Tuesday 23 August 2016

ઈનટુ ધ વાઈલ્ડ (૨૦૦૭)



ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી; 

જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
                                                                
                                                                     -  ઉમાશંકર જોશી


ફિલ્મ જોતી વખતે મને આ પંક્તિઓ યાદ આવતી હતી, અમુક થોડા જ એવા દિવસો હોય છે, જ્યારે ખુદની સાથે થોડો સમય જીવી શકાય, બસ આપણે જ અને કુદરત. 



ક્રિસ્ટોફર મેકન્ડલેસ નામનો અમેરિકન યુવાન ૧૯૯૦નાં ઉનાળામાં કોઈને કહ્યા વગર બસ પોતાની રીતે જ કુદરત સાથે રહેવા માટે ઘરેથી ચાલ્યો ગયો, બધી જ સંપત્તિ અને ઘરનાં લોકોને પાછળ છોડીને. અને પોતાને નવું નામ આપ્યું - એલેકઝેન્ડર સુપરટ્રેમ્પ, અને એની એ મુસાફરીમાં એ કેટલીય વાતો અનુભવી શક્યો જે આપણે પણ તેની સાથે જ ફિલ્મમાં ચોક્કસ અનુભવી શકીએ છીએ.  


એક રીતે સીન પેન દ્વારા ડાયરેક્ટેડ આ ફિલ્મ બાયોપિક પણ કહી શકાય કારણ કે રિયલ સ્ટોરી છે, એડવેન્ચર ડ્રામા પણ કહેવાય અને સર્વાઈવલ સ્ટોરી પણ. 





ક્રિસ અનેક લોકોને મળે છે એની જર્નીમાં, એમની સાથે જિંદગીની કેટલીક વાતો પણ શેર કરે છે, સવારનો તડકો માણે છે, પંખીઓને ઉડતા જોઈને એની આંખો રોમાંચ અનુભવે છે, ખુલ્લા ઘાસનાં મેદાનમાં ઘોડાની સાથે દોડે છે, ઠંડીમાં ઠૂંઠવાય છે, નદીમાં ન્હાય છે, તરે છે, ડૂબે છે અને કિનારે પણ પહોંચે છે. એ હમેંશા એવું જોવા મથે છે જે આપણી આંખો શહેરની આ ભીડમાં જોઈ જ નથી શકતી, અથવા આપણે પ્રયત્ન નથી કરતા. પર્વતની ટોચ પર પહોંચીને શહેર જોવાવાળાઓમાંનો એક છે એ, એને જીવવી છે જિંદગી, ભરપૂર જીવવી છે, પણ પોતાની શરતો પ્રમાણે. હા, એને હતાં પર્સનલ પ્રોબ્લેમ્સ, કદાચ એટલે જ સમાજથી થોડીક નફરત છે એને. પણ એ બિલકુલ જ મહત્વનું નથી આ ફિલ્મ માટે.







મહત્વની છે એની જર્ની, જે શીખવાડે છે જિંદગીની દરેક પળની કિંમત છે, મહત્વ છે, એને જીવી લો, આ પળનો અનુભવ કરો... કંઈક તો જરૂર મેળવશો જ. 




Friday 19 August 2016

ધોબી ઘાટ (૨૦૧૧)



અરુણ, એક મધ્યવયસ્કી પેઈન્ટર, તેને વારંવાર તેના ભાડાના ઘર બદલવા પડે છે. એક એક્ઝિબિશનમાં તે શાઈને મળે છે, જે અમેરિકામાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે, અને હાલ રજા પર આવી છે મુંબઈ. શાઈ તેના ધોબી મુન્નાની સાથે દોસ્તી કરે છે, મુન્નાને એક્ટર બનવું છે. આ બાજુ અરુણને તેના નવા ઘરમાંથી ત્રણ વીડિયો ટેપ્સ મળે છે, જેમાંથી તેને જાણવા મળે છે યાસ્મીનની જિંદગી વિશે, જે તેની પહેલા એ જ ઘરમાં ભાડે રહેતી હતી. શું છે આ લોકોની વચ્ચે સંબંધો? શું જે એ લોકો શોધે છે, એ એમને આ મેટ્રો સીટીમાં મળશે?  





