Thursday, 1 June 2017

છૂટા પડતી વખતે...



અલવિદા, આવજો, સાચવજો, સંભાળજો, ધ્યાન રાખજો, ફરી મળીશું... છૂટા પડતી વખતે વપરાય છે તે શબ્દો. જિંદગીની અંદર ઘણી વખત અમુક વ્યક્તિઓ ચાલી જાય છે- પોતાની નવી દિશા શોધવા, પોતાની જિંદગીમાં પરિવર્તન લાવવા, કોઈક વખત મજબૂરીને કારણે, કોઈક વખત સ્થળાંતર થવાથી, નવી નોકરીને કારણે અને ક્યારેક લાગણીઓ અને સંબંધ પૂરો થઈ જવાને કારણે... અમુક વખતે છૂટા પડતી વખતે સરખી રીતે 'આવજો' ન કહી શક્યાનો અફસોસ રહી જાય છે. કેટલીક વ્યક્તિઓ ટૂંકા સમયગાળા પછી જો ફરીથી મળવાની જ હોય તો વાંધો આવતો નથી. પરંતુ લાંબા સમય સુધી જો એ વ્યક્તિને મળવાનું જ ન હોય, તો એ 'આવજો' ન કહી શક્યાનો અફસોસ રહી જ જાય છે... ઘણી વખત કેટલાક માણસો સરખી રીતે છૂટા પણ પડી શકતાં નથી એટલે કે સારી રીતે અલગ પણ થઈ શકતાં નથી... એ જ જૂના ઝઘડા, ફરિયાદો, અફસોસ, બધી જ ખરાબ લાગણીઓ સાથે છૂટા પડવુ શક્ય નથી. એ વ્યક્તિ અને તમે હવે પછી ફરી ક્યારે મળશો એ પણ નક્કી નથી અને દિલમાં બધી જ ખરાબ વાતો તમે હજુ સંઘરી રાખી છે, એ કેમ ચાલશે? હા, ઘણી બધી વખત આવજો 'ગુડબાય' પ્રકારનું આવજો હોતું નથી. ઘણી બધી વખત છૂટા પડવું ખૂબ જ પીડાદાયક હોય જ છે. પરંતુ જે માણસને આપણે રોકી શકીએ એ શક્ય જ નથી, તો પછી તેનો અફસોસ આપણે શું કામ કરીએ છીએ એ આપણે ખુદ સમજી શકતાં નથી. એ જ રીતે આગળ કહ્યુ તેમ કોઈ પણ વ્યક્તિ સાથે ગમે તેટલી ફરિયાદ હોય તેને એક વખત સરખી રીતે 'આવજો' કહેવું જોઈએ, બની શકે કે એ 'આવજો' તમારી માટે મહત્વનું ન હોય, પણ સામેની વ્યક્તિને માટે એ શબ્દ ખૂબ જ જરૂરી હોય એમ પણ બની શકે. આશરે ત્રણેક મહિના પહેલાં મારા મિત્રો શ્રુતિ અને ઋતુરાજ સાથે ઘણા સમય પછી મુલાકાત થયેલી, અમે લોકોએ આ વસ્તુ વિશે પણ વાત કરી હતી કે જો કોઈને સરખી રીતે ક્યારેક આવજો ન કહી શકાય તો એ અફસોસ ક્યારેક રહી જાય છે. કારણ કે, એ વ્યક્તિ ફરી રૂબરૂ ક્યારે મળશે, કેવા સંજોગોમાં મળશે, મળશે પણ કે નહીં, એ કશું જ નક્કી હોતું નથી. એ વખતે મને આ પ્રકારની પોસ્ટ લખવાનો વિચાર આવેલો, જેમાં હિન્દી ફિલ્મોની અંદર છૂટા પડતી વખતનો સમય કેદ થયો હોય. એ વખતે હું આ મિત્રોથી છૂટો પડી રહ્યો હતો, હવે ફરી ક્યારે બધા સાથે મળશે એ નક્કી નહોતું. એ પહેલાં પણ કેટલીક વ્યક્તિઓ જીવનમાંથી ચાલી ગઈ છે, જેમની સાથે છેલ્લી વખત સરખી રીતે વાત ન કરી શક્યાનો અફસોસ ક્યાંક રહી ગયો છે. બીજા ઘણા મિત્રો થોડેક દૂર જઈ રહ્યા છે, સ્થળ અને ભૌગોલિક અંતરોથી તો ખરા જ. પણ, લાગણીઓ અને સંબંધોથી પણ. છેલ્લા ઘણા સમયથી મારે ભાગે એરપોર્ટ પરથી કોઈને મૂકીને પાછા ફરવું, કોઈ દૂર જતી વ્યક્તિને રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ સુધી મૂકવાં જવું, એ વ્યક્તિ જાય એ પહેલાં એને કહેલ હોય કે મને મળીને જજે, તેમ છતાં એ ભૂલી જાય એ બધું જ વારંવાર બન્યું છે. આ બધી જ વસ્તુઓએ ક્યારેક મને ઘણી વખત ખૂબ ઉદાસ કરી મૂક્યો હતો. પણ, એકાદ અઠવાડિયા પહેલાં મેં સ્વીકારી જ લીધું છે કે કોઈને રોકી શકાતું નથી. આપણે ફક્ત એ વ્યક્તિની યાદો જ રાખી શકીએ છીએ, વ્યક્તિ કાયમ માટે પાસે રહી શકે એ શક્ય નથી. તો પ્રસ્તુત છે હિન્દી ફિલ્મોની અંદર છૂટા પડતી વખતનાં દ્રશ્યો... (કવર ફોટો:- દીપિકા પાદુકોણ, ફિલ્મ - લવ આજ કલ)
  



ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ'માં ખૂબ સુંદર સીન છે, 'યે ઇશ્ક હાયે' ગાયન પૂર્ણ થાય છે. ગીત (કરીના કપૂર) પોતાના બોયફ્રેન્ડ પાસે જવાની છે. એ ટેકરીની ઉપરથી બોયફ્રેન્ડ અંશુમનને બૂમ પાડે છે. ગીત આદિત્ય (શાહિદ કપૂર) સાથે વાત કરે છે કે અંશુમન પેલી તરફ જુએ છે અને કહે છે કે ચાલો આપણે જઈએ. પરંતુ અચાનક આદિત્ય કહે છે કે, 'બાય ગીત'! ગીત નવાઈ પામીને એને જોઈ રહે છે અને કહે છે કે આદિત્ય અંશુમનને મળીને જાય. આદિત્યને પણ રોકાવું છે. પણ, એ જાણે છે કે એ પળ આવી ગઈ છે જ્યારે એણે ગીતને જવા દેવી પડશે. આદિત્ય ગીતની સામે જોઈ રહે છે અને ગીતને કહે છે કે હમેંશા આવી જ રહેજે. આદિત્ય ગીતનો હાથ પકડે છે અને એ પછી બે ડગલા પાછળ હટીને ગીતનો ચહેરો પોતાના મગજમાં સંઘરતો હોય એ રીતે જોઈ રહે છે. ગીતની કાજળ લગાવેલી આંખો સાથેની ચહેરા પર ન સમાઈ શકતી ખુશી. (જે પછીથી આદિત્ય યાદ પણ કરે છે.) ગીત, એક નામ લઈએ તેની સાથે કાનમાં સંગીત ગૂંજવા લાગે છે. એ પળની અંદર આદિત્યની ગીત તરફની કૂણી લાગણીઓની શરૂઆત થઈ ચૂકી છે. પણ, આદિત્ય જાણે છે કે એણે અને ગીત બંનેએ પોતપોતાને રસ્તે જવું જ પડશે. બંને જતી વખતે એક પળ વિચાર કરે છે, એકબીજાને પાછળ ફરીને જુએ છે અને પછી આગળ ચાલે છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ એ જ રીતે લખ્યું છે કે ગીતને અહેસાસ થાય છે કે આદિત્ય એ પળે વિદાય લે એ જ બરાબર છે.




