Monday, 30 January 2017

ઉડતા પંજાબ (૨૦૧૬) - ડ્રગ્સની ખરાબ આદતમાંથી છૂટવાની મથામણ અને સારા સમયની આશા




ફિલ્મ સ્પોઈલર્સ


અભિષેક ચૌબેની 'ઉડતા પંજાબ' ડ્રગ્સ, હિંસા અને ખરાબ સમયમાંથી સારા સમય તરફ જવાની વાર્તા છે. મોટાભાગનાં પાત્રોની કોઈને કોઈ લડત છે; સિસ્ટમ સામે, ભ્રષ્ટાચાર સામે, નસીબ સામે અને ડ્રગ્સ છોડવા માટે પોતાની જાત સાથે, ચાર મુખ્ય પાત્રો સિવાય પણ ઘણી બધી વસ્તુઓથી ફિલ્મ જોડાય છે. આ યશ ચોપરાની ફિલ્મનું પંજાબ નથી, અહીં હિંસા છે, વાસ્તવિકતા છે. 


ટોમી સિંઘ (શાહિદ કપૂર) રોકસ્ટાર છે, એ યુવા પેઢીમાં પ્રખ્યાત છે એના ગીતોથી. એ મોટેભાગે નશામાં ચૂર રહે છે. એને ખબર જ નથી કે એના ગીતોની યુવાનો પર કેવી અસર પડે છે. આ પાત્ર એ લોકો જેવું છે જે સફળતાનાં નશામાં (અને અહીં ડ્રગ્સનાં નશામાં પણ) જીવે છે. આસપાસનાં લોકોની મોટાભાગની વાત એના મગજમાં ઉતરી શકતી નથી. ટોમીના જેલ વાળા સીનમાં એને અહેસાસ થાય છે કે ડ્રગ્સ કેટલી ખરાબ અસર કરી શકે, જ્યારે બે છોકરા એને કહે છે એમણે નશા માટે પૈસા ન આપનારી પોતાની માતાની હત્યા કરી, એ લોકો અજાણ છે, નશાની અસરમાં જ એમણે એ કર્યુ હોવું જોઈએ, જે રીતે ટોમી પોતાના કાકાને (સતીશ કૌશિક) ગોળી મારે છે.  


ટોમી સિંઘ (શાહિદ કપૂર)


સરતાજ સિંઘ (દિલજીત દોસાંઝ) આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર છે, એ સિસ્ટમની અંદર ભ્રષ્ટ છે. એ નોકરી અને ઘરની જવાબદારી બંનેને બેલેન્સ કરી શકતો નથી, એ પોતાના કામમાં ઘણીવાર ખોટુ કરે છે, ડ્રગ્સ સપ્લાય કરનાર પાસેથી હપ્તા લઈને અને ક્યારેક મળેલું ડ્રગ્સ વેચીને. પણ જ્યારે એનો ભાઈ એ જ ડ્રગ્સ લે છે એની જાણ થાય છે ત્યારે એની આંખો ખુલે છે. 

એ. એસ. આઈ. સરતાજ સિંઘ (દિલજીત દોસાંઝ)


ડૉ. પ્રીત સહાની (કરીના કપૂર ખાન) પોતાના ક્લિનિકની સાથે સાથે ડ્રગ્સમાં સપડાયેલા લોકોને એમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. એક સીનમાં એ સરતાજને કહે છે કે એ લોકોએ ભ્રષ્ટાચાર, સિસ્ટમ અને અધિકારીઓ સાથે તો લડવું જ પડશે પણ સાચી લડત છે એ લોકોની જેમણે ખુદ પોતાની ડ્રગ્સની આદત છોડવાની છે. સરતાજ એને કહે છે એની આસપાસ આટલી ગંદકી છે તો પણ એ એકદમ ક્લીન છે, ડિગ્નિફાઈડ અને વક્રોક્તિ એ છે કે એનું પાત્ર જેણે ફિલ્મમાં ક્યારેય કંઈ જ ખોટુ નથી કર્યુ એ જ જીવિત રહેતું નથી! પ્રીત લડવા માંગે છે એ લોકો સામે જે ડ્રગ્સ બનાવે છે અને થોડે અંશે એને સરતાજનો સાથ પણ મળે છે, પણ અંતે કોઈ વાંક વિના એ મોતને ભેટે છે.

ડૉ. પ્રીત સહાની (કરીના કપૂર ખાન)

સરતાજ અને પ્રીતનાં પાત્રો એકબીજા સાથે જોડાયેલાં છે એ આપણને ખબર જ છે એ છતાં એ બંને એકબીજાની સાથે વાત કરવા માટે પાછળ આવે છે એ સીન્સ પણ એની સાબિતી છે. પહેલી વખત એ બંને હોસ્પિટલમાં મળે છે એ વખતે સરતાજ પ્રીતની પાછળ દોડે છે એના ભાઈની સ્થિતિ વિશે પૂછવા. બીજી વખત જ્યારે સરતાજ પ્રીતને ઘેર આવે છે અને પાછો જતો હોય છે ત્યારે પ્રીત એને કહે છે કે એ લોકોએ ડ્રગ્સ બનાવે છે એ લોકો સુધી પહોંચવું પડશે એ સીન. ત્રીજો સીન એ લોકો છેલ્લી વખત મળે છે ત્યારે પ્રીત એની પાછળ આવે છે કોફી માટે પૂછવા. આ સીન્સ વચ્ચે કંઈક કનેક્શન જરૂર હોવું જોઈએ, પણ મને ખ્યાલ નથી આવતો. 



અનામી બિહારી મજૂર (આલિયા ભટ્ટ)


ફિલ્મનું સૌથી રસપ્રદ પાત્ર છે આલિયા ભટ્ટનું, એ પાત્રનું સાચુ નામ આપણે જાણી જ શકતાં નથી, ક્યારેક બઉરિયા, ક્યારેક પગલેટ અને છેલ્લે મેરી જેન. ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ નામ મેરી જેન લખ્યું છે, પણ મારુ માનવું છે સાચુ નામ એ નથી. એ જાણી શકીશું જ નહીં. એ ખાલી સરળતા માટે છે. એ સૌથી ટ્રેજિક કેરેક્ટર છે. બિહારથી એ આવી છે પંજાબ, અને ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ટોમી સાથેની મુલાકાતનાં સીનમાં એ કહે છે કે ડિસ્ટ્રિક્ટ લેવલની હોકી ચેમ્પિયન હતી એ. ડ્રગ્સનું પેકેટ વેચવા માટે ફોન કરતી વખતનો એનો સીન ગજબ છે, એ ફટાફટ કાગળ અને પેન શોધે છે સરનામું લખવા માટે અને પછી એને મળનારા પૈસાની ગણતરી કરીને અચરજ પામે છે. એ બીજા લોકો દ્વારા ફસાઈ ગઈ છે ખોટી આદતોમાં, જિંદગી સ્થિર થઈ ગઈ છે, અને એ પણ ખરાબ સમયમાં, એણે સ્વપ્નમાં પણ વિચાર્યુ નહીં હોય કે સારા સમયની રાહ શોધવામાં એની એ હાલત થશે. પણ એ હારી નથી, એ મજબૂત છે. ટોમી સાથેની મુલાકાતનાં સીનમાં એ કહે છે કે જ્યારે એનો ખરાબ સમય પૂરો થઈને સારો સમય આવશે ત્યારે એ પૂછશે એ સમયને કે ક્યાં હતો અત્યાર સુધી અને એ કહેશે કે એ તૂટી નથી. એ કહે છે કે એને જ્યાં પૂરી રાખી છે એ રૂમમાંથી એને એક પોસ્ટર દેખાય છે ગોવાનાં હોલિડે પેકેજ માટેનું, એ પોસ્ટર એનો સારો સમય છે અને એ પોસ્ટરને લીધે જ ટોમી એને ફરી મળે છે. એનું પાત્ર ટોમી સાથે જોડાયેલ છે એની માટે ઘણી સાબિતી છે, એ જયારે ડ્રગસથી મળનારા પૈસાની ગણતરી કરે છે એ વખતે નવાઈ પામે છે અને એની આંખોના શોટ પછી તરત આપણે ટોમીની આંખો જોઈએ છીએ, જેલમાં, એને જ્યારે નશો કરાવવામાં આવે છે ત્યારે ધીમે ધીમે ઉડ્યા પછી એ ધબ દઈને પાણીમાં પડે છે, તરતી હોય એવો ભાસ થાય છે એને, એ સ્થિતિમાંથી એને બહાર નીકળવું છે અને એક પ્રકાશ જુએ છે, એ તરફ જવા માટે એ મથે છે અને તરત પછીના સીનમાં ટોમી દેખાય છે એની સ્વિમિંગ પુલમાં પહેરેલી લાઈટ વાળી હેટ સાથે. એ ઈશારો એ તરફ છે કે ટોમી જ એનો પ્રકાશ છે, જે એને બચાવશે આ ખરાબ સ્થિતિમાંથી.  


