયાનો સૌથી નિ:સ્વાર્થ પ્રેમ કદાચ રાધા અને કૃષ્ણએ કર્યો હોવો જોઈએ, માટે જ તેઓ પૂજનીય છે. 

આ પોસ્ટ હું ઘણા સમયથી લખી રહ્યો છું, જો માર્ચ ૨૦૧૭થી ગણતરી કરવામાં આવે તો આશરે પાંચ મહિના. વચ્ચે બીજુ પણ લખ્યું છે, પરંતુ મોટેભાગે આ પોસ્ટ વિશે વિચાર કર્યો છે. હજુ પણ ઘણી વાતો મને યાદ છે જે મેં લખી નથી, કેટલીક સમજનાં અભાવે, કેટલીક સમયનાં અભાવે, કારણ કે ગમે તેમ કરીને આ પોસ્ટ મારે જન્માષ્ટમી વખતે રજૂ કરવી હતી અને તે માટે મેં ખાસ મહેનત કરી છે. મોટેભાગે કાળજી રાખી છે કે ક્યાંય કોઈ ભૂલ ન રહી જાય, તે છતાં કોઈ ભૂલ હોય તો માફ કરશો, કારણ કે મેં ઘણો સમય આ પોસ્ટને આપ્યો છે. મોટેભાગે કોઈ પુસ્તક અને ફિલ્મ વિશે આ પોસ્ટમાં લખ્યું હશે તેમાં ફિલ્મ કે પુસ્તકનું મુખ્ય સ્પોઈલર્સ નહીં હોય, કારણ કે જેણે ફિલ્મ ન જોયું હોય કે પુસ્તક વાંચ્યું ન હોય તેને ન ગમી શકે, તે છતાં એ પ્રકારે લાગે તો અમુક ફકરાઓ વચ્ચે છોડીને આગળ વાંચી શકો છો. તો પ્રસ્તુત છે સાહિત્ય, સિનેમા અને સંગીતમાં સીધી કે આડકતરી રીતે કૃષ્ણનાં થયેલા ઉલ્લેખો વિશેનાં મારા વિચારો. ખૂબ મહેનતને અંતે લાંબા સમય પછી તૈયાર થયેલી આ પોસ્ટ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું... જય શ્રી કૃષ્ણ.


હરીન્દ્ર દવેની નવલકથા 'માધવ ક્યાંય નથી' ગુજરાતી સાહિત્યની અંદર પ્રખ્યાત છે. નવલકથાની અંદર કૃષ્ણનો સતત ઉલ્લેખ છે, તેમ છતાં પણ એનું શીર્ષક આ રીતે છે. કારણ કે આખી વાત નારદ મુનિનાં સંદર્ભથી કહેવાઈ છે. શ્રાવણ વદ અષ્ટમીને દિવસે જ્યારે કારાવાસની અંદર કૃષ્ણનો જન્મ થાય છે, એ પછી સતત નારદ કૃષ્ણને શોધે છે. પણ, કૃષ્ણ કોઈ એક જગ્યાએ છે જ નહીં, એ તો બધી જ જગ્યાએ છે તેમ છતાં ક્યાંય શાશ્વત સમય માટે નથી. નારદ જે પણ જગ્યાએ કૃષ્ણનાં ખબર મળે ત્યાં અધીરા બનીને પહોંચી જાય છે. પરંતુ તેઓ ત્યાં પહોંચે એ પહેલા કૃષ્ણ હમેંશા ત્યાંથી ચાલ્યા ગયેલ હોય છે. એ રીતે એમની મુલાકાત થતી જ નથી, એટલે શીર્ષક છે- માધવ ક્યાંય નથી. મેં જ્યારે આ નવલકથા વાંચેલી ત્યારે મને સાહિત્યની સમજ નહોતી તે છતાં કાવ્યાત્મક વર્ણન સાથેની આ નવલકથા મને ખૂબ ગમી હતી એ જ યાદ છે.

માધવ ક્યાંય નથી - હરીન્દ્ર દવે


માણસ થઈને જીવેલા ઈશ્વર પૂર્ણ પુરુષોત્તમ ગોવિંદને ખુદને પોતાના મૃત્યુ સમયે કેવાક વિચારો આવતા હશે, કૃષ્ણને કેવીક લાગણીઓ થતી હશે બધા માટે તેનું સુંદર આલેખન એટલે કાજલ ઓઝા વૈદ્યની નવલકથા 'કૃષ્ણાયન'. આ નવલકથામાં કૃષ્ણનાં જીવનની ત્રણ સ્ત્રીઓ રાધા, રુક્મિણી અને દ્રૌપદી (પ્રેયસી, પત્ની અને મિત્ર) તેમજ કૃષ્ણની તેમની સાથેની વાતચીત, તેમની સાથેનાં મુખ્ય પ્રસંગો, એ બધી વસ્તુઓનું ખૂબ જ સુંદર રીતે આલેખન કરવામાં આવ્યું છે. આ નવલકથા પણ મેં ચારેક વર્ષ પહેલા વાંચેલી છે એટલે મને ખાસ કોઈ મહત્વની વસ્તુ યાદ નથી. તે છતાં હું ફરીથી ક્યારેક વાંચીશ તો એની પર જરૂરથી અલગ પોસ્ટ લખીશ. ખૂબ જ સુંદર પુસ્તક.

કૃષ્ણાયન - કાજલ ઓઝા વૈદ્ય

ગુજરાતી સાહિત્યનાં આદરણીય લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી જિંદગીનાં અંતિમ વર્ષોમાં કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા, તેમણે કૃષ્ણ અને મહાભારત સંબંધિત એક શ્રેણી લખી છે - કૃષ્ણાવતાર. આ પુસ્તકો બીજી ભાષાઓમાં અનુવાદિત પણ થયેલા છે અને ખૂબ જ પ્રખ્યાત છે... આ શ્રેણીનાં પુસ્તકોમાંથી સાત પુસ્તકો પ્રસિધ્ધ થયેલ છે, આઠમાં પુસ્તકનાં સર્જન દરમિયાન લેખકનું અવસાન થયું અને તે અપૂર્ણ છે. મેં આ પુસ્તકો વાંચ્યા નથી, એટલે મને ખાસ માહિતી નથી. પરંતુ મેં ક. મા. મુનશીની 'પૃથિવીવલ્લભ' વાંચી છે, એ પરથી એટલું તો ચોક્કસ કહી શકીશ કે આ પુસ્તકોમાં પણ પ્રાચીન પાત્રોની છટા લાજવાબ હશે. પુસ્તકોની શ્રેણી અહીં લખી રહ્યો છું -
ખંડ ૧ - મોહક વાંસળી
ખંડ ૨ - સમ્રાટનો પ્રકોપ
ખંડ ૩ - પાંચ પાંડવો
ખંડ ૪ - ભીમનું કથાનક
ખંડ ૫ - સત્યભામાનું કથાનક
ખંડ ૬ - મહામુનિ વ્યાસનું કથાનક
ખંડ ૭ - યુધિષ્ઠિરનું કથાનક 
ખંડ ૮ - કુરુક્ષેત્રનું કથાનક (અપૂર્ણ) 


કૃષ્ણાવતાર - કનૈયાલાલ મુનશી


અંગ્રેજી ભાષાનાં જાણીતા લેખક ચેતન ભગતની દરેક નવલકથામાં મુખ્ય પાત્રનું નામ કૃષ્ણનાં નામ પરથી છે. હરિ (ફાઇવ પોઇન્ટ સમવન) ; શ્યામ (વન નાઇટ એટ ધ કોલ સેન્ટર) ; ગોવિંદ (ધ થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ) ; ક્રિશ (2 સ્ટેટ્સ) ; ગોપાલ (રિવોલ્યૂશન 2020) તેમજ માધવ (હાફ ગર્લફ્રેન્ડ) ... તેઓની નવલકથા 'વન ઈન્ડિયન ગર્લ' સ્ત્રી પાત્ર વિશે વાત કરે છે તેનું નામ પણ રાધિકા છે તેમજ આ જ નવલકથામાં પુરુષ પાત્ર બ્રિજેશ પણ છે, જે કૃષ્ણનું નામ છે. તે માટેનું કારણ આપતી વખતે ચેતન ભગતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ પણ કૃષ્ણ ભક્ત છે, ચેતન ભગત કૃષ્ણને એક પ્રેમી તરીકે જુએ છે અને તેમણે કહ્યું હતું કે તેમનાં પાત્રો પણ કૃષ્ણ જેવા નટખટ, તોફાની છે... 

પોતાની આધ્યાત્મિકતા માટે જાણીતા એક મહાન વ્યક્તિ રજનીશ 'ઓશો' જેમને ખુદ કેટલાક લોકો ભગવાન માને છે, તેમણે પણ કૃષ્ણ અને તેઓએ આપેલ તત્વજ્ઞાન વિશે લખેલ છે. મને આ પુસ્તક વિશે ખાસ જાણકારી નથી પરંતુ આ પુસ્તક ઘણી ભાષાઓમાં અનુવાદિત થયેલ છે. 


રજનીશ 'ઓશો'

અશ્વિન સંઘવીની અંગ્રેજી નવલકથા 'ધ ક્રિષ્ના કી' કૃષ્ણ વિશેની આધુનિક વાર્તા માંડે છે, આ પુસ્તકની અંદર એક હત્યાકેસની સાથે સાથે કાલ્પનિક રીતે કલ્કિ અવતારની વાત કરવામાં આવી છે, જે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર માનવામાં આવે છે અને કહેવાય છે કે પૃથ્વી પર તે અવતારનો અત્યાર સુધી જન્મ થયો નથી. 

પૌરાણિક કથાઓ નવી રીતે લખવા માટે જાણીતા અશોક બેંકરની પણ કૃષ્ણ વિશેની એક આઠ પુસ્તકોની શ્રેણી છે- ક્રિષ્ના કોરિઓલિસ સીરિઝ. આ શ્રેણીનાં આઠ પુસ્તકોમાં કૃષ્ણનું જીવન સમાવી લીધું છે. કદાચ હજુ પણ આગળ શ્રેણીમાં પુસ્તકો પ્રકાશિત થાય તો મને ખ્યાલ નથી, કારણ કે મેં આ પુસ્તકો વાંચ્યા નથી અને મને ખબર નથી કે આ આઠ પુસ્તકોમાં વાર્તા પૂર્ણ થઈ છે કે નહીં. 

ડેમી નામનાં એક લેખિકા કે જેઓ ભારતીય નથી, તેઓ પણ આધ્યાત્મિક પુસ્તકો લખવા માટે જાણીતા છે. તેમણે પણ કૃષ્ણ વિશે એક પુસ્તક લખ્યું છે- ધ ફેન્ટેસ્ટિક એડવેન્ચર્સ ઓફ ક્રિષ્ના. 

