Monday, 30 January 2017

ઉડતા પંજાબ - ડ્રગ્સ, ભય અને પ્રેમનું આશાસ્પદ સંગીતઉડતા પંજાબનો મ્યુઝિક આલ્બમ વર્ષ ૨૦૧૬નાં સારા આલ્બમમાં જરૂર મૂકવો જોઈએ, આ ગીતો ફિલ્મ સાથે જોડાય છે, ફિલ્મની અંદર અનુભવ આપે છે અને ઘણે અંશે ફિલ્મની વાર્તાને આગળ પણ વધારે છે. અમિત ત્રિવેદીએ ખૂબ સરસ રીતે મેચ અપ કર્યુ છે, કારણ કે અહીં રોક વર્ઝન પણ છે અને ધીમા ગીતોની સાથે સાથે રોમેન્ટિક ટ્રેક પણ. બધા લિરિક્સ અને એનાં મતલબ સાથે હું આ પોસ્ટ નથી લખતો. પણ, ફક્ત અમુક શબ્દો અને ફિલ્મની સ્થિતિ વિશે લખું છું.

ફિલ્મ વિશે લખેલી પોસ્ટ અહીં:

આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે. 

ચિટ્ટા વે

ચિટ્ટાનો મતલબ થાય છે ડ્રગ્સ, આ ગીત ડ્રગ્સ કરનારાઓને કેવો અનુભવ થાય છે એની સાથે સાથે ડ્રગ્સની ખરાબ અસર પર પણ ફોકસ કરે છે. ફિલ્મની શરૂઆતમાં જ આ ગીત આવે છે અને ડ્રગ્સ કરનારને પોતે જ સર્વશક્તિમાન હોય તેવો અહેસાસ થાય છે, એ માટે શબ્દો છે:
મુઝે જ્ઞાન ન પીલાના, મૈં હું અંતર્યામી

આ સાથે સાથે આપણે લોકોને જુદી જુદી જગ્યાઓએ વિવિધ ડ્રગ્સનો નશો કરતાં જોઈએ છીએ, અને એ માટે શબ્દો આવે છે:
હૈ વાદિયો મેં, શાદિયો મેં, મરઘટો મેં યે...  
ડ્રગ્સ એટલી હદ પાર કરી ગયું છે કે એ લગ્નમાં તો ઠીક પણ સ્મશાનમાં પણ લેવાય છે એ તથ્ય ઉજાગર કરે છે ઉપરની લાઈન, અને પછી સમજાવે છે કે બધી હદો પાર કર્યા પછી પહેલાં મજા અને અંતે મોત.
હદે ઔર સરહદે સારી પાર કર ગયા,
પહેલે મઝા ઔર ફિર મઝાર કર ગયા...

આ ગીતની સાથે સાથે સ્ક્રીન પર આપણે ચાર પાત્રોને મળીએ પણ છીએ. અને પંજાબની સ્થિતિ સાથે એ લોકોની સ્થિતિ જાણીએ છીએ. અને છેલ્લી લાઈન છે, પીલે પતંગો મેં ઉડતા પંજાબ
પીળો રંગ ખુશી અને શક્તિની સાથે કાયરતા પણ સૂચવે છે, ડ્રગ્સ કરવાથી મળતી અલ્પ ક્ષણોની ખુશી અને પોતાની સમસ્યાથી ભાગવા માટે નશો કરવો એ કાયરતા છે એ આ શબ્દો સૂચવે છે. 
ઉડ દા પંજાબ

અંદર દા કુત્તા અજ કઢિયે
અગ દુનિયા પેટ્રોલ ચલ સુટ્ટિયે 

ટોમીની બર્થડે પાર્ટીમાં લોકો ભેગા થયા છે અને એ લોકો નશો કરે છે અને એમને એમ છે કે આ જ જીવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે અને એમાં જ એ લોકોને ખુશી મળે છે. એ લોકોને એમ છે કે પોતાની અંદરનો કૂતરા જેવો સ્વભાવ બહાર કાઢી દુનિયાને પેટ્રોલ છાંટીને સળગાવીએ! અહીં ફરીથી 'ઉડ દા પંજાબ' નશામાં ચૂર હોવા માટે છે. 

ડા ડા ડસ્સે


આ ગીત આ આલ્બમનું મારુ ફેવરિટ ગીત છે, જેલમાં ટોમીની ભય પામેલી આંખો પછી આપણે અરીસામાં "મેરી જેન"નો ચહેરો જોઈએ છીએ, એ વિચારે છે કે કદાચ એને મળેલું ડ્રગ્સનું પેકેટ વેચીને એનો સારો સમય આવશે. આ ગીતના શબ્દો ભય માટે છે અને આ ગીત પછી "મેરી જેન"ની થનારી હાલત પણ સૂચવે છે. 

રાત દી ગલ સુનિયો સુનિયો રે (૨)
કોઈ ના ચાર ચુફેરે
પીછે ના મુડિયો મુડિયો રે (૨)
રાતા દે કાળે કાળે ચહેરે 
ડર ડા ડા ડસ્સે વે
ઔર મંઝિલ હસ્સે વે

"મેરી જેન" અંદરથી ડરે પણ છે એની પોતાની સ્થિતિ માટે, આપણે એના ચહેરા પર સારા સમયની આશા સાથે થોડી ક્ષણો પછી એનો ભય પણ જોઈએ છીએ. 'કોઈ ના ચાર ચુફેરે' શબ્દોનો મતલબ થાય છે આસપાસ કોઈ ન હોવું. આ પાત્ર એકલું જ છે, એને કોઈનો સાથ નથી. રાતનો કાળો રંગ ડર માટે છે. ડર લાગે ત્યારે મોટેભાગે આપણે પાછળ ફરીને જોતા નથી, એને ડર લાગે છે અને મંઝિલ હસે છે એનો મતલબ છે એ જે કામ કરવા જઈ રહી છે એ કદાચ પૂરુ ન થાય.
ચિટ્ટા

