Monday 28 November 2016

ડિયર જિંદગી (૨૦૧૬)




લાઈફ, જીવન, જિંદગી, આયખું અને બીજા ઘણાં શબ્દો. પણ મતલબ ફક્ત એક જ; જન્મથી મૃત્યુ સુધીનો આખો સમયગાળો. ફક્ત હૈયુ ધબકતું હોય એ પૂરતું નથી. દરરોજ શ્વાસ લેવાથી જ જિંદગી જીવાતી નથી, અનુભવવી પડે છે એને, સમજવી પડે છે. હસવું પડે છે અને રડવું પણ. શીખવું પડે છે નવું નવું, ક્યારેક નિરાશ થવાય છે, ક્યારેક સફળ થવા મળે છે. પણ જીવવું તો પડે જ છે અને એ પણ દરેકને પોતાનું જ જીવન, બીજાની જિંદગી જીવી શકાતી નથી. (સિવાય કે ક્યારેક ફિલ્મ અને નવલકથાનાં પાત્રોની કલ્પનાઓ કરવાથી કે ગમતી વ્યક્તિ વિશેની ઝંખનાની ભ્રમણામાં!)






જ્યાં સુધી જિંદગીમાં ગમતું હોય એ બધું થાય ત્યાં સુધી વાંધો આવતો નથી. પણ ન ગમતું થાય ત્યારે હતાશા, ઉદાસી, ચિંતા, નિરાશા અને બીજી ઘણી ખરાબ લાગણીઓ આપણી આસપાસ દીવાલ બનાવી લે છે... આપણે અસહાય થઈ જઈએ છીએ, અમુક સ્થિતિમાં નજીકની વ્યક્તિઓ, મિત્રો, માતા-પિતા એ બધાં હોય છે આપણી સાથે, ક્યારેક ન પણ હોય. ક્યારેક બની શકે કે એકદમ લાચાર હોઈએ આપણે; એકલા અટૂલા. પણ, એ દીવાલને ભેદીને એની પેલે પાર આપણે જવું તો પડે જ છે જ્યાં નવી દિશા છે જિંદગી માટે. ત્યાં જઈને ખુશીઓ શોધવાની છે, ખરાબ લાગણીઓમાંથી બહાર આવીને બાકીનું જીવન માણવાનું છે... અને જિંદગી ચાલતી રહે છે.






જો આટલું વાંચીને કંટાળો નહીં આવ્યો હોય તો જ ‘ડિયર જિંદગી’ ગમશે. કારણ કે આનાથી પણ બીજી ઘણી વધારે ફિલૉસફી છે ફિલ્મમાં. કાયરા એક ઉભરતી સિનેમટોગ્રાફર છે, એના કામમાં એને ખુશી મળે છે અને ઘણી સારી છે એનાં કામમાં. પણ પર્સનલ લાઈફ ગૂંચવણભરી થઈ ગઈ છે અને એમાંથી બહાર નીકળવાની આખી પ્રક્રિયા એટલે આ ફિલ્મ.




નાની નાની વાતો ખુશી આપે છે એને; એ જ રીતે એટલી જ ત્વરાથી નાની નાની વાતમાં ઉદાસ થઈને ઉતાવળા નિર્ણયો લે છે એ. ઘણી વાર બને છે એવું કે ધાર્યુ હોય એ ન થાય એટલે આપણે બધાં ગુસ્સે થઈ જઈએ છીએ, શું કરવું છે એ સૂઝતું નથી, પણ સમય લેવો પડે છે વિચારવા માટે કે આગળ કઈ દિશામાં અને કેટલેક પહોંચવાનું છે; ભૂતકાળને પાછળ છોડીને...



થેરપીસ્ટ પાસે જવા માટે કે એને તમારી વાત કહેવા માટે કે મને થોડી સલાહ જોઈએ છે; પાગલ હોવું જરૂરી નથી. પણ એ વાત ગળે ઊતરવી ઘણી અઘરી બાબત છે મોટાભાગનાં લોકો માટે. ડૉ. જહાંગીર ખાન એને ‘લાઈફ લેશન્સ’ શીખવે છે અને એ વાતો સમજવી પડે છે આપણે.