અયાન મુખર્જીની 'યે જવાની હૈ દીવાની'માં વર્ષો પછી બંને પાત્રો જ્યારે મળે છે ત્યારે બની (રણબીર કપૂર) નૈના (દીપિકા પાદુકોણ) આગળ પોતાના પ્રેમની કબૂલાત કરે છે. વર્ષો પહેલા મનાલી છોડતી વખતે નૈના બની આગળ પોતાના પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવા ઇચ્છતી હતી, ત્યારે બની માટે એની જિંદગીની મહત્વાકાંક્ષાઓ વધારે મહત્વની છે એ વાતનો નૈનાને અહેસાસ થયેલો. નૈના જાણતી હતી કે એ બનીને જેટલો પ્રેમ કરે છે, એનાથી વધારે પ્રેમ બની પોતાના સપનાઓને કરે છે. નૈનાને એ વખતે તકલીફ થયેલી પણ એણે બનીને જવા દીધો હતો પોતાની જિંદગીમાંથી દૂર. વર્ષો પછી જ્યારે નૈના બનીને ફરી મળે છે ત્યારે એ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને સામે બની પણ. નૈના જાણે છે કે બની પોતાનાં સપનાઓ છોડીને એની પાસે નહીં રહી શકે, નૈના બનીને કહે છે કે એ એને સમજી શકે છે કે એનાં સપના એને માટે કેટલું મહત્વ ધરાવે છે અને બની જિંદગી પાસેથી શું ઇચ્છે છે એ બધી જાણ છે એટલે એ કહે છે એ લોકોએ એકબીજાને ભૂલી જવા જોઈએ. બની નૈનાને ન જવા માટે વિનંતી કરે છે, એ રીતસર નૈનાને પાંચ સેકન્ડ વધારે ભેટવા માટે આજીજી કરે છે. તમને ખબર હોય કે એ વ્યક્તિ જઈ રહી છે, એનો સ્પર્શ હવે તમે ક્યારે અનુભવશો એ તમે જાણતા નથી, એ વખતે એ પળની અંદર જ જીવી લેવાની, એ વ્યક્તિને ભેટીને રહેવાની ઇચ્છા થઈ આવે છે. આ સીન મને ખૂબ ગમે છે. મેં એના વિશે મારી બીજી 'હગ સીન્સ' પોસ્ટમાં પણ લખ્યું છે. (લીંક આ પોસ્ટને અંતે) 





આ જ ફિલ્મમાં 'કબીરા' ગીતની અંદર અદિતિ (કલ્કિ કોચલીન) અને તરણ (કુણાલ રોય કપૂર) બંનેના લગ્ન થઈ રહ્યા છે. અદિતિ વિદાય લઈ રહી છે એ વખતે એ અવિ (આદિત્ય રોય કપૂર) અને બની, બંનેને ભેટે છે. અદિતિ એક સમયે અવિને પ્રેમ કરતી હતી, હવે એ તરણ સાથે નવી જિંદગી શરૂ કરવા જઈ રહી છે. અવિ સાથેની લાગણીઓ અને અવિને પણ પાછળ છોડીને અદિતિએ પોતાની જિંદગીમાં આગળ વધવું જ પડશે. અદિતિની વિદાય પછી બની પણ એરપોર્ટ જઈ રહ્યો છે, પણ એનામાં ફરીથી નૈનાની વિદાય લેવાની હિંમત નથી. બની કશું પણ બોલ્યા વિના ત્યાંથી જતો રહે છે અને નૈના અને બની બંનેની આંખો આંસુઓથી છલકાઈ જાય છે.





ઝોયા અખ્તરની ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા'માં જ્યારે અર્જુન (રિતિક રોશન) અને લૈલા (કેટરિના કૈફ‌) છૂટા પડી રહ્યા છે, ત્યારે બંનેને ખ્યાલ નથી આવતો કે શું વાત કરવી જોઈએ. અર્જુન લૈલાનો આભાર માને છે એના આગળના દિવસ માટે અને કહે છે એ દિવસ, એની સાથે ગાળેલ સમય, શ્રેષ્ઠ હતો. બંને એકબીજાને ભેટીને 'આવજો' કહે છે, બંનેની આંખોમાં વધારે સમય સાથે ન રહી શક્યાનો અફસોસ વર્તાય છે. ઇમરાન (ફરહાન અખ્તર) અને એની પ્રેમિકા (લૈલાની દોસ્ત નુરિયા) પણ એકબીજાને 'ગુડબાય' વિશ કરે છે અને બંને એકબીજાની ભાષા સમજતાં નથી તે છતાં પોતાના પ્રેમને આગળ લઈ જવા માટે સંપર્કમાં રહેવાનો વાયદો કરે છે... નુરિયા અને લૈલા; ઇમરાન અને અર્જુનની કારને દૂર જતી જુએ છે... પરંતુ લૈલાને થોડા સમય પછી અહેસાસ થાય છે કે એણે અર્જુનને સરખી રીતે 'આવજો' કહ્યુ નથી, એ નુરિયાની બાઇક લઈને અર્જુનની કારની પાછળ જાય છે અને લૈલાને પાછળ આવતી જોઈ કાર રોકવામાં આવે છે. અર્જુન નીચે ઊતરે છે અને લૈલા અર્જુનને ચુંબન કરે છે, લૈલા અર્જુનને કહે છે કે એને અફસોસ કરતાં નથી આવડતો અને અર્જુન કહે છે કે કરવો પણ ન જોઈએ! લૈલાની આંખોમાં આ વખતે સારી રીતે વિદાય લીધેલ હોય તેમ સંતોષની લાગણી ઝળકે છે અને એ લોકો ફરી વિદાય લે છે પરંતુ એક રીતે એ વખતે એ લોકોનાં સંબંધની ખરી શરૂઆત થાય છે કારણ કે લૈલા અર્જુનને પ્રેમની લાગણીઓ આપીને જાય છે અને બંનેને એકબીજા તરફ પ્રેમનો અહેસાસ થાય છે. એ પછી આવતું 'ખ્વાબો કે પરિંદે' ગીત પણ એ લોકોનાં પ્રેમનાં શરૂઆતનાં સપનાઓનાં રૂપક તરીકે છે...! 





