Tuesday 3 January 2017

પલ પલ દિલ કે પાસ

ફિલ્મ : બ્લેકમેલ (૧૯૭૩)
સંગીત - કલ્યાણજી - આનંદજી
ગીતકાર - રાજેન્દ્ર ક્રિશન
ગાયક - કિશોર કુમાર




ગયા અઠવાડિયે કોલેજનાં દોસ્તોને મળ્યો; અને ગીતોની વાત કરતાં કરતાં આ ગીતની વાત નીકળી, પણ એ લોકો નવા 'વજહ તુમ હો' ફિલ્મનાં રિમિક્સ વર્ઝન વિશે કહેતા હતા, અને મેં એ નવું નહોતું સાંભળ્યું, તો હું બસ બેઠો હતો એમની વચ્ચે શાંત, આ ગીત વિશે વિચારતો, અને એમણે પૂછ્યું નવા રિમિક્સ વર્ઝન વિશે, મેં ફક્ત એટલું કહ્યુ કે મેં નથી સાંભળ્યું. (અને કાલે સાંભળ્યું અને જોયું પણ ખરુ નવું વર્ઝન, મને બિલકુલ જ ના ગમ્યું!) એ દિવસથી આ ગીત મનમાં ગૂંજતું હતું, અને કાલે એક બીજા ગીત પરથી આ ગીત ફરી યાદ આવ્યું, એટલે આ ગીત વિશે લખું છું... 






આ ગીત પ્રેમ થવાની શરૂઆતની લાગણીઓ માટે છે. આ એક એવી સ્થિતિ છે કે પ્રિય વ્યક્તિ મોટેભાગે દરેક મિનિટે નહીં તો કલાકમાં એક વાર તો યાદ આવી જ જાય છે, એ વ્યક્તિને યાદ કરીને, એના પત્રો વાંચીને નજરની સામે ચહેરો ઘૂમે છે. એ બધી વસ્તુઓ આ ગીતમાં વર્ણવેલી છે. આ ગીતમાં સિનેમટોગ્રાફી પણ સરસ છે, કેમેરાના ચહેરા અને પત્રો પરનાં ક્લોઝ અપ, કેમેરાનાં બદલાતાં એંગલ્સ, ઘડીક દૂર, એ પછી નજીકથી ફરી દૂર જતો કેમેરો એ બધું મને ખૂબ ગમે છે. 





ગીતની શરૂઆતમાં જ આશા (રાખી ગુલઝાર) પત્રો વાંચે છે. કૈલાશ (ધર્મેન્દ્ર) દ્વારા આશાને લખાયેલાં એ પત્રોમાં સંબોધન બદલાય છે, પહેલા 'મિસ મહેતા' ; એના પછીના પત્રમાં 'પ્રિય આશાજી' ; એના પછીના પત્રમાં 'પ્રિય આશા' ; પછી ફક્ત 'આશા' અને છેલ્લે 'મેરી આશા' ... આ મોટાભાગનાં સંબંધોની શરૂઆતની સચ્ચાઈ છે, એ દોસ્તી હોય કે ઓફિસનો સહકર્મચારી કે પ્રેમી. શરૂઆતમાં ઘણી વાતો ખૂબ વિનમ્રતાથી કરવામાં આવે છે. કારણ કે સામેવાળા માણસને આપણે જાણતા નથી, એના પછી થોડી ઓળખાણ પછી ફક્ત વિનયવાચક 'જી' લાગે છે, અને છેલ્લે માણસ ગમી જાય તો એને 'પ્રિય' અને એ ટાઈપનાં વિશેષણો લાગી જાય છે, આ ફક્ત પત્રલેખનમાં જ નહીં, પણ ઘણા સંબંધોના શરૂઆતના સ્ટેજમાં હોય છે... એટલા માટે કૈલાશ આશાને લખેલા પત્રોમાં જે સંબોધન કરે છે, એ આ પ્રમાણે છે. આશાની કાજળ લગાવેલી સુંદર આંખો પત્રોની અંદર ફટાફટ ફરે છે, જાણે બધા શબ્દો પોતાની અંદર સમાવી લેવા હોય! આશામાં આ બધા પત્રો વાંચતી વખતે ગાંડપણ છે, પ્રેમનું ગાંડપણ, પાગલપન, દીવાનગી. પવનને લીધે બધા પત્રો ઉડે છે, એ વખતે પત્રો એકઠા કરવા એ દોડે છે, અને એક પત્ર કોઈ છોડની અંદર ભરાઈ જાય છે, તો એને પણ એ જ રીતે એ વાંચે છે!