એક સરસ મનગમતી કરિયર, હમેંશા ખુશ રાખવા મથતાં ફ્રેન્ડ્સ અને કાળજી લેતી કેરટેકર હોવાં છતાં કાયરા પ્રેમ શોધતી જ રહે છે, એ આસપાસ જોતી નથી કે આટલી બધી વ્યક્તિઓમાં છે જ પ્રેમ. ફિલ્મમાં એક સરસ વાત છે જે આરજે ધ્વનિતે પણ એમનાં રીવ્યૂમાં કહી... પણ મને બહું ગમી તો હું લખીશ, એમાં જહાંગીર કાયરાને કહેવા માંગે છે કે આપણી પાસે કેટલાય સંબંધો હોય છે, કોઈ ફ્રેન્ડ સાથે ફક્ત સંગીત વિશે ચર્ચા થઈ શકે છે, કોઈ ‘કોફી ફ્રેન્ડ’ હોઈ શકે, કોઈની સાથે બુધ્ધિજીવી વાતો થાય છે. પણ જ્યારે પ્રેમ, મહોબ્બતની વાત હોય છે ત્યારે એ વ્યક્તિ પાસેથી આપણે બધી આશાઓ રાખીએ છીએ, એ કઈ રીતે શક્ય છે?




સાઈકલિંગ કરતી વખતે થતી વાતો, દરિયાકિનારે સમજાવી શકાતી નાની નાની વાતો એ બધી પોતાની જિંદગી ડર્યા વિના એકદમ ખુલીને જીવવાની શિખામણો આપતી જાય છે. તૂટેલી વસ્તુઓ રિપેર થઈ શકે છે, માણસો રિપેર થઈ શકે? વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને બચપણમાં તરાવતા એ હજી ક્યારેક કરવાનું મન થાય છે? ગુસ્સે હો તો કોઈના ફોન ઉપાડવામાં કે મેસેજનાં જવાબ આપવામાં વધારે ગુસ્સો આવે છે? પેરેન્ટ્સની લગ્ન અને કરિયર વિશેની શિખામણોમાં કંટાળો આવે છે? આ બધું જ છે ફિલ્મમાં...



જ્યારથી ફિલ્મ રીલિઝ થઈ છે ત્યારથી મોટાભાગનાં ફિલ્મ ક્રિટિક્સ ડિરેક્ટર ગૌરી શિંદેની એની જ પહેલી ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ સાથે સરખામણી કરીને કહેવા લાગ્યા છે કે આ ફિલ્મ એ ફિલ્મ જેટલી સારી નથી. એ સરખામણી જ શક્ય નથી. બંને ટોપિક આખા અલગ છે, અફકોર્સ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ સુપર્બ મૂવિ હતી, અને શ્રીદેવીની ઉત્તમ એક્ટિંગ અને ગૌરીનાં અફલાતૂન ડિરેક્શનનાં કારણે લોકોને એ મૂવિ ખાસ્સી ગમેલી, પણ આ એક ‘અલગ’ ફિલ્મ છે.




આલિયા ભટ્ટની શાઈનિંગ શાઈનિંગ એક્ટિંગ છે, એની ક્યૂટનેસ, એની હોટનેસ, પાત્રની મૂંઝવણ બધું એના ચહેરાનાં હાવભાવ પર ઝળકે છે. અને શાહરુખ ખાને એવી જ એક્ટિંગમાં પૂરતો સાથ આપ્યો છે. કાશ ઈરા દુબે (કાયરાની બેસ્ટ ફ્રેન્ડ ફાતિમા), કુણાલ કપૂર, અંગદ બેદી, યશસ્વિની (કાયરાની બીજી એક ફ્રેન્ડ જેકી), અલી ઝફર, રોહિત શરાફ (કાયરાનાં ભાઈના રોલમાં) વગેરે લોકોને થોડો લાંબો રોલ મળ્યો હોત, કારણ કે બધાં પાત્રો ખૂબ જ સરસ ડેવલપ થયેલાં છે, પણ આ લોકોને ભાગે સ્ક્રીન પ્રેઝન્સ ઝાઝી નથી આવી. જો જિંદગી વિશે કંઈક નવું શીખવું હોય, જાણવું હોય તો ફિલ્મ ઉત્તમ છે! 



જો ફિલ્મ જોઈ લીધી હોય તો અહીં ક્લિક કરો: 

ડિયર જિંદગી - મારા દિમાગમાં ઉત્પન્ન થયેલું વિચારોનું વાવાઝોડું!

2 comments:

  1. જિંદગી જીવવા માટે એક વ્યક્તિ યે કેવું બનવું અથવા કેવી રીતે રહેવું એ આ મૂવી શીખવાડે છે પણ મૂવી જોવા તો જવું જ જોઇયે એવું આ બ્લોગ કહી જાય છે.

    ReplyDelete
  2. હા, બેઝિકલી મારું એ જ કહેવું છે કે જેમણે ફિલ્મ નથી જોઈ એમણે જોવી જોઈએ. પણ, ફિલ્મ ઘણું શીખવાડે છે એ બધું પણ લખવું છે મારે તો જેમણે જોઈ છે એમની સાથે ચર્ચા કરી શકું! જ્યારે લખીશ ત્યારે શેર કરીશ, તો આપણે વાત કરી શકીએ. આભાર!

    ReplyDelete