Monday, 21 August 2017

અ ડેથ ઇન ધ ગંજ



આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ નથી.

નાતાલ પછી નવા વર્ષની ઉજવણી માટે કેટલીક વ્યક્તિઓ ભેગી થાય છે, મૈકલુસ્કીગંજ (ત્યારે બિહાર, અત્યારે ઝારખંડ) નામની જગ્યાએ. ફિલ્મની વાર્તા આ વ્યક્તિઓની સાથે એક અઠવાડિયામાં થયેલી ઘટનાઓ અને પરિવારની સાથે થતી એક કરુણાંતિકા પર આધારિત છે. પ્રખ્યાત અભિનેત્રી કોંકણા સેન શર્માની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ તેણીનાં પિતાએ લખેલી ટૂંકી વાર્તા પર આધારિત છે. વિવિધ ફિલ્મ સમારોહમાં ગયા વર્ષે રજૂ થઈને આ વર્ષે જૂન મહિનામાં ખૂબ મર્યાદિત થિયેટર્સમાં આ ફિલ્મ રજૂ થઈ. આ પ્રકારની ફિલ્મ કદાચ ખૂબ જ અલગ પ્રકારનાં દર્શકો માટે છે, ઉપરાંત ફિલ્મ અંગ્રેજી અને બંગાળી ભાષામાં છે. વિવિધ પ્રાદેશિક ભાષાનાં બે-ત્રણ ગીતો ધરાવતી આ ફિલ્મમાં 'બોલીવુડ' પ્રકારનું કોઈ જ ગીત નથી, આ ફિલ્મને 'બોલીવુડ' કહેવી પણ ન જોઈએ, કારણ કે ફિલ્મ હિન્દીમાં પણ નથી.

રોમાંચકારી (થ્રિલર) ફિલ્મ તરીકે રજૂ થયેલ આ ફિલ્મ મૂળભૂત રીતે પાત્રોની ઝીણવટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક પણ વ્યક્તિનાં અભિનયમાં ક્યાંય કોઈ જ કચાશ નથી. ફિલ્મનાં ઘણા દ્રશ્યોમાં પાત્રોનાં ચહેરાનાં હાવભાવ તેમજ આંખો વાત કરે છે. ગુલશન અને તિલોત્તમા શોમેનો યુગલ તરીકેનો અભિનય, રણવીર શોરેનું આડંબર સાથેનું પૌરુષ, કલ્કિની સુંદરતા અને આંખોથી વાત કરતું પાત્ર, જિમ સર્ભનો મોહક દેખાવ, આર્યા શર્માની આઠ વર્ષની નિર્દોષતા તેમજ પીઢ કલાકારો ઓમ પુરી અને તનુજાનો અભિનય, બધી જ વસ્તુઓ એકદમ લાજવાબ અને વાસ્તવિક લાગે છે. પરંતુ ફિલ્મમાં સૌથી વધારે પ્રભાવ છોડે છે, મુખ્ય પાત્ર ભજવનાર વિક્રાંત મેસ્સી. ગજબ! આ મુખ્ય પાત્રની આંખો ઘણી વાતો કહે છે, જે કોઈ જ સમજી શકતું નથી. આંતરરાષ્ટ્રીય ફિલ્મો જોવા માટે ટેવાયેલ લોકો જ આ પ્રકારની ફિલ્મ પચાવી શકે, કારણ કે ફિલ્મ જોયાં પછી એક ઉદાસી ઘેરી વળશે. 