યશ ચોપરાની 'વીર ઝારા' ફિલ્મની અંદર વીર (શાહરુખ ખાન) અને ઝારા (પ્રીટિ ઝિંટા) બંને અનુક્રમે જુદા જુદા દેશો ભારત અને પાકિસ્તાનમાંથી છે, એટલે ઝારાનો પરિવાર એ લગ્ન મંજૂર રાખતો નથી. ઝારાની મા વીરને વિનંતી કરે છે કે વીર ઝારાને સમજાવે કે એ માતા-પિતાએ નક્કી કરેલ પાત્ર સાથે લગ્ન કરી લે... વીર અને ઝારા બંને મળે છે, એકબીજાથી છૂટા પડી રહ્યા છે, એકબીજાને વચન આપે છે કે કાયમ ખુશ રહેશે. વીર ઝારાને કહે છે કે બંને પોતપોતાના ભાગની જવાબદારીઓ સુંદર રીતે નિભાવીને જીવન જીવશે, પણ એમનો એકબીજા માટેનો પ્રેમ જીવતો રહેશે. ઝારા વીરથી છૂટી પડીને પણ દોડતી આવીને એને ફરી ભેટી પડે છે, કારણ કે એની પાસેથી એ જવા ઇચ્છતી નથી. લતા મંગેશકર અને સોનુ નિગમનાં અવાજમાં એ પછી આવતું ગીત 'દો પલ' એ વખતની સ્થિતિને સંપૂર્ણ રીતે વ્યક્ત કરે છે.






ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજ કલ' બે જુદા જુદા સમયમાં પ્રેમીઓની સ્થિતિ દર્શાવે છે. મીરા (દીપિકા પાદુકોણ) ભારત જઈ રહી છે, એટલે જઈ (સૈફ અલી ખાન) અને મીરા એકબીજાની સાથે શાંતિથી વાત કરીને છૂટા પડવાનું નક્કી કરે છે અને બ્રેક અપ પાર્ટી પણ ઉજવે છે. મીરા એરપોર્ટ પર જઈની રાહ જોઈ રહી છે... જઈ કહે છે કે એરપોર્ટ પર જવાની કોઈ જ જરૂર નથી. વીર (રિશિ કપૂર) જઈને સમજાવે છે કે મીરા જરૂર એની એરપોર્ટ પર રાહ જોતી હશે, છેલ્લી એક વખત 'આવજો' જરૂરથી કહેવું જોઈએ એમ માનતો વીર પોતાની કારમાં જઈને લઈને એરપોર્ટ સુધી જાય છે, મીરા ખુશ થઈ જાય છે અને વીરને પૂછે છે કે, એમ કેમ હોય છે કે ગમે તેટલી વખત આવજો કહીએ, પણ છેલ્લી એક વખત મળવું, છેલ્લે વધુ એક વખત આવજો કહીને છૂટા પડવું એટલું જરૂરી કેમ બની જાય છે? વીર પોતાની જૂની યાદોમાં ખોવાઈ જાય છે જ્યારે પોતે દૂર જતી પ્રેમિકા હરલીન (ગિસેલી મોન્ટેરિયો) સાથે વાત કરવા તો નહીં પણ માત્ર એક ઝલક મેળવવા રેલવે સ્ટેશન દોડી ગયેલો, એને જોઈને હરલીને પોતાની સીટ બદલી નાખેલી જેથી વીર એને આરામથી જોઈ શકે... ભૂતકાળ અને વર્તમાનકાળની વચ્ચે ઝોલા ખાતી યાદો અને ઈમ્તિયાઝ અલીની નૉન લિનીઅર સ્ક્રીનપ્લે મેથડને કારણે વિદાય લેતી વખતની લાગણીઓ વ્યક્ત કરતું એકદમ પરફેક્ટ દ્રશ્ય.
 





