Friday, 31 March 2017

મારા અનુભવોમાંથી કશુંક જ્ઞાન
જો તમે તમારી જિંદગીનો અડધોથી પોણો કલાક આ પોસ્ટને આપી શકવાનાં હો તો જ વાંચવા વિનંતી, વાંચતા ગમે ત્યારે હસવું આવે કે વધારે પડતું લાગે તો મહેરબાની કરીને બંધ જ કરી દેવું. આ બધી વાતો ક્યારેક આગળ પાછળ થશે અથવા નહીં સમજાય એમ પણ બને. પરંતુ કંઈક તો જરૂર મળશે આ પોસ્ટમાંથી. તમે કદાચ વિચારતાં હશો અત્યારે (અથવા મનમાં હસતાં પણ હશો) કે આ દરરોજ ફેસબુક પર ફિલ્મો કે પુસ્તકો કે સંબંધો વિશે કંઈકને કંઈક લખીને શેર કરતો છોકરો અમને જિંદગી વિશે શું સમજણ આપશે, પરંતુ તમે મારા વિશે નિર્ણય ન બાંધી શકો, મારા જૂતાની અંદર પગ નાખશો તો ખૂંચશે જ, મેં વિચાર્યુ કે મારે શું કામ કોઈને શિખામણ આપવી જોઈએ, એવી તો કોઈ જરૂરત પણ નથી. પરંતુ આ શિખામણ નથી. ફક્ત થોડીક વાતો છે જે મારે કહેવી છે જેનાથી કોઈ એક વ્યક્તિને પણ જો ફાયદો થશે તો હું ખૂબ ખુશ થઈશ. મારા મિત્રો મને ઘણીવાર કહેતા હોય છે કે હું એમને થોડુંક જ્ઞાન વહેંચુ, (અથવા એ લોકો મજાક કરતાં હોય તો મને ખ્યાલ નથી) તો આ રહ્યુ કંઈક. 

ક્યારેય કોઈની સરખામણી એમ કરીને ન કરવી કે આ તો આમ જ છે, આગળ ઉપર કહ્યુ એમ એ વ્યક્તિનાં પગની સાઈઝ તમારા જેવી નહીં જ હોય, તો એના જૂતા તમે પહેરશો તો ખૂંચશે જ, એણે કેવો રસ્તો કાપ્યો છે, શું મુશ્કેલીઓ વેઠી છે એ જાણ્યા વગર કોઈની જિંદગી વિશે મત ન બાંધી લેવો. આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની સાથે એ પ્રકારની ઘટનાઓ ઘટી હોઈ શકે કે એ લોકો કોઈને કહી પણ ન શકે. ક્યારેક ઘણી એવી વાતો હોય છે જે વ્યક્તિ ફક્ત પોતે જ જાણતી હોય છે. રોજબરોજ જીવવા માટે સંઘર્ષ કરતાં ઘણા લોકોની જિંદગી એવી હોય છે કે એની આપણને કલ્પના પણ ન થઈ શકે. આપણે દરરોજ નિરાશ કે દુ:ખી થઈ જઈએ ત્યારે એમ વિચારી શકાય કે આપણા જેવી જિંદગી જીવવા માટે ઘણા લોકો તરસતાં હોઈ શકે. 


જિંદગીમાં ખૂબ લોકો તમારી મજાક બનાવશે, પછી એ જ લોકો તમે થોડાંક આગળ વધશો એટલે તમારુ કામ હશે, ત્યારે તમારી પાછળ આવશે, એવા લોકોથી ખૂબ ખૂબ દૂર જ રહેજો, એમની સાથેનો સંબંધ જિંદગીમાં તમને કંઈ જ નહીં આપે. એ જ રીતે તમારા સપનાઓની મજાક કરનારા અથવા તમે એમ કહો કે મારે આ કરવું છે એ વખતે તમારો ઉત્સાહ ભાંગી નાખનારા લોકોથી પણ દૂર જ રહેવું. 


ક્યારેય પણ ખરાબ સમય આવશે, એવું લાગશે કે આ મારી સાથે જ કેમ, એ પ્રકારનો વખત દરેકની જિંદગીમાં આવે છે, આવી ગયો હોય તો પણ ફરી આવી શકે, નહીં આવ્યો હોય તો પણ આવી શકે, એ સમયે ફક્ત એટલું જ યાદ રાખજો કે આ સૌથી ખરાબ થયું, આનાથી ખરાબ હવે થઈ જ ન શકે, એટલે હવે સારુ જ થશે. કારણ કે રાત પછી સવાર પડશે જ. 'હેરી પોટર સીરિઝ' લખનાર જે. કે. રોલિંગનો એક સરસ ક્વોટ છે, જે આલ્બસ ડમ્બલડોરનું પાત્ર કહે છે, જેનો અર્થ કંઈક એ પ્રમાણે છે કે ગમે તેટલા ખરાબ અંધકારમય સમયમાં પણ ખુશી શોધી શકાય જો તમે ખુદ દીવો પ્રગટાવશો કે પ્રકાશ ફેલાવશો. એ પ્રકાશ તમે ખુદ પોતે જ છો, તમારી સમસ્યાઓમાં લોકો તમારી સાથે રહી શકશે, પણ એનો સામનો તો ખુદ કરવો જ પડશે.

