Tuesday, 31 January 2017

हॉ वही जिन्दगी - રોજબરોજ સતત એકધારી ચાલતી નીરસ જિંદગી

યશ ચોપરાની 'વીર ઝારા' શરૂ થાય છે ત્યારે આપણે જાવેદ અખ્તરની લખેલી કવિતા યશ ચોપરાનાં અવાજમાં સાંભળીએ છીએ. એના પછી ખૂબસુરત ગીત શરૂ થાય છે, 'ક્યૂ હવા'... એ કવિતાની અંદર કહ્યુ છે કે જિંદગી દરેક પળ નવી છે એમ છતાં લાગે છે કે એ જ જિંદગી છે. આ સ્થિતિ આપણામાંથી ઘણા લોકોની છે. દરરોજ સવાર ઉગે છે અને આ દુનિયામાં ઘણા લોકોને લાગે છે કે કોઈ નવી વસ્તુ બનતી નથી અથવા ક્યારેક એમ લાગે છે કે દરરોજ શું આ એક જ માથાકૂટ, આવી જિંદગી તો નહોતી વિચારી. તમને પણ જો આવો વિચાર ક્યારેક આવતો હોય તો તમે એકલા નથી! આપણે બધા મોટેભાગે આ પરિસ્થિતિનો સામનો કરીને જીવીએ જ છીએ, પણ જો ક્યારેક ગુસ્સો આવે, દુ:ખ થાય કે મૂડ ખરાબ થાય તો એ યોગ્ય છે, એમાં કંઈ જ ખોટુ નથી, જો એ વસ્તુ સ્વીકારી લઈએ તો અડધી સમસ્યાનો ઉકેલ આવી જશે...


लहर दर लहर
मौज दर मौज
बहती हुई जिन्दगी

जैसे हर एक पल नयी है
और फिर भी वही
हॉ वही जिन्दगी
મોટાભાગના લોકો સવારે ઉઠે છે, ફટાફટ તૈયાર થઈને સ્કૂલ/કોલેજ/ઓફિસ/કામ પર/ધંધા પર જવાની ઉતાવળનાં કકળાટમાં આપણે ઘણી વસ્તુઓને નજરઅંદાઝ કરીએ છીએ. મોટેભાગે આપણે દરરોજ પડતી નાની નાની તકલીફોથી ટેવાઈ જઈએ છીએ, ટ્રાફિકમાં અટવાવું, ડેડલાઈનમાં વર્ક પૂરુ કરવું અથવા બીજી નાની સમસ્યાઓ, જે ખરેખર તો સમસ્યાઓ પણ હોતી નથી. પરંતુ આપણે માનીએ છીએ કે એક ખરાબ વસ્તુને લીધે બીજી વસ્તુ ખરાબ થાય છે, પણ ઘણી બધી વખત સત્ય એ નથી, એ વાત આપણે સ્વીકારી શકતાં નથી. 


जिन्दगी किस तरफ जा रही है?

ક્યારેક એમ થાય છે કે સમય બસ એમ જ ચાલે છે, પણ કંઈક જે ગમે છે એ થતું નથી, અથવા જે થાય છે એ ગમતું નથી. સમયનું કામ એ કરે છે એ ચાલતો રહેશે, આપણે સમયને રોકી શકવાનાં નથી. આપણે રોકવાની છે આપણી રોજબરોજની એકધારી જિંદગીની નીરસતા. ક્યારેક એમ જ ફોન, સોશિયલ મીડિયા અને ટી.વી. જેવા ઉપકરણોમાંથી અડધા દિવસનો આરામ લઈને કે એમ જ રજાના દિવસે પોતાને ગમતી જગ્યાએ જઈને ફક્ત થોડો સમય બેસવાથી કે ગમતું ગીત સાંભળવાથી મોટાભાગે સારુ લાગતું જ હોય છે. દરેક વખતે બધી વસ્તુઓનો ઉપાય બહુ મોટો જ હોય એ જરૂરી નથી. 


Before Sunrise (1995)


ધ હોલિડે (૨૦૦૬) ફિલ્મમાં કેટ વિન્સલેટનું પાત્ર આઈરિસ એક સમયે કહે છે કે અમુક પ્રોબ્લેમ્સ એટલા ખરાબ હોય છે કે તમે ગમે તેટલી નવી વસ્તુઓ ટ્રાય કરો, પણ તમે રોજ રાતે સૂવા જતી વખતે વિચારો છો કે એવી તો કઈ ભૂલ કરી છે જેને લીધે આ થઈ રહ્યુ છે. પણ અંતે એનું પાત્ર પણ ફિલ્મની અંદર ખુશી શોધી લે છે... 


The Holiday (2006)


કારણ કે સમય પોતાનું કામ કરે છે, એ રોકાવાનો નથી, ગમે તેટલો ખરાબ સમય હોય તો એ પણ જતો રહેશે. અકબર બિરબલનો એક પ્રસંગ છે, અકબર બિરબલને કંઈક એવું લખવાનું કહે છે જેને ખુશીના સમયે વાંચીએ તો દુ:ખ થાય અને દુ:ખના સમયે વાંચીએ તો ખુશી થાય. ત્યારે બિરબલ લખે છે, "યે વક્ત ભી ગુઝર જાયેગા..."

એ જ રીતે ઋશિકેશ મુખર્જીની ફિલ્મ 'ગોલમાલ'માં ગુલઝારનું એક ગીત છે, એના શબ્દો પણ આપણને ઘણા ઉપયોગી છે, "આનેવાલા પલ, જાનેવાલા હૈ, હો શકે તો ઈસમેં જિંદગી બિતા લો, પલ જો યે જાનેવાલા હૈ..." સહેલું જ છે, નથી?! 

वक्त झरणे सा बहता हुआ, जा रहा है

હું સચિવાલયમાં જ્યાં કામ કરુ છું એ ફ્લોર પર મારી બ્રાંચની બાજુમાં ઘોડિયાઘર છે. હું અમુક વખત સવારે ઓફિસ આવુ ત્યારે એ બાળકોને ઓબ્ઝર્વ કરુ તો એ બાળકો મોટે ભાગે ખુશ હોય છે. એમને આખો દિવસ એમનાં પેરેન્ટ્સથી દૂર રહેવાનું છે. પણ એ લોકો સવારે જ્યારે ત્યાં આવે છે ત્યારે એ લોકો એમનાં જેવા બીજા બાળકો સાથે સમય પસાર કરવાના વિચારથી કે બીજા કોઈ કારણોસર, પરંતુ એ લોકો ખુશ હોય છે. હા, એમને પણ શરૂઆતમાં નવા નવા મૂક્યા હશે ત્યારે રડતા હશે કે ગમતું નહીં હોય, પણ કદાચ એમણે એકધારી જિંદગીમાં એમના ભાગની ખુશી કે ગમતી વસ્તુ શોધી લીધી છે, આપણે પણ શોધી શકીએ છીએ. દરેકની પાસે એવી કોઈક ને કોઈક પ્રવૃત્તિ હોય જ છે કે જે ફક્ત પોતાના માટે કરવી ગમે છે, ઓફિસથી કંટાળીને કે સ્કૂલ/કોલેજથી કંટાળીને સાંજે કે દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે પોતાને ગમતું એ કામ કરવાથી આ રોજબરોજની નીરસતા અને કંટાળામાંથી છૂટકારો મળે જ છે, અને એ પોતાને ગમતું કામ દરેક વ્યક્તિએ પોતે જ શોધવાનું છે, ફકત પોતાને માટે. સમય ચાલતો રહે છે, પણ આપણે વર્તમાનમાં જીવતા શીખી લેવાનું છે અને ફરિયાદો આપમેળે ધીમે ધીમે ઓછી થઈ જશે...

કેટલાક મારા ફેવરિટ ક્વોટ્સ... 


Before Sunset (2004)The Shawshank Redemption (1994)The Perks of Being a Wallflower (2012)Her (2013)


Monday, 30 January 2017

ઉડતા પંજાબ (૨૦૧૬) - ડ્રગ્સની ખરાબ આદતમાંથી છૂટવાની મથામણ અને સારા સમયની આશા
ફિલ્મ સ્પોઈલર્સ


અભિષેક ચૌબેની 'ઉડતા પંજાબ' ડ્રગ્સ, હિંસા અને ખરાબ સમયમાંથી સારા સમય તરફ જવાની વાર્તા છે. મોટાભાગનાં પાત્રોની કોઈને કોઈ લડત છે; સિસ્ટમ સામે, ભ્રષ્ટાચાર સામે, નસીબ સામે અને ડ્રગ્સ છોડવા માટે પોતાની જાત સાથે, ચાર મુખ્ય પાત્રો સિવાય પણ ઘણી બધી વસ્તુઓથી ફિલ્મ જોડાય છે. આ યશ ચોપરાની ફિલ્મનું પંજાબ નથી, અહીં હિંસા છે, વાસ્તવિકતા છે. 


ટોમી સિંઘ (શાહિદ કપૂર) રોકસ્ટાર છે, એ યુવા પેઢીમાં પ્રખ્યાત છે એના ગીતોથી. એ મોટેભાગે નશામાં ચૂર રહે છે. એને ખબર જ નથી કે એના ગીતોની યુવાનો પર કેવી અસર પડે છે. આ પાત્ર એ લોકો જેવું છે જે સફળતાનાં નશામાં (અને અહીં ડ્રગ્સનાં નશામાં પણ) જીવે છે. આસપાસનાં લોકોની મોટાભાગની વાત એના મગજમાં ઉતરી શકતી નથી. ટોમીના જેલ વાળા સીનમાં એને અહેસાસ થાય છે કે ડ્રગ્સ કેટલી ખરાબ અસર કરી શકે, જ્યારે બે છોકરા એને કહે છે એમણે નશા માટે પૈસા ન આપનારી પોતાની માતાની હત્યા કરી, એ લોકો અજાણ છે, નશાની અસરમાં જ એમણે એ કર્યુ હોવું જોઈએ, જે રીતે ટોમી પોતાના કાકાને (સતીશ કૌશિક) ગોળી મારે છે.  


