Saturday, 31 December 2016

૨૦૧૬ થી ૨૦૧૭ તરફ ... (વીતેલું વર્ષ મારે માટે કેવુ રહ્યુ એના વિશે)
ઘણા લોકોએ ઘણી વખત મને આ વર્ષમાં પૂછ્યુ છે કે કેવું ચાલે? શું ચાલે? અમુક વખત કોઈ પૂછે એ વખતે જવાબ હાજર ન હોય, શું કહી શકાય કે સામેના માણસને સંતોષ મળે, પણ બધાને ખુશ કરી શકાતા નથી, એટલે પછી 'બસ એકદમ ફાઈન, તમે કેમ છો?' ચાલ્યા કરે!! તો આ પોસ્ટ એ બધા લોકો માટે જેમને મારા વિશે જાણવું છે... 


વર્ષના આગળનાં છ મહિના ઘરે રહીને ફક્ત ગુજરાત સરકારની સેવાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી, જે હું કોલેજ પૂરી થઈ ત્યારથી કરુ છું! અમુક વખત સફળતા મળ્યા પછી પણ છેલ્લી ઘડીએ સફળતા હાથવેંત રહી ગઈ, અમુક વખત નિષ્ફળતા, પણ ઘણું શીખવા મળ્યુ જીવન વિશે... એક નવી જ લિપિ શીખી, ગુજરાતી સ્ટેનોગ્રાફી, જો કે ખાસ્સી મહેનત છતાં એ પરીક્ષામાં સફળતા ન મળી, અને હવે એની પ્રેક્ટિસ નથી કરતો હું, પણ એ શીખવાડનાર શ્રી પ્રવીણ જોશી સાહેબનો ખૂબ આભારી છું, ગાંધીનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોઈની પણ પાસેથી એક પૈસો લીધા વિના એ લોકોને ટ્યુશન ક્લાસ આપે છે!! અને એમની ઉંમર ૭૦ આસપાસ હોવા છતાં જિંદગી વિશે ખૂબ ઓછી ફરિયાદ ધરાવતા અને જેમને મળીને ખૂબ ખૂબ ખુશી થાય એવા વૃધ્ધોમાં એમનો સમાવેશ જરૂર કરવો જોઈએ, એમની પાસે જે સ્ટેનોગ્રાફી શીખવા ગયેલો એમાં ભલે હું સફળ ન થયો, પણ એ સિવાય જિંદગી માટે હું કેટલીય વસ્તુઓ શીખ્યો છું, અને હું કદાચ ખુશ રહેવા લાગ્યો છું એમાં એમનો પણ મોટો ફાળો કહી શકાય આ વર્ષે... મારા કઝિન સાથે મળીને ટ્યુશન ખોલવા વિશે વિચાર કર્યો અને પછી મેં એને સાથ ન આપ્યો અને એણે ખુદ પોતાનું ટ્યુશન શરૂ કર્યુ કોઈ બીજા પાર્ટનર સાથે... વર્ષના પછીના છ મહિના જોબ કરી જે હજુ ચાલુ છે, સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં ચૂંટણી શાખામાં 'ઈલેક્શન કોલ સેન્ટર 1950' છે, એમાં ઓપરેટર, ચૂંટણી કાર્ડ વિશે લોકોની પૂછપરછ માટે આવતા ફોનનો જવાબ આપવાનો અને એમને મદદ કરવાની, મને ગમે છે આ નોકરી. 

કોઈ તમારી ગમે તેટલું નજીક હોય ઘણી વખત અમુક લોકો સ્વાર્થ પૂરો થાય પછી તમારા મેસેજીસનાં જવાબ પણ નથી આપતા કે ન ફોન ઉપાડે છે, અમુક લોકો જે એક સમયે ખૂબ સારા મિત્રો હતાં એ જીવનભર રહેશે એ જરૂરી નથી, અમુક લોકોને થોડા પૈસા, થોડુ સ્ટેટસ મળે એટલે હવામાં વેંત અધ્ધર ચાલવા લાગે, આ બધી વાતો આપણે બધા જાણતા હોઈએ છીએ, તો પણ આ બધી વાતોનો સાક્ષાત અનુભવ પણ કરી જ લીધો આ વર્ષે. (અથવા એમ કે આ રહી જતું હતું તો એ પણ થઈ ગયું!) તો બીજી બાજુ એ પણ શીખ્યો કે જે માણસ માટે એમ લાગે કે આની સાથે નહીં ફાવે કે આની સાથે શું વાત કરીશ, એ બધાની સાથે પણ ક્યારેક બસ એક-બે વખત વાત, કે ક્યારેક ફક્ત સ્માઈલ કે વેવ કરવાથી પણ એમનો અને તમારો બંનેનો દિવસ સારો જાય એ પણ અનુભવ્યું! પહેલા મને કોઈ અમુક વાતો પૂછે તો હું ચિડાઈ જતો, હવે અમુક એવી વસ્તુઓનાં જવાબ મજાકમાં આપતા શીખીને પણ જીવનમાં ખુશ રહેતા શીખી ગયો હું. તમને જે ગમતું હોય એ તમારે કરવું જ રહ્યુ, એ કરવાથી તમને ખુશી અને આત્મસંતોષ મળે એટલે વાત પૂરી, એ સાબિત કરવા ખૂબ જ બધુ લખ્યું, મને થાય છે લખતો જ રહું અને ખૂબ જ બધી ફિલ્મો જોઈ, અને ઓગસ્ટ મહિનામાં મારો આ બ્લૉગ શરૂ કર્યો, જ્યાં હું સિનેમા, સાહિત્ય, ગીતો, સંબંધો અને અમુક બીજી વસ્તુઓ વિશે લખું છું, મને ખબર છે કે ખૂબ ઓછા લોકો વાંચે છે, પણ મને ગમે છે માટે હું લખું છું, અને જે વાંચે છે એમાંથી અમુક લોકો જ સારા-ખરાબ બધા ફીડબેક આપે છે અને હું ઈચ્છા રાખું કે જે પણ અભિપ્રાય હોય એ કહે મને લોકો કે એમને કઈ વસ્તુ ગમી, કઈ વસ્તુ હું સારી નથી લખતો, એ બહાને મારુ રાઈટિંગ સુધરે...!!

મારા ફ્રેન્ડ ઋતુરાજ સાથે પુસ્તક મેળામાં ગયેલો એ વખતના લીધેલા ઘણા પુસ્તકો હજી સુધી વાંચ્યા નથી, અમુક ગિફ્ટમાં આવેલા કે બીજા ખરીદેલા એવા ૨૦૧૫નાં અંતથી ૨૦૧૬ આજ દિન સુધીના ઘણા પુસ્તકો હજુ બાકી!!! ફિલ્મો પુષ્કળ જોઈ, ફિલ્મોની અંદરની ઝીણવટભરી વિગતો વધારે ઊંડાણમાં જાણવાથી મને ખૂબ ખૂબ ખુશી મળે છે, દસ વર્ષ જૂના એક મિત્ર કુશાન સાથે જોરદાર ઝઘડ્યો અને મને ખબર હતી કે એક દિવસ બધું સારુ થશે એ આ વર્ષ પૂરું થાય એ પહેલા જ થઈ ગયું, પહેલા જેવી જ દોસ્તી! મારો બીજો એક દોસ્ત (સગા ભાઈથી પણ વધારે) જયદીપ ઓસ્ટ્રેલિયા ગયો, બીજા અમુક દોસ્તોની સગાઈ, લગ્ન બધું થતું રહ્યું, અમુક મિત્રોને સારી નોકરી મળી, પહેલા આવી બધી વસ્તુઓથી મને ઈર્ષા થતી, હવે નથી થતી, કારણ કે જિંદગી પરફેક્ટ નથી, પણ હું ખુશ છું! (ફિલ્મ: એક મૈ ઔર એક તુ (૨૦૧૨) - શકુન બત્રા) અમુક લોકો કહે છે મને કે જિંદગીમાં એક 'સારી સ્ટેડી' નોકરી અને 'એક સારુ પાત્ર' હોવું ખૂબ જરૂરી છે, પણ અમુક વાર એ લોકોને સમજાવું છું કે ના બધુ ફાઈન છે અને અમુક વખત ફક્ત હું એમને એક 'સરસ સ્માઈલ' આપીને મારે રસ્તે!! હું ખુશ છું કે હું સિંગલ છું, હું ખુશ છું કે મને જે ગમે છે એ કરવા માટે મારી પાસે સમય છે. અને હું ઈચ્છુ કે દરેક માણસ પોતાને જે ગમે છે એ કરવા માટે દિવસનો થોડો સમય ફાળવે, કારણ કે એ સમય તમને જે મહેસૂસ કરાવે છે એ કોઈ પૈસા, કોઈ બીજી વસ્તુ તમને મહેસૂસ નથી કરાવતી... 

જૂના સપનાઓ જે પૂરા નથી થયા, એ સપનાઓને નવો ઓપ આપીને, નવો રંગ કરવાનો સમય આવી ગયો છે, દિલ ખોલીને જીવો, દિલ ખોલીને હસો, ખરાબ લાગે તો થોડી વાર ઉદાસ રહીને, વધારે ખરાબ લાગે તો સહેજ આંસુ વહાવીને પણ એ ખરાબ લાગણીઓને જવા દો, જિંદગી રાહ જુએ છે, એ આગળ ચાલતી જ જાય એ પહેલા થોડો એની સાથે કદમ મિલાવી જુઓ, કદાચ આગળના નવા રસ્તે આપને જે જોઈએ છે એ મળી પણ જાય, તો આવનારા નવા વર્ષ માટે બધાને ખૂબ શુભેચ્છાઓ, ચિયર્સ એન્ડ હિપ હિપ હૂરે!! 


દંગલ (૨૦૧૬)

ઝાયરા વસીમ, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ,
આમિર ખાન અને સુહાની ભટનાગર

હરિયાણાના ભિવાની જિલ્લાના એક ગામ બલાલીનો નેશનલ ચેમ્પિયન રેસલર મહાવીર સિંઘ ફોગટ એની આર્થિક સ્થિતિને કારણે આગળ રમી શકે એમ નથી, અને એની દીકરીઓ ગીતા અને બબિતાને રેસલિંગ માટે તૈયાર કરે છે અને એમનામાં દેશ માટે ગોલ્ડ લાવવા જોશ અને ઉત્સાહ પૂરે છે... એક બાપ જેને માટે પોતાની દીકરી એના જીગરનો ટુકડો હોય છે, એક બાપ જે એની દીકરીની જિંદગી સુખમય થાય એના વિચારોમાં એની ઘણી રાતોની ઊંઘ ખોઈ બેસે છે, પણ આ બાપ અલગ છે, એની દીકરીઓ રસોડા અને ઘરકામ માટે નથી, એણે એની દીકરીઓને અલગ બનાવવી છે, કારણ કે એ એની દીકરીઓ છે! અને એવું નથી કે ફિલ્મ ભારે છે, અથવા ખૂબ સીરિયસ છે, ફિલ્મ હળવી પણ છે અમુક જગ્યાએ, મનોરંજક પણ છે, તમને હસાવવા માટે પણ છે સીન્સ, અને લાગણીશીલ કરવા માટે પણ.


