Thursday, 1 December 2016

કપૂર એન્ડ સન્સ (૨૦૧૬)



કુટુંબ ક્યારેય પરફેક્ટ નથી હોતું, કુટુંબમાં સમસ્યાઓ હોય છે, ઝઘડા હોય છે, નારાજગી હોય છે, યાદો હોય છે, ગેરસમજો હોય છે. પણ, એ ઘર જ્યાં પરિવાર છે ત્યાંનો દરેક ખૂણો હૂંફ આપે છે, પ્રેમ આપે છે, અને એ વીતેલા દિવસો જ્યારે વર્ષો પછી યાદ આવે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે. આ કુટુંબમાં પણ દરેકની કંઈક અલગ સમસ્યા છે, ભૂતકાળ છે, સિક્રેટ છે, પસ્તાવો છે, ખેદ છે. એ બધાંની સાથે સૌથી મહત્વની યાદો છે, જેને એ લોકો દસ કરોડમાં પણ વેચવા નથી માંગતા... 

દાદા (અમરજીત) (રિશિ કપૂર) સૌથી ઘરડા છે ફેમિલીમાં પણ સૌથી ખુશ એ રહે છે, અને જિંદગી પૂરી રીતે માણી લેવાની શિખામણ આપે છે એમનું પાત્ર. એ એક્ટિંગ કરતાં રહે છે મરવાની, બધાંને સતાવવા માટે, કારણ કે એમણે એમની જિંદગી ભરપૂર જીવી છે. ખાલી છેલ્લી બે ઈચ્છા છે મરતાં પહેલાં કારણ કે એમને એમ છે કે હજું જિંદગી બાકી છે...

દીકરો હર્ષ (રજત કપૂર) પોતાનો બિઝનેસ સેટ કરવા મથતો રહે છે, પણ પૈસાની તંગી રહે જ છે, જેની પહેલાં એમની નોકરી હતી બેંકમાં, હર્ષની પત્ની સુનીતા (રત્ના પાઠક શાહ) પણ પોતાનો કેટરિંગ બિઝનેસ ચાલુ કરવા માંગે છે અને એણે પૈસા પણ બચાવ્યા છે, હર્ષ અને સુનીતાનો મોટો દીકરો રાહુલ (ફવાદ અફઝલ ખાન) સફળ નોવેલિસ્ટ છે અને એની નવી નોવેલ માટે અંત શોધે છે, નાનો દીકરો અર્જુન (સિધ્ધાર્થ મલ્હોત્રા) પણ લખે છે અને એની નોવેલ પર કામ ચાલુ છે... દરેકે પોતાની અલગ જિંદગી બનાવી લીધી છે, એક નાની દુનિયા બધાંની અલગ અલગ, જ્યાં ખુશ રહેવાના ભરપૂર પ્રયત્નો કરે છે દરેક જણ, પણ દિલની એકદમ અંદર દરેક સભ્ય કંઈકને કંઈક સંઘરીને બેઠું છે અને બધાં એક સાથે એક છત નીચે આવે છે ત્યારે સહન કરી શકતાં નથી એકબીજાને.




પોતાના નજીકનાં લોકો ભૂલ કરતાં હોય છે પણ એમને માફ કરી દેવાનાં હોય છે, દરેકને કંઈક કહેવું હોય છે, પોતાની સમસ્યાઓ ઘણી વાર પરિવારનો સભ્ય સમજી શકશે કે નહીં એ ડરે આપણે શેર કરતાં નથી. આપણે વાતાવરણ બનાવવું પડે છે જ્યાં દરેક પોતાની વાત મૂકે અને અભિપ્રાય આપી શકાય, તો ફેમિલીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરી શકાય.  

''There is a way to be good again..." - Khaled Hosseini, The Kite Runner




હર્ષ અને સુનીતા એકબીજાની સાથે વાત કરે છે એક રાતે ફેમિલી ગેધરિંગ પછી એ સીન બહું જ ટચી છે, સુનીતા પૂછે છે કે શું એ લોકો બધું ભૂલીને ફરીથી ખુશ ન થઈ શકે અને હર્ષ જવાબ આપે છે કે આપણે પ્રયત્ન કરી શકીએ. સુનીતા કહે છે કે સવારમાં નશો ઉતરી જાય એ વખતે વાયદામાંથી ફરી ન જતાં! બીજા ઘણાં ક્રિટિક્સની જેમ મારુ પણ માનવું છે કે કાશ આ બંને પાત્રોને થોડી વધારે સ્ક્રીન સ્પેસ આપી હોત, એ બંનેની ઉપર એક આખી બીજી ફિલ્મ બની શકે એટલો રસપ્રદ છે એમનો સંબંધ! 




કુટુંબમાં મોટે ભાગે એક સંતાન બીજાથી વધારે વહાલું હોય છે અને બીજું પોતાની જાતને લો ફીલ કરવા લાગે છે, એ ફીલિંગ બાળકોમાં ચડસાચડસી, અદેખાઈ પેદા કરે છે. પેરેન્ટસ દરેકની અલગ ઓળખ છે એવું સ્વીકારે તો એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય. આ બધાંની સાથે ટિયા (આલિયા ભટ્ટ) એકદમ અલગ છે જેને પણ પોતાનાં રિગ્રેટ્સ છે, અલગ જ અનુભવો છે, જે આ લોકોની સાથે જોડાઈને નવું શીખે છે. પ્રેમનો પાયો વિશ્વાસ છે, નવો સંબંધ જૂઠ્ઠાણાંને આધારે શરૂ નથી કરી શકાતો.  



