Tuesday, 28 February 2017

વિશાલ ભારદ્વાજનો સૂફીવાદ - ખામખા, ઓ સાથી રે, બેકરાં, ખુલ કભી તો અને બીજા ગીતો
વિશાલ ભારદ્વાજ ખરેખર એક મહાન કલાકાર છે, એ ખૂબ જ અર્થપૂર્ણ સિનેમા બનાવે છે, ખૂબ સરસ સંગીત આપે છે, અને ક્યારેક ખુદના ગીતો ગાય પણ છે. અહીં મારે એમનાં થોડાક એવા ગીતો વિશે વાત કરવી છે, જેને હું એમનો સૂફીવાદ ગણું છું. આ ગીતોની અંદર કંઈક જોડાણ છે, એવું મને લાગે છે, જે કહ્યુ છે એનાથી પણ કંઈક વધારે, કંઈક ગાઢ એનો મતલબ છે, એકદમ ધીમી ગતિના ગીતો, ગુલઝારનાં અર્થપૂર્ણ શબ્દો, જેને ફિલ્મની વાર્તા સાથે પણ સંબંધ હોય જ. મારો એક બીજો બ્લોગર મિત્ર પંકજ ખૂબ સરસ બ્લોગ્સ લખે છે, મેં આ ગીતો વિશે એની સાથે વાત કરેલી. એણે આ બધા ગીતો માટે એક સરસ હિન્દી શબ્દ વાપર્યો છે - ઠહરાવ. હું આ ગીતોનો મારી રીતે અર્થ કાઢીને આ પોસ્ટ લખવાનો પ્રયત્ન કરુ છું.

'ખામખા' મેં એક સમયે રોજ રાત્રે સાંભળ્યું છે અને એ સાંભળીને મારુ ઓશીકું ભીનું થયું છે. 'ઓ સાથી રે' સાંભળીને મને ઘણીવાર એવું લાગે છે કે સમય બસ એમ જ રહી જાય તો સારુ! 'બેકરાં' સાંભળીને મને લાગે છે કોઈ જગ્યાએ અંધારુ છે અને બસ આગળ ચાલ્યે જ જવાનું છે. 'ખુલ કભી તો' હું એટલી બધી વખત સાંભળતો નથી, છતાં એના શબ્દો મને ખૂબ ગમે છે. રંગૂનનાં ગીતો નવા જ છે, એ મેં ઘણી વખત સાંભળ્યા નથી. 'પહેલી બાર મહોબ્બત'  હું એક સમયે ખૂબ સાંભળતો. 'નૈણા' ગીત પણ મેં ખૂબ ઓછુ સાંભળ્યું છે, પણ એ ગીતનાં શબ્દો વિશે પણ મારી પાસે શબ્દો નથી. આ બધુ મિશ્ર થઈને બની રહી છે આ પોસ્ટ!'ખામખા' ગીતની અંદર શબ્દો છે-

જો નહી કિયા, કરકે દેખના
સાંસ રોક કે મરકે દેખના

મટરુ અને બિજલી જે વસ્તુઓ અત્યાર સુધી કરી નથી, એ બધી વસ્તુઓ માટે પ્રયત્ન કરે છે. બિજલી બાઈકની સીટ પર ખુરશીઓ બાંધીને બેસી છે અને એ લોકો રસ્તા પરથી પસાર થાય છે. કૂવામાંથી પાણી ખેંચતી વખતે કેટલું જોર લગાવવું પડે એ મહેસૂસ કરવા રસ્સીને એક જગ્યાએ બાંધીને ખેંચે છે. જૂના ટાયરને ગાડીનું પૈડુ બનાવી એને નાની લાકડી વડે ચલાવી બચપણ શોધવાનો પ્રયત્ન કરે છે. બેન્ડની સાથે વાજા વગાડીને એમને શ્વાસ લેવામાં કેવી તકલીફ થતી હશે એ પણ અનુભવે છે. જો કે ગુલઝારની કવિતાઓનાં શબ્દોનો ઘણો ઊંડો અર્થ નીકળતો હોય છે, એટલે શ્વાસ રોકીને મૃત્યુ કેવું છે એના સિવાય પણ કંઈક મતલબ તો જરૂર જ હોવો જોઈએ...