આ એક ઓરિજિનલ પંજાબી ગીત છે જગ્ગી સિધુ નામનાં ગાયકનું, આ ગીત અમિત ત્રિવેદીનું કંપોઝ કરેલું નથી અને આ ફિલ્મ માટે એ લોકોએ લાઈસન્સ અને કોપીરાઈટ સાથે યુઝ કર્યુ છે અને છેલ્લે ક્રેડિટ્સમાં લખ્યું પણ છે. આ ગીત ફિલ્મમાં એ વખતે આવે છે જ્યારે ટોમી "મેરી જેન"ને શોધવા માટે નીકળે છે, ટોમી કોઈની લિફ્ટ લીધી હોય છે એ વાહનમાં હોય છે અને "મેરી જેન" એને બીજા લોકો દ્વારા પાડવામાં આવેલી ડ્રગ્સની આદતોમાંથી છૂટવા માટે પ્રયત્નો કરે છે. આ લિરિક્સનું મને ભાષાંતર નથી મળતું, પણ સાંભળવામાં અને ફિલ્મની અંદર ખૂબ સરસ અહેસાસ આપે છે! 

આ સિવાય એક વખત "મેરી જેન" કોઈક લાઈન ગાતી હોય છે અને સબટાઈટલ્સમાં એનો મતલબ એવો થાય છે કે મા મને ઘરથી આટલે દૂર કેમ મોકલી છે? 

ઈક કુડી

આ ગીતના લિરિક્સ શિવ કુમાર બટાલવી નામનાં પંજાબી કવિની કવિતા પરથી લીધેલા છે. એમને ૧૯૬૭માં એમની રચના 'લૂના/લૂણા' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 

ટોમી "મેરી જેન"નું નામ જાણતો નથી, જો કે એ પાત્રનું સાચું નામ કોઈ જાણી શકશે નહીં. ટોમી એને શોધવા માંગે છે, અને એનાં વર્ણનમાં આ શબ્દો વપરાયા છે. એને મોહબ્બત સાથે સરખાવી છે. એના વર્ણનમાં આગળ શબ્દો છે: 'સાડ મુરાદી, સોહણી ફાબટ, ગુમ હૈ' મતલબ કે એક સાદી, સરળ અને સુંદર છોકરી ગુમ છે. 'સૂરત ઉસ દી, પરિયા વરગી, સીરત દી ઓ, મરિયમ લગદી'  ચહેરાથી એ પરી જેવી લાગે છે અને એની આત્મા મરિયમ જેવી છે. અહીં મધર મેરીનો ઉલ્લેખ છે. 
આ ગીતમાં આપણે સરતાજની પ્રીત તરફની લાગણીઓ વિશે પણ જાણીએ છીએ. આ સરતાજનાં પ્રીતની 'પ્રીત' તરફનાં ઝુકાવનાં લક્ષણો છે! બંનેની આંખો વાતો કરે છે.
વદિયા

આ ગીત ફિલ્મની અંદર સહેજ વખત માટે જ આવે છે જ્યારે ટોમી પોતાના રોક કોન્સર્ટ માટે સ્ટેજ પર આવે છે, એની પહેલા એણે ડ્રગ્સ કર્યુ છે અને આ ગીત પણ ડ્રગ્સ લીધા પછીની અસર માટે છે. એ નશો કરનારને એમ છે કે પવન જેવા અહેસાસ સાથે ઉડવાનો આભાસ થયો અને એને ખૂબ સરસ લાગી રહ્યુ છે, 'બઢિયા' એટલે કે 'ખૂબ સરસ' માટેનો પંજાબી શબ્દ 'વદિયા' છે. 
હસ નચ લે

આ ગીત જે થઈ ગયું એ ભૂલીને જિંદગીમાં આગળ વધવાની શિખામણ આપે છે, આલિયા ભટ્ટનાં પાત્ર "મેરી જેન" વિશે ખાસ કહીએ તો એની સાથે જે થયું એમાં એનો કોઈ વાંક નથી, જે એની સાથે થવાનું હશે એ થયું જ. પણ, એમાંથી બહાર આવી છે એ. 

બૈઠા મદારી તુ ગગન મેં,
બંદા જમુરા મગન હૈ

ભગવાનને મદારી સાથે અને માણસને વાંદરા સાથે સરખાવીને અહીં કહેવાયું છે કે દરેક કણ કણમાં ભગવાન છે: હર શેહ મેં અલ્લાહ-હુ

હસ નચ લે, હસ નચ લે, જિંદ મેરિયે

જે બની ગયું છે એ ભૂલીને જિંદગીને માણવાની શિખામણ આપે છે આ લાઈન. 

લગિયા નઝર ઉતારા વે
કાલી કાલી મરચા વારા વે

જ્યારે કંઈક ખરાબ થાય ત્યારે એ માણસની નજર ઉતારવાનો રિવાજ છે, મરચા અને લીંબુ માથે ફેરવીને, જે વસ્તુ થઈ ગઈ છે એ ફરી ન થાય એ માટે. 

હો ખુદ સે રૂબરૂ
મન દર્પણ તક લે તુ
ગલ પલ્લે બન લે તુ
હર શેહ મેં અલ્લાહ-હુ

તુ પોતાની જાત સાથે વાત કર, તારા દિલની અંદર ઝાંખ અને એક વાત ગાંઠ બાંધી લે કે દરેક કણ કણમાં ભગવાન છે! જિંદગી વિશેની સૌથી મોટી શિખામણ! 

No comments:

Post a Comment