હોમી અડજાણિયાની 'કોકટેલ' ફિલ્મમાં વેરોનિકા (દીપિકા પાદુકોણ) અને મીરા (ડાયના પેન્ટી) બંને મિત્રો વેરોનિકાનાં જ ઘરમાં રહે છે. જ્યારે વેરોનિકાને જાણ થાય છે કે મીરાને પણ ગૌતમ (સૈફ અલી ખાન) પસંદ છે, ગૌતમ અને મીરા એકબીજા સાથે જીવન વીતાવવા ઇચ્છે છે ત્યારે પહેલા એ ખુશ થાય છે કે એના બંને મિત્રો સાથે જીવન જીવશે. પણ પછી વેરોનિકા ખૂબ દુ:ખી થઈ જાય છે, કારણ કે વેરોનિકા ખુદ પણ ગૌતમને પ્રેમ કરે છે. એ વાતની જાણ થતાં જ મીરા પોતે વેરોનિકા અને ગૌતમની જિંદગીમાંથી ખસી જવા ઘર છોડવા તૈયાર થાય છે. મીરા જશે તો એને ગૌતમનો પ્રેમ મળશે એમ માનીને વેરોનિકા પોતાની મિત્ર મીરાને જવા દે છે અને એક દોસ્ત ગુમાવવાની લાગણીથી પિડાઈને બંનેની આંખો છલકાઈ જાય છે, એ પછી 'યારિયાં' ગીત આવે છે, વિદાય લેતા દોસ્તોની યાદોની સાક્ષી માટે...   


ઈમ્તિયાઝ અલીની 'તમાશા' ફિલ્મની અંદર વેદ (રણબીર કપૂર) અને તારા (દીપિકા પાદુકોણ) એકબીજાને પોતાનું નામ જણાવતા નથી. પરંતુ કોર્સિકા છોડે એ પહેલા તારા વેદને પસંદ કરવા લાગે છે, તેમ છતાં કરેલા વચન પ્રમાણે કોર્સિકા છોડીને જતી વખતે તારા વેદને કહે છે કે એ લોકો ફરી ક્યારેય નહીં મળે, એ પછી પોતાના પ્રેમની સાબિતીરૂપ વેદને એક ચુંબન કરી તારા હોટેલની સીડીઓ ઊતરી જાય છે. કારમાં બેસીને એરપોર્ટ તરફ જતી વખતે દીપિકા પાદુકોણનાં ચહેરા પરનાં હાવભાવ તારાની લાગણીઓ સુંદર રીતે વ્યક્ત કરે છે. ઈમ્તિયાઝ અલીની મનપસંદ રીત નૉન લિનીઅર સ્ક્રીનપ્લે પ્રમાણે વિવિધ ઐતિહાસિક પાત્રોને પણ આપણે એ વખતે છૂટા પડતા જોઈએ છીએ. એ પછી તારા પોતાની જિંદગીમાં પાછી તો ફરે છે, પરંતુ જે માણસનું નામ પણ એ જાણતી નથી, એની યાદો અને એ વ્યક્તિ પ્રત્યે થયેલ પ્રેમની શરૂઆતને એ ભૂલી શકતી નથી. વર્ષો પછી બંને એકબીજાને મળે છે, પરંતુ એ પછી પણ જ્યારે તારા વેદની ઓળખાણ પોતાની જાત સાથે કરાવે છે ત્યારે એ લોકો તરત છૂટા પડે છે, જિંદગી વિશેનાં અલગ અભિગમો સાથે. એ પછી 'અગર તુમ સાથ હો' ગીત પહેલાં તારા વેદને એક ન છૂટી શકે તેવું આલિંગન આપે છે, તારા વેદને પોતાની પાસેથી જવા દેવા ઇચ્છતી નથી, એ લાગણીઓ વ્યક્ત કરતી મારા મિત્ર પંકજ દ્વારા લખાયેલી એક અદ્વિતીય પોસ્ટ - Agar Tum Saath Ho — Of Not Letting Go