રમેશ મેનનનું પુસ્તક 'બ્લૂ ગોડ- અ લાઇફ ઓફ ક્રિષ્ના' એક રીતે શ્રીમદ ભગવદગીતાની જ વાત માંડે છે. આ પુસ્તકો સિવાય પણ કૃષ્ણ વિશે કેટલીય વાતો લખવામાં આવી હશે, મારી અમુક આછી જાણકારી તેમજ ગૂગલની મદદથી કેટલાક પુસ્તકોનો મેં અહીં ઉલ્લેખ કર્યો.
કે. આસિફ દ્વારા દિગ્દર્શિત હિન્દી સિનેમાની પ્રખ્યાત ફિલ્મ 'મુઘલ-એ-આઝમ' તેની છબીકલા અને સંવાદોને કારણે અતિ ભવ્ય લાગે છે. ફિલ્મમાં એક દ્રશ્ય કૃષ્ણ જન્મોત્સવનું પણ છે. અકબર (પૃથ્વીરાજ કપૂર) અને જોધા (દુર્ગા ખોટે) પોતાનાં રાજમહેલમાં શ્રાવણ વદ આઠમને દિવસે કૃષ્ણ જન્મની ઉજવણી કરે છે. જોધા પોતે કૃષ્ણની એક ભક્ત હતી તે કારણોસર કદાચ અકબરને પણ કૃષ્ણ પ્રત્યે ભક્તિ જાગી હોવી જોઈએ. ફિલ્મનું એક ગીત 'મોહે પનઘટ પે' રાધાનાં વિચારો રજૂ કરે છે. અનારકલી (મધુબાલા) રાધાનો વેશ ધારણ કરે છે અને રાજકુમાર સલીમ (દિલીપ કુમાર) કૃષ્ણ હોય તે રીતે પોતાના વિચારો રાધા અને કૃષ્ણનાં માધ્યમથી દરબાર સમક્ષ મૂકે છે, તેમજ નૃત્ય પણ કરે છે. રાધા કહે છે કે જ્યારે તે પાણી ભરવા જાય છે ત્યારે કૃષ્ણ તેને છેડે છે, કાંકરીઓથી માટલું ફોડી નાખે છે, તેનાં વસ્ત્રો ભીના કરે છે. કૃષ્ણની શરારતો કોઈનાથી અજાણી નથી. રાધા એમ પણ કહે છે કે કૃષ્ણનાં નયનોએ એવો તે જાદુ કર્યો છે કે તેનો ઘુંઘટ પણ એ નજરોથી બચી શક્યો નથી. મધુબાલાની પ્રતીકાત્મક અદાઓને કારણે ગીત ખૂબ જ સુંદર વાતાવરણ પેદા કરે છે. 

પ્રખ્યાત દિગ્દર્શક સંજય લીલા ભણસાલીને 'મુઘલ-એ-આઝમ' ખૂબ જ ગમે છે, માટે જ કદાચ તેઓએ પોતાની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' દ્વારા ઘણી બધી રીતે 'મુઘલ-એ-આઝમ' ફિલ્મને બિરદાવી છે. 'બાજીરાવ મસ્તાની' ફિલ્મમાં મસ્તાની (દીપિકા પાદુકોણ) બાજીરાવ (રણવીર સિંઘ) સામે પોતાનાં મનની વાત કહેવા માટે પણ કૃષ્ણ અને રાધાનાં પ્રતીકોનો સહારો લે છે. હોળીનાં તહેવાર પર મસ્તાની પોતાની જાતને રાધા સાથે સરખાવે છે, આડકતરી રીતે તે બાજીરાવને કૃષ્ણ સાથે સરખાવીને કહે છે, આ હોળી પર તેને છેડશો નહીં પણ માત્ર લાલ રંગ લગાવી દો. લાલ રંગ પ્રેમનું સૂચન કરે છે. મસ્તાની બાજીરાવનાં પ્રેમમાં રંગાવા ઇચ્છે છે. અહીં પણ દરબાર સમક્ષ મસ્તાની રાધા તરીકે નૃત્ય કરે છે...

બંને ગીતોમાં પ્રેમિકાઓ અનારકલી તેમજ મસ્તાની પોતાની જાતને રાધા તરીકે સરખાવીને જ પોતાનાં મનની વાત રજૂ કરે છે. આડકતરી રીતે બંને ગીતોમાં સલીમ તેમજ બાજીરાવને કૃષ્ણ તરીકે સરખાવેલ છે. અનારકલી ધર્મે મુસ્લિમ છે, તે જ રીતે મસ્તાની પણ રાજપૂત પિતા અને મુસ્લિમ માતાનું સંતાન છે, પણ તે લોકોને પોતાનાં પ્રેમની કબૂલાત કરવા માટે કોઈ જ ધર્મ નડતો નથી.  

કૃષ્ણ જન્મોત્સવ
મોહે પનઘટ પે - મુઘલ-એ-આઝમ
મોહે રંગ દો લાલ - બાજીરાવ મસ્તાની


દીપા મહેતાની ફિલ્મ 'વોટર' કૃષ્ણનો સતત ઉલ્લેખ કરે છે.  ફિલ્મનાં મુખ્ય પાત્રોનાં નામ નારાયણ (જોન અબ્રાહમ) અને કલ્યાણી (લિસા રે) છે, જે અનુક્રમે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનાં નામો છે. ચૂઇયા (સરલા) જ્યારે પ્રથમ વખત નારાયણને મળે છે ત્યારે એ નારાયણનુંં નામ પૂછે છે, એ પછી ચૂઇયા નારદ મુનિની જેમ 'નારાયણ નારાયણ' બોલે છે! એ જ રીતે કલ્યાણી અને ચૂઇયાની પ્રથમ મુલાકાત પણ રસપ્રદ છે. કૃષ્ણભક્ત કલ્યાણી ચૂઇયાની ઓળખાણ કૃષ્ણની મૂર્તિ સાથે કરાવે છે. ચૂઇયા પૂછે છે કે શું એમને સંભળાય છે? કલ્યાણીને પોતાના ભગવાન પર ભરોસો છે માટે એ કહે છે કે હા એ બધી વાતો સાંભળી શકે છે. કલ્યાણી ચૂઇયાને પણ દિવસમાં ૧૦૮ વખત 'જય શ્રી કૃષ્ણ' મંત્રનો જાપ કરવાની સલાહ આપે છે.

ફિલ્મનાં ઘણા દ્રશ્યોમાં નારાયણનાં હાથમાં વાંસળી છે. નારાયણ અને કલ્યાણી પણ રાધા અને કૃષ્ણની જેમ રાતના સમયે કદંબનાં વૃક્ષ નીચે મળે છે. નારાયણ કલ્યાણીને કદંબનાં વૃક્ષનું મહત્વ પણ સમજાવે છે. નારાયણ ઘણી બધી વખત વાંસળીનાં સુમધુર સ્વરો છેડે છે. કલ્યાણી એક વિધવા છે. ફિલ્મની વાર્તા પ્રમાણે આઝાદી પહેલા ભારત દેશમાં વિધવાઓની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નારાયણ કલ્યાણી સાથે લગ્ન કરવા તૈયાર છે. નારાયણ કહે છે કલ્યાણી જ્યારે વિધવાનાં શ્વેત વસ્ત્રો ત્યાગીને રંગીન વસ્ત્રો ધારણ કરશે ત્યારે એ મોરપીંછ જેવી સુંદર લાગશે. કૃષ્ણને પ્રિય એવું મોરનું પીંછુ પણ કૃષ્ણનો જ ઉલ્લેખ કરે છે. મંદિરમાં કૃષ્ણની ભક્તિ કરતી સ્ત્રીઓની ઝલક પણ કૃષ્ણનાં ભક્ત ચૈતન્ય મહાપ્રભુ જેવી જ સ્થિતિ દર્શાવે છે. 

હોળી વખતે વિધવાશ્રમમાં ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. એવો દિવસ જ્યારે આ વિધવાઓની જિંદગીમાં પણ રંગ ખુશીઓ લાવે છે. હોળીને દિવસે ચૂઇયાને બાળકૃષ્ણ તરીકે તૈયાર કરવામાં આવે છે. માથે મોરપીંછ, હાથમાં વાંસળી, પગમાં ફૂલોની બનેલી ઝાંઝરી પહેરેલી ચૂઇયા આબેહૂબ કૃષ્ણ જેવી લાગે છે. ખૂબ સુંદર ગીત 'શ્યામ રંગ ભર દો' રંગો વિશેની લાગણીઓની સાથે કૃષ્ણનો ઉલ્લેખ કરે છે. ફિલ્મમાં આ સિવાય પણ ઘણી નાની વાતોમાં કૃષ્ણનો ઉલ્લેખ છે, જેમ કે વિધવાશ્રમની દીવાલો પર પણ 'હરે કૃષ્ણ' મંત્ર એટલે કે મહા મંત્ર લખેલો છે; ફિલ્મમાં મહાત્મા ગાંધીનો પણ ઉલ્લેખ છે, જેઓનું નામ મોહન પણ કૃષ્ણનું જ નામ છે. ઑસ્કાર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ તરીકે દીપા મહેતાની આ ફિલ્મ 'વોટર' નામાંકિત પણ થઈ હતી. ફિલ્મની અંદર કૃષ્ણ વિશેની અત્યંત સૂક્ષ્મ પરંતુ સુંદર વસ્તુઓ ફિલ્મને વધારે લાજવાબ બનાવે છે. ફિલ્મનાં અન્ય ગીતો 'પિયા હો' ; 'નૈના નીર' તેમજ 'બંગરી મરોરી' પણ આડકતરી રીતે કૃષ્ણનો ઉલ્લેખ કરે છે, આ ગીતો અને 'વોટર' ફિલ્મ વિશે ફરી ક્યારેક અલગથી પોસ્ટ લખીશ.


કલ્યાણી અને ચૂઇયા,
મંદિરમાં કૃષ્ણની ભક્તિ કરતી સ્ત્રીઓ
તેમજ વાંસળી વગાડતો નારાયણ

નારાયણ - કૃષ્ણ તરીકે,
કદંબનું વૃક્ષ,
વાંસળી અને મોરપીંછ

હોળી વખતે
બાળકૃષ્ણ તરીકે ચૂઇયા
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ' આડકતરી રીતે કૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ કરે છે. ફિલ્મનું એક ગીત 'બૈરી પિયા' અત્યંત સુંદર છે, આ ગીતને અંતે દેવ (શાહરુખ ખાન) અને પારો (ઐશ્વર્યા રાય) હીંચકે ઝૂલે છે. બંનેની જોડી આબેહૂબ રાધા અને કૃષ્ણની જોડી હોય તેમ પ્રતીત થાય છે. રાતનો સમય, વૃક્ષની પાસે પાંદડાઓથી સજાવેલો હીંચકો કૃષ્ણ અને રાધાનો જ ઉલ્લેખ કરી શકે. 

