Saturday, 31 December 2016

૨૦૧૬ થી ૨૦૧૭ તરફ ... (વીતેલું વર્ષ મારે માટે કેવુ રહ્યુ એના વિશે)




ઘણા લોકોએ ઘણી વખત મને આ વર્ષમાં પૂછ્યુ છે કે કેવું ચાલે? શું ચાલે? અમુક વખત કોઈ પૂછે એ વખતે જવાબ હાજર ન હોય, શું કહી શકાય કે સામેના માણસને સંતોષ મળે, પણ બધાને ખુશ કરી શકાતા નથી, એટલે પછી 'બસ એકદમ ફાઈન, તમે કેમ છો?' ચાલ્યા કરે!! તો આ પોસ્ટ એ બધા લોકો માટે જેમને મારા વિશે જાણવું છે... 


વર્ષના આગળનાં છ મહિના ઘરે રહીને ફક્ત ગુજરાત સરકારની સેવાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી, જે હું કોલેજ પૂરી થઈ ત્યારથી કરુ છું! અમુક વખત સફળતા મળ્યા પછી પણ છેલ્લી ઘડીએ સફળતા હાથવેંત રહી ગઈ, અમુક વખત નિષ્ફળતા, પણ ઘણું શીખવા મળ્યુ જીવન વિશે... એક નવી જ લિપિ શીખી, ગુજરાતી સ્ટેનોગ્રાફી, જો કે ખાસ્સી મહેનત છતાં એ પરીક્ષામાં સફળતા ન મળી, અને હવે એની પ્રેક્ટિસ નથી કરતો હું, પણ એ શીખવાડનાર શ્રી પ્રવીણ જોશી સાહેબનો ખૂબ આભારી છું, ગાંધીનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોઈની પણ પાસેથી એક પૈસો લીધા વિના એ લોકોને ટ્યુશન ક્લાસ આપે છે!! અને એમની ઉંમર ૭૦ આસપાસ હોવા છતાં જિંદગી વિશે ખૂબ ઓછી ફરિયાદ ધરાવતા અને જેમને મળીને ખૂબ ખૂબ ખુશી થાય એવા વૃધ્ધોમાં એમનો સમાવેશ જરૂર કરવો જોઈએ, એમની પાસે જે સ્ટેનોગ્રાફી શીખવા ગયેલો એમાં ભલે હું સફળ ન થયો, પણ એ સિવાય જિંદગી માટે હું કેટલીય વસ્તુઓ શીખ્યો છું, અને હું કદાચ ખુશ રહેવા લાગ્યો છું એમાં એમનો પણ મોટો ફાળો કહી શકાય આ વર્ષે... મારા કઝિન સાથે મળીને ટ્યુશન ખોલવા વિશે વિચાર કર્યો અને પછી મેં એને સાથ ન આપ્યો અને એણે ખુદ પોતાનું ટ્યુશન શરૂ કર્યુ કોઈ બીજા પાર્ટનર સાથે... વર્ષના પછીના છ મહિના જોબ કરી જે હજુ ચાલુ છે, સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં ચૂંટણી શાખામાં 'ઈલેક્શન કોલ સેન્ટર 1950' છે, એમાં ઓપરેટર, ચૂંટણી કાર્ડ વિશે લોકોની પૂછપરછ માટે આવતા ફોનનો જવાબ આપવાનો અને એમને મદદ કરવાની, મને ગમે છે આ નોકરી. 

કોઈ તમારી ગમે તેટલું નજીક હોય ઘણી વખત અમુક લોકો સ્વાર્થ પૂરો થાય પછી તમારા મેસેજીસનાં જવાબ પણ નથી આપતા કે ન ફોન ઉપાડે છે, અમુક લોકો જે એક સમયે ખૂબ સારા મિત્રો હતાં એ જીવનભર રહેશે એ જરૂરી નથી, અમુક લોકોને થોડા પૈસા, થોડુ સ્ટેટસ મળે એટલે હવામાં વેંત અધ્ધર ચાલવા લાગે, આ બધી વાતો આપણે બધા જાણતા હોઈએ છીએ, તો પણ આ બધી વાતોનો સાક્ષાત અનુભવ પણ કરી જ લીધો આ વર્ષે. (અથવા એમ કે આ રહી જતું હતું તો એ પણ થઈ ગયું!) તો બીજી બાજુ એ પણ શીખ્યો કે જે માણસ માટે એમ લાગે કે આની સાથે નહીં ફાવે કે આની સાથે શું વાત કરીશ, એ બધાની સાથે પણ ક્યારેક બસ એક-બે વખત વાત, કે ક્યારેક ફક્ત સ્માઈલ કે વેવ કરવાથી પણ એમનો અને તમારો બંનેનો દિવસ સારો જાય એ પણ અનુભવ્યું! પહેલા મને કોઈ અમુક વાતો પૂછે તો હું ચિડાઈ જતો, હવે અમુક એવી વસ્તુઓનાં જવાબ મજાકમાં આપતા શીખીને પણ જીવનમાં ખુશ રહેતા શીખી ગયો હું. તમને જે ગમતું હોય એ તમારે કરવું જ રહ્યુ, એ કરવાથી તમને ખુશી અને આત્મસંતોષ મળે એટલે વાત પૂરી, એ સાબિત કરવા ખૂબ જ બધુ લખ્યું, મને થાય છે લખતો જ રહું અને ખૂબ જ બધી ફિલ્મો જોઈ, અને ઓગસ્ટ મહિનામાં મારો આ બ્લૉગ શરૂ કર્યો, જ્યાં હું સિનેમા, સાહિત્ય, ગીતો, સંબંધો અને અમુક બીજી વસ્તુઓ વિશે લખું છું, મને ખબર છે કે ખૂબ ઓછા લોકો વાંચે છે, પણ મને ગમે છે માટે હું લખું છું, અને જે વાંચે છે એમાંથી અમુક લોકો જ સારા-ખરાબ બધા ફીડબેક આપે છે અને હું ઈચ્છા રાખું કે જે પણ અભિપ્રાય હોય એ કહે મને લોકો કે એમને કઈ વસ્તુ ગમી, કઈ વસ્તુ હું સારી નથી લખતો, એ બહાને મારુ રાઈટિંગ સુધરે...!!

