Friday, 21 April 2017

એકલતાના કિનારા - ચંદ્રકાંત બક્ષી
પ્રેમ વિશે કે સાથે જીવવા વિશે કે લગ્ન વિશેનાં રંગીન સ્વપ્નો મોટાભાગનાં લોકો જોતા હોય છે ત્યારે એ લોકોમાંથી ઘણા લોકો એ જ રીતે વિચારતા હોય છે કે ક્યારેક કોઈ એક વ્યક્તિ આવશે, જે આપણને બધી જ જૂની તકલીફો ભૂલાવી દેશે, આપણો ખરાબ ભૂતકાળ એને કહેવા માત્રથી જ દિલની અંદર કંઈક ટાઢક પ્રસરી જશે, સાથે જીવન જીવવા અંગેના જોયેલા એ બધા સ્વપ્નો એ વ્યક્તિને મળીને સાકાર થશે, એની સાથે વાતો વહેંચવાથી આખા દિવસનો થાક ઊતરી જશે, નાઇટલેમ્પનાં ઝાંખા અજવાળામાં એની સાથે પથારીમાં ભેટીને પડ્યા રહીને કે દરિયાકિનારે બેસીને કે કોઈ અજાણ્યા હિલ સ્ટેશન પર એમ જ થોડા દિવસ રહીને જિંદગી ખુશીઓથી ભરાઈ જશે. પરંતુ એક છત નીચે જીવન શરૂ થાય છે, સાથે રહેવાનું શરૂ થાય છે, ત્યારે વાસ્તવિકતાની શરૂઆત થાય છે. ત્યારે આ પ્રકારનાં જોયેલા સ્વપ્નો એકબીજાની ઇચ્છા-અનિચ્છાઓ, નાના મતભેદો અને ન પૂરા કરાયેલા વચનોમાં પલટાઈ જાય છે. એ પછી જીવન વિશે અને પ્રેમ વિશે કે સાથે રહેવા વિશે કે લગ્ન વિશેનું સત્ય જાણવા મળે છે.

જીવનમાં પળેપળ જેને સાથ આપીએ અને સામે એનો પણ આપણને એ જ રીતે સાથ મળે એ વ્યક્તિને 'જીવનસાથી' કહી શકાય. નાના મતભેદો, રિસામણા-મનામણા કે મોટા ઝઘડા પછી બેમાંથી કોઈ એક વ્યક્તિ ચાલી જાય અને બંને વ્યક્તિઓને જો એકબીજાની ખોટ લાગે, એકબીજા વગર એકલતા સતાવે, યાદોમાં દિલ તરફડે, એ જ સંબંધ એ પછી સાર્થક થઈ શકે. જો છૂટા પડ્યા પછી એમ થતું હોય કે સારુ થયું એ વ્યક્તિ જીવનમાંથી ચાલી ગઈ, તો અફસોસ કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે એ વ્યક્તિ તમારે માટે સર્જાઈ જ નહોતી.