'દેવદાસ' ફિલ્મનું અન્ય એક ગીત 'મોરે પિયા' કૃષ્ણ અને રાધાનો રાસ દર્શાવે છે. પારોની મા સુમિત્રા (કિરણ ખેર) નૃત્ય કરીને પોતાની ખુશી દર્શાવતી વખતે જે શબ્દોનું વર્ણન કરે છે, તે જ આપણને પારો અને દેવ બંનેના માધ્યમથી દર્શાવવામાં આવેલ છે, તે સમયે પારો અને દેવ અનુક્રમે રાધા અને કૃષ્ણ માટે રૂપક બને છે. રાતનાં સમયે યમુના નદીને કિનારે વરસતી ચાંદનીમાં જ્યારે રાધા મન મૂકીને નાચતી હતી, ત્યારે તેને ખ્યાલ પણ ન રહ્યો કે ક્યારે કૃષ્ણ તેની સાથે નૃત્યમાં જોડાઈ ગયા, એ પ્રકારનું વર્ણન દર્શાવતા શબ્દોની સાથે પારો પનઘટ પર પાણી ભરી રહી છે અને પગમાં કાંટો વાગે છે, એ વખતે દેવ પારોને મદદ કરે છે. યમુનાને કિનારે કદંબનું વૃક્ષ કૃષ્ણ અને રાધાનું મિલનસ્થાન માનવામાં આવે છે, એ જ પ્રકારનો ભવ્ય સેટ તૈયાર કરાવડાવીને સંજય લીલા ભણસાલીએ ખૂબ જ સુંદર રીતે પડદા પર દ્રશ્યો ઝીલ્યા છે, જાણે કોઈ ચિત્રકારનું સુંદર ચિત્ર હોય! કૃષ્ણ અને રાધાનો પ્રેમ શૃંગાર રસ પણ માનવામાં આવે છે. યમુનાને કિનારે સમયનું ભાન ભૂલીને એકબીજાની અંદર ઓતપ્રોત થઈ જતાં કૃષ્ણ અને રાધાની માફક દેવ અને પારો પણ શૃંગાર રસમાં વ્યતિત છે. 

ફિલ્મનું અન્ય એક ગીત 'કાહે છેડ મોહે' રાધાની યશોદાને ફરિયાદ દર્શાવે છે કે કૃષ્ણ એમની છેડતી કરે છે તેમજ ચીડવે છે, યશોદા રાધાને જવાબ આપે છે કે કૃષ્ણ એમની વાત માનતા જ નથી. યમુના કિનારે ગોપીઓની રોજિંદી ક્રિયાઓમાં ભંગ પડાવવા માટે કૃષ્ણ ખૂબ જાણીતા હતા. જેમ કે ગોપીઓ નહાતી હોય ત્યારે તેમનાં વસ્ત્રો ચોરી લેવા, ગોપીઓ પાણી ભરવા આવે ત્યારે મટકી ફોડવી, માખણની ચોરી કરવી, વગેરે. 'કાહે છેડ મોહે' ગીતની અંદર ચંદ્રમુખી (માધુરી દીક્ષિત) રાધાનો ભાગ ભજવે છે. ગીતનાં શબ્દોની અંદર કહ્યુ છે કે રાધાને રોકીને કૃષ્ણે અચાનક એમનું મુખ ચૂમી લીધું અને રાધાની ચુનરી સરકી ગઈ. આગળ શબ્દો છે કે નંદ અને યશોદાનો પુત્ર કેમ આ પ્રકારનો જિદ્દી છે? રાધા તરીકે ચંદ્રમુખી આગળ કહે છે કે જ્યારે હવે એ માખણનો ઘડો લઈને જાય છે ત્યારે આસપાસમાં થોડો પણ અવાજ થાય તો તેનું હૃદય જોરથી ધબકવા લાગે છે... ફિલ્મની અંદર સતત કૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ પ્રેમની નવી વ્યાખ્યા કરે છે. મારા મિત્ર પંકજ દ્વારા આ જ ફિલ્મનાં અન્ય એક ગીત 'ડોલા રે ડોલા' પર ખૂબ જ સુંદર પોસ્ટ લખવામાં આવી છે, બ્લૉગ પોસ્ટની અંદર તેણે પારો અને ચંદ્રમુખીને અનુક્રમે રાધા અને મીરા સાથે સરખાવી છે. (લીંક) 

રાધા કૃષ્ણની જેમ દેવ પારો અને હીંચકો

ગીત - મોરે પિયા (ફિલ્મ- દેવદાસ)

યમુના કિનારે રાધા અને કૃષ્ણનાં વિવિધ ચિત્રોકાહે છેડ મોહે - દેવદાસ
અને
રાધાને ચીડવતા કૃષ્ણ

સંજય લીલા ભણસાલીની અન્ય એક ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' પણ કૃષ્ણનો સતત ઉલ્લેખ દર્શાવે છે. મસ્તાની (દીપિકા પાદુકોણ) પોતાના માતા-પિતાને જણાવે છે કે બાજીરાવ (રણવીર સિંઘ) સાથે પોતાના લગ્ન થઈ ચૂક્યા છે. મસ્તાની વધુમાં ઉમેરે છે કે તેના લગ્ન પેશ્વાની કટાર સાથે થઈ ચૂક્યા છે. મસ્તાની બાજીરાવ સાથે જવા ઇચ્છે છે. પિતા એને રોકતા નથી. પિતા કહે છે ક્યારેક રાજનીતિને નામે જોધા પણ એ રીતે લગ્ન કરીને ગયેલી... જોધાનો ઉલ્લેખ પણ કૃષ્ણનો ઉલ્લેખ દર્શાવે છે, કારણ કે જોધા પણ કૃષ્ણભક્તિમાં લીન રહેતી હતી. અકબર સાથે લગ્ન કરતા પહેલા પણ જોધાએ કૃષ્ણની મૂર્તિ પોતાની સાથે જ રહેશે એ શરત મૂકી હતી. મસ્તાની રાજપૂત પિતા અને મુસ્લિમ માતાનું સંતાન છે એ કારણે કદાચ માતાને ડર છે કે એની સાથે ભેદભાવભર્યુ વર્તન થશે. પિતા જણાવે છે કે મસ્તાનીની નસોમાં રાજપૂત લોહી પણ છે, એ અલ્લાહની ઇબાદત પણ કરે છે અને કૃષ્ણની પૂજા પણ. તે છતાં માતા કહે છે કે પત્ની તરીકે મસ્તાનીનો સ્વીકાર નહીં થાય. ત્યારે મસ્તાની કહે છે કે પત્ની તો રાધા પણ નહોતી, તે છતાં કૃષ્ણની સાથે નામ તો એમનું જ લેવાય છે. એ પણ એક સત્ય વાત છે કે રાધા અને કૃષ્ણનો પ્રેમ ક્યારેય પરિપૂર્ણ ન થયો, રાધા અને કૃષ્ણએ ક્યારેય લગ્ન પણ નહોતા કર્યા, તે છતાં કૃષ્ણની મુખ્ય પત્ની રુક્મિણીને લોકો યાદ કરતા નથી, પણ રાધાને જ યાદ કરે છે! ફિલ્મનાં એક બીજા દ્રશ્યમાં બાજીરાવની પહેલી પત્ની કાશીબાઈ (પ્રિયંકા ચોપરા) પણ આ જ વાત કહે છે કે લોકો તો પ્રેમિકાને જ યાદ રાખે છે. કાશીબાઈને પણ ભૂલાઈ જવાનો ડર છે, બાજીરાવની જિંદગીમાંથી અને ઈતિહાસમાંથી પણ. એ રીતે બાજીરાવ, મસ્તાની તેમજ કાશીબાઈ અનુક્રમે કૃષ્ણ, રાધા અને રુક્મિણી છે! ફિલ્મનાં આ ત્રણ મુખ્ય પાત્રોને કૃષ્ણ, રાધા અને રુક્મિણી સાથે સરખાવતી મારા મિત્ર પંકજની બ્લૉગ પોસ્ટ આ પોસ્ટને અંતે મૂકી છે. ફિલ્મનાં એક શરૂઆતનાં દ્રશ્યમાં બાજીરાવને પોતાની યોગ્યતા સાબિત કરવા માટે એક મોરપંખનાં બે ટુકડા કરવાનું સૂચવવામાં આવે છે. મોરપંખ પણ કૃષ્ણનો ઉલ્લેખ દર્શાવે છે. હોળી વખતે મસ્તાની 'મોહે રંગ દો લાલ' ગીત ગાઈને નૃત્ય કરે છે, એ વખતે પણ પોતે રાધા અને બાજીરાવ કૃષ્ણ હોય તેવો ગીતનાં શબ્દોમાં સતત ઉલ્લેખ છે. 'મોહે રંગ દો લાલ' ગીત પણ સંજય લીલા ભણસાલીની મનપસંદ ફિલ્મ 'મુઘલ-એ-આઝમ'નાં ગીત 'મોહે પનઘટ પે' સાથે ખૂબ જ સરખામણી ધરાવે છે, એ રીતે એમણે પોતાની મનપસંદ ફિલ્મને બિરદાવી છે. બાજીરાવ અને મસ્તાનીનાં પુત્રનું નામ પણ કૃષ્ણ રાખવામાં આવે છે! અજોડ!વિક્રમાદિત્ય મોટવાણેની 'લૂટેરા' ઘણી વખત કૃષ્ણનો ઉલ્લેખ દર્શાવે છે, જે થોડેક અંશે ફિલ્મની વાર્તા સાથે પણ સંકળાયેલ છે. જમીનદાર પાસે રહેલી રાધા અને કૃષ્ણની મૂર્તિ વાર્તા સાથે જોડાયેલ છે. પાખી (સોનાક્ષી સિંહા) જ્યારે વરુણ (રણવીર સિંઘ) પર કટાક્ષ કરે છે ત્યારે કહે છે કે વરુણ ભગવાન વિષ્ણુનો અવતાર છે, જેના દસ નામ છે. (કૃષ્ણને વિષ્ણુનો જ એક અવતાર માનવામાં આવે છે.) પાખી આ વાત શ્યામા (દિવ્યા દત્તા) સાથે કરે છે, શ્યામા નામ પણ શ્યામનું સ્ત્રીલિંગ છે! (શ્યામ પણ કૃષ્ણનું નામ છે.) વરુણ પાખીને ઘેર પહેલી વખત ભોજન માટે આવે છે ત્યારે એ લોકો બાબા નાગાર્જુનની કવિતા ગાય છે, નાગાર્જુન પણ કૃષ્ણનું નામ છે. વરુણ પોતાનું અસલી નામ જણાવે છે, આત્માનંદ ત્રિપાઠી. આત્માનંદ પણ વિષ્ણુનું નામ છે! કેટલી જગ્યાઓએ કૃષ્ણનો ઉલ્લેખ!
આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'જોધા અકબર' શહેનશાહ અકબર તેમજ રાણી જોધાની વાર્તા માંડે છે. ઈતિહાસમાં જોધાને કૃષ્ણ ભક્તિમાં રંગાયેલી માનવામાં આવે છે, એટલે સુધી કે જોધાએ અકબર સાથે લગ્ન કરતાં પહેલા બે શરત મૂકી હતી તેમ પણ કહેવામાં આવે છે. પ્રથમ શરત મુજબ જોધાએ કહ્યું હતું કે તે પોતાનો હિન્દુ ધર્મ ત્યાગ નહીં કરે તેમજ બીજી શરતમાં કહ્યું હતું કે લગ્ન પછી કૃષ્ણની મૂર્તિ પણ તેની સાથે જ આવશે, કહેવાય છે કે અકબરે ફક્ત જોધા માટે પોતાનાં રાજમહેલમાં કૃષ્ણનું એક ભવ્ય મંદિર બનાવડાવ્યું હતું. આ ફિલ્મમાં પણ ઉપરની બધી જ વાતો દર્શાવવામાં આવી છે. ફિલ્મનું એક ગીત 'મન મોહના' જોધાની કૃષ્ણભક્તિ રજૂ કરે છે. જોધા (ઐશ્વર્યા રાય) કૃષ્ણ ભક્તિ કરતી વખતે કહે છે કે કાશી અને મથુરા છોડીને કૃષ્ણ તેનાં નયનોમાં વસવાટ કરે, કારણ કે કૃષ્ણ વિનાં તેને એક પળ આરામ નથી. જોધા પણ પોતાની જાતને રાધા સાથે સરખાવીને તે કૃષ્ણનાં દર્શનની પ્યાસી છે તેમ કહે છે, જોધાનો અવાજ સાંભળીને અકબર (રિતિક રોશન) દરબાર છોડી જોધાનાં અવાજની દિશા તરફ ડગ માંડે છે. અકબર જોધાને કૃષ્ણભક્તિમાં લીન જુએ છે. કૃષ્ણનાં મંદિરની બહાર જોધાની મોજડી જોઈને અકબર પોતે પણ તેમનાં પગરખાં ઉતારે છે તે દ્રશ્ય ખૂબ સુંદર છે. કૃષ્ણની મૂર્તિ જોઈને અકબરને પણ થોડોક સમય આરામ મહેસૂસ થાય છે. જોધા ઈશારાથી અકબરને આરતીની જ્યોત માથે લેવા સૂચન કરે છે તેમજ સિંદૂર માથે લગાડવા માટે સૂચન કરે છે.   સતીશ કૌશિકની ફિલ્મ 'તેરે નામ' પ્રેમની પીડા રજૂ કરે છે. ફિલ્મમાં સલમાન ખાન દ્વારા ભજવાયેલ મુખ્ય પાત્રનું નામ રાધે મોહન છે. એ કહેવાની જરૂર જ નથી કે તે કૃષ્ણનું નામ છે. ફિલ્મની અંદર સતત કૃષ્ણનો ઉલ્લેખ છે. ભૂમિકા ચાવલાનું પાત્ર નિર્જરા કૃષ્ણભક્તિમાં લીન રહે છે. એક રીતે તે મીરાનું રૂપક પણ કહી શકાય. નિર્જરાનાં પિતા મંદિરનાં પૂજારી છે, નિર્જરા મંદિરમાં વહેલી સવારે આરતી ગાતી વખતે સવારનું સુંદર વર્ણન કરી પોતાની જાતને રાધા સાથે સરખાવી પ્રભુનાં ચરણોમાં ફૂલ ધરે છે, આરતીમાં આગળ શબ્દો છે કે કૃષ્ણ નિર્જરાનાં મનની અંદર વસેલ છે. (ઇન ચરણો મેં ફૂલ ચઢાને આઇ તેરી રાધા મોહન, મન બસિયા, ઓ કાન્હા...) નિર્જરાને ફિલ્મમાં આડકતરી રીતે રાધા અને મીરા બંને સાથે સરખાવવામાં આવી છે. પૂજારી પિતાને મંદિરની અંદર દર્શાવવામાં આવે છે, એ વખતે પણ રાધા અને કૃષ્ણની મૂર્તિઓ દ્રશ્યમાન થાય છે. રાધે (સલમાન ખાન) અને નિર્જરા (ભૂમિકા ચાવલા) વચ્ચે વાતચીત થાય છે (જ્યારે રાધે નિર્જરાનું રેગિંગ કરે છે), ત્યારે નિર્જરાની નોટબુકમાં રહેલ મોરનું એક પીંછુ વાતની અંદર રૂપક બને છે. મોરપંખ- કૃષ્ણને પ્રિય એવી એક વસ્તુ પણ કૃષ્ણનો ઉલ્લેખ દર્શાવે છે. એ પીંછુ નિર્જરાની નોટબુકમાંથી નીચે પડી જાય છે, નિર્જરા ચાલી જાય છે એ પછી રાધે એ મોરપંખ જુએ છે અને પોતાની પાસે રાખી લે છે. રાધે પોતાનાં ઘેર એક વખત એ મોરપંખનો સ્પર્શ અનુભવીને નિર્જરાની સાથેની પ્રેમની સુંદર પળોનાં સ્વપ્નો સીંચે છે. નિર્જરા અને રાધેની મંદિરમાં મુલાકાત થાય છે એ વખતે નિર્જરા રાધેને કહે છે કે એનું નામ રાધે મોહન એ કૃષ્ણનું નામ છે. રાધે નિર્જરાને ભેટ આપવા માટે ઝાંઝરી/પાયલ લાવે છે, શું એ પણ મીરાનો ઉલ્લેખ નથી? કૃષ્ણની દીવાની મીરા, જેને માટે કૃષ્ણ સિવાય કોઈનું મહત્વ નહોતું. નિર્જરાનાં પ્રેમની અંદર તડપતો રાધે મંદિરની અંદર કૃષ્ણની મૂર્તિને વીનવે છે કે ભગવાન એને નિર્જરાને ભૂલવામાં મદદ કરે. કૃષ્ણનો સતત થતો ઉલ્લેખ આ ફિલ્મને વધુ સુંદર બનાવે છે. 

