Thursday, 22 December 2016

વિસરનાઈ (૨૦૧૬)
કંઈ પણ પૂછ્યા વિના એમ જ કોઈને પોલીસ દ્વારા લઈ જવાય અને પછી શરૂ થાય ટોર્ચરનો સિલસિલો, એ ગુના માટે જે ગુનો એમણે કર્યો જ નથી, તો? એમાં પણ જ્યાં લઈ ગયા છે, ત્યાંની ભાષા જો એ લોકોને બરાબર ન ફાવતી હોય તો? ડિરેક્ટર વેટ્રીમારન અને પ્રોડ્યુસર ધનુષની આ ફિલ્મ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થયેલી અને આ વર્ષે ભારત તરફથી ઓસ્કાર માટે એન્ટ્રી પણ થઈ, પણ ફાઈનલ નોમિનેશન માટે સિલેક્ટ નથી થઈ... મને બીજી ભાષાની ફિલ્મો અંગ્રેજી સબટાઈટલ્સ સાથે જોવાની ટેવ છે, છતાં આ તમિલ ભાષાની ફિલ્મમાં અમુક વસ્તુઓ છે એવી જે મને નથી સમજાઈ,... ફિલ્મ એ લોકોને એક વહેલી સવારે લઈ ગયા ત્યાંથી શરૂ થઈને એમની સાથે થયેલી પોલીસની હિંસાથી માંડીને ભ્રષ્ટાચાર અને એ નિર્દોષ લોકોની દશા વિશે વાત કરે છે, અહીં કંઈ જ ડ્રામેટિક નથી, એકદમ જ રિયલિસ્ટિક સિનેમા છે, અમુક વાર એમના પર થતી હિંસા માટે કેમેરાના એંગલ પણ નથી બદલ્યા, બધું જ સાક્ષાત લાગે છે. બે-ત્રણ સીનની હિંસા માટે મારે આંખો પણ બંધ કરી દેવી પડેલી, કારણ કે એ જોઈ શકાતું નહોતું મારાથી. 
ફિલ્મની પહેલી થોડી મિનિટ્સમાં એક માણસ સવારે ઉઠીને એના કામે જાય ત્યાં સુધીની સ્થિતિ ખૂબ જ ઓછા ડાયલોગ્સ સાથે પણ એની જીવાતી જિંદગી વિશે ઘણું છતું કરે છે, તમિલ લોકો આંધ્ર પ્રદેશમાં જાય ત્યારે એમની સાથે થતો વ્યવહાર, પોલીસની માનસિકતા, કેસ વિશેની પ્રક્રિયા, મોટા માથાઓની સંડોવણી, પૈસાના જોરે થતા કામો એવી કેટલીય અસરકારક વસ્તુઓ આખી સિસ્ટમ વિશે વિચારવા માટે મજબૂર કરી દે છે. પણ, કેટલાક જવાબો મને નથી મળ્યા, એમ છતાં બીજી વાર ફિલ્મ જોવાની મારી હિંમત નથી, કારણ કે મોટાભાગની ફિલ્મો મને બીજી વારમાં જ વધારે સમજાય છે અને આ ફિલ્મની વધારે ઊંડાણમાં મારે નથી ઊતરવું... મારા માટે એકલતા અને ઉદાસી ધરાવતી ઘણા લોકોને કંટાળાજનક લાગે એવી ફિલ્મો જોવી આસાન છે, પણ યાતના અને હિંસા દર્શાવતી ઘણી ફિલ્મો સહન કરવી આસાન નથી.  


વિસરનાઈનો અર્થ છે પૂછપરછ, પણ પોલીસ એમની સાથે પૂછપરછ કરતી જ નથી, એમની પર પુષ્કળ હિંસા થાય છે ફક્ત, કોઈ જ ગુના વિના પોલીસ અમાનુષી અત્યાચાર કરે ત્યારે થતી યાતના, પીડા માટે શૂટ થયેલાં સીન્સ એટલા હિંસાથી ભરપૂર છે કે રૂવાડાં ઊભા થઈ જાય છે. પૂછપરછ માટે એક બીજો કેસ છે ફિલ્મની અંદર, અને કદાચ ફિલ્મનું નામ એક કટાક્ષ પણ છે સિસ્ટમ પર. આ ફિલ્મ વિશે વધારે લખી શકાય એમ નથી, કારણ કે આ એક થ્રિલર ફિલ્મ છે, અને વધારે લખવાથી વાર્તા જ વધારે છતી થશે, તેમ છતાં એક વાત કે આ સત્ય ઘટનાથી પ્રેરિત ફિલ્મ છે. 


એમ. ચંદ્રકુમારની પોતાની સાથે થયેલી આ ઘટના વિશે એમણે લખેલી નવલકથા 'લોક અપ' પરથી આ ફિલ્મ બની છે, એ ઓટો રિક્ષા ડ્રાઈવર છે, અને એમણે પોતે સહન કરી છે આખી યાતના, આ ફિલ્મ ઘણી જ સારી છે અને જેમને પણ થ્રિલર ગમતી હોય અને હિંસા જોવા સામે વાંધો ન હોય તો એમણે ચોક્કસ જ જોઈ નાખવી...

એમ. ચંદ્રકુમાર


No comments:

Post a Comment