Tuesday 20 July 2021

જિંદગી

શહેરથી થોડેક દૂર પુરાના કિલ્લાની પાસે ટેકરી પર ચડીને તે ઊભો રહ્યો. ટેકરીની પાછળ સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો, થોડી વારમાં રાત ઝિલમિલાવાની હતી. બાવળનાં કાંટાઓની પેલે પાર પાણી વિનાની સૂકાયેલી નદી હતી. હવામાં વરસાદ પહેલાનો ઉકળાટ હતો. કિલ્લા પર બેઠેલો મોરલો વરસાદના આગમનની તૈયારીમાં હતો. આસપાસમાં કેટલાક લોકો બેઠા હતા. થોડે દૂર એક યુગલ પ્યારની મદહોશીમાં ચૂર હતું. એક આદમી સિગારેટ ફૂંકી રહ્યો હતો. વર્ષો પહેલાં આવી જ એક સાંજે તેણે પોતાનાં દોસ્તની સાથે સિગારેટનો પહેલો કશ ખેંચ્યો હતો, જ્યારે લાગતું હતું કે એ જિંદગી શું કામની જ્યાં સાથે બેસીને સિગારેટનાં બે-ત્રણ કશ ખેંચી શકાય એવો એક દોસ્ત ન હોય! અત્યારે એ દોસ્ત પાસે ન હતો, જિંદગીમાં અધૂરપ હતી અને શુષ્ક હવાની સાથે રહેલાં બાફમાં થોડીક ચોરેલી પળોની જેમ આ જિંદગી જીવાઈ રહી હતી...