ટોમી સિંઘ (શાહિદ કપૂર)


સરતાજ સિંઘ (દિલજીત દોસાંઝ) આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર છે, એ સિસ્ટમની અંદર ભ્રષ્ટ છે. એ નોકરી અને ઘરની જવાબદારી બંનેને બેલેન્સ કરી શકતો નથી, એ પોતાના કામમાં ઘણીવાર ખોટુ કરે છે, ડ્રગ્સ સપ્લાય કરનાર પાસેથી હપ્તા લઈને અને ક્યારેક મળેલું ડ્રગ્સ વેચીને. પણ જ્યારે એનો ભાઈ એ જ ડ્રગ્સ લે છે એની જાણ થાય છે ત્યારે એની આંખો ખુલે છે. 

એ. એસ. આઈ. સરતાજ સિંઘ (દિલજીત દોસાંઝ)


ડૉ. પ્રીત સહાની (કરીના કપૂર ખાન) પોતાના ક્લિનિકની સાથે સાથે ડ્રગ્સમાં સપડાયેલા લોકોને એમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. એક સીનમાં એ સરતાજને કહે છે કે એ લોકોએ ભ્રષ્ટાચાર, સિસ્ટમ અને અધિકારીઓ સાથે તો લડવું જ પડશે પણ સાચી લડત છે એ લોકોની જેમણે ખુદ પોતાની ડ્રગ્સની આદત છોડવાની છે. સરતાજ એને કહે છે એની આસપાસ આટલી ગંદકી છે તો પણ એ એકદમ ક્લીન છે, ડિગ્નિફાઈડ અને વક્રોક્તિ એ છે કે એનું પાત્ર જેણે ફિલ્મમાં ક્યારેય કંઈ જ ખોટુ નથી કર્યુ એ જ જીવિત રહેતું નથી! પ્રીત લડવા માંગે છે એ લોકો સામે જે ડ્રગ્સ બનાવે છે અને થોડે અંશે એને સરતાજનો સાથ પણ મળે છે, પણ અંતે કોઈ વાંક વિના એ મોતને ભેટે છે.

ડૉ. પ્રીત સહાની (કરીના કપૂર ખાન)

સરતાજ અને પ્રીતનાં પાત્રો એકબીજા સાથે જોડાયેલાં છે એ આપણને ખબર જ છે એ છતાં એ બંને એકબીજાની સાથે વાત કરવા માટે પાછળ આવે છે એ સીન્સ પણ એની સાબિતી છે. પહેલી વખત એ બંને હોસ્પિટલમાં મળે છે એ વખતે સરતાજ પ્રીતની પાછળ દોડે છે એના ભાઈની સ્થિતિ વિશે પૂછવા. બીજી વખત જ્યારે સરતાજ પ્રીતને ઘેર આવે છે અને પાછો જતો હોય છે ત્યારે પ્રીત એને કહે છે કે એ લોકોએ ડ્રગ્સ બનાવે છે એ લોકો સુધી પહોંચવું પડશે એ સીન. ત્રીજો સીન એ લોકો છેલ્લી વખત મળે છે ત્યારે પ્રીત એની પાછળ આવે છે કોફી માટે પૂછવા. આ સીન્સ વચ્ચે કંઈક કનેક્શન જરૂર હોવું જોઈએ, પણ મને ખ્યાલ નથી આવતો. અનામી બિહારી મજૂર (આલિયા ભટ્ટ)


ફિલ્મનું સૌથી રસપ્રદ પાત્ર છે આલિયા ભટ્ટનું, એ પાત્રનું સાચુ નામ આપણે જાણી જ શકતાં નથી, ક્યારેક બઉરિયા, ક્યારેક પગલેટ અને છેલ્લે મેરી જેન. ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ નામ મેરી જેન લખ્યું છે, પણ મારુ માનવું છે સાચુ નામ એ નથી. એ જાણી શકીશું જ નહીં. એ ખાલી સરળતા માટે છે. એ સૌથી ટ્રેજિક કેરેક્ટર છે. બિહારથી એ આવી છે પંજાબ, અને ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ટોમી સાથેની મુલાકાતનાં સીનમાં એ કહે છે કે ડિસ્ટ્રિક્ટ લેવલની હોકી ચેમ્પિયન હતી એ. ડ્રગ્સનું પેકેટ વેચવા માટે ફોન કરતી વખતનો એનો સીન ગજબ છે, એ ફટાફટ કાગળ અને પેન શોધે છે સરનામું લખવા માટે અને પછી એને મળનારા પૈસાની ગણતરી કરીને અચરજ પામે છે. એ બીજા લોકો દ્વારા ફસાઈ ગઈ છે ખોટી આદતોમાં, જિંદગી સ્થિર થઈ ગઈ છે, અને એ પણ ખરાબ સમયમાં, એણે સ્વપ્નમાં પણ વિચાર્યુ નહીં હોય કે સારા સમયની રાહ શોધવામાં એની એ હાલત થશે. પણ એ હારી નથી, એ મજબૂત છે. ટોમી સાથેની મુલાકાતનાં સીનમાં એ કહે છે કે જ્યારે એનો ખરાબ સમય પૂરો થઈને સારો સમય આવશે ત્યારે એ પૂછશે એ સમયને કે ક્યાં હતો અત્યાર સુધી અને એ કહેશે કે એ તૂટી નથી. એ કહે છે કે એને જ્યાં પૂરી રાખી છે એ રૂમમાંથી એને એક પોસ્ટર દેખાય છે ગોવાનાં હોલિડે પેકેજ માટેનું, એ પોસ્ટર એનો સારો સમય છે અને એ પોસ્ટરને લીધે જ ટોમી એને ફરી મળે છે. એનું પાત્ર ટોમી સાથે જોડાયેલ છે એની માટે ઘણી સાબિતી છે, એ જયારે ડ્રગસથી મળનારા પૈસાની ગણતરી કરે છે એ વખતે નવાઈ પામે છે અને એની આંખોના શોટ પછી તરત આપણે ટોમીની આંખો જોઈએ છીએ, જેલમાં, એને જ્યારે નશો કરાવવામાં આવે છે ત્યારે ધીમે ધીમે ઉડ્યા પછી એ ધબ દઈને પાણીમાં પડે છે, તરતી હોય એવો ભાસ થાય છે એને, એ સ્થિતિમાંથી એને બહાર નીકળવું છે અને એક પ્રકાશ જુએ છે, એ તરફ જવા માટે એ મથે છે અને તરત પછીના સીનમાં ટોમી દેખાય છે એની સ્વિમિંગ પુલમાં પહેરેલી લાઈટ વાળી હેટ સાથે. એ ઈશારો એ તરફ છે કે ટોમી જ એનો પ્રકાશ છે, જે એને બચાવશે આ ખરાબ સ્થિતિમાંથી.  


અંધારામાંથી પ્રકાશ તરફ
સારા સમયની આશા સમાન પોસ્ટરઆ બધા પાત્રો પછી ફિલ્મનું મહત્વનું પાત્ર છે સરતાજનો નાનો ભાઈ બલ્લી (પ્રભજ્યોત સિંઘ). આરજે ધ્વનિતે આ ફિલ્મના રિવ્યૂ વખતે કહેલું કે આ પાત્ર પંજાબનું યુથ રિપ્રઝેન્ટ કરે છે અને એ વાત બિલકુલ સાચી છે. એ બીજા ઘણા યુવાનોની જેમ રોકસ્ટાર ટોમી સિંઘ પાછળ ઘેલો છે. એના રૂમનાં દરવાજા પર ટોમીનું પોસ્ટર છે. એના પાત્રને હાથે જ પ્રીતનું મોત થાય છે અને એના પાત્રને કારણે જ "મેરી જેન" ડ્રગ્સ વેચનાર ડીલરને મળે છે અને એની ખરાબ હાલત થાય છે. આ બંને મુખ્ય સ્ત્રી પાત્રો બલ્લી સાથે આ રીતે જોડાયેલ છે એનું એક કારણ કદાચ ડ્રગ્સને લીધે થતું નુકશાન બતાવવા માટે છે. કારણ કે ડ્રગ્સનાં નશામાં જ બલ્લીની મુલાકાત "મેરી જેન" સાથે થાય છે અને એ પોતાના ડ્રગ્સ માટે વધારે પૈસા મેળવવાની લાલચમાં એની પાસેથી કમિશન માંગે છે, અને રિહેબિલેશન સેન્ટરમાંથી છૂટવા માટે એ પ્રીતને મારે છે. આ બધી વસ્તુઓ દર્શાવે છે કે ડ્રગ્સ કેટલી ખતરનાક વસ્તુ છે અને એમાંથી બહાર એ વ્યક્તિ પોતે જ આવી શકે, ભલે બીજા લોકો ગમે તેટલો પ્રયત્ન કરે, અંતમાં તો એનાં મનોબળને લીધે જ શકય બની શકે. 