મને હજુ પણ યાદ છે આ ફિલ્મ જોવા માટે હું કેટલો એક્સાઈટેડ હતો, પણ મારા નજીકનાં સિંગલ સ્ક્રીનમાં ફિલ્મ રિલિઝ નહોતી થઈ, કદાચ ઈન્ટરવલ વિનાની પહેલી બોલીવુડ ફિલ્મ હોવાના કારણે. અને એ સમયે મને ફિલ્મ જોવા નહોતી મળી. પણ હજુ મારી ડાયરીમાં એ પેઈન્ટિંગ છે જે મેં એ દિવસે દોર્યુ હતું. ફિલ્મ ફેસ્ટિવલ્સ અને ક્રિટિક્સ તરફથી ખાસ્સી સરાહના મેળવનારી આ ફિલ્મ બોલીવુડ મસાલા જોતા દર્શકોને નહોતી ગમી એ પણ મને બરાબર યાદ છે. કારણ કે આ આર્ટ હાઉસ સિનેમા છે, જે કદાચ ખરું સિનેમા છે મારા માનવા મુજબ તો.  


મારી ડાયરીમાં મેં કરેલું પેઈન્ટિંગ












બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોસથી મુંબઈ કેપ્ચર કરતી શાઈ, મુન્ના અને શાઈ વચ્ચેની અદ્વિતીય કેમિસ્ટ્રી, યાસ્મીનની ટેપ્સ જોતી વખતે અરુણનાં ચહેરાનાં હાવભાવ, આ બધું જ આ મિઠાઈના બોક્સનાં સૌથી સારા ટુક્ડાઓ જેવું છે. પોતાના વાઈનનાં ગ્લાસમાં વરસાદ ઝીલતો અરુણ, વરસાદમાં ઝૂંપડીની છત બચાવતો મુન્નો, વરસાદમાં શાઈની આંખો, અને વરસાદ વિશે વાત કરતી યાસ્મીન, વાહ વાહ!! અને ફિલ્મના લગભગ દરેક સીનમાં ચાર ચાંદ ઉમેરતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક.



















મુંબઈનાં ભીડવાળા બજારો, અરુણનું ઘર, દરિયો, ધોબી ઘાટ, બધું જ ડેબ્યુટન્ટ ડિરેક્ટર કિરણ રાવે ખૂબ સરસ કેપ્ચર કર્યુ છે. બધા જ પાત્રોની રોજબરોજની ખુશી અને એકલતા જોવી એ મારે માટે ખૂબ જ સરસ અનુભવ રહ્યો.  



Wednesday 17 August 2016

કભી અલવિદા ના કહેના (૨૦૦૬)



દસ વર્ષ પહેલા જ્યારે આ ફિલ્મ આવી ત્યારે હું નવમાં ધોરણમાં હતો, મને ફિલ્મનાં સબ્જેક્ટ વિશે કંઈ જ ખ્યાલ નહોતો, બસ હું ફક્ત કરણ જોહરનું નામ સાંભળીને જ ફિલ્મ જોવા માંગતો હતો, જેની કુછ કુછ હોતા હૈ, ખબર નહીં કેટલી વાર જોઈ છે મેં!! કભી અલવિદા ના કહેના પહેલી વાર જોઈ ત્યારે મારો મિક્સ રિસ્પોન્સ હતો, પણ હવે આ ફિલ્મ મહત્વની છે મારી માટે, ખૂબ જ.



જ્યારે દેવ અને માયા પહેલી વાર મળે છે ત્યારે પણ બંને એકબીજા સાથે તરત જ જોડાઈ શકે છે, અને વાતો કરે છે, પ્રેમ અને જિંદગી વિશે. દેવ સફળ ફૂટબોલ પ્લેયર છે, જે પરણેલો છે તેની કોલેજ ગર્લફ્રેન્ડ રિયાને. માયાના લગ્ન થઈ રહ્યા છે બચપણનાં મિત્ર રિશિ સાથે, પણ એ કન્ફ્યુઝ્ડ છે પ્રેમ વિશે, જિંદગી વિશે.




ચાર વર્ષ પછી દેવ ફૂટબોલ રમી શકે તેમ નથી, કારણ કે તેનો એક પગ ભાંગી ગયો છે, જે બન્યું માયાને મળ્યા પછીની થોડીક મિનિટો બાદ, એક એક્સિડન્ટમાં.  દેવનો સ્વભાવ ખૂબ જ કડવો થઈ ગયો છે અને તે હમેંશા નાખુશ રહે છે, તેની નિષ્ફળ કરિયર અને કદાચ પત્ની રિયાની સફળ કરિયરને લીધે પણ. રિયાને કરિયર પર વધારે ધ્યાન આપવું પડે તેમ છે, જેનાથી જ ઘર ચાલે છે. માયા પણ તેનાં લગ્નમાં ખુશ નથી કારણ કે તે રિશિને પ્રેમ કરતી નથી અને માયા બાળક પેદા કરી શકવા સક્ષમ નથી.