'તેરે નામ' ફિલ્મની અંદર કૃષ્ણ

મન બસિયા - તેરે નામસૂરજ બડજાત્યાની ફિલ્મ 'વિવાહ' ગોઠવાયેલા લગ્નોની પરંપરાને જાળવતી ખૂબ સુંદર ફિલ્મ છે. ફિલ્મમાં આલોક નાથનાં પાત્રનું નામ કૃષ્ણકાંત છે, જે નામની અંદર 'કૃષ્ણ' છે, જેનો અર્થ 'દેવને પ્રિય' એમ થાય છે. અમૃતા રાવનાં પાત્ર પૂનમ માટે જ્યારે સંબંધની વાત આવે છે ત્યારે એને ઘરનાં મંદિરમાં સવૈયા છંદમાં રચાયેલી આરતી ગાતી બતાવવામાં આવી છે. પૂનમ પોતાની જાતને પ્રેમ પૂજારણ સાથે સરખાવે છે અને ભક્તિમય બનીને કહે છે કે રાધે કૃષ્ણની અલૌકિક જ્યોતિ આ જગતનાં ત્રણેય લોકમાં છવાયેલી છે, તેમ છતાં તે એક નાનો દીપ જલાવી રહી છે. પોતાની જાતને ફરીથી જોગણ સાથે સરખાવીને તે ભગવાનને પોતાની પ્રાર્થના સ્વીકાર કરવાનું કહે છે... દિગ્દર્શક વ્હી. શાંતારામની અજોડ ફિલ્મ 'દો આંખે બારહ હાથ' એક જેલર છ કેદીઓને સુધારવાનું કામ હાથ ધરે છે તે વિશે છે. જેલર કેદીઓને ખુલ્લા વાતાવરણમાં રાખી તેમને મહેનત કરવાનું શીખવે છે. થોડો સમય કેદીઓ ખુશીથી કામ કરે છે, પણ એક વખત એ લોકો ભાગી જાય છે. રસ્તામાં તેઓ કૃષ્ણનું મંદિર જુએ છે અને ભગવાનની આંખો જોઈને તેમને જેલરની આંખો યાદ આવે છે અને તેઓ પાછા આવે છે. જેલરની આંખો કૃષ્ણનાં ઉલ્લેખ તરીકે છે, તે દ્વારા કહેવામાં આવ્યું છે જે પણ કર્મ કરશો તેને ભગવાન તો જોઈ જ રહ્યા છે. છ કેદીઓનાં બાર હાથ તેમજ જેલરની બે આંખો અનુક્રમે કર્મ અને ભગવાન માટે રૂપક છે, એક અદ્વિતીય વિચાર! ખૂબ જ સુંદર ફિલ્મ!

દો આંખે બારહ હાથ - વ્હી. શાંતારામ


ઉમેશ શુક્લની ચર્ચિત ફિલ્મ 'ઓએમજી - ઓહ માય ગોડ' લોકોની અંધશ્રધ્ધા પર સુંદર કટાક્ષ કરે છે. 'કાનજી વિરુધ્ધ કાનજી' નામનાં તેમનાં જ ગુજરાતી નાટક પરથી દિગ્દર્શકે સુંદર ફિલ્મ બનાવી છે, આ ફિલ્મમાં અક્ષય કુમારે આધુનિક કૃષ્ણ તરીકે ભાગ ભજવ્યો છે. ભગવાન તમારી અંદર જ છે તેવો સુંદર સંદેશ આપતી ફિલ્મ! આ ફિલ્મમાં કૃષ્ણનાં બધા જ ઉલ્લેખો એકદમ સરળ રીતે જ ફિલ્મમાં દર્શાવેલ છે એટલે હું એ ઊંડાણપૂર્વક લખતો નથી, ફિલ્મનાં બે સુંદર ગીતો અહીં મૂકી રહ્યો છું. 'મેરે નિશાન' ગીતમાં ભગવાન ખુદ પોતાની નિશાનીઓ શોધી રહ્યા છે. કારણ કે માનવતા મરી પરવારી છે. 'ગો ગો ગોવિંદા' મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી દર્શાવતું સુંદર ગીત છે.કૃષ્ણ તરીકે અક્ષય કુમાર

રાજ કપૂરની ફિલ્મ 'સત્યમ શિવમ સુન્દરમ' ત્રણ ગીતોમાં કૃષ્ણનો ઉલ્લેખ કરે છે. ગીત 'યશોમતી મૈયા સે' યશોદા અને કૃષ્ણ વચ્ચેની વાતચીત વિશે છે. કૃષ્ણ યશોદાને પૂછે છે કે રાધા ગોરી અને પોતે કાળો કેમ છે? યશોદા જવાબ આપે છે કે ગોરી રાધાના કાળા નયનોએ કૃષ્ણ પર જાદુ કર્યો છે માટે કૃષ્ણ કાળા છે... યશોદા કૃષ્ણને તેના જન્મની પણ માહિતી આપે છે કે કૃષ્ણનો જન્મ શુક્લપક્ષમાં થયો છે, એ એક કારણ પણ જવાબદાર છે. ગીત 'ભોર ભયે પનઘટ પે' રાધાની વ્યથા રજૂ કરે છે. દરરોજ સવારે રાધા જ્યારે પાણી ભરવા માટે જાય છે ત્યારે નટખટ શ્યામ તેને સતાવે છે. રાધા કહે છે કે કોઈ સહેલી ન હોય અને તે એકલી જાય તો લોકો સમજે છે કે પાણી ભરવાને બહાને રાધા શ્યામને મળવા જાય છે, પણ નિર્લજ્જ કૃષ્ણ આ જાણીને હસે છે. રાધા એમ પણ કહે છે કે જો પોતે રસ્તામાં કૃષ્ણને ન મળે તો કૃષ્ણ છેક ઘર સુધી આવી જાય છે. ક્યારેક જો રાધાને ઊંઘ આવી જાય તો પણ કૃષ્ણ કાંકરી મારીને તેને જગાડે છે. ફિલ્મનું શીર્ષક ગીત પણ ભગવાન શંકર, રામ અને કૃષ્ણ વિશે વાત કરે છે. 

