મિત્રનાં ઘેર લેખનની પ્રેરણા માટે આવેલ લેખક જૂના ખંડેર જેવા ઘરમાં મોટાભાગનો સમય વાંચન અને લેખનની પ્રવૃત્તિ કરે છે. એક રાત્રે ટેલિફોન આવે છે અને સામે છેડેથી કોઈ બોલતું નથી. ફરી બીજે દિવસે ટેલિફોન આવે છે, એક સ્ત્રી વાત કરે છે. એ પછી ધીમે ધીમે બંને પાત્રો વચ્ચે સંવાદ વધે છે, એ વિશેનો અનુભવ એટલે આ ફિલ્મ! અજાણ્યી સ્ત્રી સાથે વાતો, ટેલિફોનનાં દોરડા પર ફરતો હાથ, ટેલિફોનની રાહ જોઈ રહેતી આંખો અને કાન, વાર્તા લખેલ ઉડતા પત્તા, આ બધુ ફિલ્મની અંદર એક ખૂબ જ સરસ વાતાવરણ અને રસ પેદા કરે છે. નાયક અને નાયિકા રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ 'ક્ષુધિત પાષાણ' વિશે ચર્ચા કરે છે. બંને પાત્રોને ક્યારેક એકલતા અને ખાલીપો ઘેરી વળે છે, આસપાસ શૂન્યતા છવાઈ જાય છે. વરસાદમાં નહાતી ડિમ્પલ કાપડીઆનો સીન સુંદર રીતે એકલતાની અંદર પોતે શોધી લીધેલી ખુશી જાહેર કરે છે. ફિલ્મની અંદર અમુક સીનમાં ધીરે ધીરે અંધારામાં ઓગળી જતી શાંતિ કે ટ્રેનનાં પાટા સાથે સરકી જતો સમય અને ઘડિયાળને ચાવી ન પૂરતા પાત્રો દર્શાવવામાં આવ્યા છે. (જાણે સમયને રોકી લેવાની ઇચ્છા ધરાવતા હોય એ લોકો!) (અંતરીનનો અર્થ છે- મર્યાદિત)
મહાન ઉર્દૂ સાહિત્યકાર સઆદત હસન મન્ટોની વાર્તા પરથી બનેલી મૃણાલ સેનની આ ફિલ્મને એ વર્ષની શ્રેષ્ઠ બંગાળી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. પુરસ્કાર આપતી વખતે મળેલી નોંધ (સાઇટેશન) પણ રસપ્રદ છે, જેમાં નોંધેલ છે, 'આધુનિક માણસની એકલતાને સંવેદનશીલ રીતે રજૂ કરવા માટે તેમજ અમાનવીય સંસ્કૃતિમાં માનવીય સંચારની નિષ્ફળતા માટે'... જેનો સંબંધ આજની માનવતા અને સંવાદ સંબંધિત સ્થિતિ સાથે ચોક્કસ જ કરી શકાય.
No comments:
Post a Comment