Thursday 30 November 2017

લવની ભવાઈ (૨૦૧૭)



પ્રેમમાં વિશ્વાસ જ ન હોય અને કોઈ વ્યક્તિ સાથે ગાઢ પ્રેમ થઈ જાય તો? કોઈ એક વ્યક્તિ એવી મળી જાય, જેને કારણે સતત ચહેરા પર હાસ્ય જ રમ્યા કરે તો? સતત એમ જ થાય કે એ વ્યક્તિની ખુશીમાં જ તમારી ખુશી સમાયેલી છે, એની યાદોમાં, એના વિચારોમાં સમય રોકાઈ જાય, તો? તો પછી સર્જાય પ્રેમની ભવાઈ! 

અજોડ પ્રણય ત્રિકોણ ધરાવતી સંદીપ પટેલની 'લવની ભવાઈ' ગુજરાતી સિનેમા માટે એક અદ્વિતીય ફિલ્મ બની રહેશે, એ વાતમાં કોઈ જ શંકા નથી. મોડે મોડે પણ કાલે રાત્રે ફિલ્મ જોઈ, ફિલ્મ વિશે ઘણી વાતો લખવાની ઇચ્છા છે, પણ એ 'ફિલ્મ સ્પોઈલર્સ' છે, તો પછી ક્યારેક ફિલ્મ પર જરૂરથી લાંબી પોસ્ટ લખીશ. નેહલ બક્ષી અને મિતાઈ શુક્લ (જોડણી ખોટી હોય તો માફી!) દ્વારા લખાયેલી ખૂબ જ સુંદર વાર્તા અને સંવાદો. તપન વ્યાસની સંમોહિત કરે તેવી સિનેમટોગ્રાફી ; ગીતો માટે નિરેન ભટ્ટનાં સુંદર શબ્દો તેમજ સચિન-જીગરનું મન હરી લે તે પ્રકારનું સુમધુર સંગીત. આરોહી, મલ્હાર અને પ્રતીક ત્રણેયનો અદ્વિતીય અભિનય. મલ્હાર સુપરસ્ટાર છે! મૌલિક નાયકની કોમેડી સતત દર્શકોને હસાવે છે. મારા પ્રિય લેખક ચંદ્રકાંત બક્ષી પર પ્રતીક દ્વારા ભજવાયેલ 'હું, ચંદ્રકાંત બક્ષી' નાટક ક્યારેક જોવાની ઇચ્છા છે, કોઈની પાસે ડીવીડી માટેની માહિતી હોય તો જરૂર આપજો. આરતી મેડમ સાથે એક વખત મુલાકાતનો મોકો મળ્યો છે, સંદીપ સરને એક વાત પૂછવાની ઇચ્છા ખરી, તમે વચન આપશો કે ફરી તમે આટલી સુંદર ફિલ્મ બનાવવા માટે બાર વર્ષનો બ્રેક નહીં લો? સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

મેં લખેલી કેટલીક બીજી પોસ્ટ્સ-

આરતી વ્યાસ પટેલ

આસમાની









Wednesday 29 November 2017

મેરી પ્યારી બિંદુ - દોસ્તી, પ્રેમ, જૂનો સમય અને યાદો






અક્ષય રોયની 'મેરી પ્યારી બિંદુ' યાદો અને જૂનાં ગીતોથી ભરપૂર છે. અંગ્રેજીમાં એક શબ્દ છે- નોસ્ટેલ્જિયા, જેનો અર્થ છે- જે સમય વીતી ગયો છે, તે ફરી આવે તે માટેની ઇચ્છા રાખવી. આ ફિલ્મ ઘણા લોકોને પસંદ ન આવી, કારણ કે તેમને ફિલ્મનો અંત ખૂંચ્યો. મોટાભાગનાં લોકો સુખદ અંત માટે ટેવાયેલા હોય છે, કારણ કે મોટાભાગની વાર્તાઓ અને ફિલ્મો 'ખાધું, પીધું ને રાજ કર્યું' સાથે પૂરી થતી હોય છે,... પરંતુ જિંદગીમાં 'હેપી એન્ડિંગ્સ' માટેની કોઈ ગેરંટી હોતી નથી. કારણ કે કહેવાતા 'હેપી એન્ડિંગ' પછી પણ જિંદગી નવા ઝખ્મો અને નવા દુ:ખો નહીં જ આપે, એ વાતની બાંયધરી કોઈ આપતું નથી.