નિખિલ અડવાણીની 'કલ હો ના હો' ફિલ્મની અંદર નૈના (પ્રીટિ ઝિંટા) અને રોહિત (સૈફ અલી ખાન) બંનેનાં લગ્નનું દ્રશ્ય પૂર્ણ થાય છે એ પછી અમન (શાહરુખ ખાન) હૉસ્પિટલમાં પોતાની આંખો ખોલે છે, બીમારીને કારણે એની હાલત વધારે ગંભીર થઈ ગઈ છે. એક મરતા માણસની વિદાય લેવા માટે પાડોશીઓ અને મિત્રો આવે છે, જે બધાની જિંદગીમાં અમન દ્વારા થોડો સુધારો આવ્યો છે. ફિલ્મની શરૂઆતમાં નૈના અને એનો પરિવાર ભગવાનને ફરિયાદ કરે છે કે એમની રોજિંદી દુ:ખી જિંદગીમાં સહારો આપનાર એક ફરિશ્તો ક્યારે આવશે? એ ફરિશ્તો એ લોકો માટે અમન હતો, તે બધાની જિંદગીમાં થોડીક ખુશી વહેંચીને દુનિયા જ છોડીને જઈ રહ્યો છે અને આવનાર દરેક જન્મમાં રોહિત પાસેથી નૈનાને માંગીને એક લાંબી ઊંઘમાં પોઢી જતો બતાવવામાં આવે છે... 





કરણ જોહરની પહેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' બાળપણથી મારી મનપસંદ ફિલ્મ રહી છે. ફિલ્મની શરૂઆતમાં ડિલિવરી કોમ્પ્લિકેશન્સને કારણે ટીના (રાની મુખર્જી) મૃત્યુ પામે તે પહેલા પતિ રાહુલ (શાહરુખ ખાન) પાસે વચન માંગે છે કે નવી જન્મેલ દીકરીનું નામ એમની દોસ્ત અંજલિ (કાજોલ) પરથી રાખે. રાહુલ ટીનાને એને છોડીને ન જવા માટે વીનવે છે, ટીના અને રાહુલ હોસ્પિટલનાં બેડ પર એકબીજાને ભેટે છે. ફિલ્મનાં બીજા એક દ્રશ્યમાં જ્યારે અંજલિ જાણે છે કે રાહુલ ટીનાને પ્રેમ કરે છે એ વખતે 'તુઝે યાદ ન મેરી આયી' ગીત પછી અંજલિ એ બંનેની જિંદગીમાંથી ખસી જવા માંગે છે, એટલા માટે અંજલિ કૉલેજ છોડીને જવાનું નક્કી કરે છે. રાહુલ અંજલિને રોકી લેવા માટે વિવિધ બહાના કરે છે પણ જ્યારે એને જાણ થાય છે કે અંજલિ કાયમ માટે જઈ રહી છે, ત્યારે એ ગુસ્સે થઈને ટ્રેનમાંથી ઊતરી જાય છે. અંજલિ પોતાનો લાલ દુપટ્ટો ટીનાને ભેટ આપે છે, રાહુલ સાથેની ટીનાની નવી જિંદગીની શરૂઆત માટે. અંજલિ ટ્રેનની સીટી વાગે ત્યારે કમને રાહુલથી છૂટી પડે છે અને રાહુલ, અંજલિ અને ટીના ત્રણેયની આંખો ભરાઈ જાય છે. વર્ષો પછી અંજલિ અને રાહુલ બંને શિમલામાં સમર કેમ્પમાં ફરી મળે છે, એ વખતે વિદાય લેતી વખતે રાહુલ અંજલિને એનો જ દુપટ્ટો જે એણે ટીનાને આપેલો એ પરત કરે છે, કારણ કે અંજલિ પણ અમન (સલમાન ખાન) સાથે એક નવી જિંદગીની શરૂઆત કરવા માટે જઈ રહી છે. લાલ રંગ, પ્રેમનો રંગ, સાથે સાથે શુકનવંતો રંગ પણ. બંને વખતે લાલ રંગ એક વ્યક્તિથી છૂટા પડતી વખતે અપાતો પ્રેમ અને નવી જિંદગીની શરૂઆત દર્શાવે છે... 