દેવ અને માયા ફરી અચાનક મળે છે, બંને સરખી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, અને વિચારે છે કે તેઓ એકબીજાને તેમનાં તૂટતા લગ્નો બચાવવામાં મદદ કરી શકશે, પણ તેના બદલે બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે અને અફેર ચાલુ કરે છે, એવો સંબંધ જેના લીધે બંને કુટુંબ વિખેરાઈ જાય છે. 




આ એક જ વસ્તુ છે જેની સાથે મોટાભાગના લોકો સહમત થતાં નથી, કારણ કે તેને સમાજમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે, બધા લોકો જેમને ફિલ્મ ગમી નથી તેઓ આ જ પૂછે છે કે બંને અફેર કેમ કરે છે, પણ તે જવાબની જરૂરત જ કેમ છે? કેમ? બંનેએ તેમના લગ્નને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ શું કરવાનું જો એમાં કોઈ ફર્ક નથી પડતો તો? મારા મત મુજબ આ કરણ જોહરનું અત્યાર સુધીનું સૌથી સારુ કામ છે કારણ કે દરેક માણસને ખુશ રહેવાનો અધિકાર છે.




Friday 12 August 2016

મિડનાઈટ ઈન પેરિસ (૨૦૧૧)




એક એવી ફિલ્મ જે કદાચ જેટલી વધારે વખત જોઈએ, એટલી વધુ ગમે, એવો મારો અનુભવ છે. બીજી વાર જ્યારે ફિલ્મ જોઈ, ત્યારે અમુક વસ્તુ હતી, જે હું વધારે સારી રીતે સમજી શક્યો, અમુક વિઝન્સ વધારે ક્લિયર થઈ શક્યા. મારા મત મુજબ ડિરેક્ટર વુડી એલને સ્ક્રીન પર જાદુ પાથર્યો છે આ ફિલ્મમાં!! રોજર ઈબર્ટે જેમ ફિલ્મના રિવ્યૂમાં કહ્યુ છે તે જ રીતે હું પણ માનું છુ કે એ સહેજ પણ મહત્વનું નથી કે જે સ્ક્રીન પર થઈ રહ્યુ છે એ કલ્પના છે કે વાસ્તવિકતા. 


સૌથી મહત્વની બાબત છે નોસ્ટેલ્જિયા, જૂના વીતેલા સમયની ઝંખના. પેરિસનું વાતાવરણ ૨૦૧૦, ૧૯૨૦ અને ૧૮૯૦; એમ ત્રણે અલગ અલગ દસકામાં. પેરિસ, એ શહેર જેને મેં પણ ઝંખ્યુ છે, લાખો લોકોની જેમ, આઈ વિશ કે ક્યારેક હું ત્યાં જરૂર જઈ શકીશ. જ્યારે પેરિસની ગલીઓ, ત્યાંના ટુરિસ્ટ એટ્રેક્શન્સ ફોટોસમાં જોયા પછી જે અનુભવી શકાય છે, એ જ ફિલ્મ જોતી વખતે અનુભવી શકાયું.    


ફિલ્મનું મુખ્ય પાત્ર છે ગિલ પેન્ડર. જે મળે છે તે સમયના બધા જ મહાન લોકોને; ચિત્રકારો, લેખકો અને રખડે છે પેરિસની ગલીઓમાં. શહેર જ્યાં એને રહેવું છે ભવિષ્યમાં, પણ એની મંગેતરને પસંદ છે અમેરિકા. એ પળ જ્યારે આપણે ધાર્યુ ના કરી શકીએ, કારણ કે આપણાં નજીકના લોકોની એમાં સંમતિ ના હોય, પણ કોઈક રીતે આપણે તે પળો જીવી જ લઈએ છીએ, ચોરી છુપીથી, અને ગિલ પણ. 





ગિલ અને એડ્રિયાના વચ્ચેની અમુક પળો, જેમાં આપણે કોઈ વ્યક્તિ પર ભરોસો કરી શકીએ, એને દિલ ખોલીને વાતો કરી શકીએ, બધી જ ચિંતા છોડીને, એવી પળો બધાને જોઈએ છે, નથી જોઈતી?