Tuesday, 11 April 2017

લખું લખું અને ન લખું...ક્યારેક ઘણા વિષયો પર મારે લખવું હોય છે. પણ, ક્યારેક સમય ઓછો પડે છે, ક્યારેક જે વાત કહેવી હતી, એ માટેનો સમય જતો રહે છે અને ક્યારેક લખતી વખતે કી-બોર્ડ પર હાથ તો ફરે છે, પરંતુ મનની અંદર જે છે એ ટાઈપ થતું નથી અને હું ભૂંસી નાખું છું. જેમ કે, નોટબંધી વખતે મારે લખવું હતું. પણ, એ રહી જ ગયું. કોઈક વાત કહેતી વખતે બધા પ્રકારના પાસા વિચારવા પડતા હોય છે, હું કોઈ પણ સત્ય ચકાસ્યા વિના લખવામાં માનતો નથી. (સિવાય કે કોઈ કટાક્ષ હોય તો એ કરી શકાય અથવા કોઈ વાત પર વિચારો રજૂ કરી શકાય. પરંતુ ખોટી માહિતી તો ન જ આપી શકાય.) મારે વાઈબ્રન્ટ સમિટ અને એને લીધે લોકોને પડેલી હાલાકીઓ, તકલીફો અને સુંદર ડેકોરેશનની પાછળ છુપાઈ ગયેલી ઝૂંપડપટ્ટી વિશે લખવું હતું. પણ, સમય જતો રહ્યો. સંજય લીલા ભણસાલી સાથે 'પધ્માવતી' ફિલ્મ માટે જે ઘટના બની અને એ પછી જે વિવાદ ચાલ્યો એ વિશે ફેસબુક પર મેં કંઈક લખ્યું હતું, કારણ કે વધારે સમય નહોતો અને એ વાત એ વખતે કહેવી જરૂરી હતી. એ સમય વીતી જાય પછી એ વાત કહેલી નકામી જાય. 'દંગલ' ફિલ્મની અભિનેત્રી ઝાયરા વસીમ (જેણે ગીતાનો બાળપણનો રોલ કર્યો છે) ફક્ત પોતાના રાજ્યનાં મુખ્યમંત્રી સાથે મળે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે એ પણ લોકોને ખટકે છે. કેટલાક લોકોએ એને કહ્યુ કે તારા રાજ્ય જમ્મુ કશ્મીરમાં જે ચાલી રહ્યુ છે, એ છતાં તુ આ રીતે મુખ્યમંત્રીને કેમ મળી શકે અને એ પ્રકારની વાહિયાત વાતો. ગભરાયેલી એ ૧૬ વર્ષની છોકરીએ માફી માંગતો ઓપન લેટર લખ્યો. એ વિશે પણ મારે લખવું હતું, પણ, સમય જતો રહ્યો. તમારામાંથી કેટલાકને લાગતું હશે કે લખવામાં શું? એમ જ લખી દેવાનું તો હોય છે, પણ, એ જ તો હોતું નથી. કેટલી તૈયારી કરવી પડે છે, કેટલુંય મથવું પડે છે એક વિષય પાછળ, પણ, હું એ કરીશ, કારણ કે મને ગમે છે, મને લખવું ગમે છે. ક્યારેક અહીં આ બ્લૉગ પર મૂકાતી પોસ્ટ તમને ફક્ત એક સાદી ફિલ્મ વિશેની પોસ્ટ લાગે, એવી અમુક પોસ્ટ લખતાં પણ ક્યારેક દિવસો જાય છે. ક્યારેક ઘણી વસ્તુઓ શોધીને હું લખું છું. એક પોસ્ટ પાછળ પણ ખૂબ મહેનત તો જાય જ છે, એ પણ હું એટલા માટે ક્યારેય નથી કરતો કે લોકો મને કહેશે કે સારુ લખ્યું, સરસ છે. કેટલાક અંગત મિત્રો સિવાય ખૂબ ઓછા લોકો વખાણ કરે છે. શરૂઆતમાં મને એ પણ થતું કે આટલા લોકો વાંચે છે, તો કોઈને ખરાબ લાગ્યું હોય તો પણ કહે કે આ વસ્તુ ના ગમી, પણ, હવે મને કોઈ જ ફર્ક પડતો નથી. મને ગમે છે માટે જ હું લખીશ. કેટલાકે મને કહ્યુ પણ છે કે હું ખોટો સમય વ્યર્થ કરી રહ્યો છું, બ્લૉગની પાછળ. પણ, આ બ્લૉગ પર લખવું એ મને આનંદની લાગણી મહેસૂસ કરાવે છે, જ્યાં સુધી મને લાગશે કે મારે લખવું છે, હું લખીશ. આ સાથે કેટલીય એવી વાતો છે, જે વિષયો પર મારે લખવું છે/હતું, પણ, શક્ય ન બન્યું. ક્યારેક હવે પછી પણ લખી શકું, નક્કી નથી. 


