Monday, 17 April 2017

પડઘા ડૂબી ગયા - ચંદ્રકાંત બક્ષી



ચોવીસમે વર્ષે લખાયેલી ચંદ્રકાંત બક્ષીની પ્રથમ નવલકથા... પ્રકાશ અને અલકા બંને પાત્રો એ સમયનું આધુનિક જીવન રજૂ કરે છે. પોતાની જ અંદર મૂંઝારો અનુભવતી અને પોતે દોરેલા વર્તુળની અંદર જીવન જીવવા લાગતી એક સ્ત્રી તરીકેનું અલકાનું પાત્ર તેમજ કલકત્તાની સડકો સાથે પોતાની દોસ્તી ગણાવતો પ્રકાશ બંને એકદમ જ અલગ પાત્રો છે. બંને સહેજ પણ એકબીજા જેવા નથી, બચપણમાં પાસે રહેલા પરિવારોને કારણે થયેલી ઓળખાણ અને મોટા થઈ ગયા પછી ફરી એક ખાસ પ્રસંગે મળતા આ પાત્રો વચ્ચે કોઈ સૂંવાળા ફૂલો જેવી પ્રેમકથા પણ નથી. રોજબરોજની હાડમારી વચ્ચે જીવાતી જિંદગી અને દરેકની વ્યક્તિગત જિંદગી પર ભાર મૂકતી આ નવલકથાની અંદર પાલનપુર અને કલકત્તાનું અફલાતૂન વર્ણન છે. (ચંદ્રકાંત બક્ષીનું જન્મસ્થળ પાલનપુર અને તેઓ કલકત્તામાં રહ્યા છે, એટલે એમનાં વર્ણનમાં કદાચ આટલી સચોટતા છે.) ઋતુઓનું બદલાતું વર્ણન હોય કે હૂગલીનો દરિયાકિનારો કે ઘરની અંદરનો રૂમ કે સાંજનું અંધારુ અને ધીમે ધીમે ઊતરતી રાત બધુ જ આબાદ ઝીલવામાં આવ્યું છે. આ નવલકથા વિશે વધારે શું લખવું એ તો સૂઝતુ નથી, પણ, એ સમયે જ્યારે આ નવલકથા આવી ત્યાર સુધી ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું લખાણ કોઈએ લખ્યું નહોતું, એમ વિવેચકોનું માનવું છે. નવલકથામાંથી મને ખૂબ જ ગમી ગયેલા અમુક શબ્દો... 

***************************

'દુનિયામાં બહુ ઓછા માણસોએ મારા માટે હમદર્દી બતાવી છે. માએ મને કોઈ દિવસ પ્યાર કર્યો નથી, કારણ કે હું બદસૂરત હતો. બાપે મરતાં સુધી મને ઘૃણાની નજરે જોયો હતો, કારણ કે હું બદમાશ હતો. માથા પર હાથ ફેરવનાર એક પણ બહેન ન હતી... અને એક છોકરી ગાલ ઉપર હાથ ફેરવીને રસ્તે પડી ગઈ. જિંદગીમાં થોડા ગરીબ દોસ્તો વખતોવખત આવીને ગરમ ગરમ હૂંફ આપી ગયા છે...' પ્રકાશ બોલતો ગયો. 
(પૃષ્ઠ - ૩૬)

'મર્દાનગી પણ સહારો માગે છે, કોઈ કોઈ વાર‌-'
(પૃષ્ઠ - ૬૨)

પ્રકાશની આંખો એકદમ ખૂલી. એણે કહ્યું, 'અલકા, ગાલ પર હાથ ફેરવનારી ઘણી છોકરીઓ મળી ગઈ છે. માથા પર હાથ ફેરવનાર આજે તું જ મળી. મને બહુ ગમે છે.'
(પૃષ્ઠ - ૧૧૬)

'જે થપ્પડ મારે છે એ જ પ્યાર કરી શકે છે.' અલકાથી નીચું જોવાઈ ગયું.
(પૃષ્ઠ - ૧૧૯)

'ઇચ્છવા પ્રમાણે જિંદગી જિવાતી નથી, કારણ કે ઇચ્છાઓ હમેંશા સંજોગો પર નિર્ભર છે અને સંજોગોને જીતવાની માણસે કલ્પના જ ન કરવી જોઈએ, ફક્ત સંજોગોની સામે હારી ન જવાય એ જ ખ્યાલ રાખવો જોઈએ.'
(પૃષ્ઠ - ૧૨૬)

'હું જિંદગીમાં સુખની ઇચ્છા રાખતો નથી, મારે બસ એક રંગીન જિંદગી જીવવી છે.'
(પૃષ્ઠ - ૧૪૭)

ધીરેથી એ 'જઝબી'નો એક શેર બોલ્યો - 
'જબ કશ્તી સાબૂત-ઓ-સાલિમથી, સાહિલ કી તમન્ના કિસકો થી?
અબ ઐસી સકિશ્તા કશ્તી પર, સાહિલ કી તમન્ના કૌન કરે?'
(જ્યારે હોડી સાબૂત અને મજબૂત હતી ત્યારે પણ કિનારાની ઇચ્છા કોને હતી? (એટલે કે ન હતી) તો પછી હવે આવી તૂટેલી હોડી છે ત્યારે કિનારાની ઇચ્છા કોણ કરે?)
(પૃષ્ઠ - ૧૮૬)

'દુનિયામાં બધી જ વસ્તુઓ આરામ માગે છે; ફક્ત એક જ વસ્તુ આરામ નથી માગતું - 'પેટ' !' 
(પૃષ્ઠ - ૨૦૬)

... અને ધીરે ધીરે - પડઘા ડૂબી ગયા...
(પૃષ્ઠ - ૨૨૨)

***************************

અને છેલ્લે ચંદ્રકાંત બક્ષી સંબંધિત એક બ્લૉગ પર આ નવલકથામાં આવતા 'અસ્તિત્વવાદ' વિષય પરનાં જેટલા પૃષ્ઠો છે, એ સંકલિત કરીને લખેલી એક પોસ્ટ મળી છે, એ મૂકીને આ પોસ્ટ પૂરી કરીશ. (બક્ષી સાહેબનાં લખાણની અજોડ માહિતી સમાન એ બ્લૉગ ખૂબ સુંદર છે.)
પોસ્ટની લીંક અહીં નીચે- 

ચંદ્રકાંત બક્ષીની બીજી એક નવલકથા વિશે મારી પોસ્ટ - 

No comments:

Post a Comment