કુનૂરની ખૂબસુરતી, ઘરની અંદરનું અંધારુ, વરસાદ બધું જ બહુ રસપ્રદ છે. અને એ સિનેમટોગ્રાફીમાં આબાદ ઝીલાયું છે, ફિલ્મમાં ઘણી બધી વાર ચહેરા પરનાં ક્લોઝ અપ સીન્સ; આઈ જસ્ટ લવ્ડ ધેમ! બંને ભાઈઓ વર્ષો પછી એક રૂમ શેર કરે છે એ સીન પહેલાંની જેમ નજીક આવી શકાય છે એ બતાવવા માંગે છે, દરેક જણ પોતાનું સિક્રેટ શેર કરે છે એ વખતે સ્ક્રીન પરનું ટેન્શન તમને ફીલ આપે છે એમના ઈમોશન્સનો. કોઈ નજીકનું માણસ પોતાની વાત કહેતું હોય ત્યારે બીજી વાતો ગૌણ બની જાય છે, ભૂતકાળનાં કેટલાક રંજ આપણે બધાં સાથે લઈને જીવીએ છીએ, પણ એક વસ્તુ સારી છે કે એ શીખવાડે છે કે હવે ફરી એવી ભૂલ નથી કરવાની. 

દરેક વ્યક્તિ જેવું છે એવું એને સ્વીકારી લેવાનું છે, કારણ કે કોઈ પોતે જેવું હોય એવું જ હોય છે, એને માટે કોઈ માફી માંગી શકતું નથી, દરેક માણસ મોટે ભાગે અફસોસ લઈને જીવે છે કે હું આવો નહીં પણ આવો હોત/આવી નહીં પણ આવી હોત; તો વધારે સારુ જીવન હોત, કારણ મારા નજીકનાં મારી સાથે વધારે સારો વ્યવહાર કરતાં હોત! પણ દરેક નજીકની વ્યક્તિની ફરજ છે કે પરિવારનાં સભ્યને સમજે, એની મજબૂરીઓ, એની લાગણીઓ, એ વ્યક્તિ કેમ એવું છે એની પાછળ કારણ હોય જ છે, પણ એવું જ એને સ્વીકારી લેવાનું છે, કારણ કોઈ એક વ્યક્તિ વિના પણ પરિવાર અધૂરો જ હોય છે, માણસોને બદલી શકાતાં નથી, સંબંધોને બદલી શકાતાં નથી, માત્ર સ્વીકારી શકાય છે. 




રિશિ કપૂરને ભાગે આવેલી રમૂજી પળો આપણને હસાવે છે, પણ સાથે સાથે પરિવારની સમસ્યાઓ વખતે એ કંઈ કરી શકતાં નથી, એ વખતનો એમનો ચહેરા પરનો રંજ એમની એક્ટિંગ સ્કિલ્સ પુરવાર કરે છે. ફવાદ ખાનની આંખો કેટલું કહે છે આપણને, એણે એનું પાત્ર જે બીજા ઘણાં એક્ટર્સે રિજેક્ટ કરેલું, કાબીલ-એ-તારીફ ભજવ્યું છે. સિધ્ધાર્થ મલ્હોત્રા પાત્રનો ગુસ્સો, એની અધૂરપ, પોતાની જાતને સતત પુરવાર કરવા મથતી લાગણીઓ નિભાવી શક્યો છે, તે જ રીતે રજત કપૂર  અને આલિયા ભટ્ટ જામે છે, એ બંને બેલેન્સ કરે છે સીન્સને, પણ એમનાં ભાગની પળો પણ એ જીવ્યા છે સરસ નેચરલી. રત્ના પાઠક શાહની એક્ટિંગ મારી પર્સનલ ફેવરિટ છે આ ફિલ્મ માટે, એમણે એક મા જેણે દીકરાઓને અને પતિને ભરપૂર પ્રેમ આપ્યો હોવા છતાં પોતે જ અધૂરી રહી છે પોતાનામાં એવી એક સ્ત્રીનું પાત્ર ખૂબ જ મેચ્યોરિટીથી ભજવ્યું છે.  

દરેક વર્ષે પડતો વરસાદ આપણી અંદર રહેલી ખરાબ લાગણીઓ પણ ધોઈ નાખવો જોઈએ. અર્જુન ટિયાને કહે છે કે એ થાકી ગયો છે પોતાનાં પરિવારથી દૂર ભાગીને અને ટિયા જવાબ આપે છે કે તો એણે પાછા આવી જવું જોઈએ, બધાં ત્યાં જ છે, જ્યાં હતાં. આપણે જાતે જ શીખી લેવાનું છે કુટુંબને પોતાની સાથે અનુકૂળ કરવાનું અને કુટુંબની સાથે અનુકૂળ થવાનું! કુટુંબની અધૂરપમાં સુખ શોધવાનું છે, ખરાબ સમયમાં એકબીજાનો હાથ પકડીને સહારો આપવાનો છે, ખુશીઓનાં સરનામાં કોઈ આપતું નથી એકબીજાને, એ આપણે જાતે જ શોધવાનાં હોય છે. 



No comments:

Post a Comment