સત્યમ શિવમ સુન્દરમ


ઈમ્તિયાઝ અલીની 'જબ હેરી મેટ સેજલ' ફિલ્મમાં ગીત છે- રાધા. અહીં સીધી રીતે કૃષ્ણનો ઉલ્લેખ નથી. પરંતુ સ્ત્રી પાત્ર પોતાની જાતને રાધાનું રૂપક આપે છે. રાધા અને કૃષ્ણ પ્રેમ માટેનાં પર્યાયી શબ્દો જ છે! ગીતની એક પંક્તિમાં ઉલ્લેખ પણ છે જ્યારે રાધા તરીકે સેજલ (અનુષ્કા શર્મા) કહે છે કે કૃષ્ણની વાંસળીમાં એવો તો કેવો જાદુ છે કે એ મંત્રમુગ્ધ થઈ જાય છે, તે વધારે પરેશાન ન કરવા માટે વીનવી પોતાની હાર સ્વીકારી લે છે. 


કરણ જોહરની 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ફિલ્મમાં પણ 'રાધા' નામનું ગીત છે. શનાયા (આલિયા ભટ્ટ) પોતાની જાતને રાધા તરીકે રજૂ કરે છે, પોતાનાં પ્રેમી રોહનને (વરુણ ધવન) કૃષ્ણ સાથે સરખાવે છે. ફિલ્મની વાર્તા મુજબ રોહન પણ શનાયા સાથે સંબંધમાં હોવા છતાં તેનો કૃષ્ણ જેવો નટખટ અને રમતિયાળ સ્વભાવ છોડતો નથી. શનાયા કહે છે કે રોહન બીજી છોકરીઓ સાથે વધારે સમય પસાર કરે છે, જેઓને ગોપીઓનું રૂપક આપવામાં આવ્યું છે. બીજા આ પ્રકારનાં કારણો આપી તે રાધા તરીકે કહે છે કે હવે તેને કૃષ્ણ પસંદ નથી. રાધા પોતાની રીતે નૃત્ય કરીને ખુશ રહેવા માંગે છે. પનઘટ પર જ્યારે કનૈયો રાધાને છેડે છે એનો આળ પણ રાધા પર આવે છે. રાધા કહે છે કે કૃષ્ણએ ભલે લાખો લોકોનાં દિલ ચોર્યા હોય પણ હવે તેની એ અદાઓથી તેને કંટાળો આવે છે... કૃષ્ણ રાધાનાં વસ્ત્રો, આભૂષણો અને તેની આંખોની પ્રશંસા કરે છે. રાધા કહે છે માથે મોરપંખ, માખણ ચોર અને વાંસળી વગાડતો ચિતચોર હવે તેને જોઈતો નથી. તે બીજો કોઈ નવો પ્રેમી શોધશે. અહીં પણ શનાયા અભિમન્યુ (સિધ્ધાર્થ મલ્હોત્રા) પર નજર માંડે છે. પરંતુ એ શનાયાને સમજાવે છે કે એ ભોળી છે, એને કૃષ્ણ (રોહન- વરુણ ધવન) જેવો બીજો પ્રેમી નહીં મળે. આમ શનાયા રાધા તેમજ રોહન અહીં કૃષ્ણ તરીકે રૂપક છે... 


રાધા - જબ હેરી મેટ સેજલ

રાધા - સ્ટુડન્ટ ઓફ ધ યરરામ મહેશ્વરીની ફિલ્મ 'કાજલ' શરૂ થાય છે ત્યારે એક સુંદર પ્રાર્થના આવે છે, 'તોરા મન દર્પણ કહેલાયે'... એ સાથે ફિલ્મની ક્રેડિટ્સ આવે છે. એક મોટી હવેલી સમાન ઘરની અંદર એક મંદિરમાં કૃષ્ણની મૂર્તિ સામે મીના કુમારીનું પાત્ર વીણા વગાડીને આ પ્રકારની પ્રાર્થના ગાય છે. પ્રાર્થનાની અંદર મનને જ આપણું દર્પણ કહ્યું છે. અરીસો હમેંશા પોતાની જાતની અંદર ઝાંખવા માટે રૂપક હોય છે. આ પ્રાર્થનાની અંદર મનને જ ઇશ્વર અને દેવતા સાથે સરખાવ્યું છે. સુખને ફૂલની કળીઓ તેમજ દુ:ખને કાંટા સાથે સરખાવીને કહ્યું છે કે સુખ અને દુ:ખ બંનેનો આધાર મનુષ્યનાં મન સાથે સંબંધિત છે, આગળ શબ્દો છે- તનની દોલત એક ઢળતો છાંયડો છે, મનની દોલત સદા રહે છે. ઉંમર સાથે શરીર વૃધ્ધત્વ અનુભવે છે, પણ મન નહીં! મીના કુમારીનાં પાત્રનું નામ આ ફિલ્મમાં માધવી છે, જે પણ કૃષ્ણનાં એક નામ માધવનું સ્ત્રીલિંગ છે! વીણા વગાડતી મીના કુમારીનું દ્રશ્ય મીરા સમાન લાગે છે તેમજ ઘરની અંદર રહેલ ભીંતચિત્રો પણ કૃષ્ણનાં વિવિધ સ્વરૂપો દર્શાવે છે...

કૃષ્ણ અને મીરા (ફિલ્મ - કાજલ)મીરા અને કૃષ્ણકૃષ્ણભક્તિમાં મગ્ન મીરા

વર્ષ ૧૯૪૫માં 'મીરા' નામની એક તમિળ ફિલ્મ રજૂ થયેલી, જે પછીથી હિન્દીમાં ડબ પણ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મહાન ગાયિકા એમ. એસ. શુભલક્ષ્મીએ અભિનય કર્યો હતો તેમજ ગીતોમાં તેઓનો અવાજ પણ છે. હિન્દી ભાષામાં ગાયેલ 'હરિ આવન કી આવાઝ' ખૂબ જ પ્રખ્યાત છે. કૃષ્ણભક્ત મીરાને પ્રભુનાં આવવાનો અવાજ સંભળાય છે તે વિશે આ ગીત વાત માંડે છે. કૃષ્ણનાં દર્શન માટે તરસતી મીરાની આ કૃષ્ણભક્તિ છે. કુન્દનિકા કાપડીઆની એક ટૂંકી ગુજરાતી વાર્તા પણ આ જ નામ પર છે- 'હરિ આવન કી આવાઝ'... જે વાર્તામાં તેઓએ આ ગીતનો ઉલ્લેખ કર્યો છે. 


વર્ષ ૧૯૭૯માં રજૂ થયેલી ગુલઝારની હિન્દી ભાષાની ફિલ્મ 'મીરા' પણ મીરાની કૃષ્ણભક્તિની વાત કરે છે. આ ફિલ્મમાં હેમા માલિનીએ અભિનય કર્યો છે. ફિલ્મમાં સુંદર ભજન છે- મેરે તો ગિરધર ગોપાલ. મીરા માટે કૃષ્ણ સિવાય કોઈ જ મહત્વનું નથી તે સત્ય ઉજાગર કરતાં સુંદર શબ્દો ગીતને લાજવાબ બનાવે છે...  

મીરા - ૧૯૪૫


M. S. Subbulakshmiમેરે તો ગિરધર ગોપાલ : ફિલ્મ - મીરા (1979)


હંસલ મહેતાની ફિલ્મ 'અલીગઢ' સમાજ પર કટાક્ષ કરતી એક સુંદર ફિલ્મ છે. આ ફિલ્મ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મરાઠી શીખવતા પ્રોફેસર તેમજ મરાઠી સાહિત્યકાર રામચંદ્ર સિરાસ પર આધારિત છે. પ્રોફેસરનું પાત્ર એક મેળાવડામાં લોકોના ખૂબ આગ્રહ પછી કૃષ્ણ વિશેની એક કવિતા મરાઠી ભાષામાં બોલે છે, એ પછી તેનો ભાવાર્થ સમજાવે છે કે આજે સવારે કૃષ્ણએ મારા સ્વપ્નમાં આવીને મારુ સર્વસ્વ લૂંટી લીધું. કૃષ્ણને પોતાના સ્વપ્નમાં જોવા એ ઘણી વાતો સૂચવી શકે. જે વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય કૃષ્ણ વિશે વિચારવામાં કે કૃષ્ણની ભક્તિ કે તેને લગતી વાતોમાં પસાર કરે, તેને જ સ્વપ્નમાં કૃષ્ણ આવી શકે. કારણ કે સ્વપ્નો આપણા અર્ધજાગ્રત મન અને જાગ્રત મન વચ્ચેની કડી છે, જે આપણે વિચારીએ છીએ અથવા જે આપણી સાથે થઈ રહ્યુ હોય છે એમાંથી જ મોટેભાગે સ્વપ્નો આવતા હોઈ શકે છે. કૃષ્ણ સર્વસ્વ લૂંટી લે, તે વાત કૃષ્ણને પોતાની જાત સમર્પિત કર્યાનું પણ સૂચવે છે. આ એક જ પંક્તિનાં ઘણા અર્થ નીકળી શકે, જે વસ્તુ મને ખ્યાલ ન હોય તે વિશે લખવાની મારી ઇચ્છા નથી અને મારે એ લખવું પણ ન જોઈએ. 'અલીગઢ' ફિલ્મ વિશે મેં બે પોસ્ટ્સ લખેલી છે, જો ફિલ્મ જોઈ હોય તો જ વાંચજો,... એ પોસ્ટ્સની લીંક્સ અહીં મૂકી રહ્યો છું, વાંચવા માટે ક્લિક કરી શકો છો અહીં અને અહીં

ફિલ્મ - અલીગઢ
બાળ કૃષ્ણ

રાજ કપૂરની ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' સમાજની વરવી સ્થિતિ રજૂ કરે છે. ફિલ્મનું અત્યંત સુંદર ગીત 'એક રાધા એક મીરા' કૃષ્ણની એક સમયની પ્રેમિકા રાધા તેમજ કૃષ્ણભક્તિમાં તલ્લીન મીરા વચ્ચેની સામ્યતાઓ તેમજ વિરોધાભાસ રજૂ કરે છે. આ ગીતમાં કહેવાયું છે કે એક રાધા અને એક મીરા, બંનેએ કૃષ્ણને ચાહ્યા, બંનેમાં અંતર એ છે કે એક પ્રેમ દીવાની અને એક દર્શનની દીવાની. રાધાએ કૃષ્ણની સાથે સમય પસાર કર્યો છે, રાધાએ કૃષ્ણને એ સમયમાં પ્રેમ કર્યો છે, એટલે જ્યારે પણ કૃષ્ણ રાધાની પાસે નથી ત્યારે પોતે એ પળોને યાદ કરીને ખુશ રહી શકે છે, એ સમયની પ્રેમની પળોમાં મગ્ન રાધાને પ્રેમ દીવાની કહેવામાં આવી છે. જ્યારે મીરા તો ફક્ત કૃષ્ણનાં દર્શન માટે તડપતી હતી. મીરા પાસે કૃષ્ણની કોઈ યાદો નથી. પ્રત્યક્ષ એણે કૃષ્ણને જોયેલ નથી, તે છતાં પણ કૃષ્ણ એની પાસે જ છે.  