આ નવલકથાના પાત્રો નીલ અને નીરા એકબીજાનો પ્રેમ અને સાથ ઝંખે છે. પરંતુ એની સાથે જ જરૂરી છે સમજણ, સામેની વ્યક્તિને સમજવી. ફક્ત પ્રેમ માંગ્યા જ કરો અને સાથ ન આપો, તો એ સંબંધ સાર્થક નથી. એ જ રીતે જેની પાસેથી સાથની અપેક્ષા છે એને પ્રેમ આપવો જ રહ્યો, એ વ્યક્તિને સમજવી જ રહી, એ વ્યક્તિનાં સ્વતંત્ર વિચારોને પણ માન આપવું જ રહ્યુ. આ નવલકથાની અંદર લખેલી ઘણી વાતો આજે આટલા વર્ષો પછી પણ એટલી જ સત્ય છે. સંબંધ વિશેની વાતો તો ખરી જ, પરંતુ જૂની સ્કૂલ, કૉલેજનું વર્ણન, જૂના દોસ્તોનું વર્ણન, બેકારી સમયે દોસ્તોનો સહારો, જગ્યાઓનું વર્ણન - કલકત્તા; ઓરિસ્સાનાં પુરી અને કોણાર્ક સૂર્ય મંદિર; મુંબઈ, એક નાનકડું ગામ... આ બધુ જ જીવનની વાસ્તવિકતા જેટલું સરસ લખવામાં આવ્યું છે. અને યાદો! જૂની ખરબચડી સપાટી ધરાવતી યાદોથી માંડીને રૂની પથારી જેવી યાદો, બક્ષી તો બક્ષી જ છે! હમણાંથી પુસ્તકો વિશે જે થોડા શબ્દો ખૂબ જ ગમ્યા હોય એ લખવાની ટેવ પડી છે, એ આ સાથે લખી રહ્યો છું, એ ઉપરાંત આ નવલકથાની અંદર રહેલા લગ્ન વિશેના વિચારો અને કલકત્તાનાં વર્ણન વિશે બીજા બ્લૉગ પર લખાયેલી પોસ્ટની લીંક આ પોસ્ટને અંતે શેર કરી રહ્યો છું... બક્ષીની દુનિયામાં ખોવાઈ જવા માટે આપનું સ્વાગત છે!


*********************************

નીરા મારી બાજુમાં આવીને સૂઈ ગઈ. અમે બન્ને આંગળીઓ ભિડાવીને સૂઈ ગયાં.
(પૃષ્ઠ - ૨)

મારો ભૂતકાળ મને બરાબર યાદ નથી, કારણ કે એ તૂટેલો છે અને એનો રંગ ઊડી ગયેલો છે.
(પૃષ્ઠ - ૩)

મુંબઈ, મને ડર લાગે એટલું વિચિત્ર લાગતું હતું.
(પૃષ્ઠ - ૭)

બાપાજીને માટે મને હમેંશા માન રહ્યું છે, કંઈક અંશે ન વાંચેલી ચોપડીના લેખક માટે હોય એવું.
(પૃષ્ઠ - ૯)

એ હોટેલમાં જઈને હું બેસું છું ત્યારે મને લાગે છે કે જિંદગીની ચહલપહલ, દોડાદોડી, અતૃપ્તિઓ બધું જ દૂર ચાલ્યું ગયું છે.
(પૃષ્ઠ - ૧૭)

કૉલેજના દોસ્તો, જૂનાં ફિલ્મી ગીતોના શબ્દોની જેમ કોઈ કોઈ વાર યાદ આવી જાય છે. કોઈ કોઈ વાર મળી જાય છે અને થોડીઘણી વાતો કરીને અદ્રશ્ય થઈ જાય છે. કોઈ કોઈ કૉલેજના દિવસો પછી દેખાયા જ નથી. કોઈ કોઈ દેખાયા છે અને ઓળખાય એવા રહ્યા નથી. કોઈ દેખાય છે અને ઓળખાય છે અને એ ઓળખાણોને આગળ વધારવા માગતા નથી.
(પૃષ્ઠ - ૧૮)

'કૉલેજનાં દિવસો એ દરેકના જીવનના સુખીમાં સુખી દિવસો માનવામાં આવે છે. જવાબદારી વિનાના, ચિંતા વિનાના, બેફામ મસ્તીના એ દિવસો છે, હું એમ નથી માનતો. હું ધારું છું, એ માણસના જીવનના સૌથી અંધકારમય દિવસો છે, જ્યારે માણસ પાસે દિશા નથી હોતી અને ધ્યેય બહુ ધૂંધળું હોય છે. ભવિષ્યનો એ વખતે વિશ્વાસ નથી હોતો અને નિરાશા એટલી બધી ઘેરાયેલી હોય છે કે એને સિગારેટના ધુમાડાઓથી ઢાંકવાની કોશિશ કરવી પડે છે.'

(પૃષ્ઠ - ૨૩)

'કલકત્તા એ હિંદુસ્તાનનું મોટામાં મોટું ગામડું છે.'

(પૃષ્ઠ - ૨૩)

ફૂટપાથ પર ઠંડી હવા ફૂંકાતી હતી. ફૂટપાથો અને ખુલ્લી સડકોથી દોસ્તી વધતી જતી હતી.

