Thursday, 6 April 2017

વ્હાલી આસ્થા - કાજલ ઓઝા વૈદ્ય



દીકરીને દરેક જન્મદિવસે પિતા એક પત્ર લખે, જેમાં એને જીવન કેવી રીતે જીવવું એ વિશેની શિખામણો તો હોય જ, પણ, એ સાથેસાથે પોતાનાં અનુભવો, પોતાની અંગત વાતોથી માંડીને મહાન લેખકોની લખેલ વાતો કે ગુજરાતી સાહિત્યની કેટલીક વાતો કે સુભાષિતો કે ધર્મગ્રંથ ગીતાનો સાર બધુ જ હોય, એ વિચાર જ કેટલો રસપ્રદ છે! સંબંધો વિશેની વાતો કે સેક્સ વિશેની સમજ આપતા આ આધુનિક અને ખુલ્લી વિચારસરણી ધરાવતા પિતા પોતાની દીકરીને આઝાદી આપે છે, એની રીતે જિંદગી જીવવા માટેની. એ સાથે જ એ પિતા સુખની વ્યાખ્યા વિશે પણ દીકરીને સમજાવે છે, સુખની વ્યાખ્યા દરેક માટે અલગ છે, કોઈની માટે અઢળક પૈસો સુખ છે, કોઈની માટે અભાવો કે અધૂરપમાં રોજેરોજ જીવાતી જિંદગીને અંતે મળતી થોડી ખુશી કે કોઈની માટે ગમતું પુસ્તક વાંચવું કે એકલા ફરવા જવું... પિતા આ બધી વાતો પત્રોરૂપે દીકરીને લખે છે. ઉંમર વર્ષ-૭ થી વર્ષ-૨૫ સુધી દીકરીનાં દરેક જન્મદિવસે પિતા દ્વારા લખાયેલાં પત્રો. એમાં લખાયેલી કેટલીક વાતો એ દીકરીને સાતમે કે દસમે વર્ષે, એ સમયે નહીં સમજાય, પરંતુ એની સાથે કાયમ માટે રહેશે, જિંદગીભર. એને જ્યારે મુશ્કેલી આવશે, ત્યારે આ પત્રોમાંથી એને ઉકેલ જડી આવશે. આ પત્રોની અંદર જિંદગી વિશે કે માનવજાત વિશે કે કળા વિશે કે બીજી કોઈ પણ કહેલી વાતોમાંથી ઘણું બધું આપણને ખ્યાલ છે, એ છતાં ક્યાંક ભૂલાઈ ગયું છે. આ પત્રોમાં મતભેદ છે, પરંતુ મનભેદ નથી. દીકરીની સાઈકલથી માંડીને સ્કૂલનો પહેલો દિવસ કે સંતાનો અને મા-બાપ વચ્ચેના સંબંધો વિશે કહેલી વાતો ક્યારેક આંખનાં ખૂણા ભીંજવે છે. અમુક વખતે મને લાગેલું કે આ બાપ એ દીકરીને આઝાદી પણ આપે છે, એ સાથે જ એને બધુ જ પૂછે છે, બધુ જ સમજાવે છે, બધુ જ કહે છે, બધુ જ જાણવા માંગે છે, તુ આમ કર, મને વાંધો નથી, પણ એ પછીનું પરિણામ ભોગવવાની તૈયારી સાથે. આ પુસ્તક પૂરુ થયા પછી એ પ્રકારની અમુક વાતો મને ખૂંચેલી, પણ એ વિશે થોડુ વિચાર્યુ, એ પછી લાગ્યુ કે મા-બાપ ફક્ત સંતાનોની કાળજી રાખવા માટે કે એમની સાથે કંઈ પણ ખરાબ ન જ થાય એ માટે વધારે પડતાં સંવેદનશીલ હોય જ છે. કોઈને ભેટ આપવા માટે ઉત્તમ પુસ્તક! 



કાજલ ઓઝા વૈદ્ય

પિતા અને પુત્રી વિશેની એક નવલકથા વિશે - 

No comments:

Post a Comment