Thursday, 1 December 2016

પોતાની જાત સાથેનો સમય
ફિલ્મ જોવા માટે એકલા જઈ શકો છો તમે? કોઈ દોસ્ત કે કોઈ પણ ફેમિલી મેમ્બર કે બીજા કોઈને પણ લીધા વિના? એકલા રેસ્ટોરન્ટમાં જમી શકો છો? બીજી જાહેર જગ્યાઓએ કે ફરવા માટે? અચ્છા, કોઈવાર ઘરનાં ધાબે એકલા બેસીને સૂર્યાસ્ત જોયો છે? જો કોઈપણ એક સવાલનો જવાબ હા હશે તો તમે જાણતા હશો કે શું કહેવું છે મારે અને જો જવાબ ના હોય તો દોસ્ત તમે ઘણું ગુમાવ્યુ છે.
સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ક્યાંય એકલી એટલા માટે નથી જતી કારણ કે લોકો વિચારશે કે ઓહ, બિચારો/બિચારી એકલો/એકલી છે! કયા લોકો છે એ જે તમારા માટે વિચારશે? ઓળખે છે એ તમને? અજાણ્યા છે ને? તો શું કામ ફર્ક પડે છે તમને એવા લોકોનાં વિચારવાથી? તમને ગમે છે તમારી જાત સાથે સમય પસાર કરવો? જો જવાબ હા છે તો બસ તમે એકલા ગમે ત્યાં જઈ શકશો, ફરી શકશો, કોઈના સાથ વગર. અને એ જરૂરી પણ છે. કારણ કે ઘણીવાર ઘણી વ્યક્તિઓને કામ હોય છે પણ એકલા જતા ડરે છે, એકલા શોપિંગ કરતા ડરે છે, એકલા નાસ્તો કરતા ડરે છે, અમુક લોકોને મેં ઘણીવાર કહેતા સાંભળ્યા છે કે મારે ફલાણી જગ્યાએ જવું હતું પણ કોઈ સાથે આવવા તૈયાર ન થયું. તો? કોઈ તૈયાર ન થાય એટલે નહીં જવાનું? અરે, એકલા જવાનું, બિન્દાસ. કોઈ તમારા જૂતા કે કપડાં ખરીદવા સાથે ન આવે તો એકલા જઈ શકાય, પોતાની પસંદ કરેલી વસ્તુ પણ ક્યારેક પહેરીને જુઓ, હમેંશા બીજા માણસનો ઓપિનિયન કેમ મહત્વનો છે? એકલા નાસ્તો કરવા કે જમવા જઈ શકાય, લોકો તમારી સામે જોશે ને મનમાં ને મનમાં તમારા વિશે વિચારશે પણ ખરા, પણ શું ફર્ક પડે છે? અમુક વાર એવું થાય છે કે આપણે કોઈ ફિલ્મ જોવી હોય અને એ ફિલ્મ કોઈને ન જોવી હોય તો એકલા આપણે ફિલ્મ જોવા જતા નથી પણ એકલા જઈ શકાય, એ ફિલ્મ વધારે એન્જોય કરી શકશો, અનુભવ કરીને પછી વિચારજો. બાજુમાં બેઠેલું કોઈ વાર મૂવિમાં કંટાળે, જો એને આપણે પરાણે મૂવિ જોવા લઈ જઈએ તો, એ આપણને પણ કંટાળો અપાવે છે, 'આઈ હેટ લવ સ્ટોરીઝ'માં પહેલી મુલાકાતમાં સિમરન અને જઈ મળે છે ત્યારે બંને એકલા આવ્યા હોય છે ફિલ્મ જોવા અને જઈ સિમરન સાથે વાતો કરવા લાગે છે અને પેલીને ગમતું નથી, કારણ એ પોતાની જાત સાથે ફિલ્મ જોવા આવી છે એકલી, અને એ જતી રહે છે સિનેમાહોલમાંથી બહાર! ઘણીવાર એકલી જોયેલી હોય એ ફિલ્મ વિશે આપણે વધારે વિચારી શકીએ છીએ, વધારે સમજી શકીએ છીએ એ ફિલ્મને! 


