Wednesday 15 February 2017

આસમાની

ફિલ્મ: થઈ જશે! (૨૦૧૬)
સંગીત - હેમાંગ ધોળકીયા
ગીતકાર - મિલિન્દ ગઢવી
ગાયક - પાર્થિવ ગોહિલ


આ ફિલ્મ વિશે પણ લખવું છે પરંતુ એ ફરી ક્યારેક, અત્યારે આ ગીત વિશે. થોડા દિવસ પહેલા જ અચાનક આ ગીત યાદ આવી ગયેલું અને પછી વારંવાર સાંભળ્યું એટલે થયું કે આ સાચે જ અર્થપૂર્ણ અને ખૂબ સુંદર ગીત છે. ફિલ્મ જોયેલી ત્યારે આ ગીત જોઈને એટલો ઈમોશનલ થઈ ગયેલો કે ગીતની અંદરની નાની નાની વિગતો પર ધ્યાન જ નહોતું ગયું.

પ્રણવ (મલ્હાર ઠાકર) અમદાવાદમાં સેટલ થયો છે અને જ્યારે પોતાના વતન જેતપુર આવે છે ત્યારે એની લાગણીઓ માટે આ ગીત છે. આ ગીતની થીમ છે નોસ્ટેલ્જિયા- જૂના વીતેલા સમયની ઝંખના. પ્રણવ પોતે યાદ કરે છે એનો જૂનો સમય, અને એ બધુ ફરી માણવાની ઈચ્છા થઈ આવે છે, અને એમાંથી અમુક વસ્તુઓ એ અનુભવે પણ છે અને આપણે એ બધા સીન્સ ગીતમાં જોઈએ છીએ.

હે જી! કાઠિયાવાડમાં કોક દિ જી રે
હે જી! ભૂલો ને પડ ભગવાન
હે તને સ્વર્ગ ભૂલાવું રે શામળા જી રે
હે તુ થા ને મારો મહેમાન

આ એક કાઠિયાવાડી દોહો છે, કોણે લખ્યો છે એ ઘણુ શોધ્યું, પણ જવાબ મળતો નથી. કાઠિયાવાડની મહેમાનગતિ માણવા માટે શ્રી કૃષ્ણને ઉદ્દેશીને આ દોહો છે. એની સાથે આપણે સ્ક્રીન પર જેતપુરનાં સુંદર એરિયલ શોટ્સ જોઈએ છીએ. 

જેતપુર - એરિયલ શોટ્સ


કાચી કાચી કાચી ગલીઓમાંથી
ખાટી મીઠી ગલીઓમાંથી
ઝીણા રે ઝીણા સાદ આવે
વિસરેલા ચોક વચાળે
લાગણીનું સરઘસ ચાલે
ભીની ભીની ભીની યાદ આવે


અહીં કાચી ગલીઓ કહ્યું છે, કાચા રસ્તા શબ્દ નથી વાપરવામાં આવ્યો. એનું કારણ કદાચ એ છે કે જેતપુરની એ ગલીઓ મોટા શહેરનાં રસ્તા જેટલી પાકી થઈ નથી. એ ગલીઓની અંદર જૂની હૂંફ અને ખાટી મીઠી યાદો સચવાઈને પડી છે. એ યાદો ધીમે ધીમે પ્રણવને સાદ પાડે છે. પ્રણવ જેતપુર રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો છે અને એના મનની અંદર લાગણીનું સરઘસ ચાલે છે. એ રેલવે સ્ટેશનને જોઈને પ્રણવ પોતાના પિતાની સાડીઓની ફેક્ટરીની યાદોમાં ખોવાઈ જાય છે...

જેતપુર રેલવે સ્ટેશન જોઈને પ્રણવના વિચારો


આસમાની રંગની છોળ ઉડાડુ, આજ તો
આસમાની રંગનું ગીત ઉપાડુ, હું ફરી
આસમાની ગામમાં ડૂબી જાઉ

વાદળી રંગ મોટેભાગે સ્વર્ગ દર્શાવવા માટે વપરાય છે. અહીં આ ગીતની કદાચ એ સૂચકતા પણ છે કે પ્રણવની યાદો એના માટે સ્વર્ગ સમાન છે, એ યાદોને વારંવાર જીવવા માટે એની અંદર ડૂબી જવાનું મન છે એનું.