એ જ રીતે 'ઓ સાથી રે' ગીતમાં પણ ડોલી અને ઓમકારાનાં પાત્રો માટે શબ્દો છે-

કભી કભી યૂ કરના
મેં ડાંટૂ ઔર તુમ ડરના

ડોલીની ઇચ્છા છે કે એનો પ્રેમી ઓમકારા ક્યારેક એના મીઠા ઠપકાથી ડરે... ઘરની બહાર બધા પર હુકમ ચલાવતો ઓમકારા, ઘરની અંદર ક્યારેક પોતાની ઇચ્છાઓ અનુસાર વર્તે એમ ડોલી ઇચ્છે છે...


ગીતની શરૂઆત પણ ઇચ્છાઓથી થાય છે, પણ એ દિલની અંદરની એ પ્રકારની આશાઓ છે, જે ક્યારેય પૂરી થતી નથી.

ઓ સાથી રે,
દિન ડૂબે ના
આ ચલ દિન કો રોકે
ધૂપ કે પીછે દૌડે
છાંવ છૂએ ના

ખૂબ ઓછા દિવસ એવા હોય છે જ્યારે આપણને થાય છે કે બસ આ સમય અહીં જ થંભી જાય, આ સૂરજ કદી ના ડૂબે, આપણને એ સાંજનો તડકો બસ એમ જ જોવા મળે અને અંધારુ આપણને અસર ન કરે. 'ધૂપ અને છાંવ' જિંદગીની તડકી-છાંયડી માટે રૂપક છે. પણ, એ સમય જે ક્યારેય પાછો નથી આવવાનો, એ સમય યાદોમાં તો હમેંશા સંઘરાઇ રહેવાનો જ છે એમ છતાં થાય છે બસ થોડો સમય વધારે... અમુક ઇચ્છાઓ આપણને ખબર હોય છે કે કદાચ પૂરી ન પણ થાય, પણ આપણે એ ઇચ્છાઓની પાછળ દોડીએ છીએ. ક્યારેક એમ થાય કે એ વ્યક્તિ જિંદગીમાં આવશે અને એના પ્રેમથી જિંદગી સુંદર બનશે, પરંતુ એવું પણ બને કે એ વ્યક્તિને આપણી માટે કોઈ જ લાગણી ન હોય. કદાચ એ ફક્ત આપણું પાગલપન હોય એમ પણ બને, એ માટે 'ખામખા' ગીતની અંદર શબ્દો છે-

ઉમ્મીદો કા જલના બૂઝના
પાગલપન હૈ ઐસે તુમ પે મરનાઅશ્ક આંખો મેં ભરકે દેખના

આઇના કભી ડર કે દેખના

ઘણી વખત આંસુ ખૂબ રાહત આપે છે, દિલની અંદરની વાત બહાર આવી જાય છે અને દર્દની માત્રા પણ ઓછી થાય છે, એટલે 'ખામખા' ગીતની અંદર જે વસ્તુઓ કરવાની બાકી છે એમાં એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે ક્યારેક રડી લેવું જોઈએ...


અરીસો સુંદરતા જોવા માટે છે. પણ અહીં એ સંદર્ભે છે કે ઢળતી ઉંમર સાથે અરીસામાં જોતા ડર લાગે છે, જે સુંદરતા હવે રહી જ નથી, એ દેખાશે નહીં અને સચ્ચાઈ જોવી ખૂબ ઓછાને ગમે! બીજો અર્થ એ પણ છે કે તમે જીવનમાં કોઈ ખોટુ કામ કર્યુ હોય તો અરીસામાં તમારી જાતને જોતા પહેલા ડર લાગે છે. ત્રીજો અર્થ હું એ પણ કરુ છું કે તમે અરીસામાં પોતાનો ચહેરો જોતી વખતે ડરો અને પોતાની જાતને પૂછો કે દુનિયાની સામે હું જે છું એ શું મારુ સાચું રૂપ છે. ઘણા લોકો દુનિયા સામે કંઈક અલગ અને પોતાને માટે અલગ હોય છે. અરીસો પોતાની જાતની અંદર ઝાંખવા માટે રૂપક છે.

