Wednesday, 19 April 2017

અલીગઢ - કવિતાઓ અને ગીતોની દુનિયા


હંસલ મહેતાની ફિલ્મ 'અલીગઢ' કળાનો ઉત્તમ નમૂનો છે. ફિલ્મની અંદર કવિતાઓ અને ગીતો વિશે સુંદર જોડાણ છે. પ્રોફેસર સિરાસ (મનોજ બાજપેયી) પોતાની એકલતામાં લતા મંગેશકરનાં ગીતો સાંભળે છે. 'અનપઢ' ફિલ્મનું ગીત 'આપ કી નઝરો ને સમઝા' સાંભળતી વખતે તેઓ ક્યાંક એ ગીતની અંદર ખોવાઈ જાય છે, એમની ગીત સાથેની મસ્તીમાં જ તેઓ ચૂર છે, ઝૂમતી અદાઓ રૂપી એમની હાથની મુદ્રાઓ અને ગીતનાં સંગીત સાથે તાલ મિલાવતા એમના પગની સ્થિતિ આપણને ઘણી વાતો સૂચવે છે. આ પાત્ર પ્રેમની ઝંખના રાખે છે, પરંતુ એકલતાથી પીડાય છે. એ જ રીતે 'હંસતે ઝખ્મ' ફિલ્મનું ગીત 'બેતાબ દિલ કી તમન્ના યહી હૈ' ગીત પણ એક મધુર રાગિણી સમાન છે. જેમાં પણ પ્રિય પાત્રને પ્રેમ કરવાની ચરમસીમા દર્શાવવામાં આવી છે, પ્રિય પાત્રને ભગવાનની જેમ પૂજવાની ઇચ્છા ધરાવતા શબ્દો એ વાતની સાબિતી છે. (બંને ગીતો વિશે લખેલી મારી પોસ્ટ્સની લીંક આ પોસ્ટને અંતે મૂકી છે.)



ફિલ્મનાં એક સીનમાં પ્રોફેસર સિરાસ દીપુ (રાજકુમાર રાવ) સાથે કવિતાઓ વિશે વાત કરે છે. દીપુ કહે છે કે એને કવિતાઓ સમજમાં નથી આવતી. પ્રોફેસર સિરાસ એને સમજાવે છે કવિતાઓ શબ્દોમાં ક્યાં હોય છે? કવિતાઓ તો શબ્દોની વચ્ચેનાં અંતરાલમાં હોય છે. શબ્દોની વચ્ચે રહેલા વિરામ અને મૌનની અંદર કવિતાઓ હોય છે એમ પ્રોફેસરનું માનવું છે, પ્રોફેસર કહે છે કે દરેક પોતાની રીતે શબ્દોનો અર્થ સમજી શકે છે, પોતાની ઉંમર અને પરિપક્વતા પ્રમાણે! કેટલી સુંદર વાત છે ગમે તેટલું સમજાવવા છતાં મોટેભાગે વ્યક્તિ એટલું જ સમજી શકે છે જેટલું એને સમજવું છે. કોઈ એક વાત કે કવિતા કે કહેલા થોડા શબ્દોનો ઘણા વ્યક્તિઓ પોતાની રીતે અલગ અર્થ તારવી શકે છે. દરેકની આંખે દેખાતી દુનિયા અલગ છે એ રીતે કે પછી દરેકની બારીમાંથી દેખાતું આકાશ અલગ છે એ રીતે, દુનિયા તો એ જ છે!







એક કાર્યક્રમમાં કેટલાક લોકોની વચ્ચે પ્રોફેસર સિરાસ એક સુંદર કવિતા કહે છે. મરાઠીમાં કહેલી એ કવિતા કૃષ્ણ વિશે છે. કૃષ્ણનાં પ્રેમ અને ભક્તિમાં ઘણા લોકો રંગાયેલા હોય છે. અહીં એ નથી સૂચવવામાં આવ્યું કે કવિતા કોની લાગણીઓ વ્યક્ત કરે છે, કારણ કે મીરા હોય કે પછી રાધા કે યશોદા કે કોઈ પણ વ્યક્તિ, દરેક કૃષ્ણનાં વિરહમાં જ છે અને દરેક જણ કૃષ્ણ મિલન ઝંખે છે! એ શબ્દોનો અર્થ કંઈક એ પ્રમાણે છે કે વહેલી સવારે કૃષ્ણએ આવીને સર્વસ્વ લૂંટી લીધું! આ સમજાવવા માટે શબ્દો ઓછા પડે અને એ સમજાવીને મારે અર્થ બગાડવો પણ નથી. 