ફિલ્મ માટે આમિર ખાન દ્વારા કરાયેલી મહેનત સૌ કોઈ જાણે છે, પણ એ સાથે જે ભૂલ્યુ છે લોકોએ એ છે ચાઈલ્ડ એક્ટર્સ ઝાયરા વસીમ અને સુહાની ભટનાગર (એમણે અનુક્રમે ગીતા અને બબિતાના પાત્રો ભજવ્યા છે) તેમજ ગીતા અને બબિતાની યુવાની માટેના પાત્રો ભજવનાર યંગ એક્ટર્સ ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાએ કરેલી મહેનત. આગળની અડધી ફિલ્મ બાળપણ પર જ છે, અને મને ફર્સ્ટ હાફ ખૂબ જ ગમ્યો. બંને ચાઈલ્ડ એક્ટર્સની મહેનત દેખાઈ આવે છે, એ લોકોને વહેલી સવારે જગાડવાથી માંડીને એમને દોડાવવા અને અખાડામાં તૈયાર કરવા સુધીની એક પણ વાતોમાં બંને ચાઈલ્ડ એક્ટર્સ ચૂકતા નથી, એમની લાગણીઓ, એમની થકાન, એમની ખુશી, નિર્દોષતા, ગુસ્સો, જુસ્સો બધુ એમણે સુંદર ભજવ્યું છે, એ જ રીતે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા માટે પણ. (આ બધી એક્ટર્સને અપાયેલી રેસલિંગ ટ્રેનિંગ માટેની મહેનત કૃપા શંકર બિશ્નોઈએ કરાવડાવી છે, જે ભારતની વિમેન રેસલિંગ ટીમના કોચ પણ છે.) ગીતા અને બબિતાની મા દયા શોભા કૌરના રોલમાં સાક્ષી તન્વરની એક્ટિંગ પણ સરસ છે, એમને ભાગે વધારે ડાયલોગ્સ નથી, પણ ઘણી વખત મા કંઈ કહેતી નથી, એની આંખોમાં દુ:ખ અને ખુશી દેખાઈ આવે છે, જે એમણે ભજવ્યું છે, આમિર ખાનની લાજવાબ એક્ટિંગ છે, એ જ રીતે આગળ કહ્યુ તેમ બધા જ એક્ટર્સ, ફિલ્મની રેસલિંગ સીક્વન્સ અમુક વાર શ્વાસ થંભાવી દે છે આગળ શું થશે એ જાણવાની ઈન્તેઝારીમાં, ફિલ્મનું મ્યુઝિક બહુ જ સરસ છે. (મેં થિયેટરમાં જોયું કાલે રાતે ફિલ્મ એની પહેલા એક પણ ગીત સાંભળ્યું નહોતું!!) ફિલ્મની અંદર કરાયેલી મહેનત ફળી છે, જે લોકો બહુ મેસેજ મેસેજ કરતા હોય છે ને કે ફલાણી ફિલ્મમાં કોઈ મેસેજ નહોતો ને આમ ને તેમ, એ લોકો 'દંગલ' ફિલ્મનો મેસેજ કેવો પાળે છે એ જોઈએ!! ફિલ્મ સારી છે, જેમણે નથી જોઈ એ લોકો જોઈ આવો, અને જેમણે જોઈ છે એ લોકો આગળ પોસ્ટ વાંચી શકે છે.

********************************


ફિલ્મ સ્પોઈલર્સ 
જેમણે ફિલ્મ નથી જોઈ એ લોકો આગળ હવે ન વાંચે...

********************************
ફિલ્મનો ફર્સ્ટ હાફ મને પર્સનલી ખૂબ ગમ્યો, ઈન્ટરમિશન પહેલાનો ફિલ્મનો હિસ્સો સેપિયા કલરના ફોટોગ્રાફ્સ જેવો છે, અહીં જૂનો સમય છે, જૂના ઘર છે, જૂની સોચ ધરાવતા માણસો, દીકરી અને દીકરામાં ભેદ કરતા લોકો, આ બધા ઉપાયો અજમાવીએ તો દીકરો આવે એવા ખ્યાલો ધરાવતા લોકો પણ છે. (એ લોકો ભણ્યા ન હોય તો એમને વિજ્ઞાન શું એ ક્યાંથી ખબર પડે?) અહીં એક સરસ ગામ છે, જ્યાં ખેતરો છે, મંદિર છે, અખાડો છે, નદી છે, સ્કૂટર છે, અને આ બધુ મને સેપિયા કલરના ફોટોસ જેવું લાગ્યું. અને મને ખૂબ ગમ્યું... ફિલ્મની શરૂઆતમાં સીન છે જ્યાં આમિર ખાન અને વિવાન ભટેનાના પાત્રો કુસ્તી લડે છે. (વિવાન ભટેના ફિલ્મમાં ન ઓળખાયો હોય તો નીચેનો ફોટો જોઈ લો અને ફાલ્ગુની પાઠકનું ગીત 'મૈને પાયલ હૈ છનકાઈ') આમિર એને હરાવે છે, અને વિવાન ભટેના એને શાબાશી આપે છે કે એક સ્ટેટ લેવલ રેસલર ને હરાવ્યો અને આમિર એને કહે છે કે ચિંતા ના કર, એક નેશનલ લેવલ ચેમ્પિયનથી હાર્યો તુ! પહેલી મુલાકાતમાં ક્યાંથી માણસ ઓળખાય? કઈ રીતે જજ કરી શકાય તો પણ આપણે બધા કરતા હોઈએ છીએ, હું પણ કરુ છું, પણ એ ખોટુ પડે છે હમેંશા... ( મારો અનુભવ વાંચો અહીં: પહેલી છાપ ) પણ, આ સીન પહેલી વખત આપણે લોકોને માટે ધારેલી વાતો ખોટી પડે છે એની માટે જ છે...

મહાવીર નેશનલ લેવલ ચેમ્પિયન છે, પણ આર્થિક સ્થિતિ સારી નથી અને આગળ રમી નહીં શકે એ મજબૂરી છે, અને લોકોના સલાહથી નોકરી સ્વીકારી લે છે, આ દરેક એ ખેલાડીની વાર્તા છે જેનામાં ક્ષમતા છે પણ આગળ જઈ શકવા સક્ષમ નથી, એની આવડત અને યોગ્યતાને પ્રોત્સાહિત કરે, થોડી હિંમત આપે, થોડી મદદ કરે એવા લોકો જેની પાસે નથી એ દરેક ખેલાડીની સ્થિતિ છે ફિલ્મની શરૂઆતની મહાવીરની સ્થિતિ જેવી.  મહાવીરને દીકરો જોઈએ છે કારણ કે એને છે દીકરો દેશ માટે ગોલ્ડ લાવશે, ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં ઘણી બધી કૉમેન્ટસ કરે છે કે '3 ઈડિયટ્સ' ફિલ્મનો રેન્ચો અને આ આમિર અલગ છે, અને એણે પોતાના સપનાઓ સંતાનો પર થોપતા બાપનો રોલ કર્યો, પણ એ એક એક્ટર છે અને એ એની જોબ છે, જે એણે સારી રીતે નિભાવી છે, અને એણે એના સપના સંતાનો પર થોપ્યા નથી. 'નીલ બટ્ટે સન્નાટા' ફિલ્મમાં એક ડાયલોગ છે, "વો તુમ પે અપને સપને નહીં થોપ રહી, ઉસકા તો સપના હી તુમ હો." આ ડાયલોગ જેવી વાત છે આ. ( 'નીલ બટ્ટે સન્નાટા' ફિલ્મ 'દંગલ' ફિલ્મનાં ડિરેક્ટર નિતેશ તિવારીની પત્ની અશ્વિની ઐયર તિવારીએ બનાવી છે!! )

દયા શોભા કૌર
(સાક્ષી તન્વર)


મહાવીરની પત્નીનું નામ છે દયા શોભા કૌર, અને એની પર ભલે ફિલ્મમાં ફોકસ નથી પણ એની સ્થિતિ દયાજનક જ છે, એને ગિલ્ટ છે કે એ દીકરાને જન્મ નથી આપી શકી, એને ગિલ્ટ છે કે એના પતિને જે જુએ છે એ ગોલ્ડ મેડલ હવે નહીં આવે, અને જ્યારે મહાવીર એની પાસે એક વર્ષનો સમય માંગે છે દીકરીઓને રેસલિંગ માટે તૈયાર કરવા માટે, ત્યારે પણ એ પતિ અને દીકરીઓ વચ્ચે અટવાય છે, એ કંઈ બાજુનો પક્ષ લે? બંને સમાન છે એની માટે. મહાવીરને અહેસાસ થાય છે કે એની દીકરીઓમાં રેસલર બનવા માટેની તાકાત છે એ પછી એ પત્નીને વાત કરે છે એ આખો સીન કેટલો સરસ છે, બંને ચર્ચા કરે છે, મહાવીર કોઈ પણ ભોગે મક્કમ છે કે એ દીકરીઓને રેસલિંગ માટે તૈયાર કરશે, અને દયા દીકરીઓ વિશે વિચારી ઘણા સવાલો પૂછે છે, એ ના પતિને ના પાડી શકે છે અને ના દીકરીઓને એ સ્થિતિમાં લઈ જતા પતિને રોકી શકે છે. અને એ બધી લાગણીઓ સાક્ષી તન્વરે સરસ ભજવી છે.મહાવીર બંને મોટી દીકરીઓ ગીતા અને બબિતાને તૈયાર કરવાની શરૂઆત કરે છે એ માટે 'હાનિકારક બાપુ' ગીત રાખ્યું છે, દીકરીઓને સવારે પાંચ વાગ્યે ઉઠવાની તકલીફથી માંડીને કસરત શીખતી દીકરીઓ અને એમના બાપ પરનો ગુસ્સો આખો રિયલ લાગે છે ગીતના શબ્દો અને પિક્ચરાઈઝેશનથી. (સિનેમટોગ્રાફી- સેતુ શ્રીરામ) ગામના લોકો મહાવીરને એની દીકરીઓને અખાડામાં પ્રેક્ટિસ માટે ના પાડે છે અને એ પોતાના ખેતરમાં એને માટે અખાડો બનાવે છે... 
એની દીકરીઓને કુસ્તી લડવામાં નડે એ બધી વાતો પર એ રોક લગાવે છે, એક તબક્કે બંને કહે છે કે સલવાર કમીઝમાં કુસ્તી નથી ફાવતી, એટલે કપડાની સ્ટાઈલ બદલે છે, અને લાંબા વાળ નડે છે તો એ પણ કપાવડાવે છે, વાળ, છોકરીની કે સ્ત્રીની સુંદરતામાં વધારો કરતું તત્વ, છેલ્લે કોઈ ફિલ્મમાં મેં છોકરીના વાળ કપાવી જ નાખવા માટેનો સીન જોયો હોય તો એ દીપા મહેતાની 'વોટર'માં.

