Tuesday, 18 April 2017

મીરા - ચંદ્રકાંત બક્ષીઆખો વાર્તાસંગ્રહ પૂરો થઈ ગયો, તેમ છતાં આ વાર્તાસંગ્રહ વિશે શું લખવું એ સૂઝ ન પડી. એક રીતે કહેવા માટે ઘણું છે, પણ, આ વાર્તાઓ વાંચ્યા વિના સમજાય પણ નહીં, એટલે લખતો નથી. તેમ છતાં આ વાર્તાઓની અંદર શું છે, એ માટે થોડાંક શબ્દો... અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ, કોઈનું દુ:ખ જોઈને આપણે એને વધારે દુ:ખ ન થાય એ માટે આપણી વાત ન કરીએ એ સ્થિતિ, મહાનગરનું જીવન, મુંબઈ, કલકત્તા, નિર્ણયો ન લઈ શકવાની અસમંજસ, કોઈની કામગીરી પર હસીએ પણ સત્ય જુદુ જ નીકળે ત્યારે થતી લાચારી, નોકરી, અધૂરપમાં જીવાતી જિંદગી. દરેકની આંખે દેખાતી દુનિયા અલગ, કોઈ જગ્યાનું પ્રાકૃતિક વર્ણન, આ બધી બાબતો આ વાર્તાસંગ્રહની અંદર રહેલી વાર્તાઓમાં ઝળકે છે. 

ચંદ્રકાંત બક્ષીને 'ઘટનાનાં બેતાજ બાદશાહ' ગણવામાં આવે છે. એમનું લખાણ એટલું સચોટ અને સ્પષ્ટ હોય છે કે કોઈ ઘટના વિશે લખ્યું હોય તો મને હમેંશા એમ જ લાગ્યું છે કે મારી આંખોની સામે એ બની રહ્યું છે. આ વાર્તાસંગ્રહમાં પણ કેટલીક ઘટનાઓ આબાદ ઝીલાઈ છે. 'અ-સમય' નામની વાર્તામાં મુખ્ય પાત્રની બારીમાંથી જોઈ શકાતી બહારની દુનિયા; 'નવમીની રાતે' વાર્તામાં અષ્ટમીની દુર્ગાપૂજા પછીનાં દિવસ એટલે કે નવમીની રાતનું કલકત્તાનું વર્ણન; 'મીરા' નામની વાર્તામાં મુખ્ય પાત્રની રોજબરોજ ચાલતી એક જ જિંદગી, ઑફિસ, ઘર, આસપાસનું વાતાવરણ એ બધુ ખૂબ સુંદર છે, વાંચતી વખતે અંદર ડૂબી જવાય એટલું સુંદર! કેટલાંક મને ખૂબ ગમી ગયેલાં વાક્યો... 


*****************************

સ્લીપિંગ પિલ્સ લીધા પછી પણ ઊંઘ ન આવે એવો વરસાદ આખી રાત પડતો રહ્યો.
(વાર્તા - સ્લીપિંગ પિલ્સ અને સ્ત્રી, પૃષ્ઠ- ૬)

આ ઘરમાં ચાર વર્ષનાં દુ:ખી લગ્નજીવનનો અનુભવ પૂરતો ન હતો? માણસને હજી પરણવાની ઇચ્છા રહી જઈ શકે ખરી? કે પછી દુ:ખી રહ્યા કરવાની આદત જલદી છૂટતી નથી? 
(વાર્તા - છેલ્લી બસોમાંની એક, પૃષ્ઠ- ૪૧)

દુનિયા ડૂબી ગઈ, ચાર હોઠોની વચ્ચે... 
(વાર્તા - ચુંબન, પૃષ્ઠ- ૧૨૯)

સોનાગાછીની ગલીમાં ઘૂસીને એણે ટેક્સી ડ્રાઇવરને ધીરેથી ચલાવવા કહ્યું અને જમણી તરફના મકાનોને ધ્યાનથી જોવા માંડ્યા. ઝળઝળતા દરવાજાઓમાં ચમકતી સજાવેલી ઔરતો.
(વાર્તા - નવમીની રાતે, પૃષ્ઠ- ૧૩૩)

બસ ચાલી-સુધાની, આડત્રીસ વર્ષની એક ડિવૉર્સી સ્ત્રીની દુનિયા તરફ. ઘેર જવું, કાલે સ્કૂલ માટે તૈયારી કરવી, ટ્યુશન કરવું, બે ટાઈમની રસોઈ કરવી, સમાજમાં સભ્ય, શરીફ દેખાયા કરવું. જિંદગીને એક મિશન સમજવું. નાનામોટાં ઘણા કામો હતા; ફક્ત જીવવા સિવાયનાં બધાં કામો હતાં.
(વાર્તા - અ... તોંસીયોં-અતોંસીયોં..., પૃષ્ઠ- ૧૬૦)

આંખો વિના મૃગજળ પણ જોઈ શકાતા નથી.
(વાર્તા - મીરા, પૃષ્ઠ- ૨૦૭)

*****************************

છેલ્લી વાર્તા 'મીરા' વાંચતી વખતે આવેલા વિચારોને અંતે મળેલ એક જોડાણ અંગે મારી પોસ્ટ -
કાગા સબ તન ખાઇયો

ચંદ્રકાંત બક્ષી

No comments:

Post a Comment