ઉબલ પડે આંખો સે મીઠે પાની કા ઝરણા

આંસુની વાતને જો 'ઓ સાથી રે' ગીતનાં આ શબ્દોની સાથે સરખાવીને જોઈએ તો એમાં કહ્યુ છે કે આપણી ઇચ્છા ક્યારેક પૂરી થાય પછી જે આંસુ આવે છે એ ખુશીના આંસુ હોય છે, આંસુનો સ્વાદ સામાન્ય રીતે ખારો માનવામાં આવે છે, પણ અહીં ખુશીના આંસુને મીઠા પાણીનું ઝરણું કહેવામાં આવ્યું છે.'સાત ખૂન માફ' ફિલ્મનું 'બેકરાં' સુંદર ગીત છે. ગીતમાં આંખોની સુંદરતા વિશે છે.બેકરાં હૈ બેકરાં
આંખે બંધ કીજે ના
ડૂબને લગે હૈ હમ
સાંસ લેને દીજે ના
ઇક ઝરા ચહેરા ઉધર કીજે
ઇનાયત હોગી
આપકો દેખ કે બડી દેર સે
મેરી સાંસ રુકી હૈ

સુઝાનાની સુંદર આંખોની અંદર વસિઉલ્લાહ ખાન ડૂબી ગયો છે. એ સુંદરતાની તારીફ કરીને એ કહે છે કે સુઝાના થોડી વાર આંખો બંધ કરે અથવા ચહેરો બીજી તરફ લે તો મહેરબાની થશે કારણ કે એને લીધે એનો શ્વાસ રોકાઈ ગયો છે...
ઇક ઝરા દેખિયે તો
આપકે પાવ તલે
કુછ તો અટકા હૈ કહી
વક્ત સે કહિયે ચલે

સુઝાનાનાં પગનાં તળિયે સમય રોકાઈ ગયો છે એ સંદર્ભે આ પંક્તિ છે, એ ચાલે તો જ સમય ચાલે! અહીં પણ બીજો કોઈ અર્થ જરૂર જ હોવો જોઈએ, જે મને ખ્યાલ નથી... આ આખા ગીતની અહીં મેં લખેલી બે લાઈન્સ ફક્ત સમજવા માટે છે, નહીં તો જરૂર કોઈ રૂપક કે સંદર્ભ માટે આ ગીત છે જે મને સહેજ પણ ખ્યાલ નથી.આ ગીત ફિલ્મમાં આવે છે ત્યારે એની શરૂઆતમાં એક શાયરી છે-

ઇક બાર તો યૂ હોગા
થોડા સા સુકૂન હોગા
ન દિલ મેં કસક હોગી
ન સર મેં ઝુનૂન હોગા

અહીં એમ કહેવા માગે છે કે એક સમય તો એવો જરૂર આવશે જ્યારે દિલની અંદર કોઈ ઇચ્છા બાકી નહીં રહી હોય, મગજની અંદર કોઈ ઝુનૂન નહીં હોય, એ સમયે શાંતિનો અહેસાસ થશે. જ્યારે કોઈ ઇચ્છા બાકી રહેતી નથી ત્યારે માણસને જીવવાની પણ એટલી આશા હોતી નથી. કારણ કે 'જીજીવિષા' શબ્દ એટલે કે જીવન જીવવાની ઇચ્છાની અંદર પણ 'ઇચ્છા' છે!


'હૈદર' ફિલ્મનું ખુલ કભી તો ગીત મેં આ આખી પોસ્ટનાં બધા ગીતોમાંથી સૌથી ઓછું સાંભળ્યું છે, આ ગીતનાં શબ્દો પણ ખૂબ અઘરા છે.

