Wednesday, 23 November 2016

સદ્મા (૧૯૮૩)ખાસ્સા દિવસોથી આ ફિલ્મ જોવાની ઈચ્છા હતી, અને પછી 'ડિયર જિંદગી'માં વપરાયેલ સોંગ 'એય જિંદગી ગલે લગા લે' સાંભળ્યું; ઓરિજિનલ ગીત છે આ ફિલ્મનું અને તરત જ ફરી આ મૂવિ યાદ આવી, કાલે રાત્રે જોઈ, કહો કે અનુભવી. પહેલાં પણ એક વાર જોયેલી છે પણ મોટાભાગનાં સીન્સ યાદ નહોતાં, અને આ વખતે લાગતું હતું જાણે કોઈ અલગ જ અનુભવ થાય છે,...

યુવાન ખૂબસુરત નેહલતા કાર એક્સિડન્ટમાં યાદશક્તિ ગુમાવીને ૬-૭ વર્ષની બાળકી જેવી બની જાય છે અને એક એવી જગ્યાએ એવી સ્થિતિમાં યુવાન સોમપ્રકાશ ઉર્ફે સોમુને મળે છે જે જગ્યાએ એણે ન હોવું જોઈએ... સોમુ એને ત્યાંથી છોડાવીને લઈ જાય છે પોતાની સાથે હિલ સ્ટેશન પર જ્યાં એ જીવે છે એકલવાયું જીવન એક શાળામાં શિક્ષક તરીકેનું. સોમુ એની સંભાળ રાખે છે; એના નખરા સહન કરે છે, એનું મનોરંજન કરે છે, અને ધીમે ધીમે બંને વચ્ચે બંધાય છે એક ગાઢ સંબંધ,...યુવાન થયા પછી બચપણ જતું રહે છે, નાની નાની વાતોનો રોમાંચ થતો નથી, પહેલા વરસાદની ખુશી કે નિર્દોષ નટખટ મસ્તી ચહેરા પરથી ગાયબ થઈ જાય છે, નેહલતા ઉર્ફે રેશ્મી પોતાની સ્થિતિમાં એ બધુ મહેસૂસ કરે છે જે એક બાળક કરે છે મહેસૂસ, એક બાળક વર્તે છે એ રીતે, પણ યુવાન સ્ત્રીના શરીરમાં. વોટ અ થોટ ઈટ ઈઝ! 
એ ટ્રેનમાંથી ઉતરી દરેક ડબ્બાનાં બારણાં બંધ કરી શકે છે નિર્દોષતામાં કારણ એને એ ગમે છે, રસ્તામાંથી ગલૂડિયું ઉઠાવીને પોતાની પાસે રાખી શકે છે... અને સોમુ એની સાથે રમતી વખતે; વાતો કરતી વખતે એક બાળક જેવો બની જાય છે,... કહ્યુ છે ને કે બાળકને સમજવા બાળક થવું પડે છે એ સ્ક્રીન પર મહેસૂસ થાય છે... એની સંભાળ રાખતી વખતે, એને જમાડતી વખતે, કંઈક નવું શીખવાડતી વખતે, ધમકાવતી વખતે સોમુ એક પિતા બની જાય છે, એટલે જ આ સંબંધ એક એવો સંબંધ છે જેનું કોઈ નામ નથી. અને 'બોલીવુડ સિનેમા' માટે આ એક અલગ જ ફિલ્મ છે; ડિરેક્ટર બાલુ મહેન્દ્રની પોતાની તમિલ ફિલ્મ 'મુંડરમ પિરાઈ'ની રિમેક છે, જેનો અર્થ થાય છે બીજનો ચંદ્ર! સોમુ એક નાના હિલ સ્ટેશન પર રહે છે અને ત્યાનું વાતાવરણ સિનેમોટોગ્રાફીમાં આબાદ ઝીલાયું છે. એના ઘરની બહારની ગ્રીનરી ; ઘરની અંદરની શાંતિ, ક્યારેક અંધકાર... દરેક વસ્તુમાં આંખોને ગમે એવા દ્રશ્યો છે. એક સીન છે જેમાં સોમુ ચિંતામાં છે અને એક ઝાડ પાસે ભગવાનની મૂર્તિ સામે એ માંગે છે એને જોઈએ છે એ, એક પણ શબ્દ, એક પણ ડાયલોગ વગર. માત્ર આંખો અને દિલનો સીધો સંવાદ. સાડી પહેરીને આવતી નેહલતાનો સીન, સોમુ પાસે પોતાને ગમે તેવા નાટક કરાવતી નટખટ બાળકી એકદમ નેચરલ અને સ્વીટ લાગે છે! હાલરડું ગાઈને સૂવડાવતો સોમુ અને એની લાગણીઓ 'સૂરમયી અખિયો મેં' ગીતમાં સુંદર રીતે વ્યક્ત થઈ છે... ફિલ્મનો સૌથી અસરકારક સીન છે 'ક્લાઈમેક્સ'... 'બોલીવુડ સિનેમા'માં મોટેભાગે નથી હોતો એવો આ સીન ઘણાં લોકોને ફિલ્મ પૂરી થયા પછી જોરદાર અસર કરે છે. અને એ તમારી સાથે રહે છે ફિલ્મ પૂરી થયા પછી પણ. શ્રીદેવી અને કમલ હાસન બંનેએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે, ઉત્તમ, એક્સેલન્ટ બધા જ એ શબ્દો અહીં હું એમના માટે વાપરી શકું છું... કોઈ પણ કલાકાર માટે ૬-૭ વર્ષની બાળકી જેવો રોલ એ સૌથી મુશ્કેલ હોઈ શકે જે શ્રીદેવીએ પાત્રના ગુસ્સા, નારાજગી, ભોળપણ અને જીજીવિષાથી જીવંત કર્યો છે, એ જ રીતે કમલ હાસનની કમાલની એક્ટિંગ છે, ઘણી બધી વાર માત્ર એમની આંખો જ બોલે છે, અને સમજાઈ જાય છે ખુશી, દર્દ, આંસુ અને બધી જ પરિસ્થિતિ જે પાત્રના ભાગે આવી છે. 
પડોશી નાનીના પાત્રમાં લીલા મિશ્રાનો સપોર્ટ ઈફેક્ટ આપે છે. એ જ રીતે સોમુના બોસની પત્નીના રોલમાં સિલ્ક સ્મિથાએ સેન્સેશનલ એક્ટ કર્યુ છે, એને સોમુ ગમે છે પણ સોમુ વફાદાર છે કોઈ પણ કમિટમેન્ટ વગર નેહલતાને. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે એક પણ વસ્તુ બિનજરૂરી નથી, એટલિસ્ટ મને તો ન લાગી, જ્યારે પણ એમ થાય છે કે આમ કેમ એની થોડી વાર પછી કઈ પણ સમજૂતી વગર આગળના સીનમાં કે પછીના સીનમાં એ વાત સમજાઈ જાય છે. માનવ સંબંધોને વિસ્તારપૂર્વક સમજાવતી આ ફિલ્મ જો તમે 'સિનેમા લવર' હો તો ચોક્કસ જ જોવી જોઈએ.

No comments:

Post a Comment