Wednesday, 21 December 2016

મારા બાગની મધુમાલતી - ધીરુબહેન પટેલ




ડાયરીમાંથી એક જૂના આર્ટિકલ વિશે મારી લખેલી એક એન્ટ્રી મળી, ૨૦૧૧ની છઠ્ઠી માર્ચનાં દિવ્ય ભાસ્કરમાં 'હયાતીના હસ્તાક્ષર' કોલમમાં છપાયેલ, સુરેશ દલાલ દ્વારા લખાયેલ આર્ટિકલ છે એ, એ આર્ટિકલમાં આ કાવ્ય વિશે વાત હતી, વાંચો કવિતા અહીં... 


*************************************

પાડોશીના અંજીરના ઝાડ પર શા માટે ચડે છે? 

સાવ ભાન વગરની છે એ
સરહદની એને કંઈ સમજ જ નથી 
ક્યાંથી હોય?
નથી એ છાપાં વાંચતી
નથી એ ટીવી જોતી
નથી રેડિયો સાંભળતી
એની મેળે ઉગે છે
ઝાડ પર ચડીને ઝૂલે છે
રોજ સવારે ફૂલોના દીવા પ્રગટાવે છે
સુગંધ રેલાવે છે
સાંજે ખરી પડતાં ફૂલોની શોકસભા પણ ભરતી નથી
બસ, લહેરથી જીવે છે
શા માટે, તે એ જ જાણે

- ધીરુબહેન પટેલ


*************************************



મધુમાલતી એક એવો છોડ છે જેના વિશે આપણે વધારે જાણતા નથી, પણ મને બસ એટલી જ ખબર છે કે એ વેલની જેમ કોઈ ચોક્કસ દિશા વિના જ ઉગે છે અને એમ જ દિશા વિના ફેલાય છે, એની સુગંધ રાતરાણી જેટલી જ સારી હોય છે એમ સાંભળ્યુ છે, આ કવિતામાં કદાચ કટાક્ષ પણ છે, જાવેદ અખ્તરનાં રેફ્યૂજી ફિલ્મનાં ગીત 'પંછી નદિયા પવન કે ઝોકે'ની જેમ... દરેક કુદરતી વસ્તુ માટે સરહદનું બંધન નથી, એ જ રીતે મધુમાલતી માટે પાડોશીના ઘરની હદ એ કોઈ હદ નથી, એ બધું ફક્ત માનવજાત માટે પણ છે! કદાચ બાળક સાથે પણ સરખાવી શકાય મધુમાલતીને, કારણ કે બાળક પણ પોતાની દુનિયામાં મસ્ત પોતાની રીતે જીવે છે, નાના બાળક માટે પાડોશીનું ઘર કે પોતાનું ઘર સમાન છે, એને માટે ટીવી, રેડિયો, છાપાં નથી, એટલી વસ્તુઓ એની સાથે પણ સરખાવી શકાય, હવે દરેકનો પોતાનો અર્થ, બાકી આ અર્થપૂર્ણ કવિતા મને ખૂબ ખૂબ ખૂબ ગમે છે!


ઓરિજિનલ આર્ટિકલ વાંચવા માટેની લીંક:

સુરેશ દલાલ દ્વારા લખાયેલો ઓરિજિનલ આર્ટિકલ  



મધુમાલતી વિશે એક બીજો સરસ આર્ટિકલ: 

એક ખૂણો લીલોછમ - જયોતિ નિકુંજ પારેખ (રંગુન ક્રીપર આપણી મધુમાલતી)

ધીરુબહેન પટેલ વિશે મારી બીજી પોસ્ટ: 

આગન્તુક - ધીરુબહેન પટેલ



ધીરુબહેન પટેલ

No comments:

Post a Comment