એની બંને દીકરીઓ એમની બહેનપણીના લગ્નમાં જાય છે અને એમના જેટલી જ ઉંમરની એ દીકરીના લગ્ન થઈ રહ્યા છે એ સીન મને ખૂબ ઈમોશનલ લાગ્યો ફિલ્મમાં, એ કહે છે કે ભલે એ લોકોનાં પિતા અત્યારે જે કરે છે એ એમને જુલમ લાગતો હોય, પણ એમની માટે વિચારે તો છે, એમને બોજ તો નથી સમજતા, કે દીકરીને ચૌદ વર્ષની ઉંમરે પરણાવી દેવામાં આવે એવો ખ્યાલ નથી ધરાવતા, એ પછી ગીતા અને બબિતાને રિઅલાઈઝ થાય છે કે એમના પિતા એમની માટે સારુ વિચારે છે.

ગીતા અને બબિતા
(ઝાયરા વસીમ અને સુહાની ભટનાગર)

પહેલી વખત 'દંગલ' લડવા જાય છે એ વખતે વ્યવસ્થાપકો એ વિચારીને ગીતાને રમવા દે છે કે એક છોકરીને છોકરા સાથે કુસ્તી કરતી જોવા માટે વધારે લોકો આવશે અને ટિકિટનો વકરો વધારે થશે, આ એક માનસિકતા છે, કોઈ અલગ કરતું હોય એ જોવું બધાને છે, એની પહેલા એ કામમાં સાથ કોઈ આપતું નથી, ગીતાની એ મેચ જોવા માટે લોકોનાં ટોળા ઉમટે છે, અને એને જીતતી જોઈને ખુશ પણ થાય છે, અને એ મેચ હારે છે તો પણ એને જીતનારથી વધારે રોકડ ઈનામ અપાય છે, એ બધી કરન્સી નોટ જે એને ઈનામમાં મળશે એ એના બાપુ મહાવીર સાચવી રાખવાના છે, એની દીકરીઓની પ્રગતિની સાબિતી માટે, યાદો માટે. આ એ જ બાપ છે જેણે પોતાનો નેશનલ ચેમ્પિયનશીપનો મેડલ એક જૂની પેટીમાં મૂકી દીધો છે, અને એની દીકરીઓના પુરસ્કાર, ટ્રોફીસ, અને રોકડ ઈનામોમાં મળેલી કરન્સી નોટો સજાવીને રાખી છે. એને ખબર છે કે ગીતા છેક આગળ સુધી જશે અને રમશે અને જીતશે, એને વિશ્વાસ છે પોતાની દીકરીઓમાં કે નેશનલ ચેમ્પિયનશીપ જીતશે ત્યારે એનો મેડલ અહીં લગાવાશે, અને ગીતા જીતી છે એના પછી બબિતા પણ જીતશે, અને બબિતા જીતે છે એ પછી એનો મેડલ ગીતાના મેડલની બાજુમાં લગાવે છે, આ બધુ એક ઈમોશનલ કનેક્શન છે, એની દીકરીને જીતતી જોઈ, જીત્યા પછી ગામ વચ્ચે પસાર થતી જોઈ એની છાતી ગજ ગજ ફુલે છે, પણ એ બધામાં એ દીકરીઓને આગળ રાખે છે અને પોતે પાછળ રહે છે, એ કોઈ ક્રેડિટ લેતો નથી, એ એમની સુરક્ષા માટે, સાથ માટે એમની સાથે છે, પણ સહેજ પાછળ રહીને.

અને એ દીકરીઓને પ્રેમ નથી કરતો એવું તો છે જ નહીં, એક સીનમાં એ થાકી ગયેલી દીકરીઓના પગ દબાવે છે અને પત્નીને કહે છે કે એક સમયે એક જ રહી શકાય છે, કોચ અથવા બાપ. એ મજબૂર છે, એની સ્થિતિ બીમાર સંતાનને કડવી દવા આપતી મા જેવી છે. બીજા એક સીનમાં કોઈના પુત્ર જન્મની ખુશીમાં મળેલો લાડુ એ બંને દીકરીઓને અડધો અડધો વહેંચે છે, આ દરેક માતા-પિતાની લાગણીઓ છે, જે સંતાન માટે પહેલા વિચાર કરે છે. આ એવો બાપ છે જે એની દીકરીઓના કોચિંગ માટે એની નોકરી પણ છોડી દે છે, અને પોતાની દીકરીની કુસ્તી લડવાની નવી ટેક્નિક સામે હારે પણ છે. 

બબિતા અને ગીતા ફોગટ


નેશનલ ચેમ્પિયનશીપ જીત્યા પછી દીકરીને આગળ ટ્રેનિંગ માટે મૂકીને આવેલો મહાવીર ચૂપ છે, કારણ કે એને ખબર છે એની દીકરી નવી દુનિયામાં જઈને થોડી બદલાવાની છે, અને પોતાના ધ્યેયથી ભટકવાની ગીતાની આખી પ્રક્રિયા ફાતિમા સના શેખે ઉત્તમ ભજવી છે, વાળ વધારવાથી માંડીને નેલ પોલિશ કરતી અને 'ડીડીએલજે'નો પલટ સીન જોતી ગીતાની જિંદગી પણ પલટાઈ છે, પણ ખોટી દિશામાં, અને એ વાતનો અહેસાસ કરાવે છે નાની બહેન બબિતા, જે પણ નેશનલ ચેમ્પિયન બન્યા પછી ત્યાં આવે છે ટ્રેનિંગ માટે. એ ગીતાને યાદ કરાવે છે કે એ કેવી રીતે એની પ્રથમ કુસ્તી જીતેલી, કેવી રીતે એના પિતાની ટેક્નિક અને એમની મહેનતને લીધે એ છે આટલે સુધી. એક બાપ જે નેશનલ લેવલના કોચ સામે લડીને, એકેડમીના નિયમો સામે લડીને, જુદી સ્ટ્રેટેજી અપનાવીને પણ એની દીકરીને ફક્ત જીતતી જોવા માંગે છે, મહાવીર ગીતાને કહે છે કે એણે ગોલ્ડ જીતવાનો છે, સિલ્વર જીતશે તો લોકો ભૂલી જશે, દાખલો બેસાડવાનો છે એણે. એક દીકરી છે જે નવી દુનિયામાં જઈ પિતાની રિસ્પેક્ટ કરવાનું ભૂલી ગઈ છે, એમનો ઠપકો એને સારો લાગતો હતો અને એને લીધે જ એ અહીં છે, એ વાતનું રિઅલાઈઝેશન થતાં જ એ બધુ ભૂલી, માફી માંગી ફરીથી પિતાના રસ્તે ચાલવા માટે પોતાને બે કદમ પાછળ કરી લે છે.ગીતાની બંને મેચ શ્વાસ થંભાવી દે એટલી રોચક છે, છેલ્લે ફાઈનલ વખતે એણે જીતવાનું છે એ વખતે પિતા પ્રેક્ષકોમાં નથી બેઠા એ વખતે એ એમની વાત યાદ કરે છે કે શક્ય છે કે દરેક વખતે એ એની સાથે ન હોય એણે પોતાની જાતે આગળ વધવાનું છે, એ સીન પણ સરસ છે, જે મને રૂમીનો એક ક્વોટ અને 'ડિયર જિંદગી'નો એક ડાયલોગ પણ યાદ અપાવે છે, જે ફોટોસ નીચે મૂકુ છું. એ જીત્યા પછી મેડલ પિતાને આપે છે અને પિતા એને પહેરાવે છે, એ આખો અનુભવ આંખમાં આંસુ લાવી દે છે.
ફિલ્મનું અમુક શૂટિંગ પુણેમાં મારા ફ્રેન્ડ ઋતુરાજની કોલેજ સિમ્બાયોસિસ ઈન્ટરનેશલ યુનિવર્સિટીમાં થયું છે. (નેશનલ સ્પોર્ટ્સ એકેડમીના સીન્સ, પણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નહીં, મેસ, હોસ્ટેલ, ગીતા જ્યારે પિતા સાથે ફોન પર વાત કરે છે એ જગ્યા.) ફિલ્મનાં બધા ગીતો મને ગમ્યા, પણ અરિજિત સિંઘનું 'નૈના' ખૂબ ગમ્યું. 

ડિરેક્ટર નિતેશ તિવારી, ગીતા ફોગટ, બબિતા ફોગટ,
આમિર ખાન અને મહાવીર સિંઘ ફોગટ

બાયોપિક ફિલ્મમાં ખોટી વાત ઉમેરવાની જરૂરત હોતી નથી, એટલે મને એ વસ્તુ સામે ફક્ત વાંધો પડ્યો છે, છેલ્લી ફાઈનલ મેચ વખતે લોક કરેલા મહાવીરનો સીન, બાકી ફિલ્મ સરસ છે, મને સેકન્ડ હાફ એટલો નથી ગમ્યો, જો એ પણ ફર્સ્ટ હાફ જેટલો ગમ્યો હોત તો હું ફિલ્મની વધારે તારીફ કરતો, એ છતાં 'દંગલ' જિંદગી સામે, લોકોના જૂના ઘસાયેલા વિચારો સામે જંગ કરવાની કુસ્તી છે, આ ફિલ્મ દરેક એ ખેલાડીની છે જેણે દેશ માટે મેડલ જીતવા અથાગ મહેનત કરી છે, પોતાની રોજિંદી જિંદગી ભૂલીને જેમણે ફક્ત મેડલ અને જીતવા સિવાય કંઈ જ વિચાર્યુ નથી, એ બધા 'હીરોઝ'ની આ વાર્તા છે, દીકરો કે દીકરી બંને સમાન છે એ સાબિત કરી આપતી વાર્તા છે આ.


