Tuesday 27 December 2016

નારી સં-વેદનાનું સરોવર - કાજલ ઓઝા વૈદ્ય (સુરત લિટરરિ ફેસ્ટિવલ)


સ્થળ - સુરત લિટરરિ ફેસ્ટિવલ
સમય - ૨૫ થી ૨૭ નવેમ્બર ૨૦૧૬ 
વક્તા - કાજલ ઓઝા વૈદ્ય




આ ઉપરનો વીડિયો સજેસ્ટ કરાયો મારી ફ્રેન્ડ ભૂમિ દ્વારા મને, અને કહ્યુ કે હું લખું એની ઉપર... અને સાચે જ, દરેકને માટે છે આ વીડિયો, જુઓ, અને એની પરના મારા વિચારો વાંચો અહીં... આખી સ્પીચ સ્ત્રી વિશે છે, પણ ફક્ત સ્ત્રી માટે નથી, એને સમજી ન શકતા બધા માટે છે, અને અમુક વાતો સ્ત્રીને માટે કહી છે, પણ લાગુ પુરુષને પણ પડે છે. સ્ત્રીની આદતો, એનું બલિદાન, એનો પ્રેમ, એની લાગણીઓ, એની સમજ, એની અંદર ઝાંખીને જોવા માટે આ વીડિયો અને એ વિશે મારા વિચારોને વાંચો અહીં અને થોડુક સમજવા અને વિચારવા માટે પ્રયત્ન કરો...  

સૌથી પહેલા એમણે કહ્યુ કે કેમ 'નારી સંવેદનાનું સરોવર'? 'નારી સંવેદનાનો દરિયો' કેમ નહીં? કેટલી સરસ વાત છે... સરોવર બંધિયાર છે, દરિયો ખુલ્લો છે, અને સંવેદનાની તો અંદર પણ વેદના છે, તો પછી દરિયો કેમ નહીં...? કેમ સ્ત્રીને તમે કોમળ જુઓ છો? કેમ એને ફૂલ જ ગમશે, અત્તર ગમશે, કોમળ વસ્તુઓ ગમશે, એમ જ કેમ બધા વિચારે છે? એના પરથી મને એક સરસ વસ્તુ યાદ આવેલી, 'એ દિલ હૈ મુશ્કિલ' ફિલ્મમાં એક સીન છે, અલીઝેહ અયાનને ઘેર પહેલી વાર જાય છે, ત્યારે એને ફૂલ ગિફ્ટ નથી કરતી, એને બદલે કાંટાળો એક નાનો કેક્ટસ પ્લાન્ટ આપે છે અને એમ કહે છે કે ફૂલ એટલા માટે એ નથી લાવી કે, "પહેલે રંગ સે ઈમ્પ્રેસ કરતે હૈ, ફિર ખુશ્બુ સે, ફિર રંગ ઢલ જાતા હૈ, ખુશ્બુ ઉડ જાતી હૈ, ઔર ક્યા રેહ જાતા હૈ?" અને પછી એ કાંટાળા થોર વિશે કહે છે કે "મારતે હૈ, મરતે નહીં, ઔર ઉન્હે મુરઝાને કા ખૌફ નહીં હોતા..." સાચી વાત છે એ પણ કોણ કાંટાળા થોર આપવા વિશે વિચારે છે, એ વાત જો કે ફિલ્મની બીજી વસ્તુઓ સાથે સંકળાયેલી છે, પણ જરા વિચારો આવુ જ હોય અને આવુ ન હોઈ શકે, એ બધું કોણ નક્કી કરશે અને શા માટે નક્કી કરવું જોઈએ કે ફૂલ જ અપાય, ટેડીબેર જ અપાય કે આમ જ ને તેમ જ... આ વાત માત્ર સ્ત્રીને લાગુ નથી પડતી અને ના આ વાત ફૂલો, કાંટા કે ગિફ્ટ વિશે છે, આ વાત આઝાદી વિશે છે, કેમ બીજા નક્કી કરે છે કે આમ કરાય ને આમ ન જ કરાય, લોકો શું કહેશે? મને આજ સુધી એ ખબર પડી નથી કે કયા લોકો વિચારે છે, કોણ છે એ બધા, બેટા; લેખક ન બનાય, દીકરા; મોડેલિંગ સારા ઘરની છોકરીઓ ન કરે, કોણ છે એ લોકો? કોને એમણે હક આપ્યો છે આ બધું કહેવાનો? અને તમે માર્ક કરજો જે લોકો આવી બધી ફાલતુ સલાહો આપતા હોય છે એ લોકોના પોતાના ઘરે જ એમનું કંઈ ચાલતું નથી હોતું... તો ફરો મુક્ત બનીને, કરો જે તમને ગમે છે, હા, સ્વતંત્રતા માટે ચૂકવવી પડે છે આકરી કિંમત, લાખ નજરો જુએ છે તમને કે આ અલગ છે, આ વિયર્ડ છે, પાગલ છે, અરે આનાથી પણ ખરાબ 'બિરુદ' અને 'ઉપમા' મેં મારા ખુદના માટે સાંભળી છે લોકો દ્વારા, પણ તમને સંતોષ મળે છે કે મને ગમ્યુ માટે મેં કર્યુ આ, મને ગમ્યો માટે આ રસ્તો પસંદ કર્યો મેં... પછી ભલે એ વસ્તુમાં નિષ્ફળતા જ મળે... 