ખુલ કભી તો,
ખુલ કભી કહી
મૈ આસમા,
તુ મેરી ઝમીન
બૂંદ બૂંદ બરસૂ મૈં
પાની-પાની ખેલુ ઔર બેહ જાઉ
ગીલે ગીલે હોઠો કો મૈં
બારિશો સે ચૂમું-ચૂમું ઔર કેહ જાઉ
તુ ...ઝમીન હૈ... તુ મેરી ઝમીન

ઝમીન અને આસમાન બંને આર્શિયા અને હૈદર માટે રૂપક છે. ઝમીન ક્યારેક જો ખુલ્લી થાય તો આસમાન એની પર વરસવા માંગે છે. હૈદર એનો પ્રેમ આર્શિયા પર વરસાવા માંગે છે.ઝુક કે જબ ઝુમકા મૈં
ચૂમ રહા થા
દેર તક ગુલમહોર
ઝૂમ રહા થા
જલ કે મૈં સોચતા થા
ગુલમહોર કી આગ હી મેં
ફેંક દૂ તુઝે

અહીં આગ ઈર્ષ્યા માટે રૂપક છે. હૈદર જ્યારે આર્શિયાને પ્રેમ કરે છે ત્યારે બહારનાં સુંદર મૌસમ પ્રત્યે એને ઈર્ષ્યા છે. એ ગુલમહોરનું વૃક્ષ જે પોતાની મસ્તીમાં ચૂર છે એ વૃક્ષને એ સળગાવી દેવા માંગે છે!!

'રંગૂન' ફિલ્મનાં બે ગીતો યે ઈશ્ક હૈ અને 'અલવિદા' પણ આ જ શ્રેણીમાં મૂકી શકાય, આ બંને ગીતો પણ ખૂબ સુંદર છે...અલવિદા, અલવિદા તો નહીં
જિસ્મ સે જાં જુદા તો નહીં
રૂહ મેં બેહ રહા હૈ તુ
એ કહી તુ ખુદા તો નહીં


બે પ્રેમીઓ છૂટા પડી રહ્યા છે, પણ કહે છે કે આ અલવિદા એ અલવિદા તો નથી. કારણ કે શરીર અને જીવ બંને અલગ તો નથી. જે વ્યક્તિ આત્માની અંદર સમાઈ જાય છે એ ક્યારેય પોતાનાથી અલગ થઈ શકતી નથી. આપણને સામાન્ય રીતે કહેવામાં આવે છે કે ભગવાન તમારા હૃદયની અંદર હોય છે, જે જીવ કે માણસ આત્માની અંદર હોય એને ભગવાનનું રૂપક અપાય છે.
યે ઇશ્ક હૈ
સૂફી કે સુલ્ફે સી, લૌ ઉઠ કે કહેતી હૈ
આતિશ યે બુઝકે ભી જલતી હી રહેતી હૈ...

સૂફી એક ગૂઢ રહસ્ય છે. સુલ્ફા એક પ્રકારનું તમાકુ અથવા વીડ છે. જેમ એનો નશો માણસને બંધાણી બનાવે છે, તેમ એકવાર પ્રેમ થયા પછી પ્રિય વ્યક્તિનાં બંધાણી થઈ જવાય છે. પ્રેમની અંદર હમેંશા જલન રહે છે, પ્રેમમાં પડ્યાની જલન, પ્રિય વ્યક્તિની ઝંખનાની આગ, એનાથી દૂર જવાથી એ આગ વધારે સળગે છે.  અહેસાસને અગ્નિ સાથે સરખાવીને કહ્યુ છે કે એવી આગ જે હોલવાયા પછી પણ સળગતી જ રહે છે. આ બધાની સાથે સરખાવીને પ્રેમની વ્યાખ્યા કરીને કહ્યુ છે કે પ્રેમ એ પ્રકારનું વ્યસન છે.
આ જ ગીતનાં બીજા શબ્દો જે નીચે લખ્યાં છે એ મને ખૂબ જ ગમે છે‌-