મારી બીજી કેટલીક પોસ્ટની લીંક:

બોલીવુડ ૨૦૧૬

વર્ષ ૨૦૧૬ પૂરું થઈ રહ્યું છે, ઘણી બધી બાયોપિક ફિલ્મો આવી, ઘણી ફિલ્મો જેમની પાસે આશા હતી એ પૂરી ન કરી શકી, ઘણી ફિલ્મો કોઈ જ આશા વગર સારી સાબિત થઈ, મેં આ વર્ષે નથી જોઈ અને જોવાની ઈચ્છા છે એવી ફિલ્મો: 'એરલિફ્ટ' ; 'સુલતાન' ; 'ફોબિયા' ; 'રમણ રાઘવ 2.0' ; 'ફેન' ; 'ફિતૂર' ; 'સનમ તેરી કસમ' ; 'સાલા ખડૂસ' ... આ સિવાય જે જોઈ છે એમાંથી મોટાભાગની ફિલ્મો વિશે લખું છું, જે ન લખ્યું હોય એ નહીં ગમ્યું હોય, કોઈ ન ગમેલી ફિલ્મમાં પણ જો એક-બે વસ્તુ ગમી હશે તો પણ એ લખી છે! હજુ અમુક ફિલ્મો વિશે આખી પોસ્ટ બાકી છે એ ફરી ક્યારેક લખીશ. મારે મને ગમેલી સૌથી સારી પળો, ડાયલોગ્સ, ફિલ્મો વિશે લખવું છે, સ્ટોરી જાહેર નથી કરતો, તો જેમણે પણ કોઈ ફિલ્મ ન જોઈ હોય એ પણ વાંચી શકે આખી પોસ્ટ:


બેસ્ટ મૉમન્ટ્સનીરજા

રમા અને નીરજા ભનોટ મા-દીકરીની એકબીજાને આલિંગન આપીને કરાયેલી વાતચીત
જયદીપનો આપેલો પત્ર વાંચતી નીરજા


નીલ બટ્ટે સન્નાટા

દસમાં ધોરણનો સ્કૂલનો પહેલો દિવસ
મા-દીકરીની ફિલ્મનાં ક્લાઈમેક્સ પહેલા થયેલી વાત
ડૉ. દીવાન અને ચંદા વચ્ચેની ઘણી બધી વાતો


કિ એન્ડ કા

રેલવે મ્યુઝિયમ - કબીર અને કિયાની એકબીજા સાથે વાતો
અમિતાભ અને જયા બચ્ચનને ત્યાં કબીરનું ડિનર


મિર્ઝ્યા

'આવે રે હિચકી' ગીત


સરબજીત

ટીવી પર સરબજીતના સમાચાર આવે એ માટે આખી રાત રાહ જોતી બેઠેલી દલબીર


ડિયર જિંદગી

સિડ અને કાયરાની ડેટ
જેકી, ફેટી અને કાયરાની દોસ્તીની ખટમીઠી વાતો
'તુ હી હૈ' ગીત
એના ભાઈને કોમિક બુક આપતી કાયરા
જહાંગીર આગળ પોતાની અંદર રહેલી વાત કહેતી વખતે રડતી કાયરા
કાયરાને આવેલ સપનું


ઉડતા પંજાબ

બિહારથી પંજાબ આવતી વખતે પોતાની  હોકી સાથે બેઠેલી બઉરિયા
સરતાજ અને પ્રીતની એકબીજાને જોઈ રહેતી આંખો
'ડા ડા ડસ્સે' ગીત
ટોમી અને બઉરિયાની મુલાકાતઅકિરા

કથક શીખવું કે કરાટે એ વિશે વિચાર કરતી ઉભેલી અકિરા


પાર્ચ્ડ

બિજલી, રાની, લજ્જો અને જાનકીની છકડા પર કરાયેલી સહેલગાહ


અલીગઢ

પોતાના ઘરમાં લતા મંગેશકરના ગીતો સાંભળતા પ્રોફેસર સિરાસ અને એમનો સોલિટ્યૂડ
દીપુને પોતાના મરાઠી પુસ્તકનું અનુવાદ કરીને આપતા પ્રોફેસર અને એ પછીની એ બંને વચ્ચેની વાતચીત
ક્લાઈમેક્સ સીનમાં દીપુની લાગણીઓ


બેફિક્રે

એફિલ ટાવરમાં ઉપર જતી શાયરા
ધરમ અને શાયરા બંનેની ડાન્સ સીકવન્સ
શાયરાની એની મોમ સાથેની કીચનમાં વાતચીત


કપૂર એન્ડ સન્સ

અર્જુન અને ટિયાની કબ્રસ્તાન વાળી ડેટ
હર્ષ અને સુનીતાની ફેમિલી ગેધરિંગ વાળી રાતે કરાયેલી વાતચીત
દાદાનો અર્જુન અને રાહુલને કરાયેલો વીડિયો મેસેજ
કુનૂરની ખૂબસુરતી
એની માને પોતાનો રાઝ કહે છે એ વખતે રાહુલની આંખોએ દિલ હૈ મુશ્કિલ

પેરિસમાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા અયાન અને અલીઝેહ
'ચન્ના મેરેયા' ગીત
સબાના ઘરે ડિનર ટેબલ પર સબા, અયાન અને અલીઝેહની વાતચીત
પોતાની સફળતા પછી કાંટાળા થોરના કૂંડાઓની પાસે બેઠેલો અયાન


એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી

મહેન્દ્રનો એના પિતાને સમજાવતો સીન કે જો એ ખડગપુરમાં જોબની સિક્યોરિટીમાં ફસાઈ જશે તો એનાં સપનાં અધૂરા રહી જશે...
કરાચીમાં પ્રિયંકાને ફોન કરીને એને માટે ગિફ્ટ લેવી કે નહીં એ અવઢવમાં ઉભેલો મહેન્દ્ર

દંગલ

એમની બહેનપણીનાં લગ્ન વખતે ગીતા અને બબિતાને થયેલું રિઅલાઈઝેશન કે પિતા એમના ભલા માટે વિચારે છે...
'હાનિકારક બાપુ' અને 'નૈના' ગીતોની ફિલ્મ સાથે મેચ થતી સ્થિતિ
ગીતાની બંને ફાઈનલ રેસલિંગ મેચ
મહાવીરનું રિઅલાઈઝેશન કે દીકરો અને દીકરી એક સમાન છેમને ખૂબ ગમેલા ડાયલોગ્સ રિતેશ શાહ - પિંક

હમારે યહાં ઘડી કી સૂઈ કેરેક્ટર ડિસાઈડ કરતી હૈ

ના સિર્ફ એક શબ્દ નહીં, અપને આપ મેં એક પૂરા વાક્ય હૈ. ઈસે કિસી તરહ કે સ્પષ્ટીકરણ, એક્સપ્લેનેશન યા વ્યાખ્યા કી જરૂરત નહીં હોતી, ના કા મતલબ સિર્ફ ના હી હોતા હૈ.

રોક શો મેં હૈ તો હિંટ હૈ, ઔર લાઈબ્રેરી યા મંદિર મેં હૈ તો હિંટ નહીં? 
વેન્યૂ ડિસાઈડ કરતા હૈ કેરેક્ટર!!

રાત કો લડકિયા જબ સડક પર અકેલી જાતી હૈ તો ગાડિયા સ્લો હો જાતી હૈ ઔર ઉનકે શીશે નીચે ઉતરને લગતે હૈ. દિન મેં યે મહાન આઈડિયા કિસી કો નહીં આતા!


***********************

કરણ જોહર અને નિરંજન અયંગર - એ દિલ હૈ મુશ્કિલ


દર્દ દર્દ કો ઢૂંઢ હી લેતા હૈ

ગુફતગૂ બેઝાર લોગો કી આદત હૈ

જો આંખે કેહ દેતી હૈ, ઉનકે આગે લફ્ઝો કા દરજા ક્યા?

અરે વાહ, બડે વફાદાર હૈ આપકે આંસુ, આપકી ઈજાઝત કે બગૈર બહાર ભી નહીં નિકલતે

રિશ્તો કી ગીલી જમીન પર લોગ અક્સર ફિસલ જાતે હૈ

ડરે હુએ લોગ અક્સર અલ્ફાઝો કે પીછે છૂપતે હૈ

જબ પ્યાર મેં પ્યાર ના હો,
જબ દર્દ મેં યાર ના હો,
જબ આંસુ મેં મુસ્કાન ના હો,
જબ લફ્ઝો મેં જુબાન ના હો,
જબ સાંસે બસ યૂ હી ચલે,
જબ હર દિન મેં રાત ઢલે,
જબ ઈન્તઝાર સિર્ફ વક્ત કા હો,
જબ યાદ ઉસ કમબખ્ત કી હો,
ક્યું હૂ મેં રાહી, જબ વો હૈ કિસી ઔર કી મંઝિલ,
ધડકનો ને સાથ છોડ દિયા, એ દિલ હૈ મુશ્કિલ...

***********************

નિતેશ તિવારી, અશ્વિની ઐયર તિવારી, નીરજ સિંઘ અને પ્રાંજલ ચૌધરી - નીલ બટ્ટે સન્નાટા

ઈસ દેશ મેં તો બચ્ચો કો અપના કરિયર ડિસાઈડ કરને કા કોઈ ફ્રીડમ હી નહીં હૈ!

ઈન્સાન દો ચીજો સે બનતા હૈ, યા તો કિસ્મત યા મહેનત. ઔર ગરીબ કે પાસ કિસ્મત હોતી તો વો ગરીબ થોડે હી હોતા! તો બચી મહેનત, વહી કરની પડેગી!

વો તુમ પે અપને સપને નહીં થોપ રહી, ઉસકા તો સપના હી તુમ હો.

***********************

નીરજ પાંડે અને દિલીપ ઝા - એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી 

ભૈયા, નોકરી કે લિયે આઉટ થોડી ન હોંગે!

ઉધર ખડગપુર મેં જોબ કે સિક્યોરિટી મેં ફસ ગયે ના, તો હમ આગે કુછ નહીં કર પાયેંગે 

અગર આપ હમકો યૂ હી ઘૂરતી રહેંગી, તો હમ સોયેંગે કૈસે?

મૈ ક્યા? આજ પૂરે ઈન્ડિયા કો તુમ્હારા નામ પતા ચલ ગયા!

પક્કા ના? બહોત ટાઈમ હૈ ના હમારે પાસ? 

સાક્ષી, મેરી દુનિયા તુમ્હારી દુનિયા સે બડી બડી નહીં હૈ, એક ક્રિકેટ કે કિટબેગ કે સાઈઝ કી હૈ, તુમ્હે હીં ઝેલના હૈ, તો સોચ સમજ કર હી જવાબ દેના, વીલ યુ મેરી મી? 

અપને ગલત સાબિત હોને પર બહોત ખુશ હૈ હમ...

ધોની કોઈ તેંડુલકર હૈ? નહી પાજી, ધોની ધોની હૈ!

***********************ગૌરી શિંદે - ડિયર જિંદગી

હમ હમેંશા મુશ્કિલ રાસ્તા ક્યુ ચૂનતે હૈ, જરૂરી કામ કે લિયે? ક્યા પતા આસાન રાસ્તે સે ભી કામ હો જાયે. 

રોના, ગુસ્સા, નફરત કુછ ભી ખુલકર એક્સપ્રેસ નહીં કરને દિયા. અબ પ્યાર કૈસે એક્સપ્રેસ કરે?

ખુલ કે રો નહીં સકોગી, તો ખુલકે હસ કૈસે પાઓગી?

હમ ઈતની કુર્સિયા દેખતે હૈ, લેને સે પહલે, ફિર અપના લાઈફ પાર્ટનર ચૂઝ કરને સે પહલે, ઓપ્શન્સ દેખને મેં ક્યા પ્રોબ્લેમ હૈ?

જબ હમ ખુદ કો સમઝ લેતે હૈ ના, તબ ઔર કોઈ હમારે બારે મેં ક્યા સોચતા હૈ, ફરક નહીં પડતા.

ડોન્ટ લેટ યોર પાસ્ટ બ્લેક્મેલ યોર પ્રેઝન્ટ ઈનટુ રૂઈનિંગ અ બ્યૂટિફુલ ફ્યુચર.

***********************શકુન બત્રા અને આયેશા દેવિત્રે ધિલ્લોન - કપૂર એન્ડ સન્સ 

ઈસ ઘર મેં કોઈ ભી દૂધ કા ધૂલા નહીં હૈ, સબ જૂઠ બોલતે હૈ.