એમણે સ્ત્રીની કવિતાઓ વિશે વાત કરી છે આ સ્પીચમાં... સ્ત્રીની લખેલી શાયરીઓ વિશે વાત કરી છે, એમાંથી અમુક વ્યક્તિઓ મને ખબર હતી, ઘણી વાતો મને જાણવા પણ મળી, મને સારા શગુફ્તા વિશે ખ્યાલ નહોતો, પરવીન શાકીર વિશે ખબર નહોતી, હા, અમૃતા પ્રીતમ, મીના કુમારી, એશા દાદાવાલા એ બધા વિશે જાણ હતી, એમણે દીપ્તિ મિશ્ર વિશે વાત કરી છે, એમની અમુક કવિતાઓ વાંચી છે મેં, એમાંથી "યે વક્ત કુછ ઔર હૈ" મને ખૂબ ગમે છે... આ દીપ્તિ મિશ્ર એટલે 'તનુ વેડ્સ મનુ'માં માધવનની મા નો રોલ કર્યો છે એ...! યસ, શી ઈઝ એક્ટર ઓલ્સો. આમાંથી અમુક કવિતાઓ વિશે મારે અલગથી પોસ્ટ લખવી હતી... પણ પછી વિચાર્યુ કે અમુક વસ્તુઓ સમજાવી શકાતી નથી એને અનુભવવી પડે છે... એ જ રીતે આ કવિતાઓ જે એમણે વાંચી છે એ મારાથી સમજાવી શકાય એમ નથી કારણ કે ઘણી વસ્તુઓ મારે સમજવી છે બીજી વખત...

એમણે કહ્યુ છે કે સ્ત્રી લખે એટલે એની અંદર આત્મકથાનો ટુકડો માઈક્રોસ્કોપ લઈને શોધવામાં આવે છે, કેમ પુરુષ સ્ત્રીની સુંદરતા વિશે, એના સ્તન વિશે બેધડક લખી શકે છે અને સ્ત્રી પુરુષની છાતીના વાળ વિશે પણ લખતા વિચાર કરે છે? કારણ કે આખી માનસિકતા છે આસપાસના લોકોની કે થોડુક પણ જો અલગ કર્યુ એટલે તમને 'લેબલ' લાગી જાય છે ઘણા, કેમ જજ કરવામાં આવે છે?  

એક બીજી સરસ વાત કહી છે કે સ્ત્રીને બધી વાતે બાંધો છો કેમ? અને એમણે કહ્યુ છે કે માત્ર સ્ત્રી જ શું કામ? બધાએ સ્વતંત્ર હોવુ જ રહ્યુ. પણ, ના, આપણને સમજાવે છે કે આમ કરાય આમ ન કરાય, આવું ન લખાય, કોઈ વાંચે તો કેવું લાગે? અને એમણે સરસ કહ્યુ છે કે કોઈ વાંચે એટલા માટે તો લખ્યુ છે... કોઈને કેવું લાગશે, 'લોકો' શું વિચારશે... અરે, યાર, આપણી જિંદગી જીવવા એ લોકો તો આવતા નથી, તો એમના વિચારવા કે કહેવાથી શું ફર્ક પડવો જોઈએ? અને કેમ ફર્ક પડવો જોઈએ? એમણે કહ્યુ છે કે સ્ત્રી પ્રસિધ્ધિ માટે નથી લખતી, કારણ કે એને ૧૧ વર્ષની હોય ત્યારથી જ ખબર હોય છે કે કોણ એને જુએ છે ને મહોલ્લા અને શેરીમાંથી કોને એનામાં રસ છે, અને એ સરસ અને સાચી વાત છે આપણી આસપાસ જીવાતી, એમણે એક બીજી વાત કહી છે કે મોટાભાગની સ્ત્રીઓને પતિ સાથે હોય એટલે કમાન એમના હાથમાં સોંપી દેવી ગમે છે, એ ડ્રાઈવ નથી કરતી અને પર્સ નથી લેતી, પણ જ્યારે કંઈ ખરીદવું હોય અને પતિ ના પાડે ત્યારે એને થાય છે કે નેક્સ્ટ ટાઈમ પર્સ લઈને જઈશ! આ વાત ભલે નાની અને મજાક લાગે પણ સત્ય છે, કેમ એ લોકોને નથી ખરીદવા દેતા જે એમને લેવું છે, અને પછી એ જ સ્ત્રી થોડી લઘર-વઘર ફરે એટલે કેમ તરત કહે છે કે આજે કેમ આવી ફરે છે? કેમ છે આમ? કેમ? અમુક લોકો પોતાના વિચારો કેમ નથી બદલી શકતા? કેમ દોસ્તના ખભે હાથ મૂકીને ઉભેલી કે મિત્રને ઘણા સમય પછી મળે તો એને ભેટતી છોકરી કે સ્ત્રીને બધા જોઈ રહે છે? કેમ એવા લોકો સ્વીકારી શકતા નથી કે નારી પણ નર જેવી જ છે, કેમ એને ક્યાં ન જવું, કોને ન મળવું, કેવું ન પહેરવું, એ બધું એની આસપાસના લોકો નક્કી કરે છે? કેમ?  આ બધા સવાલોના જવાબો જે દિવસે મળ્યા અને જો આનાથી પણ જો થોડી સ્થિતિ સુધરી તો બેડો પાર સમજવો... અને એમણે એક બીજી વાત કહી છે સ્ત્રી માટે પણ લાગુ બધાને પડે છે, મોટાભાગના સફળ લોકોની સાથે કોઈ એવી ઘટના બની હોય છે જે એમને હચમચાવી મૂકે છે અને એ લોકો નક્કી કરે છે કે હવે તો આમ નહીં ને આમ જ! વિચાર કરી જુઓ એની પર, શક્ય છે કે બધા કહેશે નહીં પણ હશે તો એવુ જ...

No comments:

Post a Comment