આસમાની રંગની બોટલ, શરબત અને ટી શર્ટ

પ્રણવ ભરથરી પાસે બેસીને એનું રાવણ હથ્થા દ્વારા વગાડેલું સંગીત સાંભળે છે. એવું માનવામાં આવે છે કે ભરથરી લોકો રાજા ભર્તુહરિનાં વંશજો હોય છે. મારી પોતાની પણ આવી એક યાદ છે કદાચ ૨૦૦૯ આસપાસની. એ રાવણ હથ્થાનું સંગીત મેં પણ સાંભળ્યું છે, અને એ સંગીતને કંપોઝ કરવા માટે સંગીતકાર હેમાંગ ધોળકીયાને ખૂબ ખૂબ શાબાશી. પ્રણવ ખોવાઈ ગયો છે ક્યાંક એ સંગીતની અંદર. 

ભરથરી, રાવણ હથ્થો અને સંગીતમાં ખોવાયેલો પ્રણવ


ભજિયાની તીખી તીખી ચટણીમાં 
બચપણનાં સિસકારા બોલે
રામલા આ ગાંઠિયા જલેબીમાં 
મૌસમનાં ખમકારા બોલે
કેવી અદાથી પીતા ચાની પ્યાલી
સાયકલની સીટી કહેતી જાહોજલાલી
આજે ફરીથી એ જીવુ

પ્રણવ અને એનો દોસ્ત ત્યાંના ભજિયા, ગાંઠિયા અને બીજી વસ્તુઓને ખાતી વખતે એમનું બચપણ યાદ કરે છે અને એ યાદો ગમે તેટલા પૈસા વડે પણ ખરીદી શકાતી નથી. સાયકલની સીટીની એ વખતની જાહોજલાલી અને એ વખતની ચા પીવાની અદા સાથે એ બધી યાદો એને ફરી જીવવાનું મન થાય છે...

ભજીયા અને એની ચટણી, ગાંઠિયા અને જલેબી,
ગરમ ચા અને બટેકા - ભૂંગળા

આસમાની મહેકની ટોળી ચાલી
જિંદગી આસમાની ઓઢણી ઓઢી ચાલી
હું ય આ આસમાની ડાળ પર ઝૂલી જાઉ

આ બધી યાદોની સાથે જિંદગીને પણ આસમાની રંગની ઓઢણી સાથે સરખાવીને પ્રણવ વડની વડવાઈ પર ઝૂલે છે, એ ડાળને પણ આસમાની રંગ એટલે કે સ્વર્ગ સાથે સરખાવી છે. એ યાદો સ્વર્ગ સમાન છે. જિંદગીમાં ગમે તેટલા આગળ વધી જઈએ તો પણ યાદોની બરાબરી કોઈ કરી શકશે નહીં. 

વડની વડવાઈ પર ઝૂલીને બાળપણ શોધવું

આ ગીતની અંદર ઘણી બધી વખત સ્ક્રીન પર વાદળી રંગ જ જોવા મળે છે, એ પણ ઘેરો નહીં પરંતુ આસમાની રંગ. પ્રણવ અને એના દોસ્તના કપડા, ભરથરી જ્યાં બેઠો છે એ જગ્યાનો દીવાલ પરનો રંગ, અમુક જગ્યાએ વાદળી રંગનું બેકગ્રાઉન્ડ અને બીજી નાની નાની વસ્તુઓનો પણ એ જ રંગ. આટલું સરસ રીતે બધુ મેચ કરીને વિચારવા માટે ડિરેક્ટર નિરવ બારોટને ખરેખર ખૂબ શાબાશી! મિલિન્દ ગઢવીને એમનાં અર્થપૂર્ણ શબ્દો, હેમાંગ ધોળકીયાને એમનાં અફતાલૂન સંગીત અને પાર્થિવ ગોહિલને એમની ગીત ગાવાની છટા માટે શાબાશી!! ગુજરાતી સિનેમાની અંદર જો આ રીતે અર્થપૂર્ણ વસ્તુઓ બનતી રહેશે તો ગુજરાતી સિનેમા આગળ જ છે, બોક્સ ઓફિસનાં આંકડા કે પ્રસિધ્ધિ મહત્વની નથી. મહત્વની છે આ રીતની સાચી અર્થપૂર્ણ કળા... 

નોસ્ટેલ્જિયા સંબંધિત બીજી પોસ્ટ: મિડનાઈટ ઈન પેરિસ (૨૦૧૧)

No comments:

Post a Comment