Friday, 19 May 2017

જવા દઈશું તમને - કુન્દનિકા કાપડીઆ




ક્યારેક સુખી ભૂતકાળ માત્ર યાદોમાં રહી જાય છે, એ સમય હવે વાસ્તવિકતા નથી એ વિચાર ક્યારેક ધ્રૂજારી આપી જાય છે. એક આખો સમયગાળો ખોવાઈ જાય છે અને પાછો લાવી શકાતો નથી... રહી જાય છે માત્ર યાદોમાં સચવાયેલો એ સમય, એક ભવ્ય વારસો જાણે! સ્ત્રી માત્ર 'કાર્યેષુ મંત્રી', 'કરણેષુ દાસી', 'શાયનેષુ રંભા' કે 'ભોજ્યેશુ માતા' નથી; દરેકની નાનામાં નાની ઇચ્છા પૂર્ણ કરતી ગૃહિણીની પોતાની પણ કોઈ ઇચ્છા હશે એ સમજવું જોઈએ, એને પોતાને માટે સમય જોઈતો હશે, પોતાને ગમતી પ્રવૃત્તિ કરીને મનને ઉલ્લાસથી ભરી દેવાની ઇચ્છા તેની પણ હશે એ સમજણ કેળવાવી જ જોઈએ. મા, એક વ્યક્તિ, જેની તોલે કોઈ આવી શકતું નથી, જે આકરી કસોટીઓ પાર કરીને પણ સંતાનનું સુખ કે ખુશી જ ઇચ્છે છે. એક લાગણી, જેને અનુભવીને લાગે કે માત્ર પોતાની જ એ લાગણી છે, તમને ખ્યાલ હોય કે અનુભવવાની વાત તો દૂર રહી પણએ લાગણીને સમજી શકે એવી પણ ખૂબ ઓછી વ્યક્તિઓ મળશે. પરંતુ એ પ્રકારની લાગણીઓને પણ ક્યારેય ઓછી ન આંકવી જોઈએ, કારણ કે જેનાથી શાંતિ અનુભવાય છે તે લાગણી એક સ્વર્ગ સમાન છે, એ કોઈ બીજી વ્યક્તિ સમજે કે નહીં પણ આપણે પોતે તો એ સમજવું જ જોઈએ, ફક્ત પોતાને માટે. વૈજ્ઞાનિક આંટીઘૂટી અને આમ જ થઈ શકે અને આમ નહીં, એ પ્રકારની વાતોની અંદર આપણે ક્યાંક નિર્દોષતા ખોઈ દીધી છે, વૃક્ષોનાં પાન, વહેતું પાણી, અનુભવી શકીએ તેવો પવન એ બધી વાતો પુસ્તકોમાં જ રહી જાય એ પહેલા ક્યારેક તેને માણી લેવી જોઈએ... ક્યારેક સામેનું પાત્ર કોઈ ચોક્કસ ઢબ કે રીતથી વર્તે તો એને વિશેષણો લાગી જાય છે, એ વ્યક્તિ કેમ એ પ્રકારે વર્તે છે, એ સમજ્યા વિના કે એના મનની વાત જાણ્યા વિના એને ધુત્કારવા લાગીએ તો એ સંબંધની અંદર ડંખ લાગી જાય છે. નાનપણમાં કરેલી એક ભૂલ જ્યારે સમજાય છે ત્યારે પસ્તાવો જરૂર જ થાય છે, જો અજાણતા કે જાણીને કે અણસમજુ અવસ્થાને કારણે કરેલી એ ભૂલનું ખરાબ પરિણામ કોઈ બીજી વ્યક્તિએ આખી જિંદગી ભોગવ્યું એ જાણીએ તો ચોક્કસ જ પારાવાર ખેદ થાય છે. ભાષા જ આપણી સમૃધ્ધિ છે, જે લોકોને પોતાની ભાષા પર ગૌરવ નથી તે લોકો જીવનમાં ઘણી વસ્તુઓ ચોક્કસ જ ગુમાવે છે. કુદરતની સમીપ લઈ જનાર વૃક્ષો કે પંખીઓ ક્યારેક જાગૃત અવસ્થામાં રહેલી જીવતી જાગતી વ્યક્તિથી વધારે આનંદ આપે છે. વર્ષો સુધી જે એક પરંપરા જળવાઈ રહી હોય એ ધીમે ધીમે જો લુપ્ત થવા લાગે તો ક્યારેક દિલની અંદર શૂળ ભોંકાય છે, પરંતુ નવી ઢબ સાથે ટેવાઈને જીવનને તો અપનાવવું જ રહ્યું. જ્યારે કોઈ મિત્ર પાસે ન હોય, ત્યારે તમે ખુદ પણ તમારા એક મિત્ર જ છો, કારણ કે ક્યારેક અમુક વ્યક્તિઓને જિંદગીમાંથી જવા દેવી પડે છે!

કુન્દનિકા કાપડીઆનો વધુ એક વાર્તાસંગ્રહ વાંચ્યો, એમની વાર્તાઓની અંદર મુખ્યત્વે તત્વજ્ઞાન, પ્રકૃતિ અને માનવજીવન હોય છે. ટૂંકી વાર્તામાં હોય તેવા રોમાંચનાં તત્વો, આગળની પળે શું થશે તે જાણવાની ઉત્કંઠા જગાડનાર શબ્દો, અમુક વેધક સવાલો અને ક્યારેક વિચારશીલ કરી મૂકે તેવો અંત તો ક્યારેક મન આનંદથી ભરાઈ જાય તેવી કેટલીક પળો, આ બધી જ વસ્તુઓ તેમનાં લેખનમાં આલેખાયેલી જોવા મળે છે, કેટલાક ખૂબ ગમી ગયેલા વાક્યો...