બલ્લીનાં રૂમમાં ટોમીનું પોસ્ટર 

ફિલ્મનાં બીજા અમુક નાના પાત્રો પણ દિમાગ પર ઘણી ગંભીર છાપ છોડે છે. સરતાજનો સિનિયર ઓફિસર ઝુજર સિંઘ (માનવ વીજ) ઘણી વાર સરતાજ પાસે ખોટા કામ કરાવે છે, કારણ કે એ એનો દૂરનો કઝિન પણ છે. "મેરી જેન"નાં પાત્ર સાથે થતાં એબ્યૂઝમાં બીજા લોકોની સાથે એનું પાત્ર પણ જોડાય છે. "મેરી જેન"ને જ્યાં રખાઈ છે, એ સુલતાનપુરનાં એ ઘરના લોકો પણ એના દૂરનાં કઝિન છે, એટલે સરતાજની સાથે પણ એમનો સંબંધ થયો. બલ્લી જ્યારે પ્રીતની હત્યા કરે છે ત્યારે એને ત્યાં જ છુપાવીને રહેવાની સલાહ અપાય છે. ફિલ્મની અંદર એક પાત્ર છે ટોમીનો કઝિન જસ્સી (સુહૈલ નાયર). એ ટોમીનું હમેંશા ધ્યાન રાખે છે, અને એક સીનમાં ટોમીને કહે છે એને ગર્વ હતો કે એનો કઝિન ટોમી લંડનથી આવ્યો છે અને બીજાને એ કહેતો ફરતો હતો કે એનો કઝિન કેટલો 'કૂલ' છે અને અત્યારે એ ટોમીની હાલત પર કટાક્ષ કરે છે, પણ ટોમીની ડ્રગ્સની આદતોમાં એનો પણ ફાળો છે. બલ્લીનાં બે મિત્રો ટોમીને 'ડ્રગ ડીલર' જે હોસ્પિટલમાં પડ્યો છે ત્યાં સુધી પહોંચાડે છે અને ત્યાંથી છટકવા માટે ટોમીને સાઈકલ પણ લઈ આપે છે, એ પોતાની ફેવરિટ સેલિબ્રિટી પાછળનું પાગલપન દર્શાવે છે. ટોમી જે 'ડ્રગ ડીલર' પાસેથી "મેરી જેન" વિશે માહિતી મેળવે છે એને પણ ખ્યાલ નહીં હોય કે એને લીધે એ છોકરીને એવી હાલત થશે. એ ઉપરાંત એ ડ્રાઈવર જે ડ્રગ્સ પહોંચાડતો હોય છે અને સરતાજને ડ્રગ્સની ફેક્ટરી વિશે માહિતી આપે છે એને પણ ખ્યાલ ન હોય કે એ ડ્રગ્સનાં લીધે કેટલા લોકોની જિંદગી બરબાદ થાય છે. જાણે અજાણે આ નાના પાત્રો બીજા પાત્રોની ખરાબ હાલત માટે જવાબદાર છે. 

ડ્રગ્સનો વિરોધ
ઉડવું એક રૂપક છે આખી ફિલ્મ માટે, ડ્રગ્સ લીધા પછીનાં અહેસાસની જેમ. એક સીનમાં આલિયા ભટ્ટનાં પાત્રને નશો કરાવવામાં આવે છે એ પછી એ પોતે હવામાંથી ઉડીને નીચે પટકાતી હોય એવો અહેસાસ થાય છે, એને કિડનેપ કરીને જ્યાં રખાઈ છે એ ઘરની ઉપર ઈગલ જેવા દેખાતા પક્ષીનું પૂતળા જેવું કંઈક છે. ટોમીનાં જૂતા પણ પાંખોની ડિઝાઈન ધરાવે છે અને શરીર પર પણ એક ટેટૂ છે જેમાં પાંખો છે. ફિલ્મનાં પહેલા સીનમાં પણ પવનનાં લીધે જાણે વૃક્ષો પોતાનામાં જ ઝૂમે છે અને પાકિસ્તાન બોર્ડરથી ડ્રગ્સનું જે પેકેટ ફેંકવામાં આવે છે એ હવામાં ફંગોળાય છે એની પછી ફિલ્મનાં નામની ક્રેડિટ આવે છે.

ફિલ્મની ટેગલાઈન
ટોમીના જૂતા વાળું પોસ્ટર


'ઉડતા પંજાબ' ફિલ્મમાં હિંસા છે, ઉદાસી છે, એકલતા છે, પોતાની જાત સાથેની લડાઈ છે અને એમાં અમુક અંશે મળતી જીત પણ છે. ફિલ્મનો છેલ્લો સીન છે એમાં આલિયા પોતાનું નામ "મેરી જેન" કહે છે, કારણ કે એક ડ્રગ્સનું નામ મેરીજુઆના પણ છે. બીજો અર્થ મધર મેરી બલિદાનનાં પ્રતીક સમાન છે, એ પાત્ર સાથે જે પણ થયું એમાં એનો કોઈ વાંક નહોતો અને એમાંથી બહાર નીકળીને હવે એ નવી જિંદગી તરફ આગળ વધી રહી છે. 

(આ પોસ્ટ હું ધારતો હતો એટલી સારી નથી લખી શક્યો, આ ફિલ્મ વિશે બીજી બે ખૂબ સરસ પોસ્ટની લીંક નીચે મૂકી છે, એ સાથે ફિલ્મનાં સંગીત વિશે લખેલી મારી પોસ્ટની લીંક સૌથી છેલ્લે, કારણ કે મને લાગે છે આ ફિલ્મ એના ગીતો સાથે કદાચ વધારે સારી રીતે સમજી શકાશે.)

Udta Punjab—Flying High by Pankaj Sachdeva

“Udta Punjab”… Very well made, but also very banal by Baradwaj Rangan


ઉડતા પંજાબ - ડ્રગ્સ, ભય અને પ્રેમનું આશાસ્પદ સંગીત

ઉડતા પંજાબ - ડ્રગ્સ, ભય અને પ્રેમનું આશાસ્પદ સંગીતઉડતા પંજાબનો મ્યુઝિક આલ્બમ વર્ષ ૨૦૧૬નાં સારા આલ્બમમાં જરૂર મૂકવો જોઈએ, આ ગીતો ફિલ્મ સાથે જોડાય છે, ફિલ્મની અંદર અનુભવ આપે છે અને ઘણે અંશે ફિલ્મની વાર્તાને આગળ પણ વધારે છે. અમિત ત્રિવેદીએ ખૂબ સરસ રીતે મેચ અપ કર્યુ છે, કારણ કે અહીં રોક વર્ઝન પણ છે અને ધીમા ગીતોની સાથે સાથે રોમેન્ટિક ટ્રેક પણ. બધા લિરિક્સ અને એનાં મતલબ સાથે હું આ પોસ્ટ નથી લખતો. પણ, ફક્ત અમુક શબ્દો અને ફિલ્મની સ્થિતિ વિશે લખું છું.

ફિલ્મ વિશે લખેલી પોસ્ટ અહીં:

આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે. 

ચિટ્ટા વે

ચિટ્ટાનો મતલબ થાય છે ડ્રગ્સ, આ ગીત ડ્રગ્સ કરનારાઓને કેવો અનુભવ થાય છે એની સાથે સાથે ડ્રગ્સની ખરાબ અસર પર પણ ફોકસ કરે છે. ફિલ્મની શરૂઆતમાં જ આ ગીત આવે છે અને ડ્રગ્સ કરનારને પોતે જ સર્વશક્તિમાન હોય તેવો અહેસાસ થાય છે, એ માટે શબ્દો છે:
મુઝે જ્ઞાન ન પીલાના, મૈં હું અંતર્યામી

આ સાથે સાથે આપણે લોકોને જુદી જુદી જગ્યાઓએ વિવિધ ડ્રગ્સનો નશો કરતાં જોઈએ છીએ, અને એ માટે શબ્દો આવે છે:
હૈ વાદિયો મેં, શાદિયો મેં, મરઘટો મેં યે...  
ડ્રગ્સ એટલી હદ પાર કરી ગયું છે કે એ લગ્નમાં તો ઠીક પણ સ્મશાનમાં પણ લેવાય છે એ તથ્ય ઉજાગર કરે છે ઉપરની લાઈન, અને પછી સમજાવે છે કે બધી હદો પાર કર્યા પછી પહેલાં મજા અને અંતે મોત.
હદે ઔર સરહદે સારી પાર કર ગયા,
પહેલે મઝા ઔર ફિર મઝાર કર ગયા...

આ ગીતની સાથે સાથે સ્ક્રીન પર આપણે ચાર પાત્રોને મળીએ પણ છીએ. અને પંજાબની સ્થિતિ સાથે એ લોકોની સ્થિતિ જાણીએ છીએ. અને છેલ્લી લાઈન છે, પીલે પતંગો મેં ઉડતા પંજાબ
પીળો રંગ ખુશી અને શક્તિની સાથે કાયરતા પણ સૂચવે છે, ડ્રગ્સ કરવાથી મળતી અલ્પ ક્ષણોની ખુશી અને પોતાની સમસ્યાથી ભાગવા માટે નશો કરવો એ કાયરતા છે એ આ શબ્દો સૂચવે છે. 
ઉડ દા પંજાબ

અંદર દા કુત્તા અજ કઢિયે
અગ દુનિયા પેટ્રોલ ચલ સુટ્ટિયે 

ટોમીની બર્થડે પાર્ટીમાં લોકો ભેગા થયા છે અને એ લોકો નશો કરે છે અને એમને એમ છે કે આ જ જીવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે અને એમાં જ એ લોકોને ખુશી મળે છે. એ લોકોને એમ છે કે પોતાની અંદરનો કૂતરા જેવો સ્વભાવ બહાર કાઢી દુનિયાને પેટ્રોલ છાંટીને સળગાવીએ! અહીં ફરીથી 'ઉડ દા પંજાબ' નશામાં ચૂર હોવા માટે છે. 

ડા ડા ડસ્સે


આ ગીત આ આલ્બમનું મારુ ફેવરિટ ગીત છે, જેલમાં ટોમીની ભય પામેલી આંખો પછી આપણે અરીસામાં "મેરી જેન"નો ચહેરો જોઈએ છીએ, એ વિચારે છે કે કદાચ એને મળેલું ડ્રગ્સનું પેકેટ વેચીને એનો સારો સમય આવશે. આ ગીતના શબ્દો ભય માટે છે અને આ ગીત પછી "મેરી જેન"ની થનારી હાલત પણ સૂચવે છે. 