ખૂબ ઓછા લોકોને તમારા દિલની વાત કહેજો, જેમની પર ભરોસો કરી શકો એમને જ. પણ, તમને લાગે કે તમારા અનુભવમાંથી કોઈ વ્યક્તિ શીખશે તો એને જરૂર પોતાની વાત કરજો, કોઈનો ભરોસો ન તોડશો, કોઈ સામેવાળું એ સંબંધને નિભાવે છે, તમારી માટે કંઈક કરે છે, તો તમે પણ એની માટે કંઈક કરજો. એક અજાણ્યું બાળક ક્યારેક તમારી સામે મલકાઈને તમને જે ખુશી આપશે, એ તમે દુનિયાનાં કોઈ પૈસાથી નહીં ખરીદી શકો, અથવા ઋતુનો પહેલો વરસાદ કે પહેલું ફળ અને તમને ગમે છે એ પ્રકારની કોઈપણ નાની ચીજ. એ બધુ જ માણી લેજો. 

ક્યારેક એવું બનશે કે તમે સારુ રાખશો એ વ્યક્તિ તમને સારુ નહીં રાખે, તમે બધાનું દુ:ખ વહેંચી લેતાં હશો તો પણ તમને ખૂબ ઓછા દુ:ખ વહેંચનારા મળે એમ પણ બને, પણ, મળશે જરૂર. ક્યારેય કોઈ બે વ્યક્તિનાં સંબંધથી ઈર્ષ્યા ન પામશો. ક્યારેય કોઈ વ્યક્તિનો દેખાવ કે એણે પહેરેલાં કપડાંને આધારે એ વ્યક્તિ વિશે નિર્ણય ન બાંધી લેવો. જિંદગીમાં એવો સમય જરૂર આવશે જ્યારે તમને અહેસાસ થશે કે એ બધુ કંઈ જ મહત્વનું નથી. જિંદગીમાં થોડાંક એવા લોકો જરૂર મળશે જેમની પર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકશો, એ પ્રકારના લોકોને તમારી નજીક રાખજો અને પોતાને ભાગ્યશાળી સમજજો જો એ પ્રકારનાં લોકો તમારી જિંદગીમાં હોય, એમને ક્યારેય તમારી જિંદગીમાંથી દૂર ન થવા દેશો. આસપાસ કચરાટોપલી શોધીને કચરો કચરાપેટીમાં જ નાખવાનું શીખજો, કારણ કે તમે ગમે ત્યાં ફેંકેલો કચરો તમારાથી ઓછું શિક્ષણ ધરાવતી વ્યક્તિ ઉઠાવે છે, અને એ સાબિત કરે છે કે સમજણ શિક્ષણથી વધારે મહત્વની છે, જ્યાં ત્યાં કચરો ફેંકતા લોકોનાં શિક્ષણની તો કોઈ જ કિંમત નથી. 


જિંદગીમાં તમને જે ગમતું હોય તમે કરી જ લેજો, કંઈક તો એવું હશે જ જે તમે ફક્ત તમારે માટે કરશો, સંગીત, ચિત્રકળા, લેખન, ડાન્સ, સારુ સારુ જમવું, ફરવા જવું, જે પણ ઇચ્છા થાય એ. નહીં તો છેલ્લે ફક્ત પૈસા રહી જશે અને કદાચ સમય નહીં હોય. નજીક ગમતી વ્યક્તિ નહીં હોય કે એ સંબંધ નહીં હોય, ત્યારે નહીં ગમે. તો માફી માંગવાનું મન થાય તો પણ માંગી જ લેવી. એનાથી તમે નાના નહીં થઈ જાઓ. ક્યારેક રડી લેજો, આંસુ ન રોકશો, છોકરાઓ કે પુરુષો ન રડે એવું કોઈ જ પુસ્તકમાં લખ્યું નથી. આમ કરાય અને આમ ન કરી શકાય એવું કહેનારાઓ પાસે નિયમોની ચોપડી માંગજો, એમને ખુલ્લો પડકાર ફેંકજો અને તમારી જિંદગી તમારી મરજી પ્રમાણે આરામથી જીવજો, ભરપૂર જીવજો. 

No comments:

Post a Comment