અંધારામાંથી પ્રકાશ તરફ




સારા સમયની આશા સમાન પોસ્ટર



આ બધા પાત્રો પછી ફિલ્મનું મહત્વનું પાત્ર છે સરતાજનો નાનો ભાઈ બલ્લી (પ્રભજ્યોત સિંઘ). આરજે ધ્વનિતે આ ફિલ્મના રિવ્યૂ વખતે કહેલું કે આ પાત્ર પંજાબનું યુથ રિપ્રઝેન્ટ કરે છે અને એ વાત બિલકુલ સાચી છે. એ બીજા ઘણા યુવાનોની જેમ રોકસ્ટાર ટોમી સિંઘ પાછળ ઘેલો છે. એના રૂમનાં દરવાજા પર ટોમીનું પોસ્ટર છે. એના પાત્રને હાથે જ પ્રીતનું મોત થાય છે અને એના પાત્રને કારણે જ "મેરી જેન" ડ્રગ્સ વેચનાર ડીલરને મળે છે અને એની ખરાબ હાલત થાય છે. આ બંને મુખ્ય સ્ત્રી પાત્રો બલ્લી સાથે આ રીતે જોડાયેલ છે એનું એક કારણ કદાચ ડ્રગ્સને લીધે થતું નુકશાન બતાવવા માટે છે. કારણ કે ડ્રગ્સનાં નશામાં જ બલ્લીની મુલાકાત "મેરી જેન" સાથે થાય છે અને એ પોતાના ડ્રગ્સ માટે વધારે પૈસા મેળવવાની લાલચમાં એની પાસેથી કમિશન માંગે છે, અને રિહેબિલેશન સેન્ટરમાંથી છૂટવા માટે એ પ્રીતને મારે છે. આ બધી વસ્તુઓ દર્શાવે છે કે ડ્રગ્સ કેટલી ખતરનાક વસ્તુ છે અને એમાંથી બહાર એ વ્યક્તિ પોતે જ આવી શકે, ભલે બીજા લોકો ગમે તેટલો પ્રયત્ન કરે, અંતમાં તો એનાં મનોબળને લીધે જ શકય બની શકે. 

બલ્લીનાં રૂમમાં ટોમીનું પોસ્ટર 

ફિલ્મનાં બીજા અમુક નાના પાત્રો પણ દિમાગ પર ઘણી ગંભીર છાપ છોડે છે. સરતાજનો સિનિયર ઓફિસર ઝુજર સિંઘ (માનવ વીજ) ઘણી વાર સરતાજ પાસે ખોટા કામ કરાવે છે, કારણ કે એ એનો દૂરનો કઝિન પણ છે. "મેરી જેન"નાં પાત્ર સાથે થતાં એબ્યૂઝમાં બીજા લોકોની સાથે એનું પાત્ર પણ જોડાય છે. "મેરી જેન"ને જ્યાં રખાઈ છે, એ સુલતાનપુરનાં એ ઘરના લોકો પણ એના દૂરનાં કઝિન છે, એટલે સરતાજની સાથે પણ એમનો સંબંધ થયો. બલ્લી જ્યારે પ્રીતની હત્યા કરે છે ત્યારે એને ત્યાં જ છુપાવીને રહેવાની સલાહ અપાય છે. ફિલ્મની અંદર એક પાત્ર છે ટોમીનો કઝિન જસ્સી (સુહૈલ નાયર). એ ટોમીનું હમેંશા ધ્યાન રાખે છે, અને એક સીનમાં ટોમીને કહે છે એને ગર્વ હતો કે એનો કઝિન ટોમી લંડનથી આવ્યો છે અને બીજાને એ કહેતો ફરતો હતો કે એનો કઝિન કેટલો 'કૂલ' છે અને અત્યારે એ ટોમીની હાલત પર કટાક્ષ કરે છે, પણ ટોમીની ડ્રગ્સની આદતોમાં એનો પણ ફાળો છે. બલ્લીનાં બે મિત્રો ટોમીને 'ડ્રગ ડીલર' જે હોસ્પિટલમાં પડ્યો છે ત્યાં સુધી પહોંચાડે છે અને ત્યાંથી છટકવા માટે ટોમીને સાઈકલ પણ લઈ આપે છે, એ પોતાની ફેવરિટ સેલિબ્રિટી પાછળનું પાગલપન દર્શાવે છે. ટોમી જે 'ડ્રગ ડીલર' પાસેથી "મેરી જેન" વિશે માહિતી મેળવે છે એને પણ ખ્યાલ નહીં હોય કે એને લીધે એ છોકરીને એવી હાલત થશે. એ ઉપરાંત એ ડ્રાઈવર જે ડ્રગ્સ પહોંચાડતો હોય છે અને સરતાજને ડ્રગ્સની ફેક્ટરી વિશે માહિતી આપે છે એને પણ ખ્યાલ ન હોય કે એ ડ્રગ્સનાં લીધે કેટલા લોકોની જિંદગી બરબાદ થાય છે. જાણે અજાણે આ નાના પાત્રો બીજા પાત્રોની ખરાબ હાલત માટે જવાબદાર છે. 

