Saturday, 15 April 2017

બેગમ જાન (૨૦૧૭)



આઝાદી મળ્યાની સાથે મળ્યા ભાગલા, રાતોરાત બેઘર બની ગયેલા લાખો લોકો, મજબૂરીમાં હિજરત કરીને જતા લોકો, થાકી ગયેલું મન અને શરીર, સૂકાઈ ગયેલા આંસુ, આ બધાની સાથે જ્યાં બે નવા બનેલા દેશો વચ્ચેથી સરહદ પસાર થઈ રહી છે, ત્યાં છે બેગમ જાનનો કોઠો. સભ્ય સમાજ જેઓને વેશ્યાઓ કે રંડીઓનાં નામે ઓળખે છે એવી સ્ત્રીઓનું ઘર એવું એ કૂટણખાનું બે દેશો વચ્ચેની તારની વાડ બનાવવામાં નડી રહ્યુ છે. આ છે શ્રીજીત મુખર્જીની 'બેગમ જાન'. આ પોસ્ટમાં હું કોઈ ફિલ્મ સ્પોઈલર્સ લખતો નથી, કારણ કે ખાસ કોઈ સ્પોઈલર્સ છે જ નહીં, જેને ફિલ્મ વિશે ખ્યાલ છે એને ખબર જ છે એ બધી વસ્તુઓ, પણ એ સ્ક્રીન પર જોતી વખતે મહેસૂસ થાય તો ફિલ્મ થોડી ગમશે, નહીં તો નહીં. આરજે ધ્વનિતે ફિલ્મનાં રિવ્યૂમાં સરસ વાત કહી છે કે આપણી આસપાસ બનતી ઘટનાઓ અને સમાચારો થોડા દિવસ પછી પસ્તી થઈ જાય છે, એમણે આગળ કહ્યુ કે પોપકોર્ન ખાતી વખતે પાર્ટિશનનું દર્દ તો કયાંથી સમજાય? એકદમ સાચી વાત છે એ. કારણ કે મારી સાથે થિયેટરમાં બેઠેલા અમુક લોકો ઘણી જ ગંભીર પળોમાં મોટેથી હસતાં હતા. હા, ફિલ્મ નબળી છે, અપેક્ષા હતી એટલી સારી ફિલ્મ નથી, તેમ છતાં કેટલીક વાતોની રજૂઆત ખૂબ જ અસર ઉપજાવે છે, બધા જ પાત્રોનાં દમદાર અભિનય સાથે.




વિદ્યા બાલનનો એક સરસ ડાયલોગ છે ફિલ્મમાં કે ડૉક્ટરને ડૉક્ટર અને વકીલને વકીલ કહે છે એ રીતે રંડીને રંડી જ કહેવી જોઈએ ને, રંડી એ થોડી કોઈ ગાળ થઈ? રંડી હોવું એ પણ એક ધંધો છે. બેગમ જાન (વિદ્યા બાલન) અને બીજી સ્ત્રીઓની પાસે જ્યારે સરકારી અધિકારીઓ એમનું એ ઘર ખાલી કરવાની નોટિસ લઈને આવે છે, ત્યારે એ અધિકારીઓ સ્ત્રીઓને સમજાવે છે કે ભાગલાને કારણે બે મુખ્ય ધર્મનાં લોકો ઝઘડી રહ્યા છે. એ વખતે પણ બેગમ જાન ખૂબ જ સરસ જવાબ આપે છે કે, અહીં આવતા લોકો કોઈ સ્ત્રીનું શરીર વાપરતાં પહેલા તો કોઈ જ ધર્મ પૂછતાં નથી. ફિલ્મની અંદર એક એકથી ચઢે એવા સુંદર ડાયલોગ્સ છે. ફિલ્મની અંદરનાં બીજા એક સુંદર ડાયલોગમાં મુસ્લિમ પાત્ર રુબીના (ગૌહર ખાન) શ્રીમદ ભગવદગીતાની વાત કહે છે, એ સીન સુંદર સિનેમટોગ્રાફી અને એક્ટિંગ સાથે ખૂબ જ અસરકારક છે. ફિલ્મની અંદર ભાગલાનો રૂપક વાપરવા માટે બંને સરકારી અધિકારીઓ ઇલિયાસ (રજીત કપૂર) અને હર્ષવર્ધન (આશિષ વિદ્યાર્થી) જ્યારે વાત કરે છે ત્યારે એમનાં ચહેરાનો અડધો ભાગ જ સ્ક્રીન પર બતાવવામાં આવ્યો છે. જ્યારે પોતાના ઘરની વચ્ચેથી સરહદ પસાર થતી હોવા છતાં ઘરનાં ભાગલા માટે રાજી ન થતી બેગમ જાનની આંખની બે ભમર (આઇબ્રો) પણ જોડાયેલી છે.