સંજય લીલા ભણસાલી સાથે 'પધ્માવતી' ફિલ્મનાં સેટ પર
થયેલી ઘટના અંગે ફેસબુક પર મારી લખેલી પોસ્ટ


મારે આ બ્લૉગ એ રીતે જાળવવો છે કે કોઈને સિનેમા અને સાહિત્ય વિશે થોડીક જાણકારી મળે. મને ખ્યાલ છે કે ફક્ત સાત મહિના પહેલાં જ મેં શરૂ કર્યો છે આ બ્લૉગ, એ છતાં આટલા સમયમાં મેં ખૂબ લખ્યું છે, આ પછી પણ હું લખીશ. પરંતુ ઘણા મિત્રોએ સૂચવેલા ગીતો, ફિલ્મો વિશે લખવાનું બાકી છે. મારે પણ ઘણી ફિલ્મો અને ખાસ કરીને ભારતની સારી ફિલ્મો, જે હિન્દી સિવાયની ભાષાઓમાં બની છે, એ વિશે પણ લખવું છે, અમુક વિદેશી ફિલ્મો વિશે પણ લખવું છે. મારે કેટલીય એ પ્રકારની વાતો વિશે લખવું છે જે વિશે લોકો એમ માને છે કે આમ જ થાય, કારણ કે સદીઓથી આમ ચાલ્યું આવે છે, એટલે આપણે પણ એમ જ ચલાવો. ના, ન ચલાવી શકાય, જો નથી ફાવતું તો વિરોધ કરવો જ રહ્યો. જ્યારે પણ ઑફિસ કે ફેમિલી પછી થોડો સમય મળે છે ત્યારે મોટેભાગે લખું જ છું અથવા શું લખવું એ પ્રકારે જ મોટેભાગે વિચારો આવે છે! ક્યારેક પુસ્તક વાંચુ તો એ પુસ્તક વિશે પણ હવે મેં થોડુંક તો થોડુંક, પણ જરૂર લખવું એમ નક્કી કર્યુ છે. કોઈ સૂચન કે કોઈ વાત કે કોઈ પોસ્ટ વિશે કશુંક કહેવાની ઇચ્છા થાય તો મને ચોક્કસ કહી શકો છો. અને છેલ્લે, જે. પી. દત્તાની 'ઉમરાવ જાન' ફિલ્મમાં જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવેલ 'સલામ' નામનાં સુંદર ગીતની પંક્તિઓ સાથે ન લખાયેલાં શબ્દોને સલામ! બહોત સી બાતે, હૈ તુમકો કહેની
બહોત સી બાતે, હૈ હમકો કહેની
કભી જો તન્હા, મિલો કહીં તુમ
તો બાતે હમ યે તમામ કર લે...

ગીતકાર - જાવેદ અખ્તર
ગીત - સલામ 
ફિલ્મ - ઉમરાવ જાન (૨૦૦૬)
સંગીત - અનુ મલિક
ગાયિકા - અલકા યાજ્ઞિક

No comments:

Post a Comment