Saturday 31 December 2016

દંગલ (૨૦૧૬)

ઝાયરા વસીમ, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ,
આમિર ખાન અને સુહાની ભટનાગર





હરિયાણાના ભિવાની જિલ્લાના એક ગામ બલાલીનો નેશનલ ચેમ્પિયન રેસલર મહાવીર સિંઘ ફોગટ એની આર્થિક સ્થિતિને કારણે આગળ રમી શકે એમ નથી, અને એની દીકરીઓ ગીતા અને બબિતાને રેસલિંગ માટે તૈયાર કરે છે અને એમનામાં દેશ માટે ગોલ્ડ લાવવા જોશ અને ઉત્સાહ પૂરે છે... એક બાપ જેને માટે પોતાની દીકરી એના જીગરનો ટુકડો હોય છે, એક બાપ જે એની દીકરીની જિંદગી સુખમય થાય એના વિચારોમાં એની ઘણી રાતોની ઊંઘ ખોઈ બેસે છે, પણ આ બાપ અલગ છે, એની દીકરીઓ રસોડા અને ઘરકામ માટે નથી, એણે એની દીકરીઓને અલગ બનાવવી છે, કારણ કે એ એની દીકરીઓ છે! અને એવું નથી કે ફિલ્મ ભારે છે, અથવા ખૂબ સીરિયસ છે, ફિલ્મ હળવી પણ છે અમુક જગ્યાએ, મનોરંજક પણ છે, તમને હસાવવા માટે પણ છે સીન્સ, અને લાગણીશીલ કરવા માટે પણ.


ફિલ્મ માટે આમિર ખાન દ્વારા કરાયેલી મહેનત સૌ કોઈ જાણે છે, પણ એ સાથે જે ભૂલ્યુ છે લોકોએ એ છે ચાઈલ્ડ એક્ટર્સ ઝાયરા વસીમ અને સુહાની ભટનાગર (એમણે અનુક્રમે ગીતા અને બબિતાના પાત્રો ભજવ્યા છે) તેમજ ગીતા અને બબિતાની યુવાની માટેના પાત્રો ભજવનાર યંગ એક્ટર્સ ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાએ કરેલી મહેનત. આગળની અડધી ફિલ્મ બાળપણ પર જ છે, અને મને ફર્સ્ટ હાફ ખૂબ જ ગમ્યો. બંને ચાઈલ્ડ એક્ટર્સની મહેનત દેખાઈ આવે છે, એ લોકોને વહેલી સવારે જગાડવાથી માંડીને એમને દોડાવવા અને અખાડામાં તૈયાર કરવા સુધીની એક પણ વાતોમાં બંને ચાઈલ્ડ એક્ટર્સ ચૂકતા નથી, એમની લાગણીઓ, એમની થકાન, એમની ખુશી, નિર્દોષતા, ગુસ્સો, જુસ્સો બધુ એમણે સુંદર ભજવ્યું છે, એ જ રીતે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા માટે પણ. (આ બધી એક્ટર્સને અપાયેલી રેસલિંગ ટ્રેનિંગ માટેની મહેનત કૃપા શંકર બિશ્નોઈએ કરાવડાવી છે, જે ભારતની વિમેન રેસલિંગ ટીમના કોચ પણ છે.) ગીતા અને બબિતાની મા દયા શોભા કૌરના રોલમાં સાક્ષી તન્વરની એક્ટિંગ પણ સરસ છે, એમને ભાગે વધારે ડાયલોગ્સ નથી, પણ ઘણી વખત મા કંઈ કહેતી નથી, એની આંખોમાં દુ:ખ અને ખુશી દેખાઈ આવે છે, જે એમણે ભજવ્યું છે, આમિર ખાનની લાજવાબ એક્ટિંગ છે, એ જ રીતે આગળ કહ્યુ તેમ બધા જ એક્ટર્સ, ફિલ્મની રેસલિંગ સીક્વન્સ અમુક વાર શ્વાસ થંભાવી દે છે આગળ શું થશે એ જાણવાની ઈન્તેઝારીમાં, ફિલ્મનું મ્યુઝિક બહુ જ સરસ છે. (મેં થિયેટરમાં જોયું કાલે રાતે ફિલ્મ એની પહેલા એક પણ ગીત સાંભળ્યું નહોતું!!) ફિલ્મની અંદર કરાયેલી મહેનત ફળી છે, જે લોકો બહુ મેસેજ મેસેજ કરતા હોય છે ને કે ફલાણી ફિલ્મમાં કોઈ મેસેજ નહોતો ને આમ ને તેમ, એ લોકો 'દંગલ' ફિલ્મનો મેસેજ કેવો પાળે છે એ જોઈએ!! ફિલ્મ સારી છે, જેમણે નથી જોઈ એ લોકો જોઈ આવો, અને જેમણે જોઈ છે એ લોકો આગળ પોસ્ટ વાંચી શકે છે.

********************************


ફિલ્મ સ્પોઈલર્સ 
જેમણે ફિલ્મ નથી જોઈ એ લોકો આગળ હવે ન વાંચે...

********************************




ફિલ્મનો ફર્સ્ટ હાફ મને પર્સનલી ખૂબ ગમ્યો, ઈન્ટરમિશન પહેલાનો ફિલ્મનો હિસ્સો સેપિયા કલરના ફોટોગ્રાફ્સ જેવો છે, અહીં જૂનો સમય છે, જૂના ઘર છે, જૂની સોચ ધરાવતા માણસો, દીકરી અને દીકરામાં ભેદ કરતા લોકો, આ બધા ઉપાયો અજમાવીએ તો દીકરો આવે એવા ખ્યાલો ધરાવતા લોકો પણ છે. (એ લોકો ભણ્યા ન હોય તો એમને વિજ્ઞાન શું એ ક્યાંથી ખબર પડે?) અહીં એક સરસ ગામ છે, જ્યાં ખેતરો છે, મંદિર છે, અખાડો છે, નદી છે, સ્કૂટર છે, અને આ બધુ મને સેપિયા કલરના ફોટોસ જેવું લાગ્યું. અને મને ખૂબ ગમ્યું... ફિલ્મની શરૂઆતમાં સીન છે જ્યાં આમિર ખાન અને વિવાન ભટેનાના પાત્રો કુસ્તી લડે છે. (વિવાન ભટેના ફિલ્મમાં ન ઓળખાયો હોય તો નીચેનો ફોટો જોઈ લો અને ફાલ્ગુની પાઠકનું ગીત 'મૈને પાયલ હૈ છનકાઈ') આમિર એને હરાવે છે, અને વિવાન ભટેના એને શાબાશી આપે છે કે એક સ્ટેટ લેવલ રેસલર ને હરાવ્યો અને આમિર એને કહે છે કે ચિંતા ના કર, એક નેશનલ લેવલ ચેમ્પિયનથી હાર્યો તુ! પહેલી મુલાકાતમાં ક્યાંથી માણસ ઓળખાય? કઈ રીતે જજ કરી શકાય તો પણ આપણે બધા કરતા હોઈએ છીએ, હું પણ કરુ છું, પણ એ ખોટુ પડે છે હમેંશા... ( મારો અનુભવ વાંચો અહીં: પહેલી છાપ ) પણ, આ સીન પહેલી વખત આપણે લોકોને માટે ધારેલી વાતો ખોટી પડે છે એની માટે જ છે...





મહાવીર નેશનલ લેવલ ચેમ્પિયન છે, પણ આર્થિક સ્થિતિ સારી નથી અને આગળ રમી નહીં શકે એ મજબૂરી છે, અને લોકોના સલાહથી નોકરી સ્વીકારી લે છે, આ દરેક એ ખેલાડીની વાર્તા છે જેનામાં ક્ષમતા છે પણ આગળ જઈ શકવા સક્ષમ નથી, એની આવડત અને યોગ્યતાને પ્રોત્સાહિત કરે, થોડી હિંમત આપે, થોડી મદદ કરે એવા લોકો જેની પાસે નથી એ દરેક ખેલાડીની સ્થિતિ છે ફિલ્મની શરૂઆતની મહાવીરની સ્થિતિ જેવી.  



મહાવીરને દીકરો જોઈએ છે કારણ કે એને છે દીકરો દેશ માટે ગોલ્ડ લાવશે, ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં ઘણી બધી કૉમેન્ટસ કરે છે કે '3 ઈડિયટ્સ' ફિલ્મનો રેન્ચો અને આ આમિર અલગ છે, અને એણે પોતાના સપનાઓ સંતાનો પર થોપતા બાપનો રોલ કર્યો, પણ એ એક એક્ટર છે અને એ એની જોબ છે, જે એણે સારી રીતે નિભાવી છે, અને એણે એના સપના સંતાનો પર થોપ્યા નથી. 'નીલ બટ્ટે સન્નાટા' ફિલ્મમાં એક ડાયલોગ છે, "વો તુમ પે અપને સપને નહીં થોપ રહી, ઉસકા તો સપના હી તુમ હો." આ ડાયલોગ જેવી વાત છે આ. ( 'નીલ બટ્ટે સન્નાટા' ફિલ્મ 'દંગલ' ફિલ્મનાં ડિરેક્ટર નિતેશ તિવારીની પત્ની અશ્વિની ઐયર તિવારીએ બનાવી છે!! )

દયા શોભા કૌર
(સાક્ષી તન્વર)


મહાવીરની પત્નીનું નામ છે દયા શોભા કૌર, અને એની પર ભલે ફિલ્મમાં ફોકસ નથી પણ એની સ્થિતિ દયાજનક જ છે, એને ગિલ્ટ છે કે એ દીકરાને જન્મ નથી આપી શકી, એને ગિલ્ટ છે કે એના પતિને જે જુએ છે એ ગોલ્ડ મેડલ હવે નહીં આવે, અને જ્યારે મહાવીર એની પાસે એક વર્ષનો સમય માંગે છે દીકરીઓને રેસલિંગ માટે તૈયાર કરવા માટે, ત્યારે પણ એ પતિ અને દીકરીઓ વચ્ચે અટવાય છે, એ કંઈ બાજુનો પક્ષ લે? બંને સમાન છે એની માટે. મહાવીરને અહેસાસ થાય છે કે એની દીકરીઓમાં રેસલર બનવા માટેની તાકાત છે એ પછી એ પત્નીને વાત કરે છે એ આખો સીન કેટલો સરસ છે, બંને ચર્ચા કરે છે, મહાવીર કોઈ પણ ભોગે મક્કમ છે કે એ દીકરીઓને રેસલિંગ માટે તૈયાર કરશે, અને દયા દીકરીઓ વિશે વિચારી ઘણા સવાલો પૂછે છે, એ ના પતિને ના પાડી શકે છે અને ના દીકરીઓને એ સ્થિતિમાં લઈ જતા પતિને રોકી શકે છે. અને એ બધી લાગણીઓ સાક્ષી તન્વરે સરસ ભજવી છે.



મહાવીર બંને મોટી દીકરીઓ ગીતા અને બબિતાને તૈયાર કરવાની શરૂઆત કરે છે એ માટે 'હાનિકારક બાપુ' ગીત રાખ્યું છે, દીકરીઓને સવારે પાંચ વાગ્યે ઉઠવાની તકલીફથી માંડીને કસરત શીખતી દીકરીઓ અને એમના બાપ પરનો ગુસ્સો આખો રિયલ લાગે છે ગીતના શબ્દો અને પિક્ચરાઈઝેશનથી. (સિનેમટોગ્રાફી- સેતુ શ્રીરામ) ગામના લોકો મહાવીરને એની દીકરીઓને અખાડામાં પ્રેક્ટિસ માટે ના પાડે છે અને એ પોતાના ખેતરમાં એને માટે અખાડો બનાવે છે... 




એની દીકરીઓને કુસ્તી લડવામાં નડે એ બધી વાતો પર એ રોક લગાવે છે, એક તબક્કે બંને કહે છે કે સલવાર કમીઝમાં કુસ્તી નથી ફાવતી, એટલે કપડાની સ્ટાઈલ બદલે છે, અને લાંબા વાળ નડે છે તો એ પણ કપાવડાવે છે, વાળ, છોકરીની કે સ્ત્રીની સુંદરતામાં વધારો કરતું તત્વ, છેલ્લે કોઈ ફિલ્મમાં મેં છોકરીના વાળ કપાવી જ નાખવા માટેનો સીન જોયો હોય તો એ દીપા મહેતાની 'વોટર'માં.

એની બંને દીકરીઓ એમની બહેનપણીના લગ્નમાં જાય છે અને એમના જેટલી જ ઉંમરની એ દીકરીના લગ્ન થઈ રહ્યા છે એ સીન મને ખૂબ ઈમોશનલ લાગ્યો ફિલ્મમાં, એ કહે છે કે ભલે એ લોકોનાં પિતા અત્યારે જે કરે છે એ એમને જુલમ લાગતો હોય, પણ એમની માટે વિચારે તો છે, એમને બોજ તો નથી સમજતા, કે દીકરીને ચૌદ વર્ષની ઉંમરે પરણાવી દેવામાં આવે એવો ખ્યાલ નથી ધરાવતા, એ પછી ગીતા અને બબિતાને રિઅલાઈઝ થાય છે કે એમના પિતા એમની માટે સારુ વિચારે છે.

ગીતા અને બબિતા
(ઝાયરા વસીમ અને સુહાની ભટનાગર)

પહેલી વખત 'દંગલ' લડવા જાય છે એ વખતે વ્યવસ્થાપકો એ વિચારીને ગીતાને રમવા દે છે કે એક છોકરીને છોકરા સાથે કુસ્તી કરતી જોવા માટે વધારે લોકો આવશે અને ટિકિટનો વકરો વધારે થશે, આ એક માનસિકતા છે, કોઈ અલગ કરતું હોય એ જોવું બધાને છે, એની પહેલા એ કામમાં સાથ કોઈ આપતું નથી, ગીતાની એ મેચ જોવા માટે લોકોનાં ટોળા ઉમટે છે, અને એને જીતતી જોઈને ખુશ પણ થાય છે, અને એ મેચ હારે છે તો પણ એને જીતનારથી વધારે રોકડ ઈનામ અપાય છે, એ બધી કરન્સી નોટ જે એને ઈનામમાં મળશે એ એના બાપુ મહાવીર સાચવી રાખવાના છે, એની દીકરીઓની પ્રગતિની સાબિતી માટે, યાદો માટે. આ એ જ બાપ છે જેણે પોતાનો નેશનલ ચેમ્પિયનશીપનો મેડલ એક જૂની પેટીમાં મૂકી દીધો છે, અને એની દીકરીઓના પુરસ્કાર, ટ્રોફીસ, અને રોકડ ઈનામોમાં મળેલી કરન્સી નોટો સજાવીને રાખી છે. એને ખબર છે કે ગીતા છેક આગળ સુધી જશે અને રમશે અને જીતશે, એને વિશ્વાસ છે પોતાની દીકરીઓમાં કે નેશનલ ચેમ્પિયનશીપ જીતશે ત્યારે એનો મેડલ અહીં લગાવાશે, અને ગીતા જીતી છે એના પછી બબિતા પણ જીતશે, અને બબિતા જીતે છે એ પછી એનો મેડલ ગીતાના મેડલની બાજુમાં લગાવે છે, આ બધુ એક ઈમોશનલ કનેક્શન છે, એની દીકરીને જીતતી જોઈ, જીત્યા પછી ગામ વચ્ચે પસાર થતી જોઈ એની છાતી ગજ ગજ ફુલે છે, પણ એ બધામાં એ દીકરીઓને આગળ રાખે છે અને પોતે પાછળ રહે છે, એ કોઈ ક્રેડિટ લેતો નથી, એ એમની સુરક્ષા માટે, સાથ માટે એમની સાથે છે, પણ સહેજ પાછળ રહીને.





અને એ દીકરીઓને પ્રેમ નથી કરતો એવું તો છે જ નહીં, એક સીનમાં એ થાકી ગયેલી દીકરીઓના પગ દબાવે છે અને પત્નીને કહે છે કે એક સમયે એક જ રહી શકાય છે, કોચ અથવા બાપ. એ મજબૂર છે, એની સ્થિતિ બીમાર સંતાનને કડવી દવા આપતી મા જેવી છે. બીજા એક સીનમાં કોઈના પુત્ર જન્મની ખુશીમાં મળેલો લાડુ એ બંને દીકરીઓને અડધો અડધો વહેંચે છે, આ દરેક માતા-પિતાની લાગણીઓ છે, જે સંતાન માટે પહેલા વિચાર કરે છે. આ એવો બાપ છે જે એની દીકરીઓના કોચિંગ માટે એની નોકરી પણ છોડી દે છે, અને પોતાની દીકરીની કુસ્તી લડવાની નવી ટેક્નિક સામે હારે પણ છે. 

બબિતા અને ગીતા ફોગટ


નેશનલ ચેમ્પિયનશીપ જીત્યા પછી દીકરીને આગળ ટ્રેનિંગ માટે મૂકીને આવેલો મહાવીર ચૂપ છે, કારણ કે એને ખબર છે એની દીકરી નવી દુનિયામાં જઈને થોડી બદલાવાની છે, અને પોતાના ધ્યેયથી ભટકવાની ગીતાની આખી પ્રક્રિયા ફાતિમા સના શેખે ઉત્તમ ભજવી છે, વાળ વધારવાથી માંડીને નેલ પોલિશ કરતી અને 'ડીડીએલજે'નો પલટ સીન જોતી ગીતાની જિંદગી પણ પલટાઈ છે, પણ ખોટી દિશામાં, અને એ વાતનો અહેસાસ કરાવે છે નાની બહેન બબિતા, જે પણ નેશનલ ચેમ્પિયન બન્યા પછી ત્યાં આવે છે ટ્રેનિંગ માટે. એ ગીતાને યાદ કરાવે છે કે એ કેવી રીતે એની પ્રથમ કુસ્તી જીતેલી, કેવી રીતે એના પિતાની ટેક્નિક અને એમની મહેનતને લીધે એ છે આટલે સુધી. એક બાપ જે નેશનલ લેવલના કોચ સામે લડીને, એકેડમીના નિયમો સામે લડીને, જુદી સ્ટ્રેટેજી અપનાવીને પણ એની દીકરીને ફક્ત જીતતી જોવા માંગે છે, મહાવીર ગીતાને કહે છે કે એણે ગોલ્ડ જીતવાનો છે, સિલ્વર જીતશે તો લોકો ભૂલી જશે, દાખલો બેસાડવાનો છે એણે. એક દીકરી છે જે નવી દુનિયામાં જઈ પિતાની રિસ્પેક્ટ કરવાનું ભૂલી ગઈ છે, એમનો ઠપકો એને સારો લાગતો હતો અને એને લીધે જ એ અહીં છે, એ વાતનું રિઅલાઈઝેશન થતાં જ એ બધુ ભૂલી, માફી માંગી ફરીથી પિતાના રસ્તે ચાલવા માટે પોતાને બે કદમ પાછળ કરી લે છે.



ગીતાની બંને મેચ શ્વાસ થંભાવી દે એટલી રોચક છે, છેલ્લે ફાઈનલ વખતે એણે જીતવાનું છે એ વખતે પિતા પ્રેક્ષકોમાં નથી બેઠા એ વખતે એ એમની વાત યાદ કરે છે કે શક્ય છે કે દરેક વખતે એ એની સાથે ન હોય એણે પોતાની જાતે આગળ વધવાનું છે, એ સીન પણ સરસ છે, જે મને રૂમીનો એક ક્વોટ અને 'ડિયર જિંદગી'નો એક ડાયલોગ પણ યાદ અપાવે છે, જે ફોટોસ નીચે મૂકુ છું. એ જીત્યા પછી મેડલ પિતાને આપે છે અને પિતા એને પહેરાવે છે, એ આખો અનુભવ આંખમાં આંસુ લાવી દે છે.




ફિલ્મનું અમુક શૂટિંગ પુણેમાં મારા ફ્રેન્ડ ઋતુરાજની કોલેજ સિમ્બાયોસિસ ઈન્ટરનેશલ યુનિવર્સિટીમાં થયું છે. (નેશનલ સ્પોર્ટ્સ એકેડમીના સીન્સ, પણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નહીં, મેસ, હોસ્ટેલ, ગીતા જ્યારે પિતા સાથે ફોન પર વાત કરે છે એ જગ્યા.) ફિલ્મનાં બધા ગીતો મને ગમ્યા, પણ અરિજિત સિંઘનું 'નૈના' ખૂબ ગમ્યું. 

ડિરેક્ટર નિતેશ તિવારી, ગીતા ફોગટ, બબિતા ફોગટ,
આમિર ખાન અને મહાવીર સિંઘ ફોગટ

બાયોપિક ફિલ્મમાં ખોટી વાત ઉમેરવાની જરૂરત હોતી નથી, એટલે મને એ વસ્તુ સામે ફક્ત વાંધો પડ્યો છે, છેલ્લી ફાઈનલ મેચ વખતે લોક કરેલા મહાવીરનો સીન, બાકી ફિલ્મ સરસ છે, મને સેકન્ડ હાફ એટલો નથી ગમ્યો, જો એ પણ ફર્સ્ટ હાફ જેટલો ગમ્યો હોત તો હું ફિલ્મની વધારે તારીફ કરતો, એ છતાં 'દંગલ' જિંદગી સામે, લોકોના જૂના ઘસાયેલા વિચારો સામે જંગ કરવાની કુસ્તી છે, આ ફિલ્મ દરેક એ ખેલાડીની છે જેણે દેશ માટે મેડલ જીતવા અથાગ મહેનત કરી છે, પોતાની રોજિંદી જિંદગી ભૂલીને જેમણે ફક્ત મેડલ અને જીતવા સિવાય કંઈ જ વિચાર્યુ નથી, એ બધા 'હીરોઝ'ની આ વાર્તા છે, દીકરો કે દીકરી બંને સમાન છે એ સાબિત કરી આપતી વાર્તા છે આ.


મારી બીજી કેટલીક પોસ્ટની લીંક:





No comments:

Post a Comment