પ્રોફેસર સિરાસ દીપુને પોતાનું મરાઠી પુસ્તક 'પાયા ખાલચી હિરવાલ' ભેટ આપે છે, એ પણ પોતાની લખેલી કવિતાઓનું પોતે જ અંગ્રેજીમાં ભાષાંતર કર્યા બાદ. કારણ કે એમનું માનવું છે કે જેણે ભાષાંતર કરીને 'ગ્રાસ અન્ડર માય ફીટ' પુસ્તક લખ્યું છે, એમાં અંગ્રેજી બરાબર નથી. મોટેભાગે એમ માનવામાં આવે છે કે ભાષાંતરમાં જો શબ્દો કાળજીપૂર્વક વાપરવામાં ન આવે તો અર્થ અલગ થઈ જાય છે. એ પુસ્તકની એક કવિતા દીપુ ફિલ્મની અંદર વાંચે છે. એ કવિતામાં મારા મત મુજબ પ્રેમીઓ વિશે વાત કરવામાં આવી છે. પ્રિય પાત્રને ચંદ્ર સાથે સરખાવવામાં આવેલ છે એમ મારી ધારણા છે, હું સાચો છું કે નથી એ મને ખબર નથી, પણ આગળ કહ્યુ તેમ દરેક પોતાની ઉંમર અને પરિપક્વતાનાં પ્રમાણમાં કવિતાનો અર્થ સમજે છે, એટલે એ ખૂબ જ સુંદર કવિતાનો મેં કરેલો અર્થ નીચે લખી રહ્યો છું. ચંદ્રને સંબોધીને કહેવામાં આવેલ છે કે, પ્રિય ચંદ્ર, પરોઢથી ડરીશ નહીં, જે આપણને અલગ કરે છે, આપણે ફરી મળીશું, જ્યારે દુનિયા પોઢી જશે. જેનો અર્થ કંઈક એ પ્રમાણે કરી શકાય કે આપણે નિરાશ થઈ જઈએ છીએ કોઈ વસ્તુ કે વાતથી, પણ ફરી થોડા સમય પછી નવો મોકો મળે છે. ફરી રાત પડશે, ફરી ચંદ્ર સાથે મુલાકાત થવાની જ છે! એ પછીનાં શબ્દોમાં કવિતાની અંદર સૂચવેલ પડછાયાની જેમ સ્પર્શ અને નૃત્ય પ્રેમની ક્ષણભંગૂરતા સૂચવે છે. પ્રેમ પણ શાશ્વત તો નથી જ, આ પળ છે, એ જ છે, પ્રેમ કરી લેવા માટે, પડછાયો સૂર્યની સ્થિતિ પ્રમાણે બદલાય છે અને ક્યારેક ગાયબ પણ થઈ જાય છે, પણ જ્યારે હોય છે ત્યારે સાથે જ હોય છે. જે પળમાં પ્રેમ છે એ પળનો ભરપૂર આનંદ લેવાનું સૂચવતા અર્થપૂર્ણ શબ્દો! આ ફિલ્મ કળાની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર અને અર્થપૂર્ણ છે એ આ બધા ગીતો અને કવિતાઓ સાબિત કરે છે, હું આશા રાખીશ કે આ પ્રકારની સિનેમા વધારે પ્રમાણમાં મને જોવા મળે!



ફિલ્મની અંદર વપરાયેલા ત્રણ ગીતોની ક્રેડિટ્સ

સંબંધિત બીજી પોસ્ટ્સ -

આપ કી નઝરો ને સમઝા


બેતાબ દિલ કી તમન્ના યહી હૈ


2 comments:

  1. Fantastic Sanju! Actually I was observing all these things that you mentioned in tje post. The stanza of poem is really good.

    ReplyDelete
    Replies
    1. Thanks a lot Ritu! And yes that stanza is really nice.

      Delete