થિયેટરમાં ફિલ્મ જોઈ હતી, ત્યારે હું પણ ફિલ્મનાં અંતથી આશ્વર્ય પામ્યો હતો, કદાચ ઉદાસ પણ રહ્યો હતો, સમજવાનો પ્રયત્ન પણ કરતો હતો. પરંતુ એ વખતે ખ્યાલ નહોતો આવ્યો. ઘણી વખત અમુક વસ્તુઓનાં કોઈ જ જવાબ હોતાં નથી, ફક્ત એ હોય છે. એ જ રીતે બિંદુ અને અભિમન્યુની વાર્તાનો અંત સુખદ કદાચ એટલા માટે નથી, કારણ કે એ લોકો એમની યાદોમાં જ ખુશ છે, સાથે વીતાવેલા સમયથી ખુશ છે. એ લોકો દુ:ખી નથી કે એ સમય વીતી ગયો છે, કારણ કે એ આખો સમયગાળો અને એની યાદો કેસેટ્સમાં, ફોટોગ્રાફ્સમાં સચવાઈને પડી છે અને એટલે જ મને ફિલ્મ બીજી અને ત્રીજી વખત જોઈ ત્યારે વધારે ગમી. હું ચોક્કસ છું કે હજુ જેટલી વધારે વખત જોઈશ એટલી વધુ ગમશે... (ફિલ્મમાં વપરાયેલ જૂનાં ગીતો ગીતો વિશેની મારી પોસ્ટ - લીંક

ફિલ્મ વિશેની કેટલીક વાતો - 

ફિલ્મનું નામ જ્યોતિ સ્વરૂપની ફિલ્મ 'પડોસન' પરથી પ્રેરિત છે. સુનીલ દત્ત, સાયરા બાનુ અને કિશોર કુમાર અભિનિત એ ફિલ્મનું એક ચર્ચિત ગીત છે- મેરી પ્યારી બિંદુ. ફિલ્મની વાર્તા પ્રમાણે બિંદુના પિતાએ આ ફિલ્મ દ્વારા પ્રેરિત થઈને પોતાની દીકરીનું નામ બિંદુ રાખેલ છે, જે બિંદુને પસંદ નથી. 'પડોસન' ફિલ્મનો આડકતરી રીતે ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અભિમન્યુ (આયુષ્માન ખુરાના) અને બિંદુ (પરિણીતિ ચોપરા) બંને પાડોશી છે. 'પડોસન' ફિલ્મમાં ભોલા (સુનીલ દત્ત) બિંદુને (સાયરા બાનુ) પસંદ કરે છે. બિંદુને રિઝવવા માટે ભોલા વિદ્યાપતિની (કિશોર કુમાર) મદદ લે છે. ભોલા ગીતો ગાવાનો ડોળ કરીને બિંદુને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, જે ગીતો ખરેખર વિદ્યાપતિ ગાય છે. ભોલા અને બિંદુ બારી પાસે રહીને એકબીજા સાથે વાત કરે છે. તે જ રીતે અભિમન્યુ અને બિંદુ પણ એકબીજાનાં પડોશી છે, અભિમન્યુ અને બિંદુ માટે બાળપણથી જ ગીતો તેમની યાદો માટેનો સહારો રહ્યો છે. બિંદુનાં ઘરની છત અભિમન્યુનાં ઘર સાથે જોડાયેલી છે, અભિમન્યુ વાતવાતમાં બિંદુને પોતાની પાગલ પાડોશી કહે છે, અભિમન્યુ જ્યારે બિંદુ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, ત્યારે એક વ્યક્તિ કિશોર કુમારની માફક જ વેશ ધારણ કરીને બિંદુને ખુશ કરવા પ્રયત્ન કરે છે, એ સમયે 'પડોસન' ફિલ્મનું 'મેરી પ્યારી બિંદુ' ગીત ઉપયોગમાં લીધેલ છે, આ રીતે ફિલ્મ 'પડોસન' ફિલ્મને અંજલિ પણ હોઈ શકે... 