*******************************

બંગલાની પાછળના ભાગમાં એક લાકડાનો બાંકડો હતો. પાનખરની મૃદુ બપોરે તે એ બાંકડા પર લાંબો થતો. તેના પર ઝીણાં મોટાં સૂકાં સોનેરી પાંદડાં વરસતાં. એ વખતે તેને અવર્ણનીય સુખ થતું. માથા પર ફેલાયેલી વાંકી કાળી નિષ્પર્ણ ડાળીઓ વચ્ચેથી તે સ્વચ્છ ભૂરા રંગનું આકાશ જોયા કરતો; અને કોઈએ તેને ત્યારે પૂછ્યું હોત કે સ્વર્ગ ક્યાં છે? તો તે કહેત કે અહીં, આ બાંકડા ઉપર. 
(પૃષ્ઠ - ૨)
વાર્તા - ભર્યું ઘર

*******************************

આ શિયાળાની સહેજ થથરતી નમતી બપોરે નર્યા એકાન્તની સોનેરી હૂંફ ઓઢી અવકાશ, કેવળ અવકાશ અનુભવવાનું... મનને સાવ નીરવ કરી દઈ દરિયા ભણી મીટ માંડી રહેવાનું, પોતાની અંદરના ખોવાઈ ગયેલા અવકાશનો, દરિયાની વિશાળતા ને અસીમતામાંથી ફરી એક સૂર શોધી લેવાનું...
(પૃષ્ઠ - ૧૬)
વાર્તા - અવકાશ

*******************************

શરદઋતુની સફેદ રાતોનું આકાશ જોઉં છું ત્યારે મને મારી મા સાંભરે છે. તે એવી હતી : એવી સ્વચ્છ, એવી વિશાળ, એવી પારદર્શક - અને એના વાત્સલ્યમાં ક્યાંક રહસ્યમયતાનો ભૂખરો રંગ; જે સમજી ન શકાય અને છતાં તેથી એના હૃદયની પારદર્શકતામાં બાધા ન આવે.
(પૃષ્ઠ - ૧૭)
વાર્તા - મારી મા

*******************************

વતનનાં મહોરતાં મેદાનો વચ્ચે જે કાંટો પગમાં લાગ્યો હતો, તેનો ડંખ ભૂંસી નાંખવા માટે હું અહીં પાછો આવ્યો હતો. આ સફેદ રેતી અને ડહોળા પાણીવાળા દરિયાના કાંઠે, જ્યાંથી સઢવાળાં વહાણને સરી જતાં મેં જોયાં હતાં. પણ આજે મને સરુની સળીઓ વચ્ચે ગૂંથાતા પવનમાં શોકના સ્વર સંભળાયા.
(પૃષ્ઠ - ૭૬)
વાર્તા - સજા

*******************************

ઘટાદાર વૃક્ષનાં ખરી પડેલાં પાનને લીધે વચ્ચે ખાલી પડેલી જગ્યામાંથી દેખાતા દીવાના પ્રકાશમાં મેં તે બન્નેને એકમેકનો હાથ પકડીને રસ્તા પરથી જતાં જોયાં અને મને લાગ્યું કે તેમની પીઠ પરથી જીવનની તાજગી ટપકી રહી છે.
(પૃષ્ઠ - ૮૪)
વાર્તા - પ્રેમ કરતાં કંઈક વધારે...

*******************************

ચંપાની ડાળથી અડધી ઢંકાઈ જતી બારીની પાળી પર તેણે હારબંધ કોડિયાં મૂક્યાં, લેન્ટર્ન પેટાવ્યાં અને નળ સહેજ ખુલ્લો મૂક્યો જેથી તેમાંથી પથ્થર પર પડતું પાણી એક મંજુલ ધ્વનિ રચી રહે.
(પૃષ્ઠ - ૧૪૯)
વાર્તા - દિવાળીના દીવા

*******************************

તે અને તેનો પતિ પૂનમ હોય ત્યારે ઘણી વાર લોનાવલા ચાલ્યાં જતાં. ત્યાં એકાંતમાં 'સ્વપ્ન' નામનું, સૌંદર્યપ્રેમી પ્રવાસીઓ માટેનું એક 'ગેસ્ટ હાઉસ' હતું. બેઠા ઘાટનું નાનકડું મકાન. ઉપર નાનકડી એક ઓરડી, જેને ચારે તરફ ઉપરથી નીચે સુધી કાચની બારીઓ. પૂનમના ચંદ્રને ઊગતો જોવા માટે જ તેઓ જતાં. પૂર્વ દિશામાં ખડકોની એક આખી હારમાળા હતી, તેની પાછળથી ચંદ્ર જરા મોડો ઉપર આવતો. તેઓ શાંત, સ્થિર, એકાગ્ર થઈને બેસતાં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્પંદન ગ્રહણ કરતાં. રાહ જોતાં એક ચિર-પરિચિત છતાં ચિર-આહ્લાદક પ્રકાશ-દર્શનની. ધીરે ધીરે ખડક પાછળથી એક રતૂમડી આભા દેખાતી. પછી એક ચમકતી શ્વેત કિનાર. તેના ને તેના પતિના હાથ અનાયાસ મળી જતા, આનંદની એક સમાન અનુભૂતિમાં સાથે હોવાના વિશ્વાસમાં.
(પૃષ્ઠ - ૨૨૪-૨૨૫)
વાર્તા - જવા દઈશું તમને...

*******************************




No comments:

Post a Comment