રાત દી ગલ સુનિયો સુનિયો રે (૨)
કોઈ ના ચાર ચુફેરે
પીછે ના મુડિયો મુડિયો રે (૨)
રાતા દે કાળે કાળે ચહેરે 
ડર ડા ડા ડસ્સે વે
ઔર મંઝિલ હસ્સે વે

"મેરી જેન" અંદરથી ડરે પણ છે એની પોતાની સ્થિતિ માટે, આપણે એના ચહેરા પર સારા સમયની આશા સાથે થોડી ક્ષણો પછી એનો ભય પણ જોઈએ છીએ. 'કોઈ ના ચાર ચુફેરે' શબ્દોનો મતલબ થાય છે આસપાસ કોઈ ન હોવું. આ પાત્ર એકલું જ છે, એને કોઈનો સાથ નથી. રાતનો કાળો રંગ ડર માટે છે. ડર લાગે ત્યારે મોટેભાગે આપણે પાછળ ફરીને જોતા નથી, એને ડર લાગે છે અને મંઝિલ હસે છે એનો મતલબ છે એ જે કામ કરવા જઈ રહી છે એ કદાચ પૂરુ ન થાય.
ચિટ્ટા

આ એક ઓરિજિનલ પંજાબી ગીત છે જગ્ગી સિધુ નામનાં ગાયકનું, આ ગીત અમિત ત્રિવેદીનું કંપોઝ કરેલું નથી અને આ ફિલ્મ માટે એ લોકોએ લાઈસન્સ અને કોપીરાઈટ સાથે યુઝ કર્યુ છે અને છેલ્લે ક્રેડિટ્સમાં લખ્યું પણ છે. આ ગીત ફિલ્મમાં એ વખતે આવે છે જ્યારે ટોમી "મેરી જેન"ને શોધવા માટે નીકળે છે, ટોમી કોઈની લિફ્ટ લીધી હોય છે એ વાહનમાં હોય છે અને "મેરી જેન" એને બીજા લોકો દ્વારા પાડવામાં આવેલી ડ્રગ્સની આદતોમાંથી છૂટવા માટે પ્રયત્નો કરે છે. આ લિરિક્સનું મને ભાષાંતર નથી મળતું, પણ સાંભળવામાં અને ફિલ્મની અંદર ખૂબ સરસ અહેસાસ આપે છે! 

આ સિવાય એક વખત "મેરી જેન" કોઈક લાઈન ગાતી હોય છે અને સબટાઈટલ્સમાં એનો મતલબ એવો થાય છે કે મા મને ઘરથી આટલે દૂર કેમ મોકલી છે? 

ઈક કુડી

આ ગીતના લિરિક્સ શિવ કુમાર બટાલવી નામનાં પંજાબી કવિની કવિતા પરથી લીધેલા છે. એમને ૧૯૬૭માં એમની રચના 'લૂના/લૂણા' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 

ટોમી "મેરી જેન"નું નામ જાણતો નથી, જો કે એ પાત્રનું સાચું નામ કોઈ જાણી શકશે નહીં. ટોમી એને શોધવા માંગે છે, અને એનાં વર્ણનમાં આ શબ્દો વપરાયા છે. એને મોહબ્બત સાથે સરખાવી છે. એના વર્ણનમાં આગળ શબ્દો છે: 'સાડ મુરાદી, સોહણી ફાબટ, ગુમ હૈ' મતલબ કે એક સાદી, સરળ અને સુંદર છોકરી ગુમ છે. 'સૂરત ઉસ દી, પરિયા વરગી, સીરત દી ઓ, મરિયમ લગદી'  ચહેરાથી એ પરી જેવી લાગે છે અને એની આત્મા મરિયમ જેવી છે. અહીં મધર મેરીનો ઉલ્લેખ છે. 
આ ગીતમાં આપણે સરતાજની પ્રીત તરફની લાગણીઓ વિશે પણ જાણીએ છીએ. આ સરતાજનાં પ્રીતની 'પ્રીત' તરફનાં ઝુકાવનાં લક્ષણો છે! બંનેની આંખો વાતો કરે છે.
વદિયા

આ ગીત ફિલ્મની અંદર સહેજ વખત માટે જ આવે છે જ્યારે ટોમી પોતાના રોક કોન્સર્ટ માટે સ્ટેજ પર આવે છે, એની પહેલા એણે ડ્રગ્સ કર્યુ છે અને આ ગીત પણ ડ્રગ્સ લીધા પછીની અસર માટે છે. એ નશો કરનારને એમ છે કે પવન જેવા અહેસાસ સાથે ઉડવાનો આભાસ થયો અને એને ખૂબ સરસ લાગી રહ્યુ છે, 'બઢિયા' એટલે કે 'ખૂબ સરસ' માટેનો પંજાબી શબ્દ 'વદિયા' છે. 
હસ નચ લે

આ ગીત જે થઈ ગયું એ ભૂલીને જિંદગીમાં આગળ વધવાની શિખામણ આપે છે, આલિયા ભટ્ટનાં પાત્ર "મેરી જેન" વિશે ખાસ કહીએ તો એની સાથે જે થયું એમાં એનો કોઈ વાંક નથી, જે એની સાથે થવાનું હશે એ થયું જ. પણ, એમાંથી બહાર આવી છે એ. 

બૈઠા મદારી તુ ગગન મેં,
બંદા જમુરા મગન હૈ

ભગવાનને મદારી સાથે અને માણસને વાંદરા સાથે સરખાવીને અહીં કહેવાયું છે કે દરેક કણ કણમાં ભગવાન છે: હર શેહ મેં અલ્લાહ-હુ

હસ નચ લે, હસ નચ લે, જિંદ મેરિયે

જે બની ગયું છે એ ભૂલીને જિંદગીને માણવાની શિખામણ આપે છે આ લાઈન. 

લગિયા નઝર ઉતારા વે
કાલી કાલી મરચા વારા વે

જ્યારે કંઈક ખરાબ થાય ત્યારે એ માણસની નજર ઉતારવાનો રિવાજ છે, મરચા અને લીંબુ માથે ફેરવીને, જે વસ્તુ થઈ ગઈ છે એ ફરી ન થાય એ માટે. 

હો ખુદ સે રૂબરૂ
મન દર્પણ તક લે તુ
ગલ પલ્લે બન લે તુ
હર શેહ મેં અલ્લાહ-હુ

તુ પોતાની જાત સાથે વાત કર, તારા દિલની અંદર ઝાંખ અને એક વાત ગાંઠ બાંધી લે કે દરેક કણ કણમાં ભગવાન છે! જિંદગી વિશેની સૌથી મોટી શિખામણ! 

Wednesday, 25 January 2017

રાષ્ટ્રીય મતદાતા દિવસ, ૨૦૧૭
૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. એના ફક્ત એક દિવસ પહેલા ૨૫મી જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ. એ નિમિત્તે આ દિવસ ૨૦૧૧થી 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઉજવાય છે. ચૂંટણી હેલ્પલાઈન માટેના રાજ્યકક્ષાનાં કોલ સેન્ટરમાં કામગીરી કરવાના ભાગરૂપે આજે કાર્યક્રમમાં મહાત્મા મંદિર, ગાંધીનગર જવાનું થયું. 

ગુજરાત રાજ્યનાં માનનીય રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીની ઉપસ્થિતિમાં તેમજ બીજા મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવાયો. રાજ્યકક્ષાએ સારી કામગીરી બદલ ઘણા અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત રાજ્યકક્ષાની મતદાન સંબંધિત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામો વિતરણ કરવામાં આવ્યાં. 

મોટાભાગનાં લોકોની માનસિકતા છે કે મારા એક મતથી કોઈ ફર્ક પડી જવાનો નથી અને એવા વિચારોને લીધે જ કોઈ પરિવર્તન આવતું નથી. પછી લોકો ફરિયાદ કરતાં રહે છે કે આ વખતે પણ આ સરકાર આવી અને બધા રાજકારણીઓ સરખા જ છે. પરંતુ એની પાછળ એક કારણ એ છે કે ઘણા શિક્ષિત લોકો પણ મતદાન નથી કરતાં. મતદાન આપણી પવિત્ર ફરજ છે. આવો સૌ સાથે મળીને મતદાનની પ્રતિજ્ઞા કરીએ. બદલાવની શરૂઆત કરવા માટે ખુદમાં બદલાવ લાવીએ. 

વધુ માહિતી માટે અને ચૂંટણી કાર્ડ સંબંધિત જાણકારી માટે ગુજરાત સરકારની વેબસાઈટ-Friday, 20 January 2017

રંગરેઝ


ફિલ્મ : તનુ વેડ્સ મનુ (૨૦૧૧)
સંગીતકાર - ક્રિસ્ન સોલો
ગાયક - ક્રિસ્ન સોલો અને વડાલી બ્રધર્સ
ગીતકાર - રાજશેખર 

આ ગીત મારા માટે ખૂબ અંગત છે અને ખાસ પણ. આ ગીતનાં અમુક શબ્દોએ મને એક સમયે ઘણી રાતો ઊંઘવા નથી દીધો, અને એ સમયની મારી ડાયરીની અંદર પણ આ ગીતના લિરિક્સ લખેલા છે. આ ગીત ઘણી બધી રીતે અર્થપૂર્ણ અને સૂચક છે, મેં ઘણા દિવસો સુધી આ ગીત પર પોસ્ટ લખવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે ગીતની અંદર અમુક નાની વસ્તુઓ એટલી સુંદર રીતે વણાયેલી અને રૂપક સ્વરૂપે છે કે એનો મતલબ જ્યારે સમજાય છે ત્યારે જે ખુશી મહેસૂસ થાય છે એ વ્યક્ત નથી થતી. રંગરેઝ ગીતનાં બે વર્ઝન છે, ક્રિસ્ન સોલો અને વડાલી બ્રધર્સ અલગ અલગ ગાયકો દ્વારા ગવાયેલા, લિરિક્સ સરખાં છે, પણ ફિલ્મની અંદર ક્રિસ્ન વાળું વર્ઝન છે, છેલ્લે ખાલી મુખ્ય લાઈન્સ ફરીથી વડાલી બ્રધર્સના અવાજમાં આવે છે. મારા દોસ્ત ઋતુરાજને પણ આ ગીત ખૂબ ગમે છે અને કાલે જ મારા એક સિનિયર અજય અખાણીએ ફેસબુક પર આ ગીત માટે સ્ટેટસ મૂકેલું, આ ગીત એમનું પણ ફેવરિટ છે તો આ પોસ્ટ અજયને સમર્પિત! 


