Thursday 24 August 2017

મશાલ - ચંદ્રકાંત બક્ષી



બક્ષી સાહેબનો વધુ એક વાર્તાસંગ્રહ પૂરો કર્યો. વરસાદની રાતે, અડધી ઊંઘમાં, ઑફિસની વચ્ચે, શરદીની સ્થિતિમાં લાલઘૂમ આંખોથી કે બીજી ગમે તે સ્થિતિમાં હું બક્ષીનું પુસ્તક વાંચી શકું છું અને આ વખતે પણ એ જ થયું છે! એમનું લખાણ મને એ હદે ગમે છે, જેની માટે કદાચ શબ્દો નથી. હમેંશાની જેમ આ વાર્તાસંગ્રહમાં પણ ઘટનાઓ આબાદ ઝીલવામાં આવી છે, કારણ કે લેખકને 'ઘટનાના બેતાજ બાદશાહ' ગણવામાં આવે છે. બક્ષી સાહેબની બીજી અમુક ટૂંકી વાર્તાઓની જેમ માનવજીવનની સૂક્ષ્મ વાતો, રોજબરોજનાં જીવનની નીરસતા, જૂના શહેરોનું વર્ણન, યુધ્ધનું વર્ણન અને ઈતિહાસનાં પાત્રોની જેવી સ્થિતિ ધરાવતા પાત્રો પણ આ પુસ્તકની અમુક વાર્તાઓમાં છે. 

પુસ્તકની પ્રથમ વાર્તા 'અર્જુનવિષાદયોગ' કૃષ્ણ અને અર્જુન જેવી જ સ્થિતિ ધરાવતાં પાત્રોની વાત રજૂ કરે છે. પોતાની વ્યક્તિઓની સામે પોતાના હક માટે યુધ્ધ કરવું એ ખોટી વસ્તુ નથી, અર્જુનને આ વાત સમજાવતાં કૃષ્ણની જેમ અહીં પણ એક પાત્ર બીજા પાત્રને એ જ વાત સમજાવે છે, પાત્રોનાં નામ પણ એ જ રીતે છે! 'ગો ટુ ટેન હાઉસ' નામની વાર્તા હિલ સ્ટેશન પર થોડા દિવસ માટે આવેલ પરિવારની સાથે થતી એક કરુણ ઘટના પર આધારિત છે. 'ઑપરેશન ભુટ્ટો' ; 'ડોગરાઈ જતાં કૉન્વોય' અને 'મેજર ભલ્લાનો કિસ્સો' જેવી વાર્તાઓ યુધ્ધ અને જવાનોની જિંદગી વિશે ખૂબ સુંદર માહિતી આપે છે. '... અને મીણબત્તી' ; 'ગુડ નાઈટ, ડેડી!' ; 'બીજી સોહાગરાત' અને 'કૃશન' જેવી વાર્તાઓ લગ્ન વિશેનાં નિર્ણયો, લગ્નજીવનની ખરબચડી સપાટી અને લગ્ન વિશે મૂંઝાયેલા પાત્રો રજૂ કરે છે... 'કાળા તાજમહાલો' ; 'અનારકલી' અને 'રાણીબજારની માયા' જેવી વાર્તાઓ ઈતિહાસની સાથે પાત્રોને જોડીને જિંદગી રજૂ કરે છે. 'સ્પાર્ક્સ' નામની વાર્તા ભૂતકાળની જૂની યાદો અને જૂનો સમય તાજા કરતાં મુખ્ય પાત્રની જિંદગી અને પાલનપુર વિશે ખૂબ જ સુંદર વર્ણન ધરાવે છે. આ વાર્તાસંગ્રહમાં 'બન્દર' નામની વાર્તા પણ છે, જે મનુષ્યો અને પ્રાણીસંગ્રહાલયમાં પૂરાયેલ પ્રાણીઓ બંનેમાંથી કોણ સભ્ય છે તે સવાલ ઊભો કરે છે. 'વાર્તાકારની વાર્તા' લેખક અને વાચક વચ્ચેનાં પત્ર વ્યવહાર વિશે છે. 'બે ટંક ખાવું' ; 'અનારકલી' ; 'રાણીબજારની માયા' અને 'ટેક્સી' જેવી વાર્તાઓ રોજબરોજની હાડમારીમાં જીવન જીવી રહેલા પાત્રોની વાત રજૂ કરે છે. 'ત્રણ' નામની એક ખૂબ જ સુંદર વાર્તામાં પરિવારની ત્રણ વ્યક્તિઓ પોતાનાં જ પરિવાર વિશે અલગ અલગ મંતવ્યો આપે છે. 'હું, તમે અને... કલકત્તા!' હમેંશાની જેમ એ સમયનાં કલકત્તાનું સુંદર વર્ણન કરે છે... આ જ વાર્તાસંગ્રહમાં તેમની 'કુત્તી' નામની વાર્તા પણ છે, જેને માટે બક્ષી સાહેબની સામે ગુજરાત સરકારે કેસ કર્યો હતો. અહીં અડધા પૃષ્ઠની એકદમ જ ટૂંકી વાર્તા પણ છે અને 'અઢી મિનિટની વાર્તા' પણ છે, જે વાંચતા એટલો જ સમય જશે! પુસ્તકનું નામ 'મશાલ' રાખવા પાછળનું કારણ ખબર ન પડી, કારણ કે વાર્તાસંગ્રહમાં એ શીર્ષકની કોઈ વાર્તા પણ નથી.