કરણ જોહરની 'કભી અલવિદા ના કહેના' ફિલ્મમાં માયા (રાની મુખર્જી) અને દેવ (શાહરુખ ખાન) પહેલી વખત મળે છે, એ વખતે તરત એકબીજા સાથે જોડાઈ જાય છે. એ લોકો દોસ્તી, પ્રેમ અને જિંદગી વિશે વાતો કરે છે, જતી વખતે જ્યારે દેવ 'અલવિદા' કહે છે ત્યારે માયા કહે છે કે અલવિદા ન કહેવું જોઈએ, અલવિદા કહેવાથી ફરી મળવાની આશા મરી જાય છે. માયાને દેવ સાથે મળીને સારી લાગણી મહેસૂસ થાય છે, પરંતુ એ લગ્ન કરી રહી છે રિશિ (અભિષેક બચ્ચન) સાથે. માયા અને દેવ એકબીજા સાથે વધારે સમય પસાર કરવાની ઇચ્છા ધરાવતા હોઈ શકે, પણ એ સમયની અંદર એ શક્ય નથી. બંને છૂટા પડતી વખતે પાછળ ફરી ફરીને એકબીજા તરફ જોઈ રહે છે. વર્ષો પછી ફરીથી એ લોકોની મુલાકાત થાય છે અને મુલાકાતો પ્રેમમાં પરિણમે છે, બંને એકબીજાના જીવનસાથીઓથી છુપાઈને મળવા લાગે છે. દેવ અને માયાનો પ્રેમ લગ્નની બહારનો પ્રેમ છે, જે કહેવાતા સમાજનાં નિયમોની અંદર સારો માનવામાં આવતો નથી. એટલે જ જ્યારે એ લોકોને અહેસાસ થાય છે કે એમનો સંબંધ અંતે બધાને પીડા જ આપશે ત્યારે એ લોકો છૂટા પડવાનું નક્કી કરે છે, એ વખતે દેવ કહે છે કે એ લોકોનો સાથ કદાચ ત્યાં સુધી જ હતો, આગળ બંનેને પોતપોતાને રસ્તે જવાનું છે... (રસપ્રદ વાત એ છે કે આ બંને સીન્સ બેન્ચ પાસે છે, બેન્ચ કરણ જોહરની ફિલ્મોમાં મહત્વનાં દ્રશ્યોની અંદર હમેંશા અગત્યનો ભાગ ભજવે છે, એ વાત પણ મેં નોંધી છે.)





કરણ જોહરની 'એ દિલ હૈ મુશ્કિલ' ફિલ્મનાં 'ચન્ના મેરેયા' ગીતની અંદર અયાન (રણબીર કપૂર) પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે, આ ગીત એક છૂટો પડી રહેલો વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેની માટે ગાય છે. એ વ્યક્તિ એટલે કે અલીઝેહ (અનુશ્કા શર્મા) અને અયાનનો સાથ છૂટી રહ્યો છે. અલીઝેહ સાથે ગાળેલી બધી પળો અને બધી યાદોને લઈને અયાન એનાથી દૂર જઈ રહ્યો છે. અયાન પોતાની લાગણીઓ ગીત દ્વારા વ્યક્ત કરે છે એ વખતે અલીઝેહને અયાનનાં પ્રેમનો અહેસાસ થાય છે. પણ, અલીઝેહ લગ્ન કરી રહી છે અને અયાન ચાલ્યો જાય છે... એ પછી છેક વિયેનાની અંદર એ લોકોની મુલાકાત થાય છે, જ્યારે અયાનની જિંદગીમાં કોઈ નવી વ્યક્તિ પ્રવેશી ચૂકી છે. અયાનની નવી પ્રેમિકા સબા (ઐશ્વર્યા રાય બચ્ચન) તેમજ અયાન અલીઝેહને ડિનર માટે બોલાવે છે, એ વખતે ડિનર ટેબલ પર થતી વાતચીતમાં જ સબાને અહેસાસ થઈ જાય છે કે અયાન હજુ પણ અલીઝેહને જ પ્રેમ કરે છે. ડિનર પૂર્ણ થાય એ પછી અયાન અલીઝેહને સરખી રીતે 'આવજો' કહેતો નથી, કારણ કે એ અલીઝેહ પાસેથી પ્રેમ ઇચ્છે છે. અલીઝેહ જાય છે એ પછી અયાન ઘરની અંદર આવે છે ત્યારે સબા કહે છે કે એ અયાનને ખૂબ જ પ્રેમ કરે છે, પણ અયાન હજુ પણ અલીઝેહને જ પ્રેમ કરે છે, માટે એ લોકો સાથે નહીં રહી શકે. આપણે જેને પ્રેમ કરીએ એ આપણને પ્રેમ જ ન કરે તો એ વ્યક્તિ સાથે રહીને આપણને ફક્ત દુ:ખ જ મળે, એ જ નકામી લાગણીઓ, એ જ રોજબરોજની પીડા. સબા અયાનને સમજાવે છે કે પ્રેમ કરવો એ આપણા વશમાં નથી, પણ, એ પ્રેમથી દૂર ચાલ્યા જવું એ આપણા જ હાથની વાત છે, એ વખતે અયાનને અહેસાસ થાય છે કે એણે દરરોજ અલીઝેહનાં પ્રેમમાં જ દુ:ખી થવાને બદલે એની લાગણીઓથી દૂર થઈ જવું જોઈએ, જે રીતે સબા એનાથી દૂર થઈ રહી છે. એ પછી વિયેનાની સડકો પર દોડતો અયાન અલીઝેહનાં હોટેલ રૂમની બહાર એનાથી વિદાય લે છે. અયાન અલીઝેહ તરફની પ્રેમની લાગણીઓથી વિદાય માંગે છે, એ સ્થળ અને વ્યક્તિથી તો દૂર થઈ શકે છે, પણ યાદો અને લાગણીઓથી નહીં...