છોડમાં ફસાઈ ગયેલો પત્ર વાંચતી આશા (રાખી ગુલઝાર)



પત્રોમાંના બદલાતા સંબોધનોની સાથે બદલાતો સંબંધ 




આ પછીના એક પત્રમાં, કૈલાશનું પત્ર પૂરો કરતી વખતે નીચે ક્લોઝર છે, 'અગર તુમ ચાહો તો, તુમ્હારા કૈલાશ' એ સંમતિ માંગે છે, એ તો પ્રેમ કરે જ છે, પણ જો આશા પણ એને પ્રેમ કરતી હોય તો એ એનો બનવા માટે તૈયાર છે! કેટલી સરસ વાત છે, પ્રેમ એટલે પામવું નહીં, પણ પ્રેમ એટલે સ્વીકાર. જો સામેનું માણસ સ્વીકારે તો પ્રેમ પરિપૂર્ણ થાય, નહીં તો એ પ્રેમ અધૂરો રહે, પણ એ અધૂરો પણ પ્રેમ તો છે જ. જો એ વ્યક્તિ ન સ્વીકારે તો પ્રેમ કરવાનું બંધ નથી થવાનું, દિલ અને લાગણીઓ તો એનું કામ કરવાના જ! પણ જો એ વ્યક્તિ પ્રેમ સ્વીકારે તો પ્રેમ પૂરો થાય છે. 

પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો, 
જીવન મીઠી પ્યાસ યે કહેતી હો... 

કૈલાશ આશાને હર પળ યાદ કરે છે, કારણ કે આશાનું સરનામું એના દિલની પાસે છે, ત્યાં એની યાદોમાં એ હરહમેંશ મળી આવશે! જિંદગી એક મધુર તરસ છે. જે મેળવવું છે એને મેળવવા માટે લાગતી તલબ હમેંશા જીવનમાં મીઠી લાગે છે, એ વસ્તુ મળશે એની રાહમાં, એને મેળવવા માટેના પ્રયત્નોમાં જિંદગી મધુર તલબ બની જાય છે.

હર શામ આંખો પર, તેરા આંચલ લહેરાયે
હર રાત યાદો કી બારાત લે યે ...

આશાને યાદ કરીને કૈલાશ કહે છે કે દરેક સાંજે આંખોની સામે એનો દુપટ્ટો લહેરાય છે અને દરેક રાત યાદો જ યાદો લઈને આવે છે એની માટે. પ્રેમની શરૂઆત આ જ રીતે હોય છે, મોટાભાગની સાંજ અને રાતો પ્રિય પાત્રની યાદો અને એના વિશે વિચારવામાં જ જાય છે! આગળ શબ્દો છે:

મૈ સાંસ લેતા હૂ, તેરી ખુશ્બુ આતી હૈ ...
એક મહેકા મહેકા સા પૈગામ લાતી હૈ
મેરે દિલ કી ધડકન ભી તેરે ગીત ગાતી હૈ

કૈલાશ શ્વાસ લે છે અને આશાની ખુશ્બુ મળે છે એને, હાઉ વન્ડરફુલ ધીસ ઈઝ! હું અને મારો દોસ્ત ઋતુરાજ એક વાર વાતો કરતા હતા, એમાં એક વખત આ વાત નીકળેલી કે દરેક માણસની એક વિશિષ્ટ ખુશ્બુ હોય છે, એ માણસને યાદ કરીએ એટલી એની એ સુગંધ યાદ આવે છે, અને ગીતના આ શબ્દો એની પર છે. કોઈના શેમ્પૂની કે એના પરફ્યૂમ કે નેલ પોલિશની એ વિશિષ્ટ ખુશ્બુ એ માણસ સાથે સંકળાયેલી હોય છે, એને યાદ કરીએ એટલે એ બધી પળ જેમાં એ વ્યક્તિની ખુશ્બુ મહેસૂસ કરેલી એ નજર સામે તરવરે છે. કૈલાશ પોતાના સપના અને યાદોમાં આશાના કપાળ પર ચુંબન કરીને કે એના વાળની ખુશ્બુ લઈને કે એવી બીજી બધી વસ્તુ યાદ કરીને ખુશ રહે છે અને કૈલાશની દરેક ધડકન પણ આશાના ગીતો ગાય છે!! એ જ રીતે આશા કૈલાશનાં પત્રોમાં મૂકેલ ફૂલોની પાંખડીઓની સુગંધ લે છે! 



દરેક માણસની વિશિષ્ટ ખુશ્બુ



કૈલાશનાં લખેલા પત્રો વાંચવા માટે રોજ આશા બગીચામાં કે કોઈ વૃક્ષની નીચે કે ઘરની પાળી પર બેસે છે, રાતે સૂતી વખતે પણ ઓશીકા પાસે રાખ્યા છે એ પત્રો એણે. લાલ સાડીમાં વૃક્ષની નીચે બેઠી છે એ, એ વખતે કૈલાશનાં પત્રનું લખાણ ગીતનાં શબ્દો બને છે, એ શબ્દો છે:

કલ તુઝકો દેખા થા, મૈને અપને આંગન મેં
જૈસે કેહ રહી થી તુમ, મુઝે બાંધ લો બંધન મેં 



મારો ફેવરિટ સ્ક્રીનશોટ!



