Wednesday, 30 November 2016

ડિયર જિંદગી - મારા દિમાગમાં ઉત્પન્ન થયેલું વિચારોનું વાવાઝોડું!

આ પોસ્ટમાં 'ફિલ્મ સ્પોઈલર્સ' છે, તો જેમણે ફિલ્મ નથી જોઈ એ લોકોને માટે હિતકારક નથી...!! નથી જોઈ ફિલ્મ એમને માટે બીજી પોસ્ટ છે અહીં... ડિયર જિંદગી (૨૦૧૬)





એક રીતે આ ફિલ્મ ભલે 'માસ્ટરપીસ' નથી તો પણ એક રીતે છે! ફિલ્મમાં ઘણી વાતો ડાયરેક્ટલી કે ઈનડાયરેક્ટલી કહી છે કે તમે જિંદગી આવી રીતે જીવી શકો છો... તો અહીં રજૂ છે ફિલ્મ જોયાં પછી મારા દિમાગમાં ઉત્પન્ન થયેલું વિચારોનું વાવાઝોડું! 




કાયરા (આલિયા ભટ્ટ) સિનેમટોગ્રાફર છે અને પહેલા જ સીનમાં કોઈ ફિલ્મનો સીન શૂટ થઈ રહ્યો છે. ફિલ્મની અંદર ફિલ્મ! પોતાની બેવફાઈથી નારાજ થયેલી ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડ મનાવવાનો પ્રયત્ન કરે છે અને મનાવી લઈને બંને ભેટે છે, કાયરા ડિરેક્ટરને રિટેક માટે કહે છે અને છેલ્લે સીનની અંદર ઉમેરાવે છે કે બંને ભેટે પછી છોકરી નજીકમાંથી પસાર થતાં બીજા છોકરાને 'ચેકઆઉટ' કરે! આ એક જ વસ્તુમાં ડિરેક્ટર ગૌરી શિંદે આપણને ઘણી વાતો કહી દેવા માંગે છે જે ફિલ્મમાં પછીથી આવશે, અને કાયરાની મનોસ્થિતિ પણ કે પ્રેમ એની પાસે હોવા છતાં કાયરા પ્રેમ શોધતી જ રહે છે, એને આખી ફિલ્મ શૂટ કરવી છે પણ એને થોડાક જ સીન્સ માટે લીધી છે (ઓરિજિનલ સિનેમટોગ્રાફર બીમાર હોવાથી.) એ કહે છે કે બીજા કોઈને ખબર પણ નહીં પડે કે આ સીન એણે શૂટ કરેલો, એ વાજબી નથી, એ કદાચ રૂપક છે એની જિંદગી સાથેનું; કે કોઈ ક્યારેય જાણશે નહીં કે એની અંદર પણ રાઝ છે એનાં પોતાનાં ભૂતકાળનો! 





કાયરા એકદમ ગુડ ગર્લ છે, એ બીજા લોકોની સંભાળ પણ રાખે છે, સારી રીતે વર્તે પણ છે પણ એ થોડી ચીઢિયાં સ્વભાવની પણ છે, મૂડી પણ છે. એની પ્લેનની ટિકિટ ઈકોનોમીમાંથી બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ નથી થઈ તો એ પ્રોડ્યુસર રઘુવેન્દ્ર (કુણાલ કપૂર) સાથે ટિકિટ એક્સચેન્જ કરવા નથી માંગતી, કારણ કે એ બીજી વ્યક્તિનો સફર બગાડવા નથી માંગતી!



બોયફ્રેન્ડ સિડ (અંગદ બેદી) સાથે મુલાકાત ગોઠવે છે પેલાનાં ખુદનાં રેસ્ટોરન્ટમાં અને બીજા અમુક ટીનેજર્સ જેમને મેનેજર આવવા નથી દેતો કારણ એમનો ડ્રેસકોડ બરાબર નથી તો કાયરા સિડને રીક્વેસ્ટ કરે છે એમને આવવા દેવા માટે, બેઝિકલી એ સિડની સાથે બ્રેક અપ કરવાં માટે આવી છે અને ડિનર શરૂ થાય એ પહેલાં એ કહી દે છે એ વાત. સીધી જ કોઈ પણ આડી અવળી વાત કે વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર. પણ જે છે એ છે! કારણ જે બગડવાનું જ છે એને સુધારી શકાશે નહીં તો ખોટું પહેલાં સારી રીતે ડિનરનો ડોળ કરવો! ત્યાંથી નીકળીને એ 'સ્ટ્રીટ ફૂડ' ખાવા માટે જાય છે અને એક ગરીબ છોકરો એની પાસે માંગે છે કે એ ભૂખ્યો છે તો એ એની ડિશ પેલાં છોકરાને આપી દે છે, એ પોતે ખુશ નથી તો પણ એ બીજાને ખુશ કરી શકવાની ક્ષમતા ધરાવે છે!