આખરી બાર લિખ રહા હૂ, હો સકે તો કહાની યાદ રખના.

ફિર સે ખુશ નહીં હો સકતે? વી કેન ટ્રાય.

આઈ લવ યુ, જસ્ટ કમ બેક, આઈ હેવ મિસ્ડ યુ. 

શુડ બી હેપી, તુમ્હારી ફેમિલી તો હૈ. 

બહોત હો ગયા યે સબ, નહીં કરના મુઝે યે હેપી ફેમિલી કા નાટક. 

મા, આપકો મેરે જૂઠ બોલને કા ગમ હૈ, યા મેરી અસલિયત કા?  

મેં ઈન સબ બાતો કે લિયે માફી માંગ સકતા હૂ, 
લેકિન જો હૂ મેં ઉસકે લિયે કિસ તરહા માફી માંગ લૂ? 

પરફેક્ટ બચ્ચે કે લેબલ સે થક ગયા હૂ.

મેં જો હૂ વૌ હૂ, મા, એન્ડ આઈ જસ્ટ વોન્ટ યુ ટુ લવ મી ફોર વુ આઈ એમ.  


***********************


એવોર્ડ્સ

જો મારે એવોર્ડ આપવા હોય તો હું આ રીતે આપુ...
બેસ્ટ ફિલ્મ 
કપૂર એન્ડ સન્સ

બેસ્ટ ફિલ્મ (ક્રિટિક)

નીલ બટ્ટે સન્નાટા
દંગલ 

બેસ્ટ સ્ટોરી 

સુદીપ શર્મા અને અભિષેક ચૌબે - ઉડતા પંજાબ


બેસ્ટ સ્ક્રીનપ્લે

શકુન બત્રા અને આયેશા દેવિત્રે ધિલ્લોન - કપૂર એન્ડ સન્સ 


બેસ્ટ ડિરેક્ટર 

અભિષેક ચૌબે - ઉડતા પંજાબ 

બેસ્ટ એક્ટર ફિમેલ 

સોનમ કપૂર - નીરજા 


બેસ્ટ એક્ટર મેલ 
સુશાંત સિંઘ રાજપૂત - એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી


બેસ્ટ એક્ટર ફિમેલ ક્રિટિક
સ્વરા ભાસ્કર - નીલ બટ્ટે સન્નાટા
રાધિકા આપ્ટે, તનિષ્ઠા ચેટર્જી અને સુરવીન ચાવલા - પાર્ચ્ડ 


બેસ્ટ એક્ટર મેલ ક્રિટિક 
આમિર ખાન - દંગલ

મનોજ બાજપેયી - અલીગઢ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફિમેલ
કીર્તિ કુલ્હારી - પિંક 
રત્ના પાઠક શાહ - કપૂર એન્ડ સન્સ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ
ફવાદ ખાન અને સિધ્ધાર્થ મલ્હોત્રા - કપૂર એન્ડ સન્સ 

બેસ્ટ ન્યૂકમર 
દિલજીત દોસંઝ - ઉડતા પંજાબ
સૈયામી ખેર - મિર્ઝ્યા 
ફાતિમા સના શેખ, ઝાયરા વસીમ, સાન્યા મલ્હોત્રા, સુહાની ભટનાગર - દંગલ

બેસ્ટ ડાયલોગ્સ

રિતેશ શાહ - પિંક
કરણ જોહર અને નિરંજન અયંગર - એ દિલ હૈ મુશ્કિલ


બેસ્ટ સિનેમટોગ્રાફી 
પવેલ ડીલસ - મિર્ઝ્યા


***********************અને હવે, આઈ નો કે મોટાભાગની ફિલ્મો ફક્ત કલ્પના હોય છે, પણ એ કલ્પનાની અંદર પણ મજા છે, તો આ વર્ષની થોડી ફિલ્મો સાથેની મારી કલ્પના...


કપૂર એન્ડ સન્સ
મારે સુનીતા કપૂરની બનાવેલી 'એપલ પાઈ' ખાવી છે!
મારે રાહુલ કપૂરની બુક 'ફ્રીડમ ફોલ' વાંચવી છે!
ટિયા સાથે એ કબ્રસ્તાનમાં ડેટ પર જવું છે!

નીલ બટ્ટે સન્નાટા 
મારે અપેક્ષા અને ચંદાની સાથે એ સ્કૂલમાં દસમું ધોરણ કરવું છે!

એ દિલ હૈ મુશ્કિલ
મારે અયાન અને અલીઝેહ સાથે પ્રાઈવેટ જેટમાં લંડનથી પેરિસ જવું છે!
મારે સબા તલિયાર ખાનની બુક 'શબ-એ-ફિરાક' વાંચવી છે!
મારે સબા, અયાન અને અલીઝેહ સાથે એ ટેબલ પર ડિનર કરવું છે!

ડિયર જિંદગી
મારે પણ એક ડૉ. જહાંગીર ખાન જોઈએ છે!

બેફિક્રે 
મારે શાયરાની સાથે એફિલ ટાવર પર જવું છે!


***********************


અને હવે, ૨૦૧૭ની થોડી ફિલ્મો જેની મને રાહ છે...

ઓકે જાનુ - શાદ અલી

હરામખોર - શ્લોક શર્મા

ધ રિંગ (ટાઈટલ બદલાઈ શકે) - ઈમ્તિયાઝ અલી

અ ડેથ ઈન ધ ગંજ - કોંકણા સેન શર્મા

રંગૂન - વિશાલ ભારદ્વાજ

બદરીનાથ કી દુલ્હનિયા - શશાંક ખૈતાન

બેગમ જાન - શ્રીજિત મુખર્જી

મેરી પ્યારી બિંદુ - અક્ષય રોય

સિમરન - હંસલ મહેતા

પધ્માવતી - સંજય લીલા ભણસાલી

***********************


આ વર્ષની ઘણી ફિલ્મો વિશે મારે અલગથી બીજી પોસ્ટ લખવી છે, જે હું ફરી ક્યારેક લખીશ. ત્યાં સુધી અમુક ફિલ્મો વિશે કોઈને બાકી હોય તો થોડી લીંક : Wednesday, 28 December 2016

સ્ત્રી, એની લાગણીઓ, આદતો, સંભાળ અને આસપાસની દુનિયાનારી સં-વેદનાનું સરોવર - કાજલ ઓઝા વૈદ્યની સ્પીચ વિશે મેં લખ્યું અહીં, આ નીચેની લીંક પર ક્લિક કરો:
પણ મારી જે ફ્રેન્ડ ભૂમિએ મને સજેસ્ટ કર્યુ, એણે એ પોસ્ટ વાંચ્યા પછી કહ્યુ કે એણે મને ફક્ત એ સ્પીચ નહીં પણ એકંદરે નારી વિશે, એની લાગણીઓ વિશે, એની સમજ વિશે લખવા કહ્યુ એટલે ફરી પ્રયત્ન કરુ છું...


સ્ત્રી એટલે? એક મા જે ઘણી વાર બધાના જમ્યા પછી જમે છે. એક મા જે એના દીકરા અને દીકરીમાં ભેદ નથી કરતી, એક મા જે પોતે ઓછા પૈસા બચ્યા હોય તો દિવાળીમાં પોતાને માટે સાડી નથી લેતી અને ઘરના બીજા સભ્યોને માટે વસ્ત્રોની પસંદગી હોંશે હોંશે કરે છે... સ્ત્રી એટલે? એક પત્ની જેના વિના એના પતિને અમુક વસ્તુઓ મળતી જ નથી, એક પત્ની જે ઘણી વખત પોતાની કરિયર અને પોતાની સફળતા ત્યજીને ઘર સાચવે છે, એક પત્ની જે એના પતિને નહીં ગમે માટે અમુક વસ્તુઓ નથી કરતી, એક પત્ની જે વગર વાંક ગુને ઘણી બધી વાર સાંભળે છે, એક પત્ની જે એના પિયરમાં મોટે ભાગે નથી કહેતી કે એના સાસરિયામાં લોકો કેવા છે અને ત્યાં એની સ્થિતિ કેવી છે. સ્ત્રી એટલે? એક બાળકી જે એની ઢીંગલી માટે મા છે, એની બહેનપણીઓ સાથે નિર્દોષ અને ઘરના અરીસામાં દુપટ્ટાની સાડી બનાવીને પહેરે છે... એક દીકરી જે એનું સ્કૂલ હોમવર્ક પછી અને રસોડામાં માને મદદ પહેલા કરે છે, એક દીકરી જે પોતે ટીનએજમાં હોય ત્યારથી જ એને દુનિયા સમજમાં આવી જાય છે. એક બહેન જે એના ભાઈના પક્ષે રહે છે હમેંશા... એક મિત્ર જે એક વાર સાથ નિભાવવાનું વચન આપીને ફરી જતી નથી. એક ગર્લફ્રેન્ડ જે એના બોયફ્રેન્ડની રાહ જોઈને ગમે તેટલી થાકી જાય તો પણ જો ક્યારેક એ મોડી પડે તો એને જવાબ આપવા પડે છે. સ્ત્રી એટલે? એક ઉચ્ચ હોદ્દા પર બિરાજતી ઓફિસર જેણે ઘરે આવીને રસોઈ તો કરવી જ પડે છે. એક મજૂરણ બાઈ જે પોતાના કામની વચ્ચે પણ એના બાળકને સંભાળે છે. એક યુવતી જેને પોતાની ગમતી કરિયર કે ગમતું પાત્ર પસંદ કરવા માટે મા-બાપને મનાવવા પડે છે. આનાથી કંઈ કેટલુય વધારે હોવા છતા દુનિયાને સ્ત્રીને દબાવવામાં કે 'સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ' કહેવામાં ખબર નહીં શું આનંદ મળે છે...કોલેજમાં જ્યારે હું એમ કહેતો કે આ છોકરીની આંખો ગમી મને, એની વાત કરવાની રીત ગમી મને, એણે એને ગમતા પુસ્તક કે ફિલ્મ વિશે વાત કરી એ ગમી મને, ત્યારે અમુક લોકો હસતા મારી વાત પર. કારણ કે એ રીતે ખૂબ ઓછા લોકો જુએ છે છોકરીને કે સ્ત્રીને, હું એમ નથી કહેતો કે હું બીજા છોકરાઓથી કે બીજા પુરુષોથી ચડિયાતો છું, પણ હું એવો જ છું એટલે જ કદાચ હું આવા વિષય પર લખવાનો વિચાર કરીને પણ માંડી વાળતો હમેંશ. પણ, ના આજે મને મારી દોસ્ત ભૂમિ જેણે મને ઘણી બીજી ખરાબ પરિસ્થિતિઓમાં સાથ આપ્યો છે, એના સહકાર વડે હિંમત મળી છે આ વિષય પર લખવાની અને મારે લખવુ છે... 


