Friday, 14 April 2017

ડૉ. ભીમરાવ આંબેડકર


સૌ પ્રથમ તો આટલી મહાન વ્યક્તિ વિશે શું લખવું કે શું નહીં, એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે. મારે એવું પણ કંઈ લખવાનું નથી જેની માહિતી ગૂગલ પર કે સંદર્ભગ્રંથોમાં ન હોય. તેમ છતાં મારે એમનાં વિશે કંઈક લખવું છે, મારા શબ્દોમાં. એક માણસ જે આજથી આટલા વર્ષો પૂર્વે એ સમયની સમાજ વ્યવસ્થા વિરુધ્ધ, શોષણ અને અસમાનતા વિરુધ્ધ લડત ચલાવે, દેશની આઝાદીની લડતમાં ભાગ લે તેમજ બંધારણના ઘડતરમાં પણ ભાગ ભજવે એ ખૂબ જ મોટી બાબત છે.

એક માણસ જેણે એ વેઠ્યુ છે એને જ ખ્યાલ આવી શકે કે માણસ થઈને બીજા માણસ સાથે થતો એ વ્યવહાર કેટલો અમાનુષી અને ભયંકર હશે, જ્યારે ગામનાં કૂવામાંથી અમુક ચોક્કસ સમુદાયના લોકોએ પાણી ન ભરવું કે ચોક્કસ જગ્યાએથી પસાર ન થવું કે શાળામાં પણ બીજા બાળકોથી અલગ બેસવું એ પ્રકારનાં નિયમો પ્રવર્તતા હતા. ડૉ. આંબેડકરે એમના લેખનમાં નોંધ્યુ છે કે એમની શાળામાં જ્યારે એમને પાણી પીવું હોય ત્યારે કોઈ કહેવાતી ઉંચી જાતિનો વિદ્યાર્થી કે પટાવાળો થોડેક ઉંચેથી પાણીની ધાર કરે એ જ રીતે એ લોકો પાણી પીવે, શાળામાં બેસવા માટે શણનો કોથળો ઘેરથી લઈ જવો પડતો, આ પ્રકારની કેટલીય વસ્તુઓ વેઠ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે સમાજની અંદર લોકો કેવી કેવી માન્યતાઓ ધરાવે છે, એ પછીથી એમણે એ માટે લડત ચલાવી.

તેઓ આશરે પંદર વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન કરી દેવામાં આવ્યા હતા, એમને ડિગ્રી મળી એ પછી થોડા સમયમાં એમના પિતાજી પણ બીમારીને કારણે મૃત્યુ પામેલ. આ બધી તકલીફો સાથે પણ બોમ્બે યુનિવર્સિટીમાંથી એમણે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષયો સાથે ડિગ્રી મેળવી. એ પછી પણ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પણ અભ્યાસ કર્યો. ડોક્ટરેટની પદવી પણ પ્રાપ્ત કરી.

નોકરીમાં ભેદભાવો સહન કર્યા પછી પણ એમણે બોમ્બે હાઇકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. એ વખતે એમણે છૂત-અછૂતનો ભેદ મિટાવવાનું નક્કી કર્યુ. પોતાના સમુદાયનાં લોકોને સમાન શિક્ષણ મળે અને એ લોકો પણ આગળ વધે એ માટે એમણે પ્રયાસો શરૂ કર્યા. એ સમયગાળામાં 'સાયમન કમિશન' સંદર્ભે, એ કમિશનને મદદરૂપ થવાના હેતુસર જે પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી, તેમાં મુંબઈની સમિતિમાં તેઓને નીમવામાં આવ્યા. 'સાયમન કમિશન' સમક્ષ એમણે છૂત-અછૂતના પ્રશ્નો અને તેનું નિરાકરણ રજૂ કર્યુ, એ સાથે જ તેઓ મજૂર ચળવળનાં પ્રણેતા પણ બન્યા.

એમણે પ્રથમ ગોળમેજી પરિષદમાં પણ ઘણા રાજકીય મતભેદોની વચ્ચે પોતાની વાત રજૂ કરી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી સાથે એમની પ્રથમ મુલાકાત થઈ, એ વખતે એમણે અછૂતો માટે અલગ મતાધિકારની અને અનામત બેઠકોની માંગણી કરી. જે માટે એમની અને ગાંધીજી વચ્ચે મતભેદો થયા. એ પછીના વર્ષે બ્રિટિશ વડાપ્રધાન દ્વારા એમની માગણીઓને ન્યાય આપવામાં આવ્યો, જેના વિરોધમાં ગાંધીજીએ પૂનાની જેલમાં ઉપવાસ શરૂ કર્યા. એ પછી પણ ઘણા મતભેદો પછી, ભારતની આઝાદી પછી, બંધારણના ઘડતર માટે નિમાયેલી મુસદ્દા સમિતિનાં પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. એમણે જે મુસદ્દો તૈયાર કર્યો, તે જ મુસદ્દાનો પછીથી આપણા દેશનાં બંધારણ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. જીવનનાં આખરી સમયમાં તેમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. એ સમયની જુદી જુદી તકલીફો વેઠી, એમણે કરેલા આ બધા કાર્યો આજે પણ આપણને જીવન વિશે પ્રેરણા આપે છે.

(નોંધ - આ પોસ્ટમાં લખેલ વિચારો મારા છે, મદદ અને સંદર્ભ માટે ગુજરાતી અને અંગ્રેજી વિકિપીડિયાની મદદ લીધી છે. આ પોસ્ટની અંદર મારે એમનાં લખેલ વિચારો ધરાવતા ફોટોસ પણ મૂકવા હતા, પરંતુ એક કી-બોર્ડ શોર્ટકટને લીધે એક વાર લખેલી આખી પોસ્ટ ભૂલથી ડિલીટ થઈ, એટલે આ બધુ લખાણ મારે ફરી ટાઈપ કરવુ પડ્યું... પરંતુ એમનાં ક્વૉટ્સનાં એ ફોટોસ તો પાછા ન જ લાવી શક્યો.) (જીવનમાં ધીરજ ખૂબ જ જરૂરી છે, એ વાત ફરીથી યાદ દેવડાવવા માટે મારી દોસ્ત શ્રુતિનો આભાર!)

3 comments: