Wednesday, 19 April 2017

ઉનીશે એપ્રિલ (૧૯૯૪)બાળપણમાં જ્યારે પૂરી સમજ નથી હોતી ત્યારે મનમાં રહી ગયેલી કેટલીક વાતો મોટા થયા પછી પણ મનમાંથી નીકળી શકતી નથી. નાની વયે પોતાના પિતા ગુમાવી ચૂકેલી અદિતિ (દેબશ્રી રોય) મોટી થઈને પોતાની માતા સરોજિની (અપર્ણા સેન) સાથે મનભેદ રાખીને ફરે છે, કારણ કે એને લાગે છે કે એની નૃત્યકાર મા કારકિર્દીને કારણે ક્યારેય એને સરખો સમય જ આપી શકી નહીં. પરંતુ મા પાસે પણ પોતાના કારણો છે. ઓગણીસમી એપ્રિલ અદિતિનાં પિતાની પુણ્યતિથિ છે, કદાચ એ દિવસે મા એ વાત ભૂલી ગઈ છે. અદિતિ નાની નાની વાતોમાં ગુસ્સે થઈને એ દિવસે નિરાશ થઈ રહી છે. એનો ગુસ્સો, આંસુ, મા સાથેની આશરે બે દાયકાની ફરિયાદો; આ બધાની વાર્તા માંડતી ફિલ્મ એટલે રિતુપર્ણો ઘોષની 'ઉનીશે એપ્રિલ'. એ વર્ષે બે રાષ્ટ્રીય પુરસ્કારો (શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેત્રી-દેબશ્રી રોય) જીતેલી આ ફિલ્મ ભાવનાઓ અને સંવેદનાઓને રોજબરોજનાં જીવન સાથે વણીને અલગ જ સ્તરે લઈ જાય છે.
પિતાની જેમ ડૉક્ટર બનેલી અદિતિ કહે છે કે એ હમેંશાથી ડૉક્ટર બનવા ઇચ્છતી હતી. પરંતુ એ જ અદિતિ પોતાના પ્રેમી સુદીપ (પ્રોસેનજીત ચેટર્જી) માટે બધુ જ છોડવા તૈયાર છે, કારણ કે એ સતત પ્રેમ ઝંખે છે. એને ડર છે કે નાનપણમાં રોજ પોતાની કારકિર્દી માટે એને છોડીને જતી માતાની જેમ સુદીપ પણ એને છોડી દેશે, એટલે એ વાતવાતમાં એને કહે છે કે એને છોડીને ન જાય. નાનપણની યાદો સમાન ફોટોગ્રાફ્સ પાથરીને બેસવું, વાતવાતમાં બચપણ યાદ કરવું જેવી બીજી ઘણી વાતોથી સાબિત થાય છે કે અદિતિ એ બધી જ સારી અને ખરાબ યાદો સાથે જ લઈને ફરે છે, દરેક પળે. મા એ દિવસે વિખ્યાત પુરસ્કાર જીતી છે એ વાતની દેખાવ પૂરતી ખુશી દર્શાવીને અદિતિ કહે છે કે આ એની માતાએ જીતેલો પહેલો પુરસ્કાર નથી, આ પહેલા જીતેલા બીજા પુરસ્કારો વિશે એ જ્યારે હોસ્ટેલમાં હતી ત્યારે ફક્ત છાપામાં વાંચતી એ વખતે જ એને ખ્યાલ આવતો હતો. મા અને દીકરી વચ્ચે સતત તણાવ છે. એકબીજાને ખરાબ ન લાગી જાય એ માટેની સતત કાળજીઓ ધરાવતી બંને સ્ત્રીઓ જ્યારે દિલ ખોલીને એકબીજાની સાથે વાત કરે છે ત્યારે બે દાયકાનો બંધાઈ રહેલો ડૂમો છૂટી જાય છે, સંતાડેલો માતૃપ્રેમ દેખાઈ આવે છે અને રોકી રાખેલા આંસુઓ છલકાઈ જાય છે.

મીણબત્તીને જોઈ રહેલી અદિતિનો સીન હોય કે પ્રેમી સાથે દિલ ખોલીને વાતો કરતી હોય એ વખતે કે સ્ટૉર રૂમમાં સંતાડેલું જૂનું પરફ્યૂમ મળી આવે ત્યારે યાદ આવી જતી એ સમયની યાદો વિશેની ફરિયાદો, બધા જ પ્રકારનાં સીન્સમાં દેબશ્રી રોયનો અદ્વિતીય અભિનય. એ જ રીતે દીકરી સામે ભૂતકાળની વાતો મૂકતી કે પોતાની કારકિર્દી અને અંગત જીવન વિશે વાતો કરતી માતા તરીકે અપર્ણા સેનનો પણ અજોડ અભિનય. રિતુપર્ણો ઘોષની આ બીજી જ ફીચર ફિલ્મ હતી! પોતાની ભાષા પર ગૌરવ હોય એવા ખૂબ જ ઓછા લોકોમાં રિતુપર્ણો ઘોષનો સમાવેશ કરી શકાય, કારણ કે એમણે ફક્ત બે જ ફિલ્મો હિન્દી અને એક અંગ્રેજી ભાષામાં બનાવી હતી. બાકીની ફિલ્મો પોતાની માતૃભાષા બંગાળીમાં... આવી અજોડ ફિલ્મો બનાવનાર રિતુદા આશરે ચાર વર્ષ પહેલાં આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા છે, એમની ખોટ હમેંશા રહેશે. એમના મૃત્યુ પછી શિશિર રામાવતે લખેલ ખૂબ સુંદર લેખ - મલ્ટિપ્લેક્સ: અલવિદા, રિતુદા..રિતુપર્ણો ઘોષની મા-દીકરીનાં સંબંધોને વાચા આપતી એક બીજી ફિલ્મ વિશે મારી પોસ્ટ - તીતલી (૨૦૦૨)

No comments:

Post a Comment