બાલુ મહેન્દ્રની ફિલ્મ 'સદ્મા' અનેક રીતે હિન્દી સિનેમાની બીજી મસાલા ફિલ્મોથી ખાસ્સી જુદી છે, તેમ છતાં હિન્દી સિનેમાની અંદર આ ફિલ્મે એક અલગ જગ્યા બનાવી છે. ફિલ્મનો ક્લાઇમેક્સ સીન અને કમલ હાસનનો ઉત્તમ અભિનય રડાવી જાય એટલો સાચો લાગે છે. આ સીન ફિલ્મની વાર્તા સાથે જોડાયેલો છે અને ઘણા લોકોએ આ ફિલ્મ નહીં જ જોઈ હોય એટલે એ વિશે હું લખીશ નહીં. 



આ દ્રશ્યો સિવાય પણ બીજા દ્રશ્યો હશે જ, જેમાં છૂટા પડતી વખતનો સમય વ્યક્ત થયો હશે. અમુક ગીતો પણ જરૂર હશે જ. (બે ગીતો મને હમણાં જ યાદ આવે છે- ૧. રંગૂન ફિલ્મનું 'અલવિદા' ૨. લાઇફ ઇન અ મેટ્રો ફિલ્મનું 'અલવિદા') પરંતુ મને આટલી વસ્તુઓ યાદ છે, સારી રીતે. બીજા કેટલાક દ્રશ્યો પણ યાદ છે, પરંતુ મેં લખેલ નથી. કારણ કે મોટાભાગની કહેલી વાતો જ ફરીથી રજૂ થાય છે. આ જ પોસ્ટમાં ઉપર લખેલ 'કભી અલવિદા ના કહેના' ફિલ્મનાં સીનની અંદર જેમ કહ્યું છે કે અલવિદા કહેવાથી ફરી મળવાની આશા જતી રહે છે, એ જ પ્રમાણે જે. એમ. બેરીની 'પીટર પાન' એક સુંદર ક્વોટ ધરાવે છે, જેનો મતલબ એ પ્રમાણે છે કે ક્યારેય આવજો ન કહેશો, આવજો કહેવાનો મતલબ છે દૂર જવું અને દૂર જવાનો મતલબ છે ભૂલી જવું... આ વાત એક રીતે કેટલી સાચી અને અર્થપૂર્ણ છે, જે દૂર જાય છે એમાંથી ઘણી વખત અમુક વ્યક્તિઓ બીજી અમુક વ્યક્તિઓ અને યાદોને, એમની સાથે ગાળેલ સમયને ભૂલી જાય છે. આ ક્વોટનો 'આવજો' ન કહેવાનો બીજો અર્થ એ પણ હોઈ શકે કે તમે 'ફરી મળીએ ત્યાં સુધી ગુડબાય' અને એ બધી જ વાતો કરજો. પણ, એ વ્યક્તિને તમારી અંદરથી ક્યારેય જવા નહીં દેતા, એ વ્યક્તિની સારી વાતો, સારો સ્વભાવ, સારી આદતો અને સારી યાદોને ક્યારેય તમે 'આવજો' નહીં કહો તો એ વ્યક્તિ હમેંશા તમારી સાથે જ રહેશે, તમે એ વ્યક્તિથી છૂટા પડશો તો પણ એ વ્યક્તિ તમારી સાથે જ રહેશે, કાયમ તમારા દિલની અંદર એ વ્યક્તિ જીવંત રહેશે...


No comments:

Post a Comment