Wednesday, 28 December 2016

ધ હોલિડે (૨૦૦૬)

ફિલ્મની શરૂઆતમાં પ્રેમ વિશે થોડુ કહ્યુ છે, અને હું મારી ઘણી બધી બ્લૉગ પોસ્ટમાં લખું છું એમ પ્રેમની વ્યાખ્યા અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિ, સ્થિતિ સાથે પ્રેમની વ્યાખ્યા બદલાય છે, આ ફિલ્મ ક્રિસમસ હોલિડે અને બદલાતી જિંદગી વિશેની 'ફીલ ગુડ' મૂવિ છે...

બે સ્ત્રીઓ આઈરિસ (કેટ વિન્સલેટ) અને અમાન્ડા (કેમેરોન ડિયાઝ) બંનેએ ઘણા સમયથી પોતાના કામને લીધે રજાઓ નથી લીધી અને જ્યારે જિંદગી ફરી એક વખત પ્રેમમાં નિષ્ફળતા આપે છે ત્યારે એ લોકો રજા પર જવાનું નક્કી કરે છે, અને હોમ એક્સચેન્જ વેબસાઈટ પર એકબીજાને ઓનલાઈન મળે છે, બંનેને પોતાની જગ્યાએથી દૂર જવું છે, આઈરિસ લંડન પાસેની જગ્યા સરીમાં રહે છે અને અમાન્ડા લોસ એન્જેલસ, એટલે જ તરત એકબીજા વિશે જાણી, થોડી વાતો કરી, બંને રજાઓ માટે ઘર એક્સચેન્જ કરે છે, આઈરિસની લંડનમાં મુલાકાત થાય છે અમાન્ડાના પાડોશી આર્થર એબટ (એલી વોલેચ) અને અમાન્ડાના એક્સ બોયફ્રેન્ડના મિત્ર માઈલ્સ (જેક બ્લેક) સાથે, થોડી વાતો પછી દોસ્તી વધે છે, આ બાજુ અમાન્ડાની મુલાકાત થાય છે આઈરિસના ભાઈ ગ્રેહામ (જ્યુડ લો) સાથે... અને બધા લોકો પોતાને મળનારા અનુભવો વડે એમની બેસ્ટ ક્રિસમસ માણવાના છે... 


આ ફિલ્મ મને ત્રણ-ચાર વર્ષ પહેલા મારી ફ્રેન્ડ શ્રુતિએ સજેસ્ટ કરેલી, અને એના પછી મેં લગભગ ચારથી પાંચ વખત જોઈ છે, અને આ ક્રિસમસ પર પણ જોઈ. બંને જગ્યાઓના ઘર એટલા સરસ છે કે ત્યાં રહેવા જવા માટે મન થઈ જાય છે! રજાઓ જૂની જિંદગી બદલવા માટે હોય છે... થોડોક નવો ફેરફાર લાવવા માટે, નવી જગ્યાઓની હવા લેવાથી ઘણી વખત મૂડ સારો થઈ જતો હોય છે. (ડોક્ટરની હવા-ફેર માટેની અમુક લોકોને અપાતી સલાહની જેમ!) 


ફિલ્મમાં અમાન્ડાનું ઘર - લોસ એન્જેલસ
ફિલ્મમાં આઈરિસનું ઘર - સરી , લંડનથી થોડે દૂર 


ફિલ્મનાં બધા પાત્રો ક્રિએટિવ ફિલ્ડમાં છે. આઈરિસ ડેઈલી ટેલિગ્રાફ યુકેની કૉલમ્નિસ્ટ અને એડિટર છે; એનો ભાઈ ગ્રેહામ બુક એડિટર છે; અમાન્ડાની પોતાની કંપની છે જે મૂવિ ટ્રેલર્સ બનાવે છે! માઈલ્સ મ્યુઝિક કંપોઝર છે અને આર્થર હોલીવુડના ગોલ્ડન એજમાં સ્ક્રીનરાઈટર હતો.. આર્થર આઈરિસને અમુક જૂની ફિલ્મો સજેસ્ટ કરે છે જોવા માટે એ બહાને એ એને ખુશ રહેતા શીખવે છે. આર્થર આઈરિસને પોતાના હોલીવુડ સમય વિશે વાત કરે છે એ ખૂબ સરસ છે, એક સીનમાં આર્થર કહે છે કે આજકાલ ફિલ્મ શરૂઆતના થોડા દિવસોમાં સારી ચાલે તો જ સફળ થાય છે; એ સીન ખૂબ સરસ છે, એ સીન મને આજકાલ દરેક ફિલ્મના મીડિયામાં આવતા બિઝનેસ આંકડાની યાદ અપાવે છે! અહીં દરેક પાત્ર બીજાની ખુશીમાં ખુશ છે... માઈલ્સ આઈરિસને કહે છે કે જો આઈરિસ સંગીતની કોઈ ધૂન હોત તો એ ફક્ત હેપી નોટ્સ યુઝ કરતો! અમાન્ડા એની સાથેની એક ઘટનાને કારણે રડતા ભૂલી ગઈ છે, અને ગ્રેહામ મારા જેવો છે જેને કોઈ પણ સારી ફિલ્મ, બુક કે કાર્ડ પણ રડાવે છે...!! 
ફિલ્મમાં જેટલા હળવા સીન્સ છે, એટલા જ ભારે સીન્સ પણ છે... યુ.કે. અને યુ.એસ.એ. બંને દેશોમાં ડ્રાઈવિંગની દિશા અલગ હોવાથી ડ્રાઈવિંગમાં પડતી તકલીફથી માંડીને પ્રેમની ફિલૉસફી પણ છે, તમે કોઈને ભરપૂર પ્રેમ કરો પણ એ માણસને એની જાણ હોવા છતા જો એ તમારો પ્રેમ સમજે જ નહીં અને તમારો ફાયદો જ ઉઠાવે તો એ પ્રેમ જવા દેવો પડે છે... આર્થર આઈરિસને એક સીનમાં કહે છે કે દરેકની જિંદગીની ફિલ્મમાં પોતે મુખ્ય પાત્ર છે, દરેક જણે પોતાનું મહત્વ સમજવાનું છે, અને એણે પોતાની જિંદગીમાં જ મેઈન કેરેક્ટરમાંથી સપોર્ટિંગમાં નથી જતું રહેવાનું!! તમે કોઈ માણસમાં આત્મવિશ્વાસ જગાવશો તો એ માણસ પણ તમને જે તકલીફ હશે એ વખતે તમારામાં આત્મવિશ્વાસ જગાવશે... આવી બધી ઘણી સુંદર વાતો ફિલ્મમાં છે...

આ ફિલ્મમાં ખૂબ જ સુંદર લોકેશન્સ છે, પ્રેમ વિશેની વાતો છે, ઘણી બધી પુસ્તકો અને ફિલ્મો વિશે ઉલ્લેખ છે, જિંદગીમાં આવતો બદલાવ છે, સુંદર સંગીત છે, ડસ્ટિન હોફમેનનો કેમિયો છે, તો જો એક સારી 'ફીલ ગુડ' મૂવિ જોવાની ઈચ્છા હોય તો ફિલ્મ સરસ ઓપ્શન છે... 

વેકેશન અને સંબંધો વિશેની એક બીજી ફિલ્મ માટે લખેલી લીંક: 

વિકી ક્રિસ્ટિના બાર્સેલોના (૨૦૦૮)

No comments:

Post a Comment