કૈલાશ સપનાની અંદર આશાને જુએ છે, અને એના દિલની ઈચ્છા છે આશાની સાથે રહેવાની જીવનભર બંધાઈને, એની સાથે લગ્ન કરીને. પ્રેમમાં આઝાદી હોવી જોઈએ, બંધન નહીં. પણ આ એ બંધન નથી, આ બંધન છે લગ્નનું, એની સાથે જીવનભર રહી એનો સાથ નિભાવવાનું... અને આગળ એ વિચારે છે કે આ સંબંધ એવો છે કે દરરોજ આંખો એ વ્યક્તિનાં જે સપના જુએ છે, એ બધા સપના પોતાના નથી, કારણ કે એ વ્યક્તિ હજુ પોતાની થઈ નથી. પણ એમ છતા એ વ્યક્તિ, એની સાથે રહેવાના જોયેલા સપના બધું પોતાનું લાગવા માંડે છે. એને કોઈ વાત કહેતી વખતે ડર લાગે છે કે એ કેવું વિચારશે; શું કહેશે એ વાતના જવાબમાં, એની માટે આગળના શબ્દો આ રીતે છે:

યે કૈસા રિશ્તા હૈ, યે કૈસે સપને હૈ
બેગાને હોકર ભી ક્યૂ લગતે અપને હૈ
મૈ સોચ મેં રહેતા હૂ, ડર ડર કે કહેતા હૂ


બ્યૂટિફુલ!

આખા ગીતમાં આશા સરસ તૈયાર થઈને પત્રો વાંચે છે. રાખી ગુલઝારની સુંદરતા ગીતની સુંદરતામાં પણ વધારો કરે છે! ક્યારેક યલો ફ્રોક, ક્યારેક લાલ સાડી, ક્યારેક આછો વાદળી ટોપ અને ફ્લાવર ડિઝાઈનનું સ્કર્ટ, ક્યારેક સલવાર કમીઝની ઉપર સ્વેટર, અને ઉપરના આ ફોટોમાં રહેલી હેરસ્ટાઇલ મેં ગૂગલ કરીને શોધી છે, 'બન બો'!! બન એટલે નાનકડો અંબોડો, અને બો એટલે સરકી શકે એવી ગાંઠ કે રિબન જેવું કંઈક! 

તુમ સોચોંગી ક્યૂ ઈતના મૈ તુમસે પ્યાર કરુ
તુમ સમઝોગી દીવાના, મૈ ભી ઈકરાર કરુ
દીવાનો કી યે બાતે, દીવાને જાનતે હૈ
જલને મેં ક્યા મજા હૈ, પરવાને જાનતે હૈ
તુમ યૂ હી જલાતે રહેના આ આકર ખાબો મેં... 

પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો 

કેમ આટલી માત્રામાં પ્રેમ થાય છે એની કોઈ સ્પષ્ટતા નથી હોતી. એવો કોઈ ખુલાસો આપણને ક્યારેય નથી મળતો કે કેમ આ જ વ્યક્તિ સાથે આટલી માત્રામાં પ્રેમ થાય છે. અત્યંત હદ વટાવી જનારા લેવલ પછીના માણસનો પ્રેમ પાગલપન અને દીવાનગીમાં ખપે છે. એવા દીવાના લોકોનો પ્રેમ અને એમની વાતો એમના જેવા બીજા દીવાના હોય એ લોકો જ સમજી શકે છે. 'પરવાના' એક જીવજંતુ હોય છે, પતંગિયા જેવી પાંખોવાળું, એનું ગુજરાતી નામ યાદ આવતું નથી. એ જંતુને આગની નજીક રહેવામાં જે આનંદ મળે, એ બીજા ન સમજી શકે. કૈલાશ આશાના પ્રેમમાં એ દીવાનગી મહેસૂસ કરે છે એટલે કૈલાશ આશાને આ રીતે સ્વપ્નોમાં આવીને જલન મહેસૂસ કરાવવા કહે છે, કારણ કે એને એ ગમે છે! આશા પણ કૈલાશની જેવી જ દીવાની છે, કૈલાશનાં બધાં પત્રો પોતાની પથારી પર પાથરીને બેઠી છે અને એના શબ્દોથી એને અહેસાસ થાય છે કે પ્રેમની અંદર જે જલન એને મહેસૂસ થાય છે એ જ જલન કૈલાશને પણ થતી હશે અને પ્રેમના દર્દ અને જુદાઈથી ભરાઈ ગયેલી એની આંખોમાંથી આંસુ ટપકે છે...


પ્રિય વ્યક્તિને યાદ કરતી વખતે ચહેરા પરનો શરમનો શેરડો



પ્રેમની મીઠી જલન!! 


પથારીમાં કૈલાશનાં પત્રો પાથરીને બેઠેલી આશા




કોઈપણ વસ્તુને ઝીણવટપૂર્વક જોઈએ તો બધામાં કંઈક ને કંઈક અર્થપૂર્ણ મળી આવે છે અને મને હવે એવી વસ્તુઓ શોધતા થોડુ થોડુ આવડવા માંડ્યું છે! અને એમાં પણ મને ગમતાં ગીતો, ફિલ્મો અને સાહિત્યમાં ખાસ!

No comments:

Post a Comment