Tuesday, 4 April 2017

ઈમ્તિયાઝ અલીની ફિલ્મોમાં વપરાયેલો 'પાઇલ ઓન' રૂઢિપ્રયોગ



ઈમ્તિયાઝ અલીની ફિલ્મો મારે માટે ખાસ રહી છે. અમુક લોકો કહે છે કે એ હાલનાં ડિરેક્ટર્સમાંથી 'લવ ગુરુ' છે અથવા એ અત્યારનાં સમયની સૌથી સારી 'લવ સ્ટોરીઝ' બનાવે છે. પરંતુ, મારુ માનવું છે કે પ્રેમ સિવાય પણ એમની ફિલ્મોની અંદર ઘણી બીજી વાતો હોય છે. આજે મારે વાત કરવી છે, એમની ફિલ્મોની અંદર વપરાયેલ એક અંગ્રેજી રૂઢિપ્રયોગ 'પાઇલ ઓન' વિશે. મેં જ્યારે 'લવ આજ કલ' જોઈ ત્યારે મને એ વસ્તુ સમજણ નહોતી પડી. કારણ કે એનો અર્થ એ વખતે હું શોધી નહોતો શક્યો. પણ, અત્યારે મને એ સમજાયું છે કે એ પુનરાવર્તન પામેલી એક પેટર્ન છે, જે એમની બીજી બે ફિલ્મોમાં પણ પછીથી વાપરવામાં આવી. કદાચ એ રૂઢિપ્રયોગ એમની માટે ખાસ છે. 'પાઇલ ઓન' રૂઢિપ્રયોગનાં ઘણા અર્થ છે, ભાર લાદવો, ખડકવું, વગેરે. એમાંથી જે એક અર્થ એમની ફિલ્મોનાં દ્રશ્યોમાં સૂચિત થાય છે એ છે કોઈની પર બોજ બનવું.

Courtesy - http://idioms.thefreedictionary.com

'લવ આજ કલ' ફિલ્મની શરૂઆતમાં જઈ (સૈફ અલી ખાન) અને મીરા (દીપિકા પાદુકોણ) બંનેની પ્રથમ મુલાકાત જ ખૂબ રસપ્રદ છે. જઈ મીરા સાથે વાતની શરૂઆત કરે છે, એ જ વખતે કહે છે કે, "મૈં તુમપે પાઇલ ઓન નહી કરના ચાહતા,..." મીરા એને જવાબ આપે છે કે, "તો મત કરો, જબ ચાહતે નહી હો તો ક્યૂ કર રહે હો, પાઇલ ઓન, નો રીઝન?" કોઈની પણ સાથે પ્રથમ મુલાકાત થાય છે ત્યારે આપણને ડર હોય છે કે આપણે એની જિંદગીમાં પરાણે તો પ્રવેશતા નથી ને? કદાચ એવું બની શકે કે આપણને એની સાથે સંબંધ આગળ વધારવામાં રસ હોય પરંતુ સામેની વ્યક્તિને રસ ન હોય તો એ એની પર બોજ બની શકે છે, એટલે જઈ મીરાને જે વાત કરે છે, એનો અર્થ એ પ્રમાણે તારવી શકાય કે જઈ મીરાની જિંદગીમાં પરાણે બોજ બનવા ઇચ્છતો નથી. એ ક્લબમાંથી બંને નીકળે છે એ પછી પણ જઈ મજાક કરે છે, "ક્યાં મૈં પાઇલ ઓન કરના ચાહતા હૂં?" જઈને મીરા સાથે સંબંધ આગળ વધારવો છે, પણ, એની પર બોજ બન્યા વગર. 

લવ આજ કલ

હોમી અડજાણિયાની 'કોકટેલ' ફિલ્મ ઈમ્તિયાઝ અલી દ્વારા ડાયરેક્ટ નથી કરવામાં આવી, પરંતુ એની વાર્તા ઈમ્તિયાઝ અલી દ્વારા જ લખવામાં આવી છે. એ ફિલ્મમાં એક સીન છે જ્યારે મીરા (ડાયના પેન્ટી‌) લંડનમાં નવી છે અને એની જોબ નક્કી નથી, એને ખબર નથી કે એ શું કરશે આગળ, પરંતુ વેરોનિકા (દીપિકા પાદુકોણ) દ્વારા એને સહારો આપવામાં આવ્યો છે, પોતાનાં ઘરમાં આશરો આપીને. મીરાને ખબર નથી કે એની સાથે બધુ ઠીક થતાં કેટલો સમય લાગશે અને મીરા વેરોનિકાને કહે છે કે એ પ્રકારે એની પર પાઇલ ઓન નથી કરવા ઇચ્છતી. મીરા વિચારે છે કે એને લીધે વેરોનિકાને તકલીફ થશે, એ પ્રકારે એની પર એ વધારે સમય બોજ બનવા નથી ઇચ્છતી. પણ, વેરોનિકા મીરાને સમજાવે છે અને પોતાની પાસે જ રાખે છે. 