ગીતમાં આગળ કહ્યું છે કે રાધાએ કૃષ્ણને મધુવનમાં શોધ્યા અને મીરાએ પોતાના મનમાં કૃષ્ણને મેળવ્યા. કૃષ્ણએ મધુવન છોડ્યું એ પછી ઘણા સમય સુધી રાધાએ તેમની આસપાસમાં શોધ કરી. પરંતુ જે વ્યક્તિ જે જગ્યાએથી ચાલી જ ગઈ છે ત્યાંથી તો જડતી જ નથી, સિવાય કે યાદોમાં એ વ્યક્તિ જડી આવે છે. મીરાએ તો કૃષ્ણને પોતાના મનમાં પામી લીધા છે, એટલી હદ સુધી કે તેણે કૃષ્ણ સિવાય બીજી કોઈ વસ્તુમાં મન પરોવ્યું જ નથી. જે વસ્તુની શોધ આદરી છે એ તમારી પાસે જ તમારા હૃદયમાં હોય એમ પણ બને.  

ગીતમાં આગળ કહ્યું છે કે એક મોરલીની તેમજ એક પાયલની સંગાથે તેઓ બંનેએ પોતાની પ્રીતને આગળ વધારી, એક કૃષ્ણનાં રૂપ પર મોહિત હતી અને બીજી કૃષ્ણની મૂર્તિ પર. રાધા માટે કૃષ્ણ મન મોહન છે, મીરા માટે તેઓ પ્રભુ ગિરિધર છે. રાધા નિત્ય શૃંગાર કરે છે, જ્યારે મીરા તો જોગણ બની ગઈ છે. આ શબ્દોનો પણ ખૂબ જ સુંદર અર્થ થાય છે. કૃષ્ણની વાંસળી સાંભળીને રાધા ગમે ત્યાંથી દોડતી આવી જતી હતી તેમ માનવામાં આવે છે. જ્યારે મીરા માટે એ વસ્તુ પાયલ છે, તેના પગની પાયલ, જેની સાક્ષીએ તેણે કૃષ્ણ સમક્ષ પોતાની દિલની ઇચ્છાથી નૃત્ય કર્યુ છે. કૃષ્ણનો અર્થ જ શ્યામ એટલે કે કાળો રંગ થાય છે, પરંતુ કાળો રંગ એટલે સુંદર ન હોઈ શકે એ માન્યતાનો ભાંગીને ભુક્કો કરતું સૌથી મોટું ઉદાહરણ કૃષ્ણ છે. કારણ કે અમુક લોકો ફક્ત તેઓનાં રૂપને જોઈને મોહિત થઈ જતાં હતાં. ગીતમાં સૂરત શબ્દ વાપર્યો છે જેનો અર્થ છે ચહેરો. રાધાએ કૃષ્ણને જોયાં છે, એમની સાથે સમય પસાર કર્યો છે. જ્યારે મીરા પાસે મૂરત એટલે કે ફક્ત કૃષ્ણની એક મૂર્તિ હતી. રાધા અને મીરા બંને કૃષ્ણને અલગ અલગ નામથી ઓળખે છે. રાધા રોજ સુંદર રીતે સાજ શણગાર કરીને યમુના કિનારે કૃષ્ણને મળતી હતી તેવી માન્યતા છે, પરંતુ મીરા તો પોતે એક જોગણ બની ગઈ છે, તેને ભૌતિક વસ્તુઓ કે રૂપ કે સુંદરતાનો કોઈ જ મોહ નથી. 

આ બધી અમુક વર્ણવેલી વિરોધાભાસ વાતો છતાં સામ્યતા એ છે કે બંનેએ કૃષ્ણને અનહદ પ્રેમ કર્યો છે. રાધા અને મીરા બંનેને અલગ અલગ રીતે સ્વીકારવામાં આવેલ વાત એ સાબિતી આપે છે કે પ્રેમની કોઈ જ સીમા નથી. મંદાકિનીએ કરેલ નૃત્ય તેમજ લતા મંગેશકરનો અવાજ આ ગીતની સુંદરતામાં વધારો કરે છે.

એક રાધા એક મીરા
લતા મંગેશકર
રામ તેરી ગંગા મૈલી


મીરાની કૃષ્ણભક્તિ

કૃષ્ણ અને રાધા

વૃંદાવનમાં રાધા અને કૃષ્ણ

મીરારાધા અને કૃષ્ણનો રાસ હમેંશાથી રસપ્રદ રહ્યો છે. ગુજરાતી ફિલ્મ 'રોંગ સાઇડ રાજુ', જે વર્ષ ૨૦૧૬ માટેનો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી, તે ફિલ્મમાં એક સુંદર ગીત છે- ગોરી રાધા ને કાળો કાન. આ ગીતમાં રાજુ અને શૈલી બંનેને અનુક્રમે કૃષ્ણ અને રાધા સાથે સરખાવવામાં આવ્યા છે. ગીતની શરૂઆતની પંક્તિઓમાં રાજુને થનગનતો મોરલો કહ્યો છે, જે શૈલીનો પ્રેમ ઝંખે છે. શૈલીને પરદેશી ઢેલ કહી છે, કારણ કે ફિલ્મની વાર્તા પ્રમાણે તેનું પાત્ર ભારતીય નથી. તદુપરાંત બંનેનો ખરો મેળાપ થયો છે તે પ્રકારે ગીતની ત્રીજી પંક્તિ છે. આગળ ગીતનાં શબ્દો છે ગોરી રાધા અને કાળો કાન બંને ભાન ભૂલીને ગરમે ઘુમી રહ્યા છે, તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે કે રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે, તો પછી જગની રીતનું શું કામ છે? પ્રેમમગ્ન રાધા અને કૃષ્ણને જગતનાં નિયમો સાથે કોઈ જ નાતો નથી. બંનેને આ રીતે ગરબે રમતાં જોઈને આખું ગામ તેઓને જોઈ રહ્યુ છે, જે દુનિયાના નિયમો અને આસપાસનાં લોકો માટે રૂપક છે. ગીતની આગળની પંક્તિમાં ફરીથી બંને પાત્રો વિશે કહ્યુ છે પૂર્વનો કાનુડો અને પશ્ચિમની રાધા બંનેની જોડી હંસની જોડ જેવી લાગે છે, જે રાજુ અને શૈલીનાં પાત્રો માટે ખરેખર સત્ય છે. નવરાત્રિને નવરંગી રાતો કહી છે તેમજ તેઓનાં પ્રેમભર્યા સ્વપનોને કામણગારા કોડ કહેવામાં આવેલ છે. ચમકતી રાતો, થનગનતું યૌવન અને સંગીતની સાથે તાલ, આ બધી જ વાતો આ ગીતને રસપ્રદ બનાવે છે. ગીતની ટેગલાઇનમાં પણ શ્યામ અને રાધાનાં પ્રેમની ઉજવણી રાજુ અને શૈલીની સાથે કરાઈ રહી છે તેમ સૂચવવામાં આવ્યું છે. સચિન-જીગરનું સંગીત, કીર્તિદાન ગઢવીનો અવાજ તેમજ નિરેન ભટ્ટનાં શબ્દો દરેકને નૃત્ય કરવા માટે મજબૂર કરી દે તે પ્રકારનું વાતાવરણ પેદા કરે છે. 

કૃષ્ણ અને રાધા
ગીત - ગોરી રાધા ને કાળો કાન
ફિલ્મ - રોંગ સાઇડ રાજુ


બંગાળી દિગ્દર્શક સંજોય નાગની અંગ્રેજી ભાષાની ફિલ્મ 'મેમરિઝ ઇન માર્ચ' માનવીય સંવેદનાઓ પરની ખૂબ જ સુંદર ફિલ્મ છે. આ ફિલ્મમાં બંગાળી ભાષામાં એક ગીત છે - બહુ મનોરથા (બંગાળી ઉચ્ચાર ખોટો હોય તો માફી) ખૂબ જ સુંદર શબ્દો સાથેનું એ ગીત રાધાની કૃષ્ણ માટેની લાગણીઓ રજૂ કરે છે. આ ગીત મેં ઘણી બધી વખત સાંભળ્યું છે, મને બંગાળી સમજાતું નહોતું તેમ છતાં હું આ ગીત સાંભળતો જ રહેતો હતો. એ પછી ઇન્ટરનેટ પર અમુક જગ્યાઓએ આ ગીતનું ભાષાંતર જાણ્યું, તેમાંથી મારી રીતે હું લખી રહ્યો છું. ગીતમાં રાધા કહે છે કે ખૂબ મનોરથો (મનની ઇચ્છાઓ) સાથે એ વાદળી રંગનાં વસ્ત્રો પહેરીને, આંખમાં કાજળ લગાવીને, માથામાં ફૂલ લગાવીને મોહનને મળવા જઈ રહી છે, રાધા ઉમેરે છે કે આ પ્રકારની ખુશી એને ક્યાં મળશે? યમુના કિનારે કદંબનું વૃક્ષ રાધા અને કૃષ્ણનું મિલનસ્થાન માનવામાં આવે છે તે સૌ કોઈ જાણે છે, રાધા પણ શણગાર સજીને કૃષ્ણને મળતી હતી તે પણ આપણાથી અજાણ્યું નથી. રાધા કહે છે કે યમુના કિનારે એ ગાઢ જંગલ અને અંધકારમાં એને પોતાનાં પ્રિયતમની રાહ જોવામાં પ્રેમનાં દર્દનો અનુભવ થઈ રહ્યો છે, તે છતાં તે કહે છે કે એ મોહનને મળવાની છે, આ પ્રકારની ખુશી એને ક્યાં મળશે? એક જ પળની અંદર રાધા દર્દ અને ખુશી બંનેનો અનુભવ કરે છે તે લાગણીઓ ગીતનાં શબ્દોમાં સુંદર રીતે વ્યક્ત થઈ છે. રાધા આગળ કહે છે કે તેણે આખી રાત એકલા બેસીને કૃષ્ણની રાહ જોઈ, પણ તેઓ ન આવ્યા, રાધા પોતાનાં નસીબને કોસે છે. રાધા કહે છે કે આંખોનું કાજળ આંસુઓની સાથે વહી રહ્યું છે. રાધા કહે છે કે આ પળનું દુ:ખ અને લજ્જા તે સહન કરી શકે તેમ નથી. રાધા કહે છે કે તેમ છતાં તે ફરીથી કોઈક દિવસ કોઈ પણ આશા વિના આ જ રીતે સાજ શણગાર સજીને ફરીથી કૃષ્ણને મળવા જરૂર જશે, કારણ કે આ પ્રકારનું દુ:ખ એને ફરીથી ક્યાં મળશે? આ ગીત રાધાની રાહ જોવાની રીત પર કટાક્ષ પણ કરે છે, કે એ પ્રેમની અંદર દુ:ખ અનુભવી રહી છે તે છતાં તે ફરીથી કૃષ્ણને મળવા માટે જશે! દેબોજ્યોતિ મિશ્રાનું સંગીત અને શુભોમિતા બેનર્જીનો અવાજ અદ્વિતીય છે. આ ગીતનાં શબ્દો રિતુપર્ણો ઘોષ દ્વારા લખવામાં આવેલ છે, તેઓએ આ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે. રિતુપર્ણો ઘોષ બંગાળી સિનેમાનાં ખૂબ જ ખ્યાતનામ દિગ્દર્શક અને કલાકાર હતાં, જેમણે વર્ષ ૨૦૧૩માં આ દુનિયામાંથી વિદાય લીધી.
    