આ પૃથ્વી પર અવતરવા માટે જ્યારે સ્ત્રીની કૂખે જન્મ થાય છે, ત્યારથી જ સ્ત્રી સાથે સંબંધ બંધાય છે, એક મા, જેનું સંતાન આ જગતમાં આવતા પહેલા નવ મહિના એના પેટમાં રહે છે, એ મા પોતાના સંતાનની બધી જ કાળજી લે છે, એને ઉછેરે છે, ખબર નહીં કેવી રીતે સંભાળે છે બધું કે સ્ત્રી એ બધી વસ્તુ શીખીને જ અવતરે છે??!! મા વિનાની જેમની દુનિયા છે એમને એ દુનિયા એવી લાગે છે જાણે કંઈક તૂટી ગયુ દિલની અંદર, કંઈક બટકાઈ ગયુ હોય જાણે.  એ મા સંતાનને બધી વસ્તુ યાદ કરાવે છે વારંવાર, એને લાગે છે કદાચ જો આ કામની વસ્તુ ભૂલી જશે તો! એના સંતાનને પૂછે છે જમવાનું શું બનાવવું, કારણ એની કાળજી રાખવી છે એને હમેંશા.. એના સંતાનને સવારે પ્રેમથી ઉઠાડે છે, ટિફિન કે લંચબોક્સ ને બ્રેકફાસ્ટ સાથે શરૂ થતો એનો દિવસ અમુક વખત રાતના ભોજન પછી પણ નથી પૂરો થતો, દીકરાનું ક્રિકેટ બેટ, દીકરીની હેઅર પિન પણ એને શોધી આપવી પડે છે ક્યારેક, સંતાનની પરીક્ષા માટે ઉજાગરા પણ કરે છે, અને સંતાન સૂઈ ગયા પછી એને સરખી રીતે ઓઢ્યુ છે કે નહીં એ ચેક કરવા પણ જાય છે, ભલે એનું સંતાન ગમે એટલું મોટુ ન થઈ જાય... 

એક દીકરી જેને મા-બાપ નાનપણથી શીખવાડે છે કે બેટા, સાચવીને જવું ઘરની બહાર, આ સારુ કહેવાય, આ ખરાબ કહેવાય, કેમ દીકરાને નથી શીખવાડતા નાનપણથી કે સ્ત્રીનો આદર કરવો જોઈએ, એની સાથે કેમ વર્તવુ જોઈએ, કેમ એવા નિયમો ન બનાવવા જોઈએ...? 


એક પ્રેમિકા/પત્ની એના પ્રેમી/પતિનો  પ્રેમ મેળવવા માટે ઘણી વાર એ કહે એ રીતે વર્તે છે, એના પ્રેમી/પતિને ન ગમે એ વસ્તુ નથી કરતી, કેમ પ્રતિબંધ મૂકે છે પુરુષ એની પર, કે આમ ન જ કરવું, જો મારી સાથે રહેવું હોય તો આમ તો નહીં જ ચાલે, આ તારે છોડી દેવાનું, કોણ છે એવું કહેવાનો હક ધરાવતો પુરુષ? છોકરી કે સ્ત્રી તો કદી એના પ્રેમી/પતિને નથી કહેતી કે તમે પાન-મસાલો ન ખાશો કે સિગરેટ ન પીશો નહીં તો હું તમને છોડી દઈશ, તો આટલો તફાવત કેમ? 

કેમ યુવતી કે સ્ત્રી સામે કોઈ જોઈ રહે કે કૉમેન્ટ કરે ત્યારે તારે ઈગ્નોર કરવું કે માપમાં રહેવું એમ શીખવે છે, કારણ કે ઘણા પુરુષો સ્ત્રીને ફક્ત સાધન તરીકે જુએ છે, સ્ત્રી કોઈ પ્રદર્શિત કરવા માટેની વસ્તુ નથી. દરેક જોનારની નજરમાં પણ ફેર હોય છે, અને સ્ત્રી એ પારખી જ લે છે કે એને કોણ કેવી રીતે જુએ છે. ગ્લાન્સ એટ- ફક્ત એક નજર નાખવી અને સ્ટેર એટ- આંખો પહોળી કરીને કે અથવા એ વિના પણ બસ એકીટશે જોઈ રહેવું, કુતૂહલથી જોઈ રહેવું; બંને વસ્તુ વચ્ચે તફાવત છે. સામાન્ય રીતે સ્ત્રી ગ્લાન્સ એટ સુધી વધારે સીરિયસ નથી લેતી, એ ચાલે છે કારણ કે સુંદરતા જોવા માટે છે, પણ સ્ટેર એટ હમેંશ ખૂંચે છે એને, અને એવું પણ નથી કે એકદમ સુંદર દેખાતી સ્ત્રીઓની ઉપર જ સ્ટેર એટ થાય છે, સામાન્ય દેખાવની છોકરીની સામે પણ ઘણા લોકો એ જ રીતે જોઈ રહે છે, શું એમણે સ્ત્રી નહીં જોઈ હોય એવું થાય છે મને ઘણી વાર, અને આ બધુ તમે ને મેં બધાએ આસપાસમાં જ અનુભવેલું છે, કોઈ નવી કે ન જોયેલી, ન સાંભળેલી વાત નથી. એ જ લોકોની પોતાની બહેન/મા/દીકરી/સંબંધીને કોઈ એવી રીતે જુએ તો સહન થતું નથી તો એ લોકો કેમ જુએ છે, બદલાવની શરૂઆત માણસ પોતાનાથી કેમ કરતો નથી? 

કેમ સ્ત્રીનાં માલફંક્શનની તસવીરો શેર કરે છે મીડિયા? સ્ત્રી માણસ નથી? કેમ સ્ત્રીએ પહેરેલી બ્રા કે એની લેસ કે ઈનરવેર સહેજ દેખાઈ જાય ભૂલથી તો આટલો હોબાળો થાય છે? એમાં શું શરમજનક છે? શું છે જે દુનિયાને ઝૂમ કરીને બતાવવામાં આવે છે? શું મળે છે કે આ જુઓ આ સેલિબ્રિટીના પહેરેલા કપડા સાથે આ થયું? કેમ રસ છે લોકોને એ જાણવામાં? 

કેમ એક દોસ્તને ખભે હાથ મૂકીને ઉભેલી કે પોતાના વિચારોને ખુલ્લેઆમ વ્યક્ત કરતી સ્ત્રીને 'વિવિધ પ્રકારના લેબલો' લગાડી દે છે સમાજ અને દુનિયા? સ્ત્રી બધાને માટે બધુ સહન કરે છે, મોટેભાગે પોતાની નજીકની વ્યક્તિઓનું દુ:ખ એ સહન કરી શકતી નથી, એના દરેક નિર્ણય પાછળ કારણ હોય છે, જો એ પોતાના પતિ પર આધાર રાખે છે તો એને ખૂબ પ્રેમ કરે છે, એના પતિના હાથમાં એના જીવનની કમાન સોંપવી એને ગમે છે, પણ એનો અર્થ એ નથી કે સ્ત્રી એને ગમતું હોય એમ ન કરે, એનુ સ્વમાન હમેંશા જળવાવું જોઈએ. એ પોતાની કોઈ બાબત વિશે ચોક્કસ હોય કે એણે આવી નહીં પણ આવી જિંદગી જોઈએ છે તો એને કોઈ રીતે બીજી ફરજ ન પાડવામાં આવે એ એણે પોતે જોવાનું છે, એની પોતાની સ્થિતિ સુધારવામાં એણે ખુદ આગળ આવવાનું છે,... એને પોતાને ગમે છે એ કરવામાં અને એને ખુદને ગમે છે એવી જિંદગી જ દરેક સ્ત્રીએ જીવવી જોઈએ અને પોતાનું સ્થાન સુધારવાની શરૂઆત એણે કરવી જ જોઈએ...
સ્ત્રી કોઈની ગુલામ નથી; બીજુ કોઈ આમ વિચારશે માટે આમ જ કરાય અને આમ ન કરાય, એ બધા ખ્યાલો સ્ત્રીએ પોતે ત્યજવા પડશે, છેલ્લે બે સ્ત્રીઓના સાચા દાખલા આપુ છું... એક સ્ત્રી ખૂબસુરત, યુવાનીમાં હતી ત્યારે કોઈ એની સામે નજર તાકીને જુએ તો ભરી બજારે એને ગાળો બોલી એની પાછળ જૂતા મારવા દોડતી... અને બીજી સ્ત્રી પ્રમાણમાં શાંત, એટલી બધી દેખાવડી નહીં,... બંનેના લગ્ન એ લોકોના માતા-પિતાએ ગોઠવેલા પાત્રો સાથે થયા, પહેલી સ્ત્રી ખુશ હતી કારણ કે એણે સમજી વિચારીને લગ્ન માટે 'હા' પાડી; એને જોઈતો હતો એવો દેખાવડો, એને યોગ્ય જીવનસાથી મળ્યો. બીજી સ્ત્રીને લગ્ન નહોતા કરવા અને એને એ છોકરો નહોતો પસંદ તો પણ માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા,... થોડા વર્ષો પછી પહેલી સ્ત્રી જે લગ્ન પહેલા ખુશ હતી અને પહેલા બંડખોર હતી એ એના પતિના અફેર્સ સહન કરે છે, એના પતિનો એની તરફ કોઈ જ પ્રેમ નથી તો પણ એવા અટકી ગયેલા બંધિયાર લગ્નજીવનમાં જીવે છે એના સંતાનો એને મોટા થઈને સુખ આપશે એ આશામાં... અને બીજી સ્ત્રીને શરૂઆતથી જ પતિ સાથે ફાવતું નહોતું તો પણ જ્યાં સુધી થયું ત્યાં સુધી સહન કર્યુ પછી છૂટાછેડા લઈને પોતાના નામ પાછળ એના પિતાનું નામ ફરી લખાવ્યું અને એ સ્ત્રી એના દીકરાના નામ પાછળ હવે એનું નામ લખાવે છે... બંને સાચા બનાવો છે, કોણે કેવો નિર્ણય લેવો એ દરેકના પોતાના હાથમાં છે.