રંગરેઝ એક સમુદાય છે જે મુખ્યત્વે કપડા રંગવાનું કામ કરે છે, ઉત્તર પ્રદેશમાં એમની સંખ્યા સૌથી વધારે છે. (વિકિપીડિયા પેજ- Muslim Rangrez) આ ફિલ્મની વાર્તા અને ગીતનો હાર્દ પણ ઉત્તર પ્રદેશમાં છે. મનોજ/મનુ (આર. માધવન) અને તનુજા/તનુ (કંગના રણૌત) બંનેની અરેન્જ્ડ મેરેજ માટે મુલાકાત થાય છે એ સમયથી જ મનુને તનુથી પ્રેમ છે, પણ તનુને ગમે છે રાજા (જિમી શેરગિલ). ઘણી બધી વખત સંજોગો એવા બને છે કે એ લોકો વારંવાર મળે છે. મનુ તનુના માતા-પિતાને મનાવે છે તનુ અને રાજાના લગ્ન માટે, કારણ કે એને એમ છે કે તનુની ખુશીમાં એ ખુશ રહી શકશે. પણ દિલની અંદર ઊંડે મનુ હજુ પણ તનુને એટલો જ પ્રેમ કરે છે, પ્રેમનાં પાગલપનમાં દર્દ અનુભવાય એટલો પ્રેમ. આ ગીતમાં બંને તનુ માટે લગ્નનાં કપડા ખરીદવા જાય છે એ આખી સ્થિતિમાં મનુની હાલત વિશે ઉલ્લેખ છે, પણ એ સાથે સાથે ગીતની અંદર એક સમયે આપણને તનુની લાગણીઓ વિશે પણ ખ્યાલ આવે છે. ગીતનાં વિડિયો અને ઓડિયો બંનેમાં થોડા શબ્દોનો ફેરફાર છે, વિડિયોમાં અમુક શબ્દો નથી આવતાં, જેટલા લિરિક્સ મને સમજાયા છે એની વિશે અને ગીતની અમુક સ્થિતિ વિશે લખું છું...


એ રંગરેઝ મેરે,
એ રંગરેઝ મેરે,
યે બાત બતા રંગરેઝ મેરે,
યે કૌન સે પાની મેં 
તુને કૌન સા રંગ ઘોલા હૈ,
યે કૌન સે પાની મેં 
તુને કૌન સા રંગ ઘોલા હૈ
કે દિલ બન ગયા સૌદાઈ
મેરા બસંતી ચોલા હૈ,
મેરા બસંતી ચોલા હૈ,


મનુ અને તનુને ખરીદી માટે કાનપુરથી લખનૌ જવાનું છે અને તનુ તૈયાર થઈને બહાર આવે છે. પણ, એણે સફેદ રંગનો સલવાર કમીઝ પહેર્યો છે.  હું માનુ છું ત્યા સુધી એનો કોસ્ટ્યૂમ એટલા માટે સફેદ રંગનો છે કારણ કે એ મનુનાં પ્રેમમાં રંગાઇ નથી, મનુ એના પ્રેમમાં રંગાયેલો છે પૂરેપૂરો, એટલે રંગરેઝ એ સંદર્ભમાં છે. કોઈના પ્રેમની અંદર રંગાવા માટે પૂરેપૂરુ ખાલી અને શુધ્ધ હોવું જરૂરી છે, જે સફેદ રંગની સૂચકતા છે. રસપ્રદ વાત એ છે કે ગીત મનુનાં દિલની અંદરની વાતો કરે છે, એ પૂરેપૂરો રંગાયેલો છે તનુના પ્રેમમાં, તો પણ વધારે રંગાવા માંગે છે, કદાચ એ સંદર્ભમાં પણ રંગરેઝ શબ્દ છે અને એ શબ્દ તનુ માટે પણ હોઈ શકે કે બીજા કોઈ સંદર્ભમાં પણ હોઈ શકે. કારણ કે કોઈપણ માણસની કળાને પૂરેપૂરી સમજવી એ અઘરુ છે કે કઈ વસ્તુ કોની માટે છે. ફિલ્મને જે ડિરેક્ટરે બનાવી હોય એ જ પૂરી સમજી શકે છે, એ જ રીતે ગીતને ગીતકાર અને પોતાના દોરેલા ચિત્રને ચિત્રકાર જ પૂરી રીતે સમજી શકે છે. મારા અને તમારા જેવા લોકો ફક્ત એના વિવિધ અર્થ કાઢી શકે છે, જે ક્યારેક સાચુ હોઈ શકે, ક્યારેક અર્ધસત્ય અને ક્યારેક સત્ય ન પણ હોય. રંગરેઝને પૂછવામાં આવે છે કે એણે પાણીની અંદર એવા તો કેવી રીતે રંગ મિશ્ર કર્યા છે કે દિલ સૌદાઈ થઈ ગયું છે, સૌદાઈનો અર્થ છે પ્રેમનું પાગલપન. 'બસંતી ચૌલા' શબ્દ હમેંશા બલિદાન માટે વપરાય છે, જે મનુના સંદર્ભે છે કે એ પોતાના પ્રેમનું બલિદાન આપવા જઈ રહ્યો છે, તનુના લગ્ન રાજા સાથે નક્કી કરાવીને.


સફેદ રંગની સૂચકતા


અબ તુમસે ક્યા મેં શિકવા કરુ,

મૈને હી કહા થા જીદ કરકે,
રંગ દે ચુનરી પી કે રંગ મેં
(રંગ દે રંગ દે રંગ દે ચુનરી પી કે રંગ મેં)
પર મુએ કપાસ પે રંગ યે ના રુકે
રંગ ઈતના ગહેરા તેરા
કી જાનો જિગર તક ભી રંગ દે,
જિગર રંગ દે...


રંગનારને કેવી રીતે ફરિયાદ કરીએ જો કોઈ કાપડ પર રંગ જ ના ચઢે તો? એનો રંગ તો ઊંડો છે જે દિલની અંદર સુધી રંગાઈ જાય છે. પણ કપાસ વિવિધ રેસાઓથી બનેલું હોય છે અને એના દરેક રેસા પર રંગ ચડતો નથી અથવા ચડે તો લાંબા સમય સુધી રહેતો નથી, તનુના સફેદ રંગના કપડા અને એનો સ્વભાવ પણ મેચ થાય છે આ શબ્દો સાથે! રંગનારને રંગ કરવાનું કહ્યુ છે પણ રંગ ચડતો જ નથી, તનુ મનુના પ્રેમમાં રંગાતી જ નથી! કોઈ ફકીર પાસેથી આશીર્વાદ લેવા માટે તનુ એને બોલાવે છે અને ફકીર મનુને આશીર્વાદ આપે છે ત્યારે મનુ હળવું સ્માઈલ કરે છે, એ એની એ વખતની તનુ સાથેની સ્થિતિ માટે કટાક્ષ છે. 
રંગરેઝ તુને અફીમ ક્યા હૈ ખા લી,

જો મુઝસે તુ યે પૂછે કે કૌન સા રંગ?
રંગો કા કારોબાર હૈ તેરા,
યે તુ હી તો જાને, કૌન સા રંગ


અફીણનું ઘેન ચઢે ત્યારે કંઈ ભાન નથી હોતું, રંગરેઝને એ રીતે પૂછવામાં આવે છે એનું તો કામ જ રંગ કરવાનું છે તો પછી રંગો વિશે એ સામેના માણસને કેવી રીતે પૂછી શકે કે કયો રંગ કરવો છે, આ સ્થિતિમાં તનુ મનુને પોતાના લગ્ન માટેના કપડાનાં રંગોની પસંદગી વિશે પૂછે છે એની ઉપર આ શબ્દો લખવામાં આવેલા હોઈ શકે.

મેરા બાલમ રંગ, 

મેરા સાજન રંગ, 
મેરા કાતિક રંગ,
મેરા અગહન રંગ, 
મેરા ફાગુન રંગ, 
મેરા સાવન રંગ,
પલ પલ રંગતે રંગતે, 
મેરે આઠો પહર મનભાવન રંગ
એક બુંદ ઈશ્કિયા ડાલ કોઈ તુ, 
એક બુંદ ઈશ્કિયા ડાલ કોઈ,
મેરે સાતો સમંદર જાયે રંગ, 
મેરી હદ ભી રંગ,
સરહદ ભી રંગ, બેહદ રંગ દે, 
અન્હદ ભી રંગ દે,
મંદિર મસ્જિદ, મયકદ રંગ, 
(રંગરેઝ મેરે, રંગરેઝ મેરે, રંગરેઝ મેરે)


