Wednesday, 23 November 2016

પ્રિય નીકી - ચંદ્રકાંત બક્ષી



ચંદ્રકાંત બક્ષી મારા પ્રિય લેખક છે અને રહેશે, મોટા ભાગના લોકો કહે છે કે એમને વાંચ્યા પછી બીજા કોઈ લેખક પસંદ પડતા વાર લાગે છે, અને હું ટોટલી સહમત છું. ગુજરાતી સાહિત્ય વાંચતો થયો છું ત્યારથી એમને વાંચ્યા છે મેં અને હજુ પણ વારંવાર વાંચુ છું. આ નોવેલ પણ મેં ત્રીજી કે ચોથી વાર ગયા વીકેન્ડમાં વાંચી અને એના વિશે લખવાથી પોતાની જાતને રોકી શકતો નથી. 

રૂપ પોતાના પંચાવનમાં જન્મદિવસે ઉદાસ છે, નિરાશા ઘેરી વળી છે એને. પત્ની તક્ષશિલા છ વર્ષ પહેલા એને છોડીને લંડન જતી રહી છે, રૂપ મુંબઈના ઘરમાં રહે છે ૨૬-૨૭ વર્ષની દીકરી ધરતી ઉર્ફે નીકી સાથે. બાપ એને લગ્ન માટે દબાણ કરતો રહે છે પણ પોતાના પણ ચાલ્યા જવાથી ડેડી એકદમ જ એકલા થઈ જશે એ બીકે એ હા જ પાડતી નથી, અને એ પોતે પણ એક ઉચ્ચ કંપનીમાં એક્ઝિક્યૂટિવ છે એટલે લગ્ન માટે એ કોઈને ગમે તેમ હા પાડી શકે પણ નહીં. રૂપનો ભાઈ એને સૂચવે છે થોડા દિવસ હવા ફેર માટે અને કાકાના સજેશનથી નીકીને આવે છે લંડન ટ્રીપનો વિચાર. શું થાય છે જ્યારે એક વિખરાયેલું કુટુંબ વર્ષો પછી મળે છે એ આખો હાર્દ છે આ નવલકથાનો. 

બક્ષી મને હમેંશા પોતાના લાગ્યા છે, એમના શબ્દો, સ્થિતિ, ડાયલોગ્સ એટલું સહજ આવી જાય છે કે વચ્ચે વચ્ચે એમનાં ઉર્દૂ, ઈંગ્લિશ કે બીજી ભાષાના શબ્દો પણ પોતાના લાગે છે. આ નોવેલમાં એમના લગ્ન વિશેના વિચારો, સાથે રહેવાથી જીવી જવાતી જિંદગી, એકલતાનું દુ:ખ, લંડનનું વર્ણન, પતિ-પત્ની વર્ષો પછી મળે તેમ છતાં અકબંધ રહેલી લાગણીઓ, મા દીકરીને વર્ષો પછી મળે એટલે ડેઈલી લાઈફમાં આવતો ચેન્જ, પ્લેનની સફરની એકદમ નાનામાં નાની વાત; એટલી વસ્તુઓ છે કે એક લાગણીઓનો સફર બની જાય છે, બક્ષીના પોતાના દિલની પણ ખૂબ નજીક હતી આ નોવેલ અને મારી પણ છે...

ચંદ્રકાંત બક્ષી



No comments:

Post a Comment