બેખુદ સા રહતા હૈ
યે કૈસા સૂફી હૈ
જાગે તો તબરીઝી
બોલે તો રુમી હૈ

પ્રેમ થયા પછી દિલની હાલત કંઈક ન સમજાય એવી થઈ જાય છે જેને સૂફી સાથે સરખાવી છે. તબરીઝી અને રુમી પર્શિયન ભાષાના મહાન કવિઓ ગણવામાં આવે છે. એમની રચનાઓ ઘણી વખત એટલી ગૂઢ રહસ્યથી ભરપૂર હોય છે કે દરેક પોતાનો કંઈક અલગ અર્થ કાઢી શકે. ઘણી જગ્યાઓએ રુમીને તબરીઝીનાં શિષ્ય માનવામાં આવે છે. રુમીની અમુક રચનાઓ વિશે મને ખ્યાલ છે. તબરીઝીને મેં ક્યારેય વાંચ્યા નથી. ઈમ્તિયાઝ અલીની અમુક ફિલ્મોની ટેગલાઈન રુમીની રચનાઓથી પ્રેરિત હોય છે...આ બધા ગીતોની સાથે મને વિશાલ ભારદ્વાજનાં બીજા બે ગીતો યાદ આવે છે, 'કમીને' ફિલ્મનું પહેલી બાર મહોબ્બત અને ઓમકારા ફિલ્મનું નૈણાનૈણો કી મત માનિયો રે

અહીં આંખો પર ભરોસો ન કરવા માટે કહેવામાં આવ્યું છે, જે દેખાય છે ફક્ત એ જ સત્ય હોતું નથી એ પ્રકારનો મતલબ અહીં કરી શકાય...નૈણો કો તો ડસને કા ચસ્કા લગા રે
નૈણો કા ઝહર કા નશીલા રે

પ્રેમની શરૂઆત ત્યારે થાય છે જ્યારે એ વ્યક્તિને આંખો વડે નિહાળીએ છીએ. ડોલી ઓમકારાને પહેલી વખત મળે છે એ પછી એના પ્રેમની આગની અંદર જલે છે. જે દિવસે ડોલી અને ઓમકારા પહેલી વખત મળે છે ત્યારે ડોલીનાં કપડા પર ઓમકારાનાં ઘાનો લાલ રંગ રહી જાય છે. એ દિવસે એના કપડા પર રહી ગયેલા ઓમકારાનાં ઘાનો ડાઘ ડોલી અરીસામાં જોઈને પંપાળ્યા કરે છે. એ ઘા એના ઓમકારા તરફનાં પ્રેમ માટે રૂપક છે. એક વખત કોઈ વ્યક્તિને જોઈ લઈએ છીએ અને પછી એ ગમી જાય છે એ પછી એનાં પ્રેમનું ઝેર શરીરની અંદર ફેલાઈ જાય છે.નૈણો કી જુબાન પે ભરોસા નહીં આતા
લિખત પઢત ના રસીદ ણા ખાતા
સારી બાત હવાઈ

જો કોઈ વ્યક્તિની કોઈ વાત પર ભરોસો કરવો હોય તો મોટેભાગે લેખિત કરાર કરવામાં આવે છે, એ વાત સાથે ફરી એ જ અર્થ રજૂ થયો છે કે આંખો ભરોસાને લાયક નથી. સામાન્ય રીતે આંખોને સુંદરતા સાથે સંદર્ભ હોય છે. પરંતુ અહીં આ ગીતનાં શબ્દોનો ઘણો ગૂઢ અર્થ નીકળે છે.થોડે ભીગે ભીગે સે થોડે નમ હૈ હમ
કલ સે સોયે વોયે ભી તો કમ હૈ હમ
દિલ ને કૈસી હરકત કી હૈ
પહેલી બાર મહોબ્બત કી હૈ
આખરી બાર મહોબ્બત કી હૈ