એની કેરટેકરને પણ લાંબા સમયે જોઈને ખુશ છે એ. પણ આટલી જીવંત છોકરી જાતે જ બધું મેસ કરી દે છે કારણ કે એ પોતાની જાતને વ્યક્ત કરતી નથી, કેરટેકર વ્યવસ્થિત રીતે કાયરાની વસ્તુઓ ગોઠવે છે અને એ ગોઠવેલી એની જ વસ્તુઓ પોતે ફેંદી નાખે છે અને કહે છે કે હવે બરાબર છે... એ સીન કદાચ કહે છે એણે પોતે જ કરી છે એની લાઈફ ગૂંચવણભરી. બિનજરૂરી વસ્તુઓ ઓનલાઈન ખરીદતી રહે છે, પણ એને જરૂરી ન લાગે એની સાથે વાત પણ કરતી નથી! પછી મકાનમાલિક હોય કે એની પોતાની મા! 




કાયરા એની સાથે કામ કરતાં એના ફ્રેન્ડને પૂછે છે કે શું એ થેરપિસ્ટ પાસે એટલા માટે જાય છે કે એ બીજા લોકોને કહી શકે કે એ હોમોસેક્સ્યુઅલ છે, પણ એનો ફ્રેન્ડ એને કહે છે કે ના; પણ એટલા માટે કે એ પોતાની જાતને કહી શકે! પોતાની જાતને જ જણાવવાની હોય છે હકીકત કે મારે આવી નહીં પણ આવી જિંદગી જોઈએ છે, બાકી 'એ લોકો' જે 'વાતો' કરે છે એ તો 'વાતો' કરવાનાં જ! કાયરાનાં રિલેટવ અંકલ એને પૂછે છે કે ફિલ્મ બિઝનેસમાં તો ઘણા લોકો ગે હોય છે, અને તરત જ કાયરા નચિંતી અદામાં કહી શકે છે કે તમારી ઓફિસમાં પણ હશે; પણ એમને છૂપાઈને રાખવી પડતી હશે પોતાની ઓળખ. કંઈ પણ હોય ફિલ્મ બિઝનેસ સૌથી મોટો ટાર્ગેટ! એક બીજી આન્ટી પહેલાં સલમાન ખાનની ખૂબ તારીફ કરે છે; એનાં બોડીની અને લુક્સની, પણ થોડી જ વાર પછી એ આન્ટી એને કહે છે કે હરવા-ફરવાનું ઠીક, પણ લગ્ન થોડાં કરાય ફિલ્મી લોકો સાથે, જાણે એ લોકો માણસમાં જ નથી આવતાં! ફિલ્મો જોઈ શકાય પણ ફિલ્મોમાં કામ ન કરાય, ફિલ્મી કરિયર 'પ્રોપર જોબ' ન ગણાય, પોતાને જે ગમે છે એ કરી ન શકાય, ફિલ્મી લોકોની પાછળ ક્રેઝી થઈ શકાય, એમની સાથે સંબંધ ન રાખી શકાય, કેટલો સરસ દંભ બતાવ્યો છે આપણી આસપાસ રોજેરોજ જીવાતો! 

ગોવાના પોતાના ઘરે આવીને એ પોતાની બાળપણની ઢીંગલી શોધવાનું કહે છે એની મમ્મીને, એક રીતે એ પોતાનું બચપણ શોધે છે! અને એની ચીજ શોધતી વખતે એના ભાઈની વસ્તુ એને મળે છે, એના ભાઈની 'કોમિક બુક'; જે એના ભાઈની ફેવરિટ હતી, તો એ 'કોમિક બુક' એના ભાઈને આપતી વખતે પણ એ ખુશ છે કે એ બીજા કોઈને ખુશ કરી શકી!  





જહાંગીર થેરપિસ્ટ હોવાની સાથે સાથે તૂટેલી સાઈકલ્સ પણ રિપેર કરે છે, તૂટેલી વસ્તુઓ અને જિંદગીની સમસ્યાઓ પણ... એની પોતાની જિંદગી પરફેક્ટ નથી; કોઈની જિંદગી હોતી નથી પરફેક્ટ; તેમ છતાં એ પણ બીજાને ખુશ કરીને ખુશ છે! આઈ વિશ કે એનાં પાત્રની થોડી વધારે વસ્તુઓ હું સમજી શકુ; પણ એ માટે મારે બીજી વખત ફિલ્મ જોવી પડશે! કારણ કે આ વખતે મારુ બધું ધ્યાન કાયરા પર જ જતું હતું, જહાંગીરનાં રોલમાં શાહરુખ ખાન હોવા છતાં! 