દિગ્દર્શક કોંકણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મમાં ઘણી વાતો તેમનાં પોતાનાં બાળપણ જેવો અનુભવ આપે છે. જૂનો સમય, એ વખતનું વાતાવરણ, ઢળતી સાંજ, ઘરનો વરંડો, રજાઓ માણવા આવેલ વ્યક્તિઓનો ઉત્સાહ, આ પ્રકારની બધી જ વાતો ખૂબ જ સુંદર રીતે કેદ થઈ છે. એ જ ઇન્ટરવ્યૂમાં કોંકણાએ કહ્યું હતું કે ફિલ્મની પ્રેરણા પાછળ તેમનાં બાળપણની સાથે સાથે પિતાએ લખેલી એ વાર્તા, ફિલ્મ 'પિકનિક એટ હેંગિગ રોક' અને મહાન બંગાળી દિગ્દર્શક સત્યજીત રેનાં પાત્રોની છણાવટે મોટો ભાગ ભજવ્યો છે... સત્યજીત રેની ફિલ્મ 'અરણ્યેર દિન રાત્રિ' કલકત્તાની ભૌતિક જિંદગીથી કંટાળેલા મિત્રો થોડા દિવસ માટે પલમાઉ જંગલમાં રોકાય છે તેની વાર્તા માંડે છે, એ લોકો બીજી વ્યક્તિઓને મળે છે, ઘટનાઓની એક શ્રેણી સર્જાય છે. એ જ રીતે કોંકણા સેન શર્માની ફિલ્મ 'અ ડેથ ઇન ધ ગંજ' નવા વર્ષની ઉજવણી માટે ભેગા થયેલ પરિવાર અને મિત્રોની વાર્તા માંડે છે, ફિલ્મનાં અમુક પિકનિકનાં દ્રશ્યો પણ 'અરણ્યેર દિન રાત્રિ' ફિલ્મની યાદ અપાવે છે.   

અ ડેથ ઇન ધ ગંજ


પિકનિક એટ હેંગિગ રોક

અરણ્યેર દિન રાત્રિ



એ વ્યક્તિ જે દરેક વ્યક્તિની મદદ કરે છે, તે મોટેભાગે લોકોનો પ્રેમ ઝંખે છે. પરંતુ ખૂબ ઓછા લોકો એ વાત સમજી શકે છે અને ખૂબ જ ઓછા લોકો એ પ્રકારની વ્યક્તિની લાગણીઓ સાથે જોડાઈ શકે છે. જે વ્યક્તિ તેનો ભૂતકાળ છોડવા માંગતો નથી, તે વ્યક્તિ ભાવનાત્મક રીતે એ જ જૂનો સમય પણ ઝંખે છે. જૂની વ્યક્તિઓને વારંવાર યાદ કરવી, જૂની ચીજવસ્તુઓ વાપરવી, જૂની યાદો તાજા કરવી, અમુક જૂની વાતો પર પસ્તાવો વ્યક્ત કરવો, આ બધી વાતો લાગણીશીલ વ્યક્તિ માટે જીવન જીવવાનું માધ્યમ છે. તેની સાથે જ સમાજનાં અમુક લોકો માટે આ પ્રકારની વસ્તુઓ મજાકનું એક માધ્યમ પણ છે. કારણ કે સમાજ અને અમુક વ્યક્તિઓ દરેકને એક ડબ્બામાં બંધ કરી દે છે, અમુક નિયમો આપી દે છે, આમ કરી શકાય, આમ ન કરવું જોઈએ, નહીં તો લોકો આમ વિચારશે. આ પ્રકારની વસ્તુઓમાં જે વ્યક્તિને લાગે છે કે તેનાં વિચારોને કોઈ સમજી શકતું નથી, તેવી વ્યક્તિ એકલી થઈ જાય છે. કારણ કે લાગણીશીલ વ્યક્તિઓને ઘણા લોકો મૂર્ખ અને પાગલ પણ સમજે છે. આ વાત આપણે જે સમાજમાં રહીએ છીએ તેનો જ એક ભાગ રજૂ કરે છે અને આ કોઈ જ નાની વાત નથી. લોકોને સમજવાનો પ્રયાસ કરો, કદાચ એમ પણ બની શકે કે જે વ્યક્તિ સૌથી શાંત છે તેની પાસે કહેવા માટે ઘણી વાતો હોય. 

સંબંધિત પોસ્ટ -




No comments:

Post a Comment