ફિલ્મમાં બિંદુ અને તેની મા વચ્ચેનો અતૂટ સંબંધ દર્શાવવામાં આવ્યો છે, બિંદુ પોતાની માતાને પિતા કરતાં વધારે મહત્વ આપે છે. બિંદુને પોતાના પિતાથી ડર લાગે છે, કારણ કે રોજ રાતે દારૂ પીધા પછી ઘેર આવતાં પિતા ક્યારેક તેને બાથરૂમમાં પૂરી દે છે. માતાએ બિંદુને શીખવાડ્યું છે કે જિંદગી એક પીગળતી આઇસક્રીમ જેવી છે, જેનો સ્વાદ ચાખીશું નહીં તો નકામી જશે. આ શીખને લીધે બિંદુ વર્તમાનમાં દરેક પળે ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે અને જિંદગી મજેદાર રીતે જીવે છે. પોતાની માતાનાં મૃત્યુ પછી હૉસ્પિટલમાં અને કૉલેજનાં કાર્યક્રમ વખતે રડતી બિંદુનાં દ્રશ્યો આપણી આંખો ભીંજવે છે. બિંદુ કહે છે કે તે પોતાની મા માટે કંઈ જ ન કરી શકી, બિંદુ કહે છે કે તેણે વિચાર્યુ હતું કે તેને ઘણો સમય મળશે. પણ, જિંદગી ક્યારેક તમને બીજી વખત મોકો આપે છે, ક્યારેક નહીં. માતાનાં મૃત્યુ બાદ અભિમન્યુની જિંદગીમાંથી ચાલી ગયેલી બિંદુ અભિમન્યુને વારંવાર મળે છે, તેનો પ્રેમ પણ સ્વીકાર કરે છે, એ છતાં તેને કંઈક અધૂરપ લાગે છે. લગ્ન કરીને ઠરીઠામ થયેલી બિંદુ વર્ષો પછી અભિમન્યુને મળે છે ત્યારે અભિમન્યુ સાથે પોતાની દીકરી વિશે વાત કરે છે. દરેક કાર્ય, કૉલેજનું ભણતર, પોતાનું સપનું બધી જ વસ્તુઓ અધવચ્ચે મૂકીને ચાલી ગયેલી બિંદુનું લગ્ન કદાચ તેની દીકરીને કારણે જ ટકી રહ્યું છે. બિંદુ અભિમન્યુને કહે છે, એક મા તરીકે એ અસફળ નથી. બિંદુનો આ માતૃપ્રેમ કદાચ તેની પોતાની માતાએ આપેલ ગુણોને કારણે છે... મા અને દીકરી વચ્ચેનો પ્રેમ ફિલ્મ અદ્વિતીય રીતે રજૂ કરે છે. 








બિંદુ અને અભિમન્યુ વચ્ચેનો પ્રેમ દોસ્તી અને જૂની યાદો સાથે પાંગરે છે. જૂનાં ગીતો, પત્રો, અચાનક થતી મુલાકાતો અને અભિમન્યુ દ્વારા બિંદુને કરવામાં આવતી મદદને સહારે દોસ્તી, આકર્ષણ અને પ્રેમ પાંગરે છે. અભિમન્યુ બિંદુને બાળપણથી પસંદ કરે છે, ફક્ત બિંદુ અભિમન્યુ વિશેની લાગણીઓ માટે ચોક્કસ નથી. અભિમન્યુ બિંદુને લાંબા પત્રો લખે છે, પોતાની જિંદગી વિશેની દરેક વિગતો જણાવે છે, જ્યારે બિંદુ અભિમન્યુને ટૂંકાણમાં બધી વસ્તુઓ જણાવે છે. અભિમન્યુ બિંદુની દરેક નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે, બિંદુ દરેક વખતે અભિમન્યુને એટલું મહત્વ આપતી નથી. પરંતુ અભિમન્યુનાં લેખક બનવાનાં સપનામાં હમેંશા સાથ આપે છે, અભિમન્યુની વાર્તા કોઈક સામયિકમાં પ્રથમ વખત બિંદુ જ છપાવડાવે છે. બિંદુ અભિમન્યુને કોલકાતાનાં ઘરનો છત વાળો રૂમ યાદ અપાવે છે. એ રૂમ જ્યાં બિંદુ અને અભિમન્યુએ અગણિત વાતો કરી છે, ખૂબ સમય પસાર કર્યો છે, જે બધી જ સારી અને ખરાબ યાદો બિંદુ અને અભિમન્યુ સાથે લઈને ફરે છે. બિંદુ અભિમન્યુને પોતાનાં એ છત સાથેનાં રૂમ સાથે સરખાવે છે. એ રૂમની તેમજ અભિમન્યુની યાદો હમેંશા બિંદુની સાથે જ છે. બિંદુ અભિમન્યુને પોતાનો દોસ્ત માને છે, પણ સાથે જ કહે છે, જ્યારે જૂનું સરનામું બદલાય છે, ત્યારે મિત્રો પરિવાર બની જાય છે. બિંદુ અભિમન્યુને પોતાના કુટુંબનો એક ભાગ ગણે છે. બિંદુ અભિમન્યુની સાથે પોતાની બધી જ તકલીફો, બધી જ વાતો વહેંચે છે. અભિમન્યુ ઘણી વખત ઘવાય છે, કારણ કે બિંદુ એને એ બધી પળોમાં પ્રેમ કરતી નથી, પણ અભિમન્યુ બિંદુનો સાથ છોડતો નથી.