કાયરાને એક રાત્રે સપનું આવે છે અને એ સપનામાં એ કોઈ નવું બાંધકામ થતું હોય એવી જગ્યાએ છે એ વખતે મારુ માનવું છે કે આસપાસ કામ કરતાં લોકો પણ એક રૂપક છે કે એ બધાં પોતાનું કામ કરે છે એમને શું કરવાનું છે એ ખબર છે. એકલી એ પોતે જ છે જેને ત્યાં કેમ છે એ ખબર નથી; કારણ કે એ બધાંથી અલગ છે. કેમ કે એણે શોધવાનું છે કે એને ક્યાં જવાનું છે; અને એના પછી એ પડી જાય છે કાદવમાં; અને આસપાસ કેટલીક પરણેલી સ્ત્રીઓ આવી જાય છે જાણે એની ઠેકડી ઉડાવતી. અને એને પોતાને લાગે છે કે એ ડર્ટી થઈ છે અને બીજા લોકો એના કેરેક્ટરને જજ કરે છે, કારણ કે એ ખુશ નથી લવ લાઈફમાં અને એના બોયફ્રેન્ડસ ઈસ્યૂઝ. પણ જહાંગીર સમજાવે છે કે પ્રેમ અને સારુ પાત્ર ખુરશી જેવું છે; દુકાનમાં ખુરશી લેવા જઈએ તો પહેલી ખુરશી જ પસંદ કરી લેતાં નથી, ખુરશી ખરીદવાની પ્રક્રિયાને જિંદગીમાં પાર્ટનર શોધવા સાથે કેટલું સરસ સરખાવ્યું છે! 




આખી ફિલ્મમાં કાયરાની હેર સ્ટાઈલ મારે માટે એક બહું મોટી વસ્તુ છે! એક તો એના પાત્રનાં વાળ અને કપડા ડિરેક્ટર ગૌરી શિંદે જેવા છે થોડા! એ જ્યારે આઝાદ ફીલ કરતી હોય છે પોતાની જાતને, ત્યારે વાળ ખુલ્લા હોય છે મોટે ભાગે. જ્યારે કંઈક મૂંઝવણમાં છે, ગૂંચાયેલી છે ત્યારે વાળ બાંધેલાં છે. (એવું મારું માનવું છે!) રઘુવેન્દ્ર એને ખુલ્લા વાળ બાંધવાનું કહે છે; કદાચ એ કાયરાને પોતાના કાબુમાં રાખવા માંગે છે! સિડ સાથે આઝાદ છે એટલે જ એનાં ખુલ્લા વાળ છે રેસ્ટોટોરન્ટનાં સીનમાં. પેરેન્ટસની સામે ઈમોશનલ સામનો કરવાનો છે; દિલની કોઈ વાત કહેવાની આવે છે ત્યારે વાળ બાંધેલા જ છે! ડૉ. જહાંગીર ખાન સાથે જ્યાં સુધી એ બરાબર રીતે વસ્તુઓ શેર નથી કરી શકતી; ત્યાં સુધી વાળ બાંધેલા છે, જ્યારે એની પર વિશ્વાસ કરવા લાગે છે, દિલની વાત કહે છે, સિક્રેટ કહે છે દિલનું ત્યારે ફરી ખુલ્લા છે વાળ!



મિત્રો હમેંશા મિત્રો છે, એક રાતે ઝઘડીને બીજી સવારે મનાવી પણ લેવાય છે, કે અમુક વાર વર્ષો પણ લાગી જાય, પણ દોસ્તી ખતમ થતી નથી! (કાયરા અને જેકી)

યાદો અને વસ્તુઓ હમેંશા સંઘરી શકાય છે અને ગર્વ પણ લઈ શકાય છે કે આ વસ્તુને આટલો સમય થયો, આ યાદ આટલી જૂની છે! 





જેમનું બાળપણ સારી રીતે પસાર નથી થતું એમની માટે મને બહું ખરાબ લાગે છે કે કારણ કે મોટે ભાગે જિંદગી પર એની અસર પડે છે, એવા લોકો સમજી પણ શકતાં નથી કે એમની જિંદગીમાં શું ખોટુ થઈ રહ્યુ છે પણ એમાંથી બહાર નીકળવાનું છે... ભૂતકાળ વર્તમાનને બ્લેકમેઈલ કરી સુંદર ભવિષ્યને ન બગાડે એ આપણે બધાંએ જોવાનું છે!





ફિલ્મ વિશે બીજી પોસ્ટ:

ડિયર જિંદગી (૨૦૧૬)

જસ્ટ ગો ટુ હેલ દિલ

No comments:

Post a Comment