Monday 17 April 2017

લા લા લેન્ડ (૨૦૧૬)

આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ નથી...




***************************************

'કદાચ મારામાં એટલી તાકાત નથી.' ભીંજાઈ ગયેલી આંખોએ કહ્યુ. 
'ના; છે.' ધ્રૂજતા હોઠોએ કહ્યુ. 
'મારા સપના પૂરા નહીં થાય, કદાચ.' છલકાઈ ગયેલી આંખોએ કહ્યુ.
'જરૂર થશે.' મોં પરના મલકાટે કહ્યુ.

***************************************

સપનાઓ!! ભૂરા આકાશ, ફૂલગુલાબી ધુમ્મ્સ અને સફેદ રૂ જેવા સપનાઓ. રંગીન કાચની અંદર પાણી પડે, પછી બધુ મિશ્ર થઈ જાય એ પ્રકારનાં રંગીન ખ્વાબો. વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે ભ્રમણા પેદા કરતા સપનાઓ. રણની અંદર દરિયા જેવી ખારી ઠંડક સમાન સપનાઓ. દૂઝતા ઘા પર કોઈ ફૂલ પડે અને ઠંડો પવન વાય, હવામાં સુગંધ જ સુગંધ ફેલાઈ જાય અને તમને થાય કે હવે જરૂર વૃષ્ટિ થશે, એ પળની હકીકત એવા સપનાઓ. ક્યારેક કોઈ જગ્યાની મન હરી લેતી શાંતિમાં કોઈ મધુર ગીત ગાશે અને કહેશે કે આ સપનું નથી, આ જ તો સત્ય છે, આવી જિંદગી જ તો ઇચ્છી હતી આપણે. એ વ્યક્તિ જ બીજા ખ્વાબો પૂરા કરવામાં સાથ આપશે, સપનાઓની અંદર રંગ પૂરશે, એ સમયે તન અને મન બંને સાતમાં આસમાનમાં ઉડવા લાગશે. પરંતુ ક્યારેક એમ પણ બનશે કે વાસ્તવિકતા એક જોરદાર અવાજ સાથે જમીન પર પાછા લઈ આવશે. પણ, એ પછી ફરીથી બંધ આંખે કે પછી ખુલ્લી આંખે પણ ખ્વાબો જોઈ જ શકાશે. સૂરજ ઉગશે અને ઝાકળની બુંદો જતી રહેશે. પણ, એ પછી જ્યારે દિવસ પૂરો થશે, ત્યારે ફરી રાત પડશે, ફરી બીજી સવાર વખતે ઝાકળ! જ્યારે ખ્વાબો આપણો પીછો નથી છોડતા, ત્યારે આપણે શા માટે ખ્વાબોનો પીછો છોડવો જોઈએ?!




***************************************

ફિલ્મ જોઈને મને લાગેલું કે આ ફિલ્મ ડિરેક્ટરની પહેલાની ફિલ્મ 'વિપલેશ' જેટલી સારી નથી. પણ, થોડા સમય પછી ખ્યાલ આવ્યો, કોઈ એક વ્યક્તિ બીજા કોઈની જગ્યા લઈ શકતું નથી, તો કદાચ બંને અલગ જ ફિલ્મોની હું કેમ સરખામણી કરી રહ્યો છું! 'લા લા લેન્ડ' ધીમે ધીમે પચતો ખોરાક છે, ફિલ્મ જોઈને ખૂબ વિચારો આવશે એ નક્કી, અને એ પછી જ ફિલ્મ વિશે ખબર પડશે, એ પણ નક્કી! 'લા લા લેન્ડ' ગીત-સંગીત અને સપનાઓની અનોખી સફરે લઈ જશે. ઘણી વાતો મને ખૂબ સુંદર લાગી, ખૂબ ગમી. ઘણી વાતો સ્વીકારવા માટે જાતને સહેજ સમય આપવો પડ્યો. અમુક વાતોમાં એમ પણ લાગ્યું કે હું જે સમજ્યો એ જ બરાબર છે કે નહીં, પરંતુ એ બધી વાતો ફિલ્મ સ્પોઈલર્સમાં આવી જશે, એ લખીશ નહીં. એટલે જ મેં વાર્તા વિશે પણ કંઈ જ લખ્યું નથી. 'લા લા લેન્ડ' ફરીથી જોવામાં આવશે, એ વખતે જો વધારે ખ્યાલ આવશે, તો ફરીથી ફિલ્મ વિશે લખવામાં આવશે! ફિલ્મની ટેગલાઇન છે, 'હિયર ઇઝ ટુ ધ ફૂલ્સ વુ ડ્રીમ' ... તો ફરી મળીએ ત્યાં સુધી, ચીયર્સ ટુ ડ્રીમ્સ એન્ડ લાઇફ!



3 comments:

  1. શરુઆતની જે કલ્પના છે એ ખૂબ જ સુંદર છે....ખૂબ સરસ નાનો કાલ્પનિક સંવાદ છે. ખરેખર સારું લખ્યું છે...તમે સારી કલ્પના કરી શકો છો અને શબ્દોથી સજાવી પણ શકો છો...સપના અને વાસ્તવિકતાની વાત ..આ ટોપિક ક જ તમારી ખૂબ જ નજીક છે કદાચ...

    ReplyDelete