ક્યારેક ડૂમો ભરાઈ જાય ત્યારે શું બોલવું એ સૂઝતું નથી, એવા સમયે રડવું કે તમારા દુ:ખને વ્યક્ત કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. પ્રેમ દર્શાવવા માટે વપરાતો લાલ રંગ કે દુ:ખનાં સમયે ચહેરા પરની શાંતિ, અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ, પોતાની જાતની સ્થિતિ બતાવતો અરીસો, દુ:ખ સહન કરી લેવાની તાકાત, વિનાશ પછીની સ્થિતિ, બધુ જ સુંદર રીતે કેમેરાની અંદર કેદ થઈ ગયું છે. એક સીનની અંદર બેગમ જાન બધી છોકરીઓ પોતાની પાસે આવેલી એ દિવસોની યાદો તાજા કરે છે, ધીમે ધીમે બદલાતા સમયની સાથે સાથે મોટી થઈ ગયેલી એ બધી સ્ત્રીઓને માટે એ ઘર જ હવે એમનું વતન છે, તેઓ જ એકબીજાની માટે કુટુંબ છે. શાસ્ત્રીય સંગીત સાથે વીણા વગાડતી વિધા બાલનનો સીન હોય કે દમદાર ડાયલોગ્સ બોલતી વખતે વચ્ચે થોડો સમય રોકાઈને એ હુક્કો પીવે એ પ્રકારના સીન્સ કે પછી શાંત બેસીને પણ ઘણું કહી જતી એની સ્થિતિ, દરેકમાં જોરદાર અભિનય. એ સાથે જ ફિલ્મનાં બીજા કલાકારોનો પણ ખૂબ જ સરસ અભિનય. આગળ કહ્યુ તેમ ગૌહર ખાનનો એ સીન, બેગમ જાનને માલિશ કરતી રુબીના (ગૌહર ખાન), આંખમાં કાજળ લગાવેલ કબીર (ચંકી પાંડે), વાળમાં ફૂલ લગાવતી અમ્મા (ઇલા અરુણ), જેને ભાગે એક પણ ડાયલોગ નથી તે શબનમ (મિશ્ઠી) કે પછી પ્રેમનું દર્દ અને ઈર્ષ્યા અનુભવતી ગુલાબો (પલ્લવી શારદા), દરેક કલાકારે પોતાનાં પાત્રો સરસ રીતે ભજવ્યા છે.  




નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર શ્રીજીત મુખર્જીની આ પહેલી હિન્દી ફિલ્મ છે. આ પહેલાની બધી ફિલ્મો એમણે બંગાળી ભાષામાં બનાવી છે. મેં એમની સૌથી પહેલી ફિલ્મ 'ઓટોગ્રાફ' જોઈ છે. એમની વાર્તા કહેવાની રીત ઘણી જ અલગ છે. 'બેગમ જાન' પણ એમની પોતાની જ બંગાળી ફિલ્મ 'રાજકહિણી'ની રિમેક છે. ખુશી, પ્રેમ અને દર્દ અનુભવતા આ બધા પાત્રો અને આજના સમયની સ્ત્રીઓની સ્થિતિ સાથે ઈતિહાસનાં પાત્રોને સરખાવતી 'બેગમ જાન' ઘણા લોકોને પચશે જ નહીં.


No comments:

Post a Comment