કોકટેલ

'તમાશા' ફિલ્મની અંદર કોર્સિકાથી આવ્યા બાદ તારા (દીપિકા પાદુકોણ) વેદ (રણબીર કપૂર) સાથે ગાળેલો સમય અને વેદ બંનેને ભૂલી શકી નથી. તારાને વેદનું નામ પણ ખબર નથી, તેમ છતાં એની સાથે દરેક પળમાં એ યાદો છે. તારા કોલકાતાથી દિલ્હી આવે છે ત્યારે એને એ સ્થળ મળે છે, 'સોશિયલ', જેનું નિશાન વેદ કોર્સિકામાં જે બુક વાંચતો હોય છે, (જોસેફ હેલરની કેચ 22) એ બુકની અંદર હોવાનું તારાને યાદ આવે છે. તારાને આશા જાગે છે કે વેદ એ જગ્યાએ હોઈ શકે છે, એ થોડાં દિવસો સુધી રોજ વેદની રાહ જુએ છે, અનાયાસે એક દિવસ એને વેદ મળે છે, અને થોડો સમય ખોટો ડોળ કર્યા પછી અને એકબીજાની સાચી ઓળખાણ પછી તારા વેદને કહે છે કે એને અણસાર હતો કે અહીં એ આવતો હશે, એટલે એ રોજેરોજ આવવા લાગી... તારા વેદને કહે છે કે વેદને લાગતું હશે કે એ પોતે એક 'ક્રેઝી સ્ટોકર' જેવી છે, જે પાગલની જેમ એનો પીછો કરી રહી છે, અને પછી એ કહે છે કે એ સમજે છે કે વેદની પોતાની જિંદગી છે અને એની કોઈ ગર્લફ્રેન્ડ પણ હશે, પરંતુ એ વચન આપે છે કે એ એની પર પાઇલ ઓન નહીં કરે. તારા સમજે છે કે એને પોતાને વેદ પ્રત્યે લાગણીઓ છે, પરંતુ કદાચ વેદ પોતાની જિંદગીમાં આગળ વધી ગયો હોય તો એ એની પર બોજ બનવા નથી માંગતી. વેદ જ્યારે કહે છે કે એની કોઈ ગર્લફ્રેન્ડ નથી, ત્યારે તારાને રાહત થાય છે. 

તમાશા


આપણી જિંદગીમાં પણ આ જ રીતે છે. કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઈની પર બોજ બનવા ઇચ્છતું નથી... દરેક સમજે છે કે દરેક વ્યક્તિની પોતાની અલગ જિંદગી છે, અને જરૂરત હોય ત્યારે મદદ માંગતી વખતે ઘણાને ખચકાટ થતો હોય છે. પણ, આપણે સમજીએ છીએ એનાં કરતાં કદાચ ઘણી વખત સ્થિતિ અલગ હોઈ શકે, એટલે વાત કરી લેવી કે મદદ માટે પૂછી લેવું, એ વ્યક્તિની જિંદગીમાં આપણે બોજ બનીશું એ પ્રકારનો સંકોચ રાખ્યા વગર આપણી વાત રજૂ કરી દેવી, પછીની સ્થિતિ વિશે પછી વિચારણા થઈ શકે. 

ફક્ત એમ જ - ત્રણેય સીનની અંદર દીપિકા પાદુકોણ છે. ત્રણમાંથી બે ફિલ્મની અંદર હિરોઈનનું નામ 'મીરા' છે, મીરા કૃષ્ણની દીવાની, જે કૃષ્ણ પર કોઈ જ પ્રકારનો બોજ બન્યા વિના એમની ભક્તિ અને પ્રેમમાં મગ્ન રહેતી હતી! 

No comments:

Post a Comment