મેં જોયેલી અને મને લાગે છે કે દરેક સ્ત્રીએ જોવી જ જોઈએ એવી થોડી ફિલ્મોના નામ:

ફિલ્મ (પ્રદર્શિત વર્ષ) - ભાષા - ડિરેક્ટર

પિંક (૨૦૧૬) - હિન્દી - અનિરુધ્ધ રોય ચૌધરી


એંગ્રિ ઈન્ડિયન ગોડિસિસ (૨૦૧૫) - 
હિન્દી - પેન નલીન


પાર્ચ્ડ (૨૦૧૬) - 
હિન્દી - લીના યાદવ


ચાંદની બાર (૨૦૦૧) - 
હિન્દી - મધુર ભંડારકર


પેજ થ્રી (૨૦૦૫) - 
હિન્દી - મધુર ભંડારકર


ફેશન (૨૦૦૮) - 
હિન્દી - મધુર ભંડારકર


ક્વીન (૨૦૧૩) - 
હિન્દી - વિકાસ બહલ


બાઝાર (૧૯૮૨) - 
હિન્દી - સાગર સરહદી


ઉમરાવ જાન (૧૯૮૧) - 
હિન્દી - મુઝફ્ફર અલી


નીલ બટ્ટે સન્નાટા (૨૦૧૬) - 
હિન્દી - અશ્વિની ઐયર તિવારી


**********
એલિમેન્ટ્સ ટ્રિલજી - અંગ્રેજી અને હિન્દી - દીપા મહેતા

ફાયર (૧૯૯૬)
અર્થ (૧૯૯૮)
વોટર (૨૦૦૫) 
**********

રૂમ (૨૦૧૫) - અંગ્રેજી - લિયોનાર્ડ અબ્રાહમસ્ન


ડિયર જિંદગી (૨૦૧૫) - 
હિન્દી - ગૌરી શિંદે


અંકુર (૧૯૭૪) - 
હિન્દી - શ્યામ બેનેગલ


એનએચ 10 (૨૦૧૫) - 
હિન્દી - નવદીપ સિંઘ


ડોર (૨૦૦૬) - 
હિન્દી - નાગેશ કુકુનૂર


રુદાલી (૧૯૯૩) - 
હિન્દી - કલ્પના લાજમી


બેન્ડિટ ક્વીન (૧૯૯૪) - 
હિન્દી - શેખર કપૂર


નીરજા (૨૦૧૬) - 
હિન્દી - રામ માધવાણી


નો વન કિલ્ડ જેસિકા (૨૦૧૧) - 
હિન્દી - રાજ કુમાર ગુપ્તા


બ્લેક (૨૦૦૫) - 
હિન્દી - સંજય લીલા ભણસાલી


મસાણ (૨૦૧૫) - 
હિન્દી - નીરજ ઘાયવાન


ચમેલી (૨૦૦૩) - 
હિન્દી - સુધીર મિશ્રા અને અનંત બાલાની


ખામોશી: ધ મ્યુઝિકલ (૧૯૯૬) - 
હિન્દી - સંજય લીલા ભણસાલી


અર્થ (૧૯૮૨) - 
હિન્દી - મહેશ ભટ્ટ


માર્ગરિટા વિથ અ સ્ટ્રો (૨૦૧૫) - 
હિન્દી - શોનાલી બોઝ


પિકુ (૨૦૧૫) - 
હિન્દી - શૂજિત સિરકાર 


મૌસમ (૧૯૭૫) - 
હિન્દી - ગુલઝાર


15 પાર્ક એવન્યૂ (૨૦૦૫) - અંગ્રેજી - અપર્ણા સેન


મિસ્ટર એન્ડ મિસિસ ઐયર (૨૦૦૧) - અંગ્રેજી - અપર્ણા સેન

તહેઝીબ (૨૦૦૩) - 
હિન્દી - ખાલિદ મોહમ્મદ


45 યર્સ (૨૦૧૫) - અંગ્રેજી - એન્ડ્રૂ હાઇ


ઈંગ્લિશ વિંગ્લિશ (૨૦૧૨) - 
હિન્દી - ગૌરી શિંદે


ફિઝા (૨૦૦૦) - 
હિન્દી - ખાલિદ મોહમ્મદ


કહાની (૨૦૧૨) - 
હિન્દી - શૂજિત સિરકાર


મર્દાની (૨૦૧૪) - 
હિન્દી - પ્રદીપ સરકાર


અકિરા (૨૦૧૬) - 
હિન્દી - એ. આર. મુરુગદોસ


લિસન... અમાયા (૨૦૧૩) - 
હિન્દી - અવિનાશ કુમાર સિંઘ
અને છેલ્લે હમણા જ જોઈ શકાય એવી એક શોર્ટ ફિલ્મ માટે વીડિયો લીંક:
વિકાસ બહલની શોર્ટ ફિલ્મ: ગોઈંગ હોમ (સ્ટારિંગ આલિયા ભટ્ટ) ધ હોલિડે (૨૦૦૬)

ફિલ્મની શરૂઆતમાં પ્રેમ વિશે થોડુ કહ્યુ છે, અને હું મારી ઘણી બધી બ્લૉગ પોસ્ટમાં લખું છું એમ પ્રેમની વ્યાખ્યા અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિ, સ્થિતિ સાથે પ્રેમની વ્યાખ્યા બદલાય છે, આ ફિલ્મ ક્રિસમસ હોલિડે અને બદલાતી જિંદગી વિશેની 'ફીલ ગુડ' મૂવિ છે...

બે સ્ત્રીઓ આઈરિસ (કેટ વિન્સલેટ) અને અમાન્ડા (કેમેરોન ડિયાઝ) બંનેએ ઘણા સમયથી પોતાના કામને લીધે રજાઓ નથી લીધી અને જ્યારે જિંદગી ફરી એક વખત પ્રેમમાં નિષ્ફળતા આપે છે ત્યારે એ લોકો રજા પર જવાનું નક્કી કરે છે, અને હોમ એક્સચેન્જ વેબસાઈટ પર એકબીજાને ઓનલાઈન મળે છે, બંનેને પોતાની જગ્યાએથી દૂર જવું છે, આઈરિસ લંડન પાસેની જગ્યા સરીમાં રહે છે અને અમાન્ડા લોસ એન્જેલસ, એટલે જ તરત એકબીજા વિશે જાણી, થોડી વાતો કરી, બંને રજાઓ માટે ઘર એક્સચેન્જ કરે છે, આઈરિસની લંડનમાં મુલાકાત થાય છે અમાન્ડાના પાડોશી આર્થર એબટ (એલી વોલેચ) અને અમાન્ડાના એક્સ બોયફ્રેન્ડના મિત્ર માઈલ્સ (જેક બ્લેક) સાથે, થોડી વાતો પછી દોસ્તી વધે છે, આ બાજુ અમાન્ડાની મુલાકાત થાય છે આઈરિસના ભાઈ ગ્રેહામ (જ્યુડ લો) સાથે... અને બધા લોકો પોતાને મળનારા અનુભવો વડે એમની બેસ્ટ ક્રિસમસ માણવાના છે... 


આ ફિલ્મ મને ત્રણ-ચાર વર્ષ પહેલા મારી ફ્રેન્ડ શ્રુતિએ સજેસ્ટ કરેલી, અને એના પછી મેં લગભગ ચારથી પાંચ વખત જોઈ છે, અને આ ક્રિસમસ પર પણ જોઈ. બંને જગ્યાઓના ઘર એટલા સરસ છે કે ત્યાં રહેવા જવા માટે મન થઈ જાય છે! રજાઓ જૂની જિંદગી બદલવા માટે હોય છે... થોડોક નવો ફેરફાર લાવવા માટે, નવી જગ્યાઓની હવા લેવાથી ઘણી વખત મૂડ સારો થઈ જતો હોય છે. (ડોક્ટરની હવા-ફેર માટેની અમુક લોકોને અપાતી સલાહની જેમ!) 


ફિલ્મમાં અમાન્ડાનું ઘર - લોસ એન્જેલસ
ફિલ્મમાં આઈરિસનું ઘર - સરી , લંડનથી થોડે દૂર 


ફિલ્મનાં બધા પાત્રો ક્રિએટિવ ફિલ્ડમાં છે. આઈરિસ ડેઈલી ટેલિગ્રાફ યુકેની કૉલમ્નિસ્ટ અને એડિટર છે; એનો ભાઈ ગ્રેહામ બુક એડિટર છે; અમાન્ડાની પોતાની કંપની છે જે મૂવિ ટ્રેલર્સ બનાવે છે! માઈલ્સ મ્યુઝિક કંપોઝર છે અને આર્થર હોલીવુડના ગોલ્ડન એજમાં સ્ક્રીનરાઈટર હતો.. આર્થર આઈરિસને અમુક જૂની ફિલ્મો સજેસ્ટ કરે છે જોવા માટે એ બહાને એ એને ખુશ રહેતા શીખવે છે. આર્થર આઈરિસને પોતાના હોલીવુડ સમય વિશે વાત કરે છે એ ખૂબ સરસ છે, એક સીનમાં આર્થર કહે છે કે આજકાલ ફિલ્મ શરૂઆતના થોડા દિવસોમાં સારી ચાલે તો જ સફળ થાય છે; એ સીન ખૂબ સરસ છે, એ સીન મને આજકાલ દરેક ફિલ્મના મીડિયામાં આવતા બિઝનેસ આંકડાની યાદ અપાવે છે! અહીં દરેક પાત્ર બીજાની ખુશીમાં ખુશ છે... માઈલ્સ આઈરિસને કહે છે કે જો આઈરિસ સંગીતની કોઈ ધૂન હોત તો એ ફક્ત હેપી નોટ્સ યુઝ કરતો! અમાન્ડા એની સાથેની એક ઘટનાને કારણે રડતા ભૂલી ગઈ છે, અને ગ્રેહામ મારા જેવો છે જેને કોઈ પણ સારી ફિલ્મ, બુક કે કાર્ડ પણ રડાવે છે...!! 
ફિલ્મમાં જેટલા હળવા સીન્સ છે, એટલા જ ભારે સીન્સ પણ છે... યુ.કે. અને યુ.એસ.એ. બંને દેશોમાં ડ્રાઈવિંગની દિશા અલગ હોવાથી ડ્રાઈવિંગમાં પડતી તકલીફથી માંડીને પ્રેમની ફિલૉસફી પણ છે, તમે કોઈને ભરપૂર પ્રેમ કરો પણ એ માણસને એની જાણ હોવા છતા જો એ તમારો પ્રેમ સમજે જ નહીં અને તમારો ફાયદો જ ઉઠાવે તો એ પ્રેમ જવા દેવો પડે છે... આર્થર આઈરિસને એક સીનમાં કહે છે કે દરેકની જિંદગીની ફિલ્મમાં પોતે મુખ્ય પાત્ર છે, દરેક જણે પોતાનું મહત્વ સમજવાનું છે, અને એણે પોતાની જિંદગીમાં જ મેઈન કેરેક્ટરમાંથી સપોર્ટિંગમાં નથી જતું રહેવાનું!! તમે કોઈ માણસમાં આત્મવિશ્વાસ જગાવશો તો એ માણસ પણ તમને જે તકલીફ હશે એ વખતે તમારામાં આત્મવિશ્વાસ જગાવશે... આવી બધી ઘણી સુંદર વાતો ફિલ્મમાં છે...

આ ફિલ્મમાં ખૂબ જ સુંદર લોકેશન્સ છે, પ્રેમ વિશેની વાતો છે, ઘણી બધી પુસ્તકો અને ફિલ્મો વિશે ઉલ્લેખ છે, જિંદગીમાં આવતો બદલાવ છે, સુંદર સંગીત છે, ડસ્ટિન હોફમેનનો કેમિયો છે, તો જો એક સારી 'ફીલ ગુડ' મૂવિ જોવાની ઈચ્છા હોય તો ફિલ્મ સરસ ઓપ્શન છે... 