મારા ફ્રેન્ડ ઋતુરાજ સાથે પુસ્તક મેળામાં ગયેલો એ વખતના લીધેલા ઘણા પુસ્તકો હજી સુધી વાંચ્યા નથી, અમુક ગિફ્ટમાં આવેલા કે બીજા ખરીદેલા એવા ૨૦૧૫નાં અંતથી ૨૦૧૬ આજ દિન સુધીના ઘણા પુસ્તકો હજુ બાકી!!! ફિલ્મો પુષ્કળ જોઈ, ફિલ્મોની અંદરની ઝીણવટભરી વિગતો વધારે ઊંડાણમાં જાણવાથી મને ખૂબ ખૂબ ખુશી મળે છે, દસ વર્ષ જૂના એક મિત્ર કુશાન સાથે જોરદાર ઝઘડ્યો અને મને ખબર હતી કે એક દિવસ બધું સારુ થશે એ આ વર્ષ પૂરું થાય એ પહેલા જ થઈ ગયું, પહેલા જેવી જ દોસ્તી! મારો બીજો એક દોસ્ત (સગા ભાઈથી પણ વધારે) જયદીપ ઓસ્ટ્રેલિયા ગયો, બીજા અમુક દોસ્તોની સગાઈ, લગ્ન બધું થતું રહ્યું, અમુક મિત્રોને સારી નોકરી મળી, પહેલા આવી બધી વસ્તુઓથી મને ઈર્ષા થતી, હવે નથી થતી, કારણ કે જિંદગી પરફેક્ટ નથી, પણ હું ખુશ છું! (ફિલ્મ: એક મૈ ઔર એક તુ (૨૦૧૨) - શકુન બત્રા) અમુક લોકો કહે છે મને કે જિંદગીમાં એક 'સારી સ્ટેડી' નોકરી અને 'એક સારુ પાત્ર' હોવું ખૂબ જરૂરી છે, પણ અમુક વાર એ લોકોને સમજાવું છું કે ના બધુ ફાઈન છે અને અમુક વખત ફક્ત હું એમને એક 'સરસ સ્માઈલ' આપીને મારે રસ્તે!! હું ખુશ છું કે હું સિંગલ છું, હું ખુશ છું કે મને જે ગમે છે એ કરવા માટે મારી પાસે સમય છે. અને હું ઈચ્છુ કે દરેક માણસ પોતાને જે ગમે છે એ કરવા માટે દિવસનો થોડો સમય ફાળવે, કારણ કે એ સમય તમને જે મહેસૂસ કરાવે છે એ કોઈ પૈસા, કોઈ બીજી વસ્તુ તમને મહેસૂસ નથી કરાવતી... 

જૂના સપનાઓ જે પૂરા નથી થયા, એ સપનાઓને નવો ઓપ આપીને, નવો રંગ કરવાનો સમય આવી ગયો છે, દિલ ખોલીને જીવો, દિલ ખોલીને હસો, ખરાબ લાગે તો થોડી વાર ઉદાસ રહીને, વધારે ખરાબ લાગે તો સહેજ આંસુ વહાવીને પણ એ ખરાબ લાગણીઓને જવા દો, જિંદગી રાહ જુએ છે, એ આગળ ચાલતી જ જાય એ પહેલા થોડો એની સાથે કદમ મિલાવી જુઓ, કદાચ આગળના નવા રસ્તે આપને જે જોઈએ છે એ મળી પણ જાય, તો આવનારા નવા વર્ષ માટે બધાને ખૂબ શુભેચ્છાઓ, ચિયર્સ એન્ડ હિપ હિપ હૂરે!! 


No comments:

Post a Comment