Saturday, 3 June 2017

અનૂરનન (૨૦૦૬)



ક્યારેય લીલા ઘાસના મેદાનોની વચ્ચે ઠંડો વાયરો વાતો હોય ત્યારે મનપસંદ ગીત ગાયું છે? વાદળોની વચ્ચેથી સૂર્ય છુપાઈને ફરી દેખાતો હોય એવી એક સાંજે ત્યાં કોઈ ગમતી વ્યક્તિ પણ તમારી સાથે એ મનપસંદ ગીત ગાય એ અનુભવ કર્યો છે? એ પ્રકારનો અનુભવ કરવાની ક્યારેક ઇચ્છા થઈ આવે છે? વર્ષો પછી વહેલી સવારે જૂના શહેરની હવાને પોતાના ફેફ્સામાં ભરી છે? કોઈ જગ્યાએથી સ્થળાંતર કરો ત્યારે તમને સામાન સાથે એ જગ્યાની યાદો પણ ભરી લેવાનું મન થયું છે? ક્યારેય કોઈ પહાડની પાછળ આથમતો સૂર્ય અને ઉદય થતો ચંદ્ર જોવાની ઇચ્છા થઈ આવે છે? ક્યારેય એમ થાય છે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથેનાં સંબંધમાં રૂપક બને છે? એ પ્રકારે ક્યારેય અનુભવ કર્યો છે કે આ અજાણી વ્યક્તિ સાથે થોડોક સમય ગાળીને મને મારા નજીકનાં લોકો પ્રત્યે વધારે પ્રેમ છલકાઈ આવ્યો, એ નજીકનાં લોકોની કિંમત વધારે સમજાઈ? આ સવાલોમાંથી કોઈ એક સવાલનો જવાબ પણ જો હા હોય તો આ ફિલ્મ તમારી માટે છે. 





વર્ષ ૨૦૧૬ની બહુચર્ચિત ફિલ્મ 'પીંક' જેણે બનાવી હતી, તે ડિરેક્ટર અનિરુધ્ધ રોય ચૌધરીની આ પ્રથમ ફિલ્મ. તેઓએ 'પીંક' બનાવી એ પહેલા બંગાળી ભાષામાં જ ફિલ્મો બનાવી હતી. તેમની આ પછીની ફિલ્મો 'અંતહીન' અને 'અપરાજિતા તુમી' પણ મેં જોઈ છે. અદ્વિતીય! માનવીય સંબંધોનાં તાણાવાણાને જીવનની નાનામાં નાની અનુભૂતિ સાથે જોડીને તેમણે ખૂબ જ સુંદર ફિલ્મો બનાવી છે. અનૂરનનનો અર્થ થાય છે અનુનાદ એટલે કે પડઘો. તમને ક્યારેય એમ થયું છે કે હું જે કહી રહ્યો છું તે અમુક લોકો સમજી શકતાં જ નથી? અને પછી એક દિવસ કોઈ એક વ્યક્તિ તમે એ પ્રકારની વાતો કહો, ત્યારે તમારી સાથે સંમત થાય તો? એ વ્યક્તિનાં જીવન વિશેનાં મૂલ્યો પણ તમે જે વિચાર કર્યો હોય એ પ્રકારે જ હોય તો? ક્યારેય કોઈ ખરાબ પરિસ્થિતિમાં મૂકાઈ જાઓ ત્યારે વિચાર્યુ છે કે જે વ્યક્તિ એ ખરાબ પરિસ્થિતિ માટે દોષિત જણાઈ રહી છે, એ કદાચ દોષિત હોય જ નહીં! ફિલ્મની વાર્તા પણ કંઈક એ પ્રકારે જ છે. વાર્તા છે બે યુગલ રાહુલ (રાહુલ બોઝ) અને નંદિતા (રિતુપર્ણો સેનગુપ્તા) તેમજ અમિત (રજત કપૂર) અને પ્રીતિ (રાઇમા સેન) અને એ લોકોની જિંદગી વિશે. (ચારેય મુખ્ય પાત્રો ભજવનાર કલાકારોનાં નામ પણ 'ર' પરથી છે, એ પણ એક પ્રકારનો અનુનાદ જ ન કહી શકાય?!) જ્યારે આ ચાર લોકોનો એકબીજા સાથે સંપર્ક વધે છે ત્યારે દરેકની જિંદગીમાં થોડોક બદલાવ આવે છે. એ વર્ષે શ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતેલી આ ફિલ્મ વિશે મોટાભાગનાં ક્રિટિક્સે ખરાબ રિવ્યૂ આપ્યો હતો. પણ, મને એટલી પાક્કી ખાતરી છે એ લોકોને ફિલ્મમાં સમજણ નહીં જ પડી હોય! કારણ કે ઘણી વાતો કહ્યા વિનાની છે, ઘણી વાતોનાં જવાબ છેક અંત સુધી પણ મળશે જ નહીં. જીવન વિશે હજુ પણ થોડીક વધારે સમજ કેળવાય, એ પછી હું આ ફિલ્મ ફરીથી જોવાનું ચોક્કસ પસંદ કરીશ. એકલતા, ઉદાસી, કવિતાઓ, કોઈ એક નાની વાતને કારણે થતી ખુશી, કુદરતી સૌંદર્ય અને જીવન વિશેનાં અમુક પ્રશ્નો,... આ બધા વિષયો તમને ગમતાં હોય તો ચોક્કસ જ તમે આ ફિલ્મ જોઈ શકો છો... ફિલ્મની અંદર અનુનાદની સાથે ઉડાન ભરવી પણ એક રૂપક છે. સમાજનાં નિયમોથી દૂર ક્યાંક ઊડી જઈએ એ ઇચ્છા ખૂબ જ ઓછા લોકોને નહીં થતી હોય! 



No comments:

Post a Comment