વેકેશન અને સંબંધો વિશેની એક બીજી ફિલ્મ માટે લખેલી લીંક: 

વિકી ક્રિસ્ટિના બાર્સેલોના (૨૦૦૮)

Tuesday, 27 December 2016

નારી સં-વેદનાનું સરોવર - કાજલ ઓઝા વૈદ્ય (સુરત લિટરરિ ફેસ્ટિવલ)


સ્થળ - સુરત લિટરરિ ફેસ્ટિવલ
સમય - ૨૫ થી ૨૭ નવેમ્બર ૨૦૧૬ 
વક્તા - કાજલ ઓઝા વૈદ્ય
આ ઉપરનો વીડિયો સજેસ્ટ કરાયો મારી ફ્રેન્ડ ભૂમિ દ્વારા મને, અને કહ્યુ કે હું લખું એની ઉપર... અને સાચે જ, દરેકને માટે છે આ વીડિયો, જુઓ, અને એની પરના મારા વિચારો વાંચો અહીં... આખી સ્પીચ સ્ત્રી વિશે છે, પણ ફક્ત સ્ત્રી માટે નથી, એને સમજી ન શકતા બધા માટે છે, અને અમુક વાતો સ્ત્રીને માટે કહી છે, પણ લાગુ પુરુષને પણ પડે છે. સ્ત્રીની આદતો, એનું બલિદાન, એનો પ્રેમ, એની લાગણીઓ, એની સમજ, એની અંદર ઝાંખીને જોવા માટે આ વીડિયો અને એ વિશે મારા વિચારોને વાંચો અહીં અને થોડુક સમજવા અને વિચારવા માટે પ્રયત્ન કરો...  

સૌથી પહેલા એમણે કહ્યુ કે કેમ 'નારી સંવેદનાનું સરોવર'? 'નારી સંવેદનાનો દરિયો' કેમ નહીં? કેટલી સરસ વાત છે... સરોવર બંધિયાર છે, દરિયો ખુલ્લો છે, અને સંવેદનાની તો અંદર પણ વેદના છે, તો પછી દરિયો કેમ નહીં...? કેમ સ્ત્રીને તમે કોમળ જુઓ છો? કેમ એને ફૂલ જ ગમશે, અત્તર ગમશે, કોમળ વસ્તુઓ ગમશે, એમ જ કેમ બધા વિચારે છે? એના પરથી મને એક સરસ વસ્તુ યાદ આવેલી, 'એ દિલ હૈ મુશ્કિલ' ફિલ્મમાં એક સીન છે, અલીઝેહ અયાનને ઘેર પહેલી વાર જાય છે, ત્યારે એને ફૂલ ગિફ્ટ નથી કરતી, એને બદલે કાંટાળો એક નાનો કેક્ટસ પ્લાન્ટ આપે છે અને એમ કહે છે કે ફૂલ એટલા માટે એ નથી લાવી કે, "પહેલે રંગ સે ઈમ્પ્રેસ કરતે હૈ, ફિર ખુશ્બુ સે, ફિર રંગ ઢલ જાતા હૈ, ખુશ્બુ ઉડ જાતી હૈ, ઔર ક્યા રેહ જાતા હૈ?" અને પછી એ કાંટાળા થોર વિશે કહે છે કે "મારતે હૈ, મરતે નહીં, ઔર ઉન્હે મુરઝાને કા ખૌફ નહીં હોતા..." સાચી વાત છે એ પણ કોણ કાંટાળા થોર આપવા વિશે વિચારે છે, એ વાત જો કે ફિલ્મની બીજી વસ્તુઓ સાથે સંકળાયેલી છે, પણ જરા વિચારો આવુ જ હોય અને આવુ ન હોઈ શકે, એ બધું કોણ નક્કી કરશે અને શા માટે નક્કી કરવું જોઈએ કે ફૂલ જ અપાય, ટેડીબેર જ અપાય કે આમ જ ને તેમ જ... આ વાત માત્ર સ્ત્રીને લાગુ નથી પડતી અને ના આ વાત ફૂલો, કાંટા કે ગિફ્ટ વિશે છે, આ વાત આઝાદી વિશે છે, કેમ બીજા નક્કી કરે છે કે આમ કરાય ને આમ ન જ કરાય, લોકો શું કહેશે? મને આજ સુધી એ ખબર પડી નથી કે કયા લોકો વિચારે છે, કોણ છે એ બધા, બેટા; લેખક ન બનાય, દીકરા; મોડેલિંગ સારા ઘરની છોકરીઓ ન કરે, કોણ છે એ લોકો? કોને એમણે હક આપ્યો છે આ બધું કહેવાનો? અને તમે માર્ક કરજો જે લોકો આવી બધી ફાલતુ સલાહો આપતા હોય છે એ લોકોના પોતાના ઘરે જ એમનું કંઈ ચાલતું નથી હોતું... તો ફરો મુક્ત બનીને, કરો જે તમને ગમે છે, હા, સ્વતંત્રતા માટે ચૂકવવી પડે છે આકરી કિંમત, લાખ નજરો જુએ છે તમને કે આ અલગ છે, આ વિયર્ડ છે, પાગલ છે, અરે આનાથી પણ ખરાબ 'બિરુદ' અને 'ઉપમા' મેં મારા ખુદના માટે સાંભળી છે લોકો દ્વારા, પણ તમને સંતોષ મળે છે કે મને ગમ્યુ માટે મેં કર્યુ આ, મને ગમ્યો માટે આ રસ્તો પસંદ કર્યો મેં... પછી ભલે એ વસ્તુમાં નિષ્ફળતા જ મળે... 

એમણે સ્ત્રીની કવિતાઓ વિશે વાત કરી છે આ સ્પીચમાં... સ્ત્રીની લખેલી શાયરીઓ વિશે વાત કરી છે, એમાંથી અમુક વ્યક્તિઓ મને ખબર હતી, ઘણી વાતો મને જાણવા પણ મળી, મને સારા શગુફ્તા વિશે ખ્યાલ નહોતો, પરવીન શાકીર વિશે ખબર નહોતી, હા, અમૃતા પ્રીતમ, મીના કુમારી, એશા દાદાવાલા એ બધા વિશે જાણ હતી, એમણે દીપ્તિ મિશ્ર વિશે વાત કરી છે, એમની અમુક કવિતાઓ વાંચી છે મેં, એમાંથી "યે વક્ત કુછ ઔર હૈ" મને ખૂબ ગમે છે... આ દીપ્તિ મિશ્ર એટલે 'તનુ વેડ્સ મનુ'માં માધવનની મા નો રોલ કર્યો છે એ...! યસ, શી ઈઝ એક્ટર ઓલ્સો. આમાંથી અમુક કવિતાઓ વિશે મારે અલગથી પોસ્ટ લખવી હતી... પણ પછી વિચાર્યુ કે અમુક વસ્તુઓ સમજાવી શકાતી નથી એને અનુભવવી પડે છે... એ જ રીતે આ કવિતાઓ જે એમણે વાંચી છે એ મારાથી સમજાવી શકાય એમ નથી કારણ કે ઘણી વસ્તુઓ મારે સમજવી છે બીજી વખત...

એમણે કહ્યુ છે કે સ્ત્રી લખે એટલે એની અંદર આત્મકથાનો ટુકડો માઈક્રોસ્કોપ લઈને શોધવામાં આવે છે, કેમ પુરુષ સ્ત્રીની સુંદરતા વિશે, એના સ્તન વિશે બેધડક લખી શકે છે અને સ્ત્રી પુરુષની છાતીના વાળ વિશે પણ લખતા વિચાર કરે છે? કારણ કે આખી માનસિકતા છે આસપાસના લોકોની કે થોડુક પણ જો અલગ કર્યુ એટલે તમને 'લેબલ' લાગી જાય છે ઘણા, કેમ જજ કરવામાં આવે છે?  

એક બીજી સરસ વાત કહી છે કે સ્ત્રીને બધી વાતે બાંધો છો કેમ? અને એમણે કહ્યુ છે કે માત્ર સ્ત્રી જ શું કામ? બધાએ સ્વતંત્ર હોવુ જ રહ્યુ. પણ, ના, આપણને સમજાવે છે કે આમ કરાય આમ ન કરાય, આવું ન લખાય, કોઈ વાંચે તો કેવું લાગે? અને એમણે સરસ કહ્યુ છે કે કોઈ વાંચે એટલા માટે તો લખ્યુ છે... કોઈને કેવું લાગશે, 'લોકો' શું વિચારશે... અરે, યાર, આપણી જિંદગી જીવવા એ લોકો તો આવતા નથી, તો એમના વિચારવા કે કહેવાથી શું ફર્ક પડવો જોઈએ? અને કેમ ફર્ક પડવો જોઈએ? એમણે કહ્યુ છે કે સ્ત્રી પ્રસિધ્ધિ માટે નથી લખતી, કારણ કે એને ૧૧ વર્ષની હોય ત્યારથી જ ખબર હોય છે કે કોણ એને જુએ છે ને મહોલ્લા અને શેરીમાંથી કોને એનામાં રસ છે, અને એ સરસ અને સાચી વાત છે આપણી આસપાસ જીવાતી, એમણે એક બીજી વાત કહી છે કે મોટાભાગની સ્ત્રીઓને પતિ સાથે હોય એટલે કમાન એમના હાથમાં સોંપી દેવી ગમે છે, એ ડ્રાઈવ નથી કરતી અને પર્સ નથી લેતી, પણ જ્યારે કંઈ ખરીદવું હોય અને પતિ ના પાડે ત્યારે એને થાય છે કે નેક્સ્ટ ટાઈમ પર્સ લઈને જઈશ! આ વાત ભલે નાની અને મજાક લાગે પણ સત્ય છે, કેમ એ લોકોને નથી ખરીદવા દેતા જે એમને લેવું છે, અને પછી એ જ સ્ત્રી થોડી લઘર-વઘર ફરે એટલે કેમ તરત કહે છે કે આજે કેમ આવી ફરે છે? કેમ છે આમ? કેમ? અમુક લોકો પોતાના વિચારો કેમ નથી બદલી શકતા? કેમ દોસ્તના ખભે હાથ મૂકીને ઉભેલી કે મિત્રને ઘણા સમય પછી મળે તો એને ભેટતી છોકરી કે સ્ત્રીને બધા જોઈ રહે છે? કેમ એવા લોકો સ્વીકારી શકતા નથી કે નારી પણ નર જેવી જ છે, કેમ એને ક્યાં ન જવું, કોને ન મળવું, કેવું ન પહેરવું, એ બધું એની આસપાસના લોકો નક્કી કરે છે? કેમ?  આ બધા સવાલોના જવાબો જે દિવસે મળ્યા અને જો આનાથી પણ જો થોડી સ્થિતિ સુધરી તો બેડો પાર સમજવો... અને એમણે એક બીજી વાત કહી છે સ્ત્રી માટે પણ લાગુ બધાને પડે છે, મોટાભાગના સફળ લોકોની સાથે કોઈ એવી ઘટના બની હોય છે જે એમને હચમચાવી મૂકે છે અને એ લોકો નક્કી કરે છે કે હવે તો આમ નહીં ને આમ જ! વિચાર કરી જુઓ એની પર, શક્ય છે કે બધા કહેશે નહીં પણ હશે તો એવુ જ...