Wednesday, 12 April 2017

કાગા સબ તન ખાઇયો




ચંદ્રકાંત બક્ષીની એક વાર્તા વાંચી રહ્યો હતો અને એ વાર્તાની અંદર લખાયેલાં થોડાંક શબ્દો કંઈક બીજી વસ્તુ યાદ અપાવી ગયા, એની પહેલાં એ શબ્દો ક્યાંક સાંભળ્યા છે એ તરત યાદ આવી ગયું. એ શબ્દોનો અર્થ વધારે સ્પષ્ટ બની ગયો. ક્યારેક એવું બને છે કે એક વસ્તુ બીજી વસ્તુની યાદ અપાવી દે છે અને દિલ ખુશીઓથી ભરાઇ જાય છે. સાહિત્ય, સિનેમા કે સંગીત વિશે જાણવાની મને હમેંશા ભૂખ રહે છે, પરંતુ આ પ્રકારનું કંઈક જાણ્યા પછી ધરાઈ ગયાની લાગણી થઈ આવે છે. સૌથી પહેલા તો એ શબ્દો લખું છું જેને લીધે આ આખી વાત દિમાગને યાદ આવી.

************************

મીરાનું ગીત પૂરું થયું. મારી આંખો સદીઓ ઓળંગીને પાછી આવી. ગળા પર પસીનો થયો, અને થોડો તરફરાટ... ચક્કર આવતાં હોય એમ એના ગીતની એકબે લીટીઓનો અર્થ મગજમાં ઝૂલ્યો... 'મારું આખું શરીર ખાઈ જજે, હાથ પગ, છાતી, હૃદય પણ... પણ આંખો ખાતો નહીં. એ રહેવા દેજે. હજી પ્રિયતમાના મિલનની આશા રહી ગઈ છે...'

લેખક - ચંદ્રકાંત બક્ષી
વાર્તા : મીરા
પુસ્તક - મીરા (વાર્તાસંગ્રહ)
પૃષ્ઠ - ૧૮૪


************************

કશુંક યાદ આવ્યું? આ જ પ્રકારનાં શબ્દો વપરાયેલાં છે ઈમ્તિયાઝ અલીની 'રોકસ્ટાર' ફિલ્મનાં ગીત 'નાદાન પરિંદે'ની અંદર, છેલ્લી પંક્તિમાં. ચંદ્રકાંત બક્ષીની વાર્તાની અંદર આ વાંચ્યા પછી મને અહેસાસ થયો કે આ શબ્દો કોઈ જૂનાં સાહિત્યમાંથી જરૂર લેવામાં આવ્યાં હશે, અને થોડુંક ગૂગલ કર્યા પછી તરત જાણ્યું કે એવાં જ શબ્દો છે, ૧૨મી સદીમાં થઈ ગયેલાં એક સૂફી સંત ખ્વાજા ફરીદઉદ્દીન ગંજશકરની એક કવિતામાં. (એમનાં બીજા જાણીતા નામો - બાબા ફરીદ/ફરીદ ખાન) (જન્મ- ૧૧૭૩, મૃત્યુ- ૧૨૬૬) એ શબ્દો ઘણી વાર ભાષાંતર કરીને ફિલ્મો, નાટક અને બીજે વાપરવામાં આવ્યાં છે, એ પણ જાણ્યું. આ પ્રકારનું કંઈક જોડાણ મારી અંદર એક ખુશીની લહેર મૂકી જાય છે, જે રોજિંદી કંટાળાજનક જિંદગીમાંથી થોડીક રાહત આપે છે. આ સૂફી સંત દ્વારા એમની લખાયેલી કવિતાનાં એ શબ્દો અને 'નાદાન પરિંદે' ગીતનાં એ શબ્દોને લખીને આ પોસ્ટ પૂરી કરુ છું. (હું સામાન્ય રીતે ગીતોનો અર્થ સમજાવું છું, પણ આ શબ્દો મારુ માનવું છે ત્યાં સુધી સમજાઈ જશે. મારે આ શબ્દો સમજાવીને એનો અર્થ નિરર્થક નથી કરવો.) (કવિતાની અંદર લખેલ પંજાબી ઉચ્ચારોની જોડણી ખોટી હોય તો માફી!)  


************************



કાગા કારંગ ઢાડોલિયા,
સગલા ખાઇયો માંસ
એ દો નૈના મત ચૂચો,
ફિર દેખન કી આસ

- ફરીદઉદ્દીન ગંજશકર (બાબા ફરીદ)


************************




કૈલાસ ખેર દ્વારા ગવાયેલ એક ગીતની શરૂઆતમાં પણ કંઈક આ જ પ્રકારે શબ્દો છે...

કાગા સબ તન ખાઇયો
મેરા ચૂન ચૂન ખાઇયો માંસ
દો નૈના મત ખાઇયો
મોહે પિયા મિલન કી આસ

ગીતકાર - બુલ્લે શાહ અને કબીર
ગીત - જાણા જોગી દે નાલ
આલ્બમ - કૈલાસા
ગાયક - કૈલાસ ખેર


************************



કાગા રે કાગા રે મોરી ઇતની અરજ તોસે
ચૂન ચૂન ખાઇયો માંસ
અરજીયા રે ખાઇયો ના તુ નૈના મોરે
ખાઇયો ના તુ નૈના મોરે
પિયા કે મિલન કી આસ

ગીત - નાદાન પરિંદે
ગીતકાર - ઇર્શાદ કામિલ
સંગીત - એ. આર. રહેમાન
ગાયક - મોહિત ચૌહાણ
ફિલ્મ - રોકસ્ટાર (૨૦૧૧)


************************

આ પોસ્ટ લખતી વખતે ઉપયોગી થયેલ બીજા કેટલાંક સંદર્ભોની લીંક અહીં નીચે મૂકું છું -





No comments:

Post a Comment