અભિમન્યુનો બિંદુ માટેનો પ્રેમ અલગ જ પ્રકારનો છે. હમેંશાથી બિંદુને બધી જ મદદ કરતો, બિંદુની દરેક તકલીફમાં એની સાથે રહેતો અભિમન્યુ ક્યારેય બિંદુ પર પોતાનો પ્રેમ થોપતો નથી. અભિમન્યુ ક્યારેય બિંદુને બળજબરીથી પોતાનો પ્રેમ સ્વીકારવા માટે પણ કહેતો નથી. મુંબઈમાં અભિમન્યુ અને બિંદુ સાથે જેટલો સમય ગાળે છે, સાથે એક ઘરમાં રહે છે, એ સમય અભિમન્યુ માટે સ્વર્ગ સમાન છે. અભિમન્યુ એ પળને વારંવાર યાદ કરે છે અને એ પળોને વારંવાર અનુભવે છે. અભિમન્યુ અને બિંદુ ઘણા વર્ષો પછી મળે છે ત્યારે અભિમન્યુ બિંદુને કહે છે કે એ લોકો સાથે ભળવામાં સમય લે છે, તેમજ લોકોની તેને માટેની લાગણી સમય જતાં વધે છે... અભિમન્યુ પોતાની અને બિંદુની વાર્તામાં સુખદ અંત શોધે છે, જે અસલી જિંદગીમાં એને મળ્યો નથી. બિંદુ પણ અભિમન્યુની એ વાર્તાને પસંદ કરે છે, બિંદુ કહે છે કે જો એણે પોતાની અને અભિમન્યુની વાર્તા કહી હોત તો એ થોડી અલગ હોત, કારણ કે આપણે ફક્ત અભિમન્યુની લાગણીઓ જ જાણી શક્યા છીએ, બિંદુનાં મનની વાતો આપણે જાણી શક્યાં નથી. કદાચ એટલે જ ફિલ્મ ઘણા લોકોને પસંદ ન પડી હોઈ શકે, કારણ કે બિંદુનાં પાત્રની લાગણીઓ અને અમુક પરિસ્થિતિઓમાં બિંદુ એ રીતે કેમ વર્તે છે, એનો કોઈ જવાબ મળતો નથી. પરંતુ બિંદુ ફિલ્મનાં એક સંવાદમાં કહે છે કે પ્રેમ વિશે નવું શું કહી શકાય? એ વાત એકદમ જ સત્ય છે, કારણ કે પ્રેમ વિશે બધું જ કહેવાઈ ચૂક્યું છે, તે છતાં થોડીક અલગ રીતે પ્રસ્તુત થયેલી આ ફિલ્મ અને અભિમન્યુ હમેંશા મારી સાથે રહેશે...

આભાર શ્રુતિ ; હેની અને ઋતુરાજ




ફિલ્મ વિશે કેટલીક લીંક - 





Books in Movies



મેરી પ્યારી બિંદુ - જૂનાં ગીતો

અક્ષય રોયની 'મેરી પ્યારી બિંદુ' યાદો અને જૂનાં ગીતોથી ભરપૂર છે. માટે, આ પોસ્ટ ફક્ત જૂનાં ગીતોની યાદોને નામ... કેટલીક લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ હોય છે, ફક્ત અનુભવી શકાય છે, એ જ રીતે આ ગીતો વિશે હું લંબાણમાં લખીશ નહીં, ફક્ત ફિલ્મમાં ઉલ્લેખ થયો છે એ ગીતોનાં નામ અને ફિલ્મોનાં નામ લખીને ગીતો મૂકી રહ્યો છું. ફિલ્મમાં વપરાયેલ બંગાળી ગીત 'જિબોને કી પાબોના' બંગાળી ફિલ્મ 'તીન ભૂબાનેર પારે' માટે મન્ના ડેનાં અવાજમાં ગાવામાં આવેલ ... આ ગીત શૂજિત સિરકારની ફિલ્મ 'પિકુ'માં પણ વાપરવામાં આવ્યું હતું... આ ફિલ્મનાં 'યે જવાની તેરી' ગીતનાં અમુક ડાન્સ સ્ટેપ ફિલ્મ 'બ્રહ્મચારી'નાં ગીત  'આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે' પરથી છે, માટે એ ગીતનો પણ ઉલ્લેખ કરી રહ્યો છું, આ છતાં અમુક ગીતો બાકી રહી જ ગયા હશે,... છેલ્લે મૂકેલ પરિણીતિ ચોપરા અને આયુષ્માન ખુરાનાનો ફિલ્મ પ્રમોશન માટેનો લાઇવ કોન્સર્ટ પણ ખૂબ જ મજેદાર છે. જૂની યાદોમાં ખોવાઈ જવા માટે સ્વાગત છે...   






ગીત - અભી ન જાઓ છોડ કર
ફિલ્મ - હમ દોનો







ગીત - જિબોને કી પાબોના 
ફિલ્મ - તીન ભૂબાનેર પારે






ગીત - આઇયે મહેરબાં
ફિલ્મ - હાવડા બ્રીજ








ગીત - આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે
ફિલ્મ - બ્રહ્મચારી






ગીત - દો નૈના ઔર ઇક કહાની 
ફિલ્મ - માસૂમ







ગીત - મેરે સપનો કી રાની
ફિલ્મ - આરાધના






ગીત - યાદ આ રહા હૈ
ફિલ્મ - ડિસ્કો ડાન્સર






ગીત - યે કહાં આ ગયે હમ 
ફિલ્મ - સિલસિલા





ગીત - ડિસ્કો 82
ફિલ્મ - ખુદ્દાર




ગીત - મેરા કુછ સામાન
ફિલ્મ - ઇજાઝત




ગીત - સુન સુન સુન ઝાલિમા
ફિલ્મ - આર પાર



પરિણીતિ અને આયુષ્માન
બંનેના અવાજમાં કેટલાક ગીતો 



Monday 20 November 2017

તુમ્હારી સુલુ (૨૦૧૭)



ક્યારેય તમને એમ થયું છે કે તમે રસ્તા પરથી જઈ રહ્યા છો અને તમારી સફળતાની ખુશીમાં લોકો રસ્તા પર ગુલાબની પાંખડીઓ પાથરી રહ્યા છે? એ અહેસાસ થયો છે કે તમારી એ સફળતાની ખુશીમાં તમને પાંખો ફૂટી છે અને તમે સપનાઓની ઉડાન ભરી છે? ક્યારેય તમારી સફળતાને કારણે તમારી અત્યાર સુધીની બધી જ ખરાબ લાગણીઓ ધોવાઈ ગઈ છે?

ધોરણ બાર નાપાસ એક ગૃહિણી સુલોચના એટલે કે સુલુ (વિદ્યા બાલન) પોતાની જાતને પુરવાર કરવા માટે સતત નવી વસ્તુઓ શીખવા, નવી સ્પર્ધાઓ જીતવા પ્રયત્નો કરતી રહે છે. પતિ અશોક (માનવ કૌલ) અને દીકરા પ્રણવ સાથે વિરારની જલ પદ્મા સોસાયટીમાં રહેતી સુલુ એક દિવસ રેડિયો કૉન્ટેસ્ટમાં પ્રેશર કૂકર જીતે છે અને તે વખતે ત્યાં લાગેલ આરજે હન્ટની સ્પર્ધા માટેનું પોસ્ટર જોઈને તેને આરજે બનવાની ઇચ્છા થઈ આવે છે. પછી સર્જાય છે હાસ્ય અને ઘટનાઓની શ્રેણી, જે સુલુને જીવનમાં પોતે કંઈક કર્યુ છે તે લાગણી મહેસૂસ કરાવે છે...

સુલુ તરીકે વિદ્યાનો દમદાર અભિનય, સહ કલાકારો તરીકે માનવ કૌલ અને નેહા ધૂપિયાનો પણ ખૂબ જ સુંદર અભિનય. ટૂંકા રમૂજી સંવાદો સાથે હળવો સંદેશો આપતી ધીમી ગતિની આ ફિલ્મ જોવા જેવી તો ખરી જ!!