ડ્રગ્સનો વિરોધ




ઉડવું એક રૂપક છે આખી ફિલ્મ માટે, ડ્રગ્સ લીધા પછીનાં અહેસાસની જેમ. એક સીનમાં આલિયા ભટ્ટનાં પાત્રને નશો કરાવવામાં આવે છે એ પછી એ પોતે હવામાંથી ઉડીને નીચે પટકાતી હોય એવો અહેસાસ થાય છે, એને કિડનેપ કરીને જ્યાં રખાઈ છે એ ઘરની ઉપર ઈગલ જેવા દેખાતા પક્ષીનું પૂતળા જેવું કંઈક છે. ટોમીનાં જૂતા પણ પાંખોની ડિઝાઈન ધરાવે છે અને શરીર પર પણ એક ટેટૂ છે જેમાં પાંખો છે. ફિલ્મનાં પહેલા સીનમાં પણ પવનનાં લીધે જાણે વૃક્ષો પોતાનામાં જ ઝૂમે છે અને પાકિસ્તાન બોર્ડરથી ડ્રગ્સનું જે પેકેટ ફેંકવામાં આવે છે એ હવામાં ફંગોળાય છે એની પછી ફિલ્મનાં નામની ક્રેડિટ આવે છે.

ફિલ્મની ટેગલાઈન
ટોમીના જૂતા વાળું પોસ્ટર


'ઉડતા પંજાબ' ફિલ્મમાં હિંસા છે, ઉદાસી છે, એકલતા છે, પોતાની જાત સાથેની લડાઈ છે અને એમાં અમુક અંશે મળતી જીત પણ છે. ફિલ્મનો છેલ્લો સીન છે એમાં આલિયા પોતાનું નામ "મેરી જેન" કહે છે, કારણ કે એક ડ્રગ્સનું નામ મેરીજુઆના પણ છે. બીજો અર્થ મધર મેરી બલિદાનનાં પ્રતીક સમાન છે, એ પાત્ર સાથે જે પણ થયું એમાં એનો કોઈ વાંક નહોતો અને એમાંથી બહાર નીકળીને હવે એ નવી જિંદગી તરફ આગળ વધી રહી છે. 

(આ પોસ્ટ હું ધારતો હતો એટલી સારી નથી લખી શક્યો, આ ફિલ્મ વિશે બીજી બે ખૂબ સરસ પોસ્ટની લીંક નીચે મૂકી છે, એ સાથે ફિલ્મનાં સંગીત વિશે લખેલી મારી પોસ્ટની લીંક સૌથી છેલ્લે, કારણ કે મને લાગે છે આ ફિલ્મ એના ગીતો સાથે કદાચ વધારે સારી રીતે સમજી શકાશે.)

Udta Punjab—Flying High by Pankaj Sachdeva

“Udta Punjab”… Very well made, but also very banal by Baradwaj Rangan


ઉડતા પંજાબ - ડ્રગ્સ, ભય અને પ્રેમનું આશાસ્પદ સંગીત

No comments:

Post a Comment