આ પંક્તિમાંથી અમુક શબ્દો વિડિયો ગીતમાં નથી, પણ જે છે એ બધા શબ્દોમાં મનુ તનુ સાથેની પોતાની ભૂતકાળની સારી પળોને યાદ કરે છે, વિવિધ રંગો સાથે એની યાદો જોડીને. બાલમ અને સાજન પ્રિય પાત્ર માટે વપરાય છે. અહીં ચાર મહિનાઓનો પણ ઉલ્લેખ છે, અગહન એટલે આપણો માર્ગશીર્ષ અથવા માગશર મહિનો. એ સિવાય કાર્તિક/કારતક, ફાગણ અને શ્રાવણ મહિનાનાં રંગો વિશે લખ્યું છે. દરેક મહિનામાં મૌસમ અલગ હોય છે, આકાશ અને ધરતીનાં રંગો જુદા હોય છે. ફાગણમાં હોળીનો તહેવાર આવે છે, જે તો ખુદ રંગોનો ઉત્સવ છે. શ્રાવણનાં સરવડામાં પડતી ધારનાં રંગની ખુશી માટે તો શબ્દો જ નથી! પ્રહર એટલે ત્રણ કલાકનો સમયગાળો, આઠ પ્રહર મળીને એક દિવસ બને છે. આઠ પ્રહર રંગવાનો મતલબ છે ચોવીસ કલાક એ વ્યક્તિનાં ખ્યાલોમાં હોવું! ઈશ્કિયા શબ્દનો કોઈ ચોક્કસ મતલબ નથી, કારણ કે એવો કોઈ શબ્દ જ વાસ્ત્વમાં નથી! પણ એનો અર્થ પ્રેમથી કંઈક વધારે કરી શકાય. જો રંગની અંદર એક બુંદ 'ઈશ્કિયા' નાખવામાં આવે તો એના સાત સમુદ્ર રંગાઈ જશે એવું એને લાગે છે. સાત સમુદ્ર મળીને દુનિયા બને છે, અને એ સમયે મનુની તો દુનિયા જ તનુ છે! એટલે એ શબ્દોનો મતલબ છે કે જો તનુ મનુ પ્રત્યે થોડો પણ પ્રેમ દર્શાવે તો મનુની આખી દુનિયા રંગાઈ જાય! હદ અને સરહદનો સંદર્ભ મને ખ્યાલ નથી, પણ અન્હદ નાદ અવકાશનાં સંદર્ભમાં વપરાય છે. એટલે ત્રણ શબ્દો હદ, સરહદ, અન્હદ ભેગા મળીને પણ દુનિયાનાં સંદર્ભમાં જ કહી શકાય. બેહદ એટલે પુષ્કળ. મયકદ/મૈકદ દક્ષિણ ભારતનાં એક મંદિરનાં સંદર્ભમાં પણ હોઈ શકે, અને મૈકદાનો અર્થ શરાબખાનું પણ થાય છે. ટૂંકમાં મંદિર, મસ્જિદ અને મૈકદ/મયકદ મળીને પણ દુનિયા જ થાય, અને એકતાના સ્વરૂપે પણ લઈ શકાય.  

રંગરેઝ મેરે દો ઘર ક્યૂ રહે,

એક હી રંગ મેં દોનો ઘર રંગ દે, દોનો રંગ દે
પલ પલ રંગતે રંગતે રંગતે રંગતે
નૈહર પીહર કા આંગન રંગ
પલ પલ રંગતે રંગતે રંગતે રંગતે
મેરે આઠો પહર મનભાવન રંગ


બંને ઘરને ભેગા રંગવાનો અર્થ છે એક થઈ જવું, એકબીજામાં ઓતપ્રોત. કોઈ બે પાડોશીઓ સરખી ડિઝાઈન અને ઘરનો રંગ સરખો રાખે તો એમનાં સંબંધની એકતા પ્રતીત થાય છે. અહીં કદાચ દીકરીનાં સંદર્ભમાં છે, દીકરીના બે ઘર- લગ્ન પહેલા પિયર અને લગ્ન પછી સાસરિયું, નૈહર અને પીહર બંનેનો અર્થ દીકરીનું પિયર થાય છે, એ બંને ઘરને સરખી રીતે રંગવાનો મતલબ બંને જગ્યાએ એની સાથે સરખો વ્યવહાર થાય એ માટે. તનુ આ શબ્દોમાં મનુને ગુલાબી અને લીલો એ બે રંગોમાંથી પસંદ કરવાનું કહે છે, એ વખતે પણ મનુ ફ્લેશબેકમાં સરી પડે છે, અને પોતાની મૂર્ખામી પર હસી પડે છે એની તનુ સાથેની યાદોના વજનથી...
નીંદે રંગ દે, કરવટ ભી રંગ, 

ખ્વાબો પે પડે સલવટ ભી રંગ,
યે તુ હી હૈ, હૈરત રંગ દે,
આ દિલ મેં સમા હસરત રંગ દે,
ફિર આજા ઔર વસલટ રંગ દે
જો આ ના શકે તો ફુરકત રંગ દે
દર્દે હિજરા લિયે દિલ મેં દર્દે 
હિજરા લિયે દિલ મેં દર્દે 
મૈ જિંદા રહૂ, મૈ જિંદા રહૂ, જુરુરત રંગ દે


કરવટ એટલે પડખુ, સલવટ એટલે સળ, હૈરત એટલે આશ્ચર્ય, સમા એટલે સાંભળવું, હસરત એટલે ઇચ્છા. મનુની પોતાની ઊંઘ, ઊંઘમાં બદલાતા પડખાઓ અને દિલની સંભળાતી દરેક ઇચ્છામાં પણ તનુ છવાઈ ગઈ છે. વસલટ મને ખ્યાલ નથી. ફુરકત એટલે જુદાઈ, જો તનુ મનુની પાસે આવી ન શકે તો જુદાઈને પણ રંગવા કહે છે, કારણ કે એનું દિલ દર્દમાં તડપે છે અને એ જીવતો રહે માટે એનો પ્રેમ જરૂરી છે.

રંગરેઝ મેરે, રંગરેઝ મેરે,

તેરા ક્યા હૈ અસલી રંગ,
અબ તો યે દિખલા દે,
મેરા પિયા ભી તુ,
મેરી સેજ ભી તુ,
મેરા રંગ ભી તુ, રંગરેઝ ભી તુ,
મેરી નૈયા ભી તુ, મજધાર ભી,
તુઝમેં ડૂબુ, તુઝમેં ઉભરૂ,
તેરી હર એક બાત સર આંખો પે, 
મેરા માલિક તુ, મેરા સાહિબ તુ,
મેરી જાન, મેરી જાન, તેરે હાથો મેં,
મેરા કાતિલ તુ, મેરા મુનસિફ તુ,
તેરે બિના કુછ સુઝે ના,
તેરે બિના કુછ સુઝે ના,


દુકાનમાંથી બહાર નીકળ્યા પછી તનુ આગળ ચાલતી જાય છે અને મનુ એને તાકીને ઊભો રહે છે કારણ કે એ ઓળખી શકતો નથી કે તનુને એની માટે કોઈ લાગણી છે પણ કે નહીં. બંને જે જગ્યાઓએ ઊભા છે એમાં સિનેમટોગ્રાફી એ રીતે છે કે એમનાં ચહેરાનો અડધો જ ભાગ સ્પષ્ટ દેખાય છે, એમનાં મનની અંદર શું ચાલે છે એ આપણે સંપૂર્ણ રીતે નથી જાણી શકતાં એ જ રીતે! પિયા એટલે પ્રેમી, સેજ એટલે પથારી થાય છે, પ્રેમ મોટેભાગે દર્દ આપે છે, પથારી સૂકુન આપે છે, આખા દિવસનાં થાક પછી માણસ પથારીમાં નીંદ માણે છે, આ પણ એક કટાક્ષ છે, એ જ રીતે નૈયા એટલે કે હોડીની સાથે તનુને સરખાવી છે, મઝધાર એટલે નદી કે સમુદ્રની મધદરિયે, એની અંદર ડૂબવું, અને કિનારે પહોંચવું, પ્રેમ હમેંશા આ રીતે છે. ગમતી વ્યક્તિની અમુક આદતો ગમે છે, અમુક નથી ગમતી, એની સાથે આને સરખાવી શકાય. મુનસિફ એટલે ન્યાય.  મેરી રાહ ભી તુ, મેરા રહબર તુ,

મેરા સરવર તુ, મેરા અકબર તુ,
મેરા મસરિક તુ, મેરા મગરિબ તુ,
ઝાહિદ ભી મેરા, મુર્શિદ ભી તુ,
અબ તેરે બિના મૈ જાઉ કહા,
જાઉ કહા,
તેરે બિના અબ જાઉ કહા,
તેરે બિના અબ મૈ જાઉ કહા,...

તેરે બિના તેરે બિના તેરે બિના (પુનરાવર્તન)


આ બધામાંથી અમુક શબ્દો પર્શિયન છે, અમુક બીજી ભાષા છે, એમાંથી ઝાહિદ એટલે સંસ્કૃતિ અને મુર્શિદ એટલે સલાહકાર, સરવરનો અર્થ નેતા થાય છે પર્શિયનમાં, એનો અહીં શું મતલબ છે એ ખ્યાલ નથી, અકબરને ભગવાનની જેમ પૂજવામાં આવતો હતો, મશરિક ઈજિપ્તનો એક ધર્મ છે, જેનો વિકિપીડિયા પર અર્થ સૂર્યોદય થતો હોય એ જગ્યા પણ છે! મગરિબ દિવસમાં પાંચ વખત પઢવામાં આવતી નમાઝમાંથી ચોથી નમાઝ છે, જે સૂર્યાસ્તનાં તરત પછી પઢવામાં આવે છે, તો મશરિક અને મગરિબ એટલે ફરી સમય સાથે જ સંદર્ભ થયો કે સવારથી સાંજ સુધી. હું જેમ જેમ આ શબ્દો જાણું છું ગૂગલ પરથી, એટલું જ ગીત વધારે પસંદ પડતું જાય છે!!  આ શબ્દો વખતે જે સ્થિતિ છે વિડિયોમાં એનાં ઘણા અર્થ નીકળી શકે છે, પણ સાચો અર્થ કયો છે એ ખબર નથી. તનુ અને મનુ બંને એ ગલીમાંથી બહાર નીકળી રહ્યા છે અને આપણે ફક્ત તનુની સ્થિતિ જોઈ શકીએ છીએ, એને અચાનક એમ થાય છે કે અંધારુ ઘેરાઈ ગયું છે અને ખૂબ પવન સાથે વરસાદ શરૂ થયો છે, ગાઢ અંધકારની સાથે વરસાદ ભયનું રૂપક છે. એ કદાચ પોતાનું ભવિષ્ય જોતી હોઈ શકે કે એની જિંદગી રાજા સાથેના લગ્ન પછી કેવી થઈ શકે. એ ત્યાં જ ઊભી છે અને મનુ આગળ ચાલે છે, બીજી શક્યતા એ છે કે એ કદાચ પોતાની જાતને મનુની જગ્યાએ જુએ છે કે પ્રેમમાં મનુને કેટલું દર્દ થતું હશે. કારણ કે એ પછીની વાતચીતમાં એ મનુને જે સવાલ પૂછે છે એનો મતલબ પણ એ જ નીકળે કે એ મનુની સ્થિતિ જાણવા માંગે છે.