ફિલ્મ - મેમરિઝ ઇન માર્ચ
રિતુપર્ણો ઘોષનાં નામ પરથી મને તેઓની એકમાત્ર હિન્દી ફિલ્મ યાદ આવી ગઈ- રેનકોટ. અજય દેવગન અને ઐશ્વર્યા રાયનાં ઉત્તમ અભિનય સાથેની ખૂબ જ સંવેદનશીલ ફિલ્મ. આ ગીતનાં જેવા જ શબ્દો ધરાવતું એક ગીત છે - પિયા તોરા કૈસા અભિમાન. આ જ ફિલ્મનાં બીજા ગીતો 'મથુરા નગરપતિ' અને 'અકેલે હમ નદિયાં કિનારે' પણ કૃષ્ણનો સીધી તેમજ આડકતરી રીતે ઉલ્લેખ કરે છે. પરંતુ આ ત્રણેય ગીતોનો ખૂબ જ ઊંડો અર્થ છે. એટલો સમય મારી પાસે હાલ છે નહીં કારણ કે આ પોસ્ટ જન્માષ્ટમીને દિવસે મૂકી શકાય તે માટે હું ઘણા સમયથી લખી રહ્યો છું, તે છતાં કંઈક ને કંઈક નવું ઉમેરી જ રહ્યો છું, આ ફિલ્મનાં ગીતો તેમજ ફિલ્મ વિશે પણ ક્યારેક અલગથી પોસ્ટ લખીશ.  

રેનકોટ


યશ ચોપરાની 'લમ્હે' ફિલ્મમાં શ્રીદેવીનું પાત્ર પલ્લવી સવારે મંદિરમાં પ્રાર્થના કરતી વખતે પોતાની જાતને વ્રજની એક બાળા એટકે કે ગોપી સાથે સરખાવી કૃષ્ણ સાથે સીધી વાતચીત કરે છે. પલ્લવી કહે છે કે નંદનાં લાલ તમે મને છેડશો નહીં, કારણ કે હું વ્રજની એક બાળા છું, તમારી રાધા નથી. કૃષ્ણ રાધાની સાથે સાથે ગોપીઓની મશ્કરી કરવા માટે પણ જાણીતા છે. ગોપીઓનો હાથ પકડી લેવો, તેમનાં વસ્ત્રોની ચોરી કરી લેવી તેમજ માખણની ચોરી કરવી, આ બધી વાતો કૃષ્ણનો પર્યાય બની ચૂકેલી છે. પલ્લવી પણ એ જ વાતો કહે છે કે કૃષ્ણ તેને ભૂલથી રાધા સમજીને તેનો હાથ પકડી બેઠા છે. પલ્લવી એમ પણ ઉમેરે છે કે કૃષ્ણ પ્રેમ તો રાધાને કરે છે તો પછી હોળી વખતે પોતાના જેવી સામાન્ય ગોપીઓને પણ કેમ રંગ લગાવે છે! આ બધી વાતો કહીને ફરીથી તે એમ જ કહે છે, કૃષ્ણ તમે મને છેડશો નહીં, હું તમારી રાધા નહીં, પણ એક સામાન્ય ગોપી જ છું. સવારનું વાતાવરણ, મંદિરની અંદર કૃષ્ણની મૂર્તિ, મહેલનો ઝરૂખો, શ્રીદેવીનો અભિનય અને લતા મંગેશકરનો અવાજ આ ગીતમાં પ્રાણ પૂરે છે.    

મોહે છેડો ના - લમ્હે
સૂરજ બડજાત્યાની 'હમ સાથ સાથ હૈ' કુટુંબ પરંપરાને જાળવતી ખૂબ જ સુંદર ક્ષણો આપણી સમક્ષ મૂકે છે. ફિલ્મનું એક ગીત 'મૈયા યશોદા' રાધાની યશોદાને કૃષ્ણ વિશેની ફરિયાદો તેમજ રાધાની કૃષ્ણ માટેની લાગણીઓ રજૂ કરે છે. રાધા યશોદાને કહે છે કે યશોદા માતાનો કનૈયો પનઘટ પર તેનો હાથ પકડે છે, એને તંગ કરે છે, એની સાથે લડે છે. યમુના કિનારે ગોપીઓ તેમજ રાધાને ચીડવતા કૃષ્ણને આપણે સૌ કોઈ જાણીએ છીએ. એ જ વિશે રાધા ફરિયાદ કરે છે કે કૃષ્ણ એને છુપાઈને કાંકરીઓ મારે છે. રાધા એમ પણ ઉમેરે છે કે કનૈયાની નટખટ અદાઓ કોઈને ધ્યાને આવતી નથી, કારણ કે એનો ચહેરો ભોળો છે. એ જ રાધા હોળી વખતે કૃષ્ણ એને કેવી ભીંજવે છે એની પણ વાત કરે છે. 

રાધા આગળ કહે છે કે જ્યારે જ્યારે પણ મોહન મોરલી વગાડે છે ત્યારે તેની પાયલ રણકે છે, કારણ કે કૃષ્ણની મોરલી સાંભળીને બાવરી બનીને રાધા તેને મળવા દોડી જાય છે. જ્યારે કૃષ્ણ તેના નયનોથી રાધાને છેડે છે, ત્યારે રાધા પોતાનું દિલ રોકીને ઊભી રહી જાય છે. આ ગીતમાં પણ રાધાને પ્રેમ દીવાની કહી છે. કૃષ્ણને મળે છે ત્યારે રાધા પોતાની સુધબુધ ખોઈ બેસે છે, જે કામ કરવાનું હોય એ પણ રાધાને યાદ રહેતું નથી...

ગોકુળનો કાન્હો દરેક દિલમાં વસેલો છે. પણ, રાધા પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે કે એણે કૃષ્ણને પામ્યા છે. રાધા કહે છે કે એ વાત સાચી કે કૃષ્ણ બધાનો છે, પણ કહેવાશે તો યશોદાનો જ. કૃષ્ણને જન્મ આપનાર દેવકીને મોટેભાગે યાદ કરવામાં આવતી નથી, પરંતુ યશોદાને જરૂર યાદ કરવામાં આવે છે. રાધા કહે છે એનો પ્રિયતમ કાનુડો એને વ્હાલો છે, અને એ યશોદાનો દીધેલ છે. આમ આ રીતે ગીતમાં ફિલ્મનાં મુખ્ય ત્રણ સ્ત્રી પાત્રો પોતાના પ્રિયતમની માતાને યશોદાનાં રૂપે સંબોધી પોતાને રાધા તેમજ પ્રિયતમને કૃષ્ણ સાથે સરખાવે છે. 

મૈયા યશોદા - હમ સાથ સાથ હૈ
સુભાષ ઘાઈની ફિલ્મ 'કિસના' પણ કૃષ્ણનો ઉલ્લેખ કરે છે. ફિલ્મનું શીર્ષક ગીત 'વો કિસના હૈ' કૃષ્ણનું વર્ણન કરે છે. કૃષ્ણનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે જે જમુનાતટે વાંસળી વગાડે છે, થોડોક શ્યામ રંગનો છે તેમજ વ્રજની દરેક બાળા જેની દીવાની છે તે કૃષ્ણ છે. કૃષ્ણની આંખોને પણ મસ્તીભરી આંખો કહી છે. આ ગીતમાં પણ હમેંશની જેમ રાધાને 'પ્રેમ દીવાની' કહેવામાં આવી છે. એક વ્યક્તિ જેને માટે પ્રેમ જ સર્વસ્વ છે અને પ્રેમમાં જ ડૂબેલી રહે છે, તે ઉપરાંત જ્યારે પણ કૃષ્ણને મળે છે ત્યારે દુનિયાનાં બધા જ બંધનો ભૂલી જાય છે તે રાધા છે. રાધાના રૂપ તેમજ દેખાવની પણ પ્રશંસા કરવામાં આવી છે, તેમજ જેની આંખોમાં, શ્વાસમાં તેમજ મનમાં કૃષ્ણ જ કૃષ્ણ છે, તે જ વ્યક્તિ રાધા છે. અહીં આ વાક્યો ફિલ્મનાં પાત્રો માટે રૂપક પણ હોઈ શકે, મેં ફિલ્મ જોઈ નથી એટલે મને ખ્યાલ નથી. પરંતુ આ ગીતમાં સુંદર કૃષ્ણરાસ પણ દર્શાવવામાં આવ્યો છે. આ જ ફિલ્મમાં બીજુ એક ગીત 'અહં બ્રહ્માસ્મિ' પણ સુંદર ભાવ વ્યક્ત કરે છે. તે ગીત મુજબ કહેવામાં આવ્યું છે કે મનુષ્યનાં મનની અંદર જ શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને કૃષ્ણ વસે છે, તો પછી મંદિર જવાની જરૂર નથી. એક રીતે આ વાક્યો કેટલો ઊંડો અર્થ કરે છે કે ભગવાન આપણી અંદર રહેલી સારપમાં જ છે, માનવતામાં જ છે, એને બીજે ક્યાંય શોધવાની જરૂર નથી, કારણ કે ભગવાન આપણી અંદર જ વસે છે. ફિલ્મનાં મોટાભાગનાં ગીતોમાં મુખ્ય પાત્ર કિસના (વિવેક ઓબેરોય) વાંસળી સાથે દ્રશ્યમાન થાય છે. તેનું નામ પણ કૃષ્ણનું નામ છે, તો કદાચ વાર્તામાં કૃષ્ણનો ઉલ્લેખ હોઈ શકે. ફિલ્મનું પાત્ર લક્ષ્મી (ઈશા સરવાણી/શરવાણી) પણ મોટેભાગે ગીતોમાં કૃષ્ણની મૂર્તિ સામે જ દ્રશ્યમાન થાય છે. 