'કમીને' ફિલ્મનાં આ ગીત 'પહેલી બાર મહોબ્બત'ની અંદર પ્રેમની શરૂઆતની લાગણીઓ અને યાદો વ્યક્ત થઈ છે. થોડાક ભીંજાયેલા અને ઊંઘ ભરેલી આંખો સાથે જાગતા રહીને જોયેલા સપના... જ્યારે લાગે છે આ પહેલી અને છેલ્લી વખત પ્રેમ થયો છે, આ વ્યક્તિ જ બસ જિંદગી છે.આંખે ડૂબી ડૂબી સી સુરમયી મધ્ધમ
ઝીલે પાની પાની હૈ બસ તુમ ઔર હમ

'નૈણા' ગીતમાં આંખો પર ભરોસો ન કરવા વિશે છે. અહીં એનાથી એકદમ વિરુધ્ધ આંખોની કહેવાતી સુંદરતા વિશે છે. આંખોની અંદર લગાવેલ કાજલને લીધે આંખ વધારે સુંદર લાગે છે. એ લોકો પાણીથી ભરાયેલા તળાવની પાસે બેઠા હતા, ફક્ત એ બે જ જણ.યાદ હૈ પીપલ કે જિસકે ઘને સાયે થે
હમને ગિલહરી કે ઝૂઠે મટર ખાયે થે
યે બરકત ઉન હસરત કી હૈ

એમને એ દિવસનો એ પ્રસંગ યાદ છે જ્યારે એ લોકોએ પીપળાનાં વૃક્ષની છાયામાં ખિસકોલીનાં એઠા વટાણા ખાધા હતાં. એમનો પ્રેમ એવી પળોને લીધે જ છે...

****************

આ બધા ગીતોની અંદર આંખો ઘણી વખત જોડાણ છે, ક્યારેક ઇચ્છાઓ, ક્યારેક પ્રેમ. એ બધાની સાથે ગાઢ અર્થ ધરાવતો સૂફીવાદ. 'ખામખા' ગીતનાં વીડિયો અને 'યે ઈશ્ક હૈ' ગીતનાં વીડિયોમાં લોકો આગની આસપાસ ગોળ ફરીને નૃત્ય કરે છે, એ પણ બંને સંસ્કૃતિ સાથે કંઈક જોડાણ છે. આ ગીતો હું જેટલી વધારે વખત સાંભળીશ એટલા મને વધારે ગમશે અને ગમતાં જ રહેશે!

આગની આસપાસ નૃત્ય
(ગીત - યે ઈશ્ક હૈ)

આગની આસપાસ નૃત્ય
(ગીત - ખામખા)

ગીતોની ક્રેડિટ્સ

આ બધા ગીતો માટે
ગીતકાર - ગુલઝાર 
અને 
સંગીત - વિશાલ ભારદ્વાજ


ગીત - ઓ સાથી રે
ગાયક - શ્રેયા ઘોષાલ અને વિશાલ ભારદ્વાજ
ફિલ્મ - ઓમકારા


ગીત - ખામખા
ગાયક - વિશાલ ભારદ્વાજ
ફિલ્મ - મટરુ કી બિજલી કા મન્ડોલા

ગીત - બેકરાં
ગાયક - વિશાલ ભારદ્વાજ
ફિલ્મ - સાત ખૂન માફ
 ગીત - ખુલ કભી તો
ગાયક - અરિજિત સિંઘ
ફિલ્મ - હૈદર

ગીત - યે ઈશ્ક હૈ
ગાયક - અરિજિત સિંઘ
ફિલ્મ - રંગૂન
 
ગીત - અલવિદા
ગાયક - અરિજિત સિંઘ
ફિલ્મ - રંગૂન
ગીત - નૈણા
ગાયક - રાહત ફતેહ અલી ખાન
ફિલ્મ - ઓમકારા
ગીત - પહેલી બાર મહોબ્બત
ગાયક - મોહિત ચૌહાણ
ફિલ્મ - કમીને