અમુક વાક્યો આ વાર્તાઓમાંથી ...

રહમતને ઊંઘ આવતી ન હતી, બહુ મજાને લીધે. પહેલી વાર એ ટેક્સીમાં બેઠો હતો, સુલતાનીની જેમ.
માથા પરના પાટા પર એ આનંદથી હાથ ફેરવતો હતો, સારું થયું વાગ્યું, નહીં તો...
એની મીંચેલ આંખો સામે ઝરમરતા વરસાદમાં ટેક્સીનું વિન્ડશીલ્ડ- વાઇપર ફરી રહ્યું હતું- મોડી રાત સુધી.
(વાર્તા - ટેક્સી ; પૃષ્ઠ - ૭૩)

ખરેલા પાંદડાઓ પર ઝમેલા ઝાકળને બચાવતો હોય એમ એ સંભાળથી ભૂતકાળને ઢૂંઢતો ઘરની સ્મૃતિઓની આસપાસ ફરવા લાગ્યો.
જિંદગીમાં એક દરાર પડી જાય છે, અને બિડાતી નથી.
(વાર્તા - સ્પાર્ક્સ ; પૃષ્ઠ - ૮૫-૮૬) 

રેસ્ટોરાંમાં પ્રવેશીને એણે બે આઈસક્રીમનો ઓર્ડર આપ્યો, ઝાંખા અજવાળામાં પ્લાસ્ટિક દીવાલોના પેસ્ટલ શેડ સભ્યતાથી ચમકતા હતાં. વાઝમાં થોડાં સસ્તાં, ખુશબૂ વિનાનાં રંગીન ફૂલો હતાં. અને આસપાસ થોડાં સસ્તાં, ખુશબૂ વિનાનાં રંગીન સ્ત્રીપુરુષો... 
(વાર્તા - કૃશન ; પૃષ્ઠ - ૧૯૯-૨૦૦)

આ તરફ, શહેરોનાં જંગલોમાં, કાચ અને કૉંક્રીટની વીરાનોઓમાં એક વાર વર્ષે વસંત આવે છે, એકાએક, પાછલા ફેબ્રુઆરીમાં...
(વાર્તા - હું, તમે અને... કલકત્તા! ; પૃષ્ઠ - ૨૩૨)



બક્ષી સાહેબનાં બીજા પુસ્તકો વિશે મેં લખેલી કેટલીક પોસ્ટની લીંક - 






No comments:

Post a Comment