Friday, 7 April 2017

કાદંબરીની મા - ધીરુબહેન પટેલ



એક દીકરીને મોટેભાગે એની મા એવું શીખવાડે છે કે સાસુ એના સંસારમાં આગ ચાંપશે. મોટેભાગે મા શીખવાડે છે કે લગ્ન પછી સાસરિયું જ એનું ઘર, ગમે તેટલું દુ:ખ સહન કરીને ત્યાં જ રહેવું, ધીમે ધીમે ઠીક થઈ જશે. પણ, ક્યારેક પરિસ્થિતિ ઠીક થતી જ નથી. દુનિયામાં મોટેભાગે લોકો માને છે કે સાસુ એટલે ખરાબ, સાસુ એટલે વઢનારી, ટોણાં મારતી એક સ્ત્રી, એ પ્રકારની જ માનસિકતા ઘણા લોકો આજે પણ ધરાવે છે. કાદંબરી નામની યુવતી બચપણથી પોતાની મા જેમ કહે તેમ દરેક વાત માનતી આવી છે, એને પોતાને ક્યારેક વિદ્રોહ કરવાની ઇચ્છા થઈ આવે છે, પરંતુ એ જાતને દબાવી દે છે. એની મા પણ એને બીજી સ્ત્રીઓની જેમ જ સાસુ વિશે એ જ જૂનાં સડી ગયેલાં ખ્યાલો આપે છે. એ ખ્યાલો સાથે શરૂઆતમાં કાદંબરી પોતાની સાસુ સાથે સારી રીતે વાત કરતાં પણ ખચકાય છે. પરંતુ ધીમે ધીમે એને સમજાય છે કે એની સાસુ એની મા દ્વારા જે પ્રકારનાં ખ્યાલો આપવામાં આવેલાં એવી તો નથી જ. કાદંબરીની સાસુ એની સમસ્યાઓમાં એને પડખે ઊભી રહે છે, પોતાના દીકરાને બદલે એની પુત્રવધૂનો પક્ષ લે છે. આખી નવલકથામાં સ્ત્રી જ ક્યારેક સ્ત્રીની દુશ્મન, ક્યારેક સ્ત્રી જ બીજી સ્ત્રીનો સાથ, સથવારો અને સહકાર બની રહે છે. મા એટલે કોણ? જે ફક્ત જન્મ આપે છે તે જ નહીં, એ પણ એક સૂર વ્યક્ત થયો છે આ પાત્રો દ્વારા. પોતાની જાતને દુ:ખમાંથી મુક્ત કરીને જાતને ઓળખવાની પ્રક્રિયાનો આરંભ કરવો એ ધીરુબહેન પટેલની આ નવલકથાનો હાર્દ છે.

No comments:

Post a Comment