આ પછી તનુ અને મનુની વાત થાય છે, મનુનો એ ડાયલોગ ખૂબ ઈમોશનલ છે મારી માટે. એ પછી રાજા આવે છે અને તનુને એની સાથે જવું પડે છે અને આપણે ફરીથી ગીતની મુખ્ય લાઈન્સ સાંભળીએ છીએ, પણ આ વખતે વડાલી બ્રધર્સના અવાજમાં અને એ સાથે આપણે જોઈએ છીએ તનુના ચહેરા પરની મૂંઝવણ અને મનુ અંગે નિર્ણય લેવાની અસમંજસ. એક એવો નિર્ણય જેની સાથે એની જિંદગી બદલાઈ શકે.


એ રંગરેઝ મેરે 

એ રંગરેઝ મેરે 
યે બાત બતા રંગરેઝ મેરે
યે કૌન સે પાની મેં
તુને કૌન સા રંગ ઘોલા હૈ,
યે કૌન સે પાની મેં
તુને કૌન સા રંગ ઘોલા હૈ, 
કે દિલ બન ગયા સૌદાઈ, 
મેરા બસંતી ચોલા હૈ,
મેરા બસંતી ચોલા હૈ


ટ્રાફિક વાળો રસ્તો અને વાતચીતમાં ખોવાઈ ગયાં બાદ
રસ્તામાં ટ્રાફિક ક્લિયર થયો એનો તનુ અને મનુને ખ્યાલ પણ નથી,
છેલ્લે તનુના ચહેરાની અસમંજસઆ ગીત પ્રેમનાં પાગલપન અને દર્દને વ્યક્ત કરે છે, તેમ છતાં ગીતનાં ઘણા શબ્દો બેહદ ખુશી આપે છે. મને હજુ પણ ઘણા ઘણા શબ્દો ખ્યાલ નથી, તેમ છતાં આ ગીત એક એડિક્શન છે, જેમને પણ આ ગીત ખૂબ ગમતું હશે એમને ખ્યાલ હશે કે આ ગીત એમની સાથે જોડાયેલી આદત બની ગઈ છે! ઓરિજિનલ વેબસાઈટ પર ગીતનાં શબ્દોનું અંગેજી ભાષાંતર પણ છે... અમુક શબ્દો માટે મેં એ લીંક અને ગૂગલની મદદ લીધી છે, લીંક અહીંયા...  
Rangrez Lyrics English Translation

Monday, 9 January 2017

એર શો - ગાંધીનગર (૯ જાન્યુઆરી ૨૦૧૭)

વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ અંતર્ગત ૯ જાન્યુઆરી ૨૦૧૭નાં રોજ યોજાયેલ એર શો 
સ્થળ - ગાંધીનગર, ગુજરાત 
મારા દ્વારા કેપ્ચર કરાયેલો વીડિયોSaturday, 7 January 2017

જો વાદા કિયા વો નિભાના પડેગા


ફિલ્મ - તાજ મહલ (૧૯૬૩)
ગીતકાર - સાહિર લુધિયાણવી
સંગીત - રોશન
ગાયક - મોહમ્મ્દ રફી અને લતા મંગેશકરતમારો બેસ્ટ ફ્રેન્ડ તમને વોટ્સએપ પર એક ઓડિયો મોકલે, તમે કહો કો સાંભળીને પછી જવાબ આપશો. સવારે તમે સાંભળો અને આ સુંદર ગીત છે એ ઓડિયોમાં, તો દિલ ખુશ થઈ જાય, અને તમે ગીતના શબ્દો ઓફિસમાં બેઠા બેઠા પણ મનમાં ગણગણો! વેલ, એ જ થયું આજે મારી સાથે. મારા દોસ્ત કુંતલનો મેસેજ હતો રાત્રે, એમાં હતું આ ગીત. મેં પહેલા પણ સાંભળ્યું છે, પણ ઘણા સમયથી સાંભળ્યું નહોતું, તો હવે આ ગીત પર પોસ્ટ તો લખવી જ પડે!  

જો વાદા કિયા વો નિભાના પડેગા
રોકે જમાના ચાહે, રોકે ખુદાઈ, 
તુમકો આના પડેગા


જે વાયદો કર્યો છે, એ તો નિભાવવો જ પડશે. પછી સમાજ રોકે કે ખુદ ઇશ્વર, પણ મારી પાસે આવવું પડશે તારે. આ ફિલ્મ શાહજહાં અને અને મુમતાઝ મહલ પર છે, જેમની પ્રેમ કહાનીની સાબિતી રૂપ આગ્રાનો તાજ મહલ દુનિયાભરમાં મશહૂર છે. અહીં એ બંને વચ્ચેની વાત છે.


તરસતી નિગાહો ને આવાઝ દી હૈ
મોહબ્બત કી રાહો ને આવાઝ દી હૈ
જાન-એ-હયા, જાન-એ-અદા,
છોડો તરસાના, તુમકો આના પડેગા


શાહજહાંની આંખોમાં પ્રેમની તરસ છે અને બંનેના પ્રેમનો જે રસ્તો છે (એમની વચ્ચેનું અંતર), એ રસ્તો પણ મુમતાઝને શાહજહાંની પાસે બોલાવે છે. હયા એટલે શરમ, અહીં મુમતાઝને શરમ છોડવાની સલાહ આપી શાહજહાં કહે છે કે મહોબ્બતમાં એને વધારે ન તરસાવે અને એની પાસે આવે અને એકરૂપ થઈ જાય.


યે માના હમે જાં સે જાના પડેગા
પર યે સમઝ લો તુમને જબ ભી પુકારા,
હમકો આના પડેગા

મોત આવે પછી એમણે આ દુનિયામાંથી વિદાય લેવી પડશે, પણ એમનો પ્રેમ શાશ્વત છે. જ્યારે એકબીજાને બોલાવશે ત્યારે હાજર થશે. એનો અર્થ ઘણી બધી વાર એ રીતે હોય છે કે લોકો મૃત્યુ પામે છે. પણ, એમનો પ્રેમ જીવિત રહે છે.


હમ અપની વફા પે ના ઈલ્જામ લેંગે
તુમ્હે દિલ દિયા હૈ, તુમ્હે જાન ભી દેંગે
જબ ઇશ્ક કા સૌદા કિયા, ફિર ક્યા ઘબરાના
હમકો આના પડેગા

જો કોઈ એની વફા પર શક કરશે, તો એવો આરોપ એ સહન નહીં કરે, એટલો બેશુમાર પ્રેમ છે એમનો. દિલ આપ્યા પછી જિંદગી પણ આપવા તૈયાર છે, કારણ કે પ્રેમરૂપી સોદાગીરીમાં હવે કંઈ જ ગભરાવાનું રહ્યુ નથી.


ચમકતે હૈ જબ તક યે ચાંદ ઔર તારે
ના ટૂટેંગે અબ એહદ-ઓ-પૈમાં હમારે
એક દૂસરા જબ દે સદા,
હો કે દીવાના હમકો આના પડેગા

જ્યાં સુધી આ દુનિયામાં ચંદ્ર અને તારા છે, ત્યાં સુધી એમનો વાયદો નહી તૂટે. પૈમાં એટલે વાયદો. સદાનો અર્થ કાયમી થાય છે, એ બંને કાયમ રહેશે એકબીજાની સાથે. આ બધા શબ્દો અને અર્થ અનંતકાળ અને મરણોત્તર જીવન માટે છે.


P.S. - આ ગીત મેં ખૂબ ઓછી વખત જોયું છે, અને મને ફક્ત અમુક મતલબ સમજાય છે, અમુક મેં ગૂગલ કર્યુ છે. આ ગીતની વધારે માહિતી મારી પાસે નથી. 


ગીતની લિરિક્સ સાથેની વીડિયો લીંક -


                

Thursday, 5 January 2017

જગ ઘૂમેયા

ફિલ્મ: સુલતાન (૨૦૧૬)
ગીતકાર : ઈર્શાદ કામિલ
સંગીત : વિશાલ - શેખર
ગાયક : રાહત ફતેહ અલી ખાનઆ ગીત મેં લાંબા સમય સુધી સાંભળ્યું જ નહોતું. મને ખ્યાલ જ નહોતો આ ગીત વિશે, એકવાર મારા કઝિનને ત્યાં ટીવી પર જોયું, તો મને લાગ્યુ કે આ લિરિક્સ તો ઈર્શાદ કામિલ જ લખી શકે, અને ગૂગલ કર્યુ તો હું સાચો પડ્યો! એ પછી કેટલીય વખત સાંભળ્યું અને કેટલીય વખત જોયું ગીત. અમુક વસ્તુઓ એવી મળી ગીતની અંદર કે બેશક ૨૦૧૬નાં સૌથી સારા ગીતોમાં આ ગીતને મૂકી શકાય. 

સૌથી પહેલાં રાહત ફતેહ અલી ખાનનો અવાજ, સાંભળીએ એટલે જ 'સુફિયાના' ફીલિંગ આવી જાય; એ અવાજ દિમાગની અંદર ઘૂમતો રહે છે, એક સુકૂનની ફીલ આપે છે, એમના નામ રાહતની જેમ. એની અંદર ભળે છે ઈર્શાદ કામિલનાં શબ્દો ; વિશાલ - શેખરનું સંગીત, અને બધું ભેગું થઈને ગીત એક સરસ રાગિણી બની જાય છે.

દિલ પર તાલ!


ના વો અખિયા રુહાની કહી
ના વો ચહેરા નુરાની કહી
કહી દિલ વાલી બાતે ભી ના
ના વો સજરી જવાની કહી

જગ ઘૂમેયા, તારે જૈસા ન કોઈ


સુલતાન એક ક્લબમાં આ ગીત ગાય છે, અને એ વખતે આરફાને યાદ કરે છે, એના દિમાગની અંદરના ખ્યાલો આપણે જોઈએ છીએ. એની પાસે એ વખતે સંગીતનું કોઈ સાધન નથી એટલે એ દિલ પર તાલ આપીને ગીતની શરૂઆત કરે છે!! પહેલી જ લાઈનનાં શબ્દોમાં છે, "ના વો અખિયા રુહાની કહીં, ના વો ચહેરા નૂરાની કહીં..." નૂરાની એટલે કે તેજસ્વી. નૂરાની ચહેરા વિશે ઘણા ગીતોમાં ઉલ્લેખ હોય છે, પણ રુહાની આંખો કેટલો સરસ વિચાર છે! રુહાની એટલે આધ્યાત્મિક. આધ્યાત્મિક આંખો મેં તો પહેલી વાર સાંભળ્યું, મોટાભાગના ગીતોમાં કાળી કે કથ્થાઈ રંગની કે ઝીલના ઊંડા પાણી જેવી આંખો વિશે સાંભળ્યું છે, પણ આધ્યાત્મિક આંખો કંઈક નવું છે! સુલતાન (સલમાન ખાન) અને આરફા (અનુશ્કા શર્મા) હાલ એકબીજા પાસે નથી, અને આરફાને યાદ કરીને એની તારીફમાં સુલતાન આ ગીત ગાય છે. આરફા જેવી વાતો કરતી હતી, એવી વાતો સુલતાન સાથે કોઈ કરતું નથી, કારણ કે એ દિલની વાતો હતી! 'સજરી જવાની' મને ખબર નથી, પણ એ શબ્દો આરફાની સુંદરતા માટે છે એ ૧૦૦% સાચી વાત!! 

એના બધા ગુણોનાં વખાણ કરીને એ કહે છે, "જૈસી તુ હૈ વૈસી રહેના", કારણ કે એણે દુનિયા ફરી લીધી તો પણ એના જેવી કોઈ બીજી ના મળી. એટલે સુલતાન આરફાને યાદ કરીને એનામાં બદલાવ ન લાવવા કહે છે. આ પહેલા કોઈ વ્યક્તિને એનામાં બદલાવ ન લાવવા માટેના લિરિક્સ મને યાદ હોય તો એ 'દિલ્હી ૬' ફિલ્મનાં ગીત 'રહેના તુ' (પ્રસૂન જોશી અને એ. આર. રહેમાન) ( એ ગીત વિશે મેં લખેલી પોસ્ટ વાંચવા અહીં ક્લિક કરો -  રહેના તુ )

ના તો હસના રુમાની કહી
ના તો ખુશ્બુ સુહાની કહી
ના વો રંગલી અદાયે દેખી
ના વો પ્યારી સી નાદાની કહી
જૈસી તુ હૈ વૈસી રહેના

જગ ઘૂમેયા, તારે જૈસા ના કોઈ


આરફાનું જે સ્માઈલ છે, એ સુલતાનને રોમેન્ટિક (રુમાની) લાગે છે! સુલતાન કહે છે, એને આરફા જેવી ખુશ્બુ નથી મળતી. ("ના તો ખુશ્બુ સુહાની કહીં") મારા બેસ્ટ ફ્રેન્ડ ઋતુરાજે એકવાર મને કહેલું કે દરેક માણસની એક ખુશ્બુ હોય છે. કોઈ દરરોજ વિશિષ્ટ જાતનો સાબુ લગાવીને આવતું હોય તો એનામાંથી એ સાબુની સુગંધ આવે છે, કોઈનું શેમ્પૂ કે કોઈનું પરફ્યુમ કે નેલ પોલિશ કે બીજું કંઈ પણ. એ માણસ જ્યારે પાસે નથી હોતું ત્યારે એની સુગંધ અમુક વખત મહેસૂસ થાય છે. એની પરથી મને બીજા લિરિક્સ યાદ આવે છે, "મેં સાંસ લેતા હૂ, તેરી ખુશ્બુ આતી હૈ" ( એ ગીત વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો - પલ પલ દિલ કે પાસ ) આરફા જેવી અદાઓ અને નાદાની બીજા કોઈ પાસે નથી.


ફેમસ ડાન્સ સ્ટેપબારિશો કે મૌસમો કી ભીગી હરિયાલી તુ
સર્દિયો મેં ગાલો પે જો આતી હૈ વો લાલી તુ
રાતો કા સુકૂન...
રાતો કા સુકૂન ભી હૈ
સુબહ કી અઝાન હૈ
ચાહતો કી ચાદરો મેં, મૈને હૈ સંભાલી તુ

વરસાદની ઋતુ એટલે કે ચોમાસામાં જે ભીંજાયેલી હરિયાળી હોય છે એની સાથે સુલતાન આરફાને સરખાવે છે, એ લીલી હરિયાળી એવી છે કે જોઈને દિલ ખુશ થઈ જાય છે, ઉપરથી એમાં તાજા વરસાદની ખુશ્બુ ભળે તો વાત કંઈક અલગ છે! એ ફીલિંગ સુલતાન આરફાને યાદ કરે એ વખતે એને મળે છે. શિયાળામાં વધારે ઠંડીમાં ગાલ થોડા ગુલાબી કે લાલ રંગનાં થઈ જાય છે, એ લાલી સાથે આરફાને સરખાવવામાં આવી છે. આખા દિવસના થાક પછી રાતે જે શાંતિ, જે સુકૂન મળે અને સવારે જે અઝાન (પ્રાર્થના) થાય એની સાથે આરફાને સરખાવી છે! હાઉ બ્યૂટિફુલ ઈટ ઈઝ! સુલતાને ચાહતોની ચાદરોમાં એટલે કે એના દિલની અંદર સાચવી છે આરફાને...!
કહી અગ જૈસી જલતી હૈ
બને બરખા કા પાની કહી
કભી મન જાના ચુપકે સે
યુ હી અપની ચલાની કહી
જૈસી તુ હૈ વૈસી રહેના

જગ ઘૂમેયા, તારે જૈસા ના કોઈ

આ પંક્તિઓમાં આરફાના સ્વભાવ વિશે છે, ક્યારેક આગની જેમ ગુસ્સે થાય છે, ક્યારેક બરખા એટલે કે વરસાદનું પાણી, જે આગથી એકદમ વિપરીત છે! ક્યારેક આરફા શાંતિથી માની જાય છે, ક્યારેક મનમાની કરે છે, પણ એ જેવી પણ છે, એવી જ સુલતાનને ગમે છે. એટલે સુલતાન એને કહે છે, જેવી છે એવી જ રહેજે!
અપને નસીબો મેં યા
હૌસલે કી બાતો મેં
સુખો ઔર દુખો વાલી
સારી સૌગાતો મેં
સંગ તુઝે રખના હૈ
સંગ તુઝે રખના હૈ, 
સંગ તુઝે રહેના

સુલતાનના નસીબમાં, એના ઉત્સાહમાં, સુખ અને દુ:ખની સૌગાત એટલે કે ભેટમાં સુલતાન આરફાને પોતાની સાથે રાખવા માંગે છે, એટલે એની સાથે જીવન વીતાવવા માંગે છે. 
મેરી દુનિયા મેં ભી
મેરે જજ્બાતો મેં
તેરી મિલતી નિશાની કહી
જો હૈ સબકો દિખાની કહી
તુ તો જાનતી હૈ મરકે ભી
મુઝે આતી હૈ નિભાની કહી
વો હી કરના જો હૈ કહેના
જગ ઘૂમેયા, તારે જૈસા ના કોઈ

સુલતાનની દુનિયામાં, એની લાગણીઓમાં જો આરફાની કોઈ નિશાની મળે તો એ લોકોને બતાવે છે! સુલતાન કહે છે આરફાને કે એ તો જાણે જ છે કે એ વાયદાનો કેટલો પાક્કો છે, એ જ કરે છે જે એ કહે છે, અને મર્યા પછી પણ એણે જે કહ્યુ છે એ નિભાવતા એને આવડે છે! આખુ માણસ જેવું છે એવું જ સ્વીકારીને થતો સર્વોત્તમ પ્રેમ.
આરફાના નામનો મતલબ થાય છે મહાનતા. બીજો એક મતલબ પ્રોત્સાહિત કરવું પણ થાય છે, પ્રેમનો અર્થ સુખ-દુ:ખમાં સાથ નિભાવવો થાય છે, એણે પ્રોત્સાહિત કર્યો છે સુલતાનને એની કરિયર માટે! ગીતમાં આરફાના પહેરેલા કપડામાં મેઘધનુષ્યનાં રંગોમાંથી છ રંગો છે, ખેતરોમાં દોડતી વખતે લાલ, બીજા એક ખેતરનાં સીનમાં પીળો, છાણાં થેપતી વખતે જાંબલી, વરસાદની રાતે ઠંડીમાં સગડી લઈને આવતી વખતે નીલો, ધાબે સુલતાનની સાથે હોય છે એ વખતે લીલો અને છેલ્લે શેરડીનાં ખેતરોમાં વાદળી. આ બધા રંગોનાં કપડા પહેર્યા છે એણે. અને કેસરી રંગ મેં ક્લબની લાઈટિંગ અને ઘરની ઈંટોમાં શોધી કાઢ્યો છે! એટલે એક રીતે આ ગીતને 'પ્રેમનું મેઘધનુષ્ય' પણ કહી શકાય!

મેધધનુષ્યનાં રંગોમાંથી નીલો, લીલો,
વાદળી. જાંબલી,
પીળો, કેસરી અને લાલ