(પૃષ્ઠ - ૩૦)

અમે બહાર નીકળતાં, નાની નાની ખરીદી કરતાં અને મોટા સ્ટોરોનાં શૉ-કેસોની વસ્તુઓ જોઈને આગળ ચાલતાં. ખિસ્સામાં બહુ પૈસા હતા નહીં, જેનું બિલકુલ દુ:ખ ન હતું. આગળ ચાલીને અમે બિસ્કિટ ખરીદતાં, પછી બેબી સોપ, બેબી પાઉડર... નીરા પૂછતી, 'કોને માટે લે છે આ બધું?'

'કેમ, બાળક ન હોય એટલે લેવાય નહીં? બેબી સોપ મારે માટે, પાઉડર તારે માટે અને બિસ્કિટ આપણાં બન્ને માટે!'
અમે બન્ને હસતાં. બંગાળી દુકાનદાર સમજતો નહીં. એ પણ હસતો.
(પૃષ્ઠ - ૭૪-૭૫)

એક વખત મેં પૂછ્યું, 'નીરા, તને મુંબઈ યાદ નથી આવતું?'

'ખાસ નહીં.'
'હવે કલકત્તા ફાવી ગયું કે પછી હું ફાવી ગયો?'
નીરા મારી સામે જોઈને બદમાશીથી હસી, 'તું ફાવી ગયો છે, મને પરણીને!' 
(પૃષ્ઠ - ૮૩)

દરવાજો ખુલ્લો રહ્યો. દરવાજાની ભીંત પરની ઘડિયાળ બંધ થઈ ગઈ હતી.

(પૃષ્ઠ - ૧૨૧)

'હમેંશા માણસને જૂની વાતોમાં વધારે સુખ જ દેખાય.' 

(પૃષ્ઠ - ૧૩૪)

એકલતા, એ જ માણસની ખરી સ્થિતિ હતી - ગર્ભાશયની એકલતા, મૌતની એકલતા, સ્ત્રી વિનાની પથારીઓની એકલતા, મંદિરોનાં ઘંટારવોમાં બહેર મારી ગયેલા વિચારોની એકલતા... જુદાં જુદાં સ્વરૂપોમાં માણસ એ જુદી જુદી રીતે જીવી લેતો હતો અને એનો ઇલાજ શોધતો ફરતો હતો.

(પૃષ્ઠ - ૧૪૫)

મેં બગાસું ખાધું, આંખો લૂછી અને રાતભર હવા ખાઈને ફૂલી ગયેલી ડાબા હાથની ત્રીજી આંગળી પરની 'વેડિંગ રિંગ' મેં જમણા હાથની ત્રીજી આંગળીએ પહેરી.

(પૃષ્ઠ - ૧૪૬)

'કોઈ વ્યક્તિ ન હોય ત્યારે જે દુ:ખ થાય એ જ પ્રેમનું સાચું પ્રમાણ છે એમ મને લાગે છે.'

(પૃષ્ઠ - ૧૫૧)

'દોસ્તોને ડિવૉર્સ આપી શકાતો નથી!' એ મલક્યો.

'સાલા, બદમાશ!' મને એને ચુંબન કરવાનું મન થઈ આવ્યું.
(પૃષ્ઠ - ૧૫૫)

કાચની બંધ બારીમાં વીજળીનો એક ચમકારો થયો અને આકાશમાં ધીરે ધીરે ગડગડાટ ફેલાઈ ગયો.

નીરા મને જોરથી ભેટી પડી, 'બાર બાય દસ'ના કમરામાં પહેલી વાર ભેટી હતી એમ.
પહાડો પર ચોમાસું ઊતરી રહ્યું હતું.
(પૃષ્ઠ - ૧૫૬)

*********************************

ચંદ્રકાંત બક્ષી વિશેનો એક બ્લૉગ 'બાકાયદા બક્ષી' તેમનાં લખાણોનો અજોડ સંગ્રહ છે, તેમાંથી ત્રણ પોસ્ટ આ નવલકથા વિશે - 

No comments:

Post a Comment