લોકો તમને ઘમંડી ૧૦૦% સમજવાનાં જ જો તમે કહેશો કે ના હું તો એકલો જવા માંગુ છું આ જગ્યાએ અથવા એ લોકો દયા ખાશે તમારી, પણ ઈટ્સ ઓકે! તમે ઘણું મેળવશો, તમને કોઈ રોકવાવાળું નહીં, આમ ન કરો એમ કહેવાવાળું નહીં હોય કોઈ, જો એકલા જશો ફરવા... એકલા હોઈએ એ અલગ છે અને પોતાની જાત સાથે હોઈએ એ અલગ છે, એકલતા એટલે એકલા હોઈએ પણ ન ગમે એ, અને એકાંત એટલે પોતાની જાત સાથે હોઈએ અને ગમે એ, એવું મારું માનવું છે! મને ગમે છે પોતાની જાત સાથે, કોઈ એક સાંજે ચાનો કપ હોય અને ગુલઝારનું કોઈ ગીત હોય તો મારું દિલ ખુશ થઈ જાય છે! આપણને વિચારવાનો સમય મળે છે ઘણી બાબતો વિશે... આસપાસની સ્થિતિ સમજી શકીએ છીએ, ક્યારેક પક્ષીઓના અવાજ સાંભળી શકાય છે, વાદળા ઘેરાયા હોય અને તમને પોતાની જાત સાથે ગમતું હોય તો બારી પાસે કે અગાશીમાં એકલા બેસીને અનુભવ કરી લેજો, જીવનનું સંગીત સાંભળવા મળશે. તમે છેલ્લે ક્યારે પોતાની જાત સાથે સમય વીતાવેલો? જો ન વીતાવ્યો હોય તો અને આ વાંચીને વિચાર આવ્યો હોય તો હજું પણ મોડું નથી થયું કારણ કે 'ક્વીન'માં તો એકલા પોતાના હનીમૂન પર ગયેલી રાનીને જિંદગી જડી ગયેલી! (ક્વીન (૨૦૧૪) - જિંદગી જડી જવાની પ્રક્રિયા)


અને છેલ્લે કાજલ ઓઝા વૈદ્યનાં થોડા વિચારો: 


‘વિપશ્યના’ની અધ્યાત્મિક અપલિફટિંગની પ્રક્રિયામાં મૌનનું મહત્વ સમજાવવા એક જ ઓરડામાં રહેતા બે જણાને એકબીજા સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવે છે. એક ઓરડામાં કેટલાક દિવસ સાથે રહેનારા બે જણા એકબીજાની હાજરી છતાં મૌન રહેતાં શીખી જાયે ત્યારે એમને ‘એકલતા’માંથી ‘એકાંત’ તરફ જવાની લાગણી સમજાય છે. આસપાસના લોકોથી જાતે જ અલગ થવાની શરૂઆત થાય ત્યારે એક સોલિટ્યુડનો અનુભવ થાય છે. આ સોલિટ્યુડ માણસને પોતાની નજીક લઇ આવે છે. ઘોંઘાટમાંથી નીકળીને વિચાર કરતાં શીખવે છે. માણસ વાત કરવાને બદલે વિચાર કરતો થાય છે ત્યારે એની એકલતા એકાંતમાં બદલાઇ જાય છે. પસંદ કરેલું એકાંત અને પરાણે ઠોકી બેસાડાયેલી એકલતામા ફેર છે. ઠોકી બેસાડાયેલી એકલતા આત્મહત્યાનો ધીમો ડોઝ છે, જ્યારે જાતે પસંદ કરાયેલું એકાંત વધેલા વર્ષોને આનંદથી જીવવાની જડીબુટ્ટી! 
- એકબીજાંને ગમતાં રહીએ, કાજલ ઓઝા વૈદ્ય
No comments:

Post a Comment