કિસના - સુભાષ ઘાઈ


કૃષ્ણનો ઉલ્લેખ તેમજ રાસ (ફિલ્મ - કિસના)


કૃષ્ણ માટે વાંસળીનું ખૂબ મહત્વ છે. વાંસળી અને મોરપીંછ વિના કૃષ્ણ અધૂરા છે. એક મિત્ર દ્વારા મને સુંદર ફોટો મોકલવામાં આવ્યો હતો, જે ફોટો અહીં નીચે મૂકી રહ્યો છું. આ મૂર્તિ એ મિત્રની છે અને વાંસળી તેણે ખુદ બનાવી છે. ખૂબ મોહક લાગતો આ ફોટો મને ખૂબ ગમે છે, એટલે મૂકી રહ્યો છું...અનિલ શર્માની સલમાન ખાન અભિનિત 'વીર' ફિલ્મમાં એક સુંદર ગીત છે- કાન્હા. ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રમાણે આ ગીત ઠુમરી પ્રકારમાં ગણવામાં આવે છે. આ ગીતમાં કૃષ્ણની વાંસળીને દુશ્મન કહેવામાં આવી છે, કારણ કે તેણે કૃષ્ણનાં હોઠનો સ્પર્શ કર્યો છે. કૃષ્ણભક્તિમાં લીન લોકો માટે દિવસનો સમય તો જેમ તેમ પસાર થઈ જાય છે પરંતુ સાંજ અને રાતનો સમય પસાર થતો નથી. આ ગીત કૃષ્ણનાં વિરહમાં તેની યાદોમાં ખોવાયેલ કોઈ વ્યક્તિ ગાય છે, તે વ્યક્તિ કોઈ પણ હોઈ શકે છે, આ ગીતમાં પણ તે વ્યક્તિ વિશે કોઈ ઉલ્લેખ નથી. મારા ખ્યાલથી આ ગીત ફિલ્મમાં આવતું નથી, ફક્ત સાઉન્ડટ્રેકમાં જ છે, એટલે કદાચ ફિલ્મ સાથે પણ કોઈ સંબંધ નથી. પરંતુ તે છતાં રેખા ભારદ્વાજનાં અવાજમાં ગવાયેલ આ વિરહ ગીત ખૂબ જ સુંદર વાતાવરણ પેદા કરે છે, તેમાં પણ ગુલઝારનાં શબ્દો ભળે એટલે તો!!  'કાન્હા' ગીતમાં કૃષ્ણનાં વિરહમાં કોણ તડપી રહ્યું છે તે સવાલ મને એટલા માટે પણ મૂંઝવતો નથી કારણ કે તેનો જવાબ મેં ખુદ મેળવ્યો છે. મારી મિત્ર શ્રુતિ ખૂબ સુંદર ચિત્રો બનાવે છે, એક વખત તેણે કૃષ્ણનું એક ચિત્ર મારી સાથે શેર કર્યુ હતું. (શ્રુતિનું એ ચિત્ર આ સાથે નીચે મૂકી રહ્યો છું.) મેં ચિત્રને બિરદાવીને શ્રુતિને પૂછ્યું હતું કે કૃષ્ણની પાછળ રહેલ ચહેરો કોનો છે? શ્રુતિએ સરસ જવાબ આપ્યો હતો કે શું ફરક પડે છે, જે પણ હોય એણે રાહ જ જોવાની છે. એ વાત એકદમ સાચી છે કે કૃષ્ણએ મથુરા છોડ્યું એ પછી રાધા અને યશોદાએ તેઓની રાહ જ જોઈ છે. એક રીતે મીરા પણ કૃષ્ણનાં દર્શનની જ રાહ જોતી હતી. એ આંખો અને ચહેરો કોઈ પણ હોઈ શકે છે જે કૃષ્ણ વિરહમાં તડપે છે, તે જ રીતે ઉપરનાં ગીતમાં પણ કોઈની પણ લાગણીઓ વ્યકત થયેલ હોઈ શકે. 

શ્રુતિ દ્વારા બનાવાયેલું ચિત્રઆશુતોષ ગોવારિકરની ફિલ્મ 'જોધા અકબર' અને કૃષ્ણનો ફિલ્મમાં ઉલ્લેખ તે વિશે મેં આગળ લખ્યું, તે જ રીતે તેમની અન્ય એક ફિલ્મ 'લગાન' પણ કૃષ્ણનો ઉલ્લેખ કરે છે. ફિલ્મનાં પાત્રો જ્યારે મૂંઝવણ અનુભવે છે ત્યારે 'ઓ પાલનહારે' નામનું એક ગીત આવે છે, જે દ્વારા પાત્રો પોતાની લાગણીઓ વ્યક્ત કરતી વખતે કહે છે કે ભગવાન સિવાય તેઓનું કોઈ જ નથી. આ ગીતમાં રાધા અને કૃષ્ણની મૂર્તિ દ્રશ્યમાન થાય છે.
ફિલ્મનું અન્ય એક ખૂબ જ સુંદર ગીત 'રાધા કૈસે ના જલે' રાધાની કૃષ્ણ સાથેની વાતચીત રજૂ કરે છે. અહીં ભુવન (આમિર ખાન) કૃષ્ણ તરીકે તેમજ ગૌરી (ગ્રેસી સિંઘ) રાધા તરીકે રૂપક છે. આ ગીતમાં રાધાને કૃષ્ણનાં પ્રેમમાં થતી ઈર્ષ્યા દર્શાવવામાં આવી છે. રાધા કહે છે કે કનૈયો જો ગોપીઓને મળે તો તેને ઈર્ષ્યા થાય તે સ્વાભાવિક છે. કૃષ્ણ જવાબ આપે છે કે તે ભલે ગોપીઓને મળતો હોય પણ પ્રેમ તો રાધાને જ કરે છે તો પણ રાધાને કેમ ઈર્ષ્યા થાય છે? કૃષ્ણ ગોપીઓને આકાશનાં તારાઓ સાથે સરખાવે છે, જેઓ અગણિત છે અને રાધા ચંદ્ર છે, જે એક જ છે. તો પણ રાધા કહે છે કે કૃષ્ણનું ધ્યાન સદા ભટકતું જ રહે છે તો તેમાં તેનું આત્મસન્માન ઘવાય છે. કૃષ્ણ જવાબમાં કહે છે કે ગોપીઓ તો આવતી જતી રહેશે, પણ રાધા જ મનની રાણી રહેશે. રાધા આગળ ઉમેરે છે કે કૃષ્ણનાં મનમાં જો તે પોતે આટલી જ વસેલી છે, તો કૃષ્ણ ક્યારેય કેમ તેનો ઉલ્લેખ કરતાં નથી? કૃષ્ણ જવાબ આપે છે કે પ્રેમની પોતાની એક અલગ ભાષા છે, તેઓ ઇચ્છે છે કે તેમની વાત આંખોથી થાય. રાધા હજુ પણ નારાજ જ છે, કારણ કે તે કહે છે કૃષ્ણનાં નયનો જ ગોપી પર જાદુ કરે છે, અને ગોપીઓ ઘેલી થઈ જાય છે, કૃષ્ણ હજુ પણ કહે છે કોઈનાં મનમાં તેમની પ્રત્યે પ્રેમ જાગે તો પણ એમાં રાધા કેમ ઈર્ષ્યા અનુભવે? અને રાધા હજુ પણ એ જ જવાબ આપે છે કે એને ઈર્ષ્યા કેમ ન થાય? 


પ્રેમમાં પ્રિય પાત્રને વહેંચવાની લાગણીને કારણે થતી ઈર્ષ્યા સદીઓથી ચાલી આવે છે. આ ગીતમાં કૃષ્ણ અને રાધાનાં રૂપકો દ્વારા ભુવન અને ગૌરી પણ તે જ પ્રકારની વાતો કરે છે. ગીતમાં કૃષ્ણ વિશેની કેટલીય સત્ય વાતો છે. જેમ કે તેઓનાં મનની રાણી હમેંશા રાધા જ રહી. રાધા અને કૃષ્ણએ લગ્ન નહોતાં કર્યા, તો પણ કૃષ્ણની સાથે ક્યારેય તેમની પત્ની રુક્મિણીનું નામ લેવામાં આવતું નથી, પરંતુ રાધાનું જ નામ લેવામાં આવે છે. કૃષ્ણ કહે છે કોઈ વ્યક્તિનાં મનમાં તેમની પ્રત્યે પ્રેમ જાગે તેમાં તેઓ કશું જ કરી શકે તેમ નથી. એક રીતે કૃષ્ણને ચાહનારા અગણિત લોકો છે, પણ કૃષ્ણને કોઈ પામી શકે તેમ નથી. એ. આર. રહેમાન દ્વારા અપાયેલું સુંદર સંગીત તેમજ આશાજી અને ઉદિત નારાયણનાં અવાજે પણ કમાલ કર્યો છે. રસપ્રદ વાત છે કે આ ગીતનાં શબ્દો લખનાર જાવેદ અખ્તર જન્મથી મુસ્લિમ છે અને પછીથી તેઓ નાસ્તિક છે, તે છતાં તેમણે કૃષ્ણ અને રાધાની વાતચીત કેટલી સુંદર રીતે રજૂ કરી છે!


કૃષ્ણ અને રાધાનો પ્રેમ સદીઓ સુધી રહેશે, આ વાક્ય સાથે જ હું આ બ્લૉગ પોસ્ટ પૂરી કરી રહ્યો છું. આ સાથે જ કૃષ્ણ સંબંધિત અન્ય ગીતોની યાદી તેમજ મારા મિત્ર પંકજ દ્વારા કૃષ્ણનાં ઉલ્લેખ વિશે લખાયેલી કેટલીક પોસ્ટ અંતે મૂકી રહ્યો છું. ખૂબ ખૂબ આભાર હેની, શ્રુતિ, સેજલ, વૈષ્ણવી અને પંકજ.  SOME ANIMATED FILMS ON KRISHNA

Some other songs related to Krishna

Song 
Film


Aaj Radha Ko Shyam Yaad Aa Gaya 
- Chaand Ka Tukda

Maiyya Yashoda 
- Jhootha Hi Sahi

Radha Nachegi 
- Saudagar

Kanha Aa Padi Main Tere Dwar 
- Shagird

Govinda Aala Re 
- Bluff Master

Banwari Re Jeene Ka Sahara 
- Ek Phool Char Kaante

Saancha Naam Tera 
- Julie

Brindavan Ka Krishna Kanhaiya 
- Miss Mary

Jaago Mohan Pyaare 
- Jaagte Raho

Bada Natkhat Hai 
- Amar Prem

Badi Der Bhai Nandlala 
- Khandan

Shyam Teri Bansi Pukaare 
- Geet Gaata Chal

Radha Tore Kanha Ne Murli Bajai 
- Purnima

************************************

One beautiful blog about Krishna - Click Here

************************************some other blog posts regarding this by Pankaj Sachdeva


1. Notes On Some Hindi Movie Songs


2. Dola Re Dola—Of Radha and Meera


3. Bajirao Mastani—Of Rukmini, Krishna, Radha


4. Sangam—Of The Confluence Of Three Rivers


5. Lootera — Of Giving A Closer Look