અરુણ, એક મધ્યવયસ્કી પેઈન્ટર, તેને વારંવાર તેના ભાડાના ઘર બદલવા પડે છે. એક એક્ઝિબિશનમાં તે શાઈને મળે છે, જે અમેરિકામાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે, અને હાલ રજા પર આવી છે મુંબઈ. શાઈ તેના ધોબી મુન્નાની સાથે દોસ્તી કરે છે, મુન્નાને એક્ટર બનવું છે. આ બાજુ અરુણને તેના નવા ઘરમાંથી ત્રણ વીડિયો ટેપ્સ મળે છે, જેમાંથી તેને જાણવા મળે છે યાસ્મીનની જિંદગી વિશે, જે તેની પહેલા એ જ ઘરમાં ભાડે રહેતી હતી. શું છે આ લોકોની વચ્ચે સંબંધો? શું જે એ લોકો શોધે છે, એ એમને આ મેટ્રો સીટીમાં મળશે?
મને હજુ પણ યાદ છે આ ફિલ્મ જોવા માટે હું કેટલો એક્સાઈટેડ હતો, પણ મારા નજીકનાં સિંગલ સ્ક્રીનમાં ફિલ્મ રિલિઝ નહોતી થઈ, કદાચ ઈન્ટરવલ વિનાની પહેલી બોલીવુડ ફિલ્મ હોવાના કારણે. અને એ સમયે મને ફિલ્મ જોવા નહોતી મળી. પણ હજુ મારી ડાયરીમાં એ પેઈન્ટિંગ છે જે મેં એ દિવસે દોર્યુ હતું. ફિલ્મ ફેસ્ટિવલ્સ અને ક્રિટિક્સ તરફથી ખાસ્સી સરાહના મેળવનારી આ ફિલ્મ બોલીવુડ મસાલા જોતા દર્શકોને નહોતી ગમી એ પણ મને બરાબર યાદ છે. કારણ કે આ આર્ટ હાઉસ સિનેમા છે, જે કદાચ ખરું સિનેમા છે મારા માનવા મુજબ તો.
મારી ડાયરીમાં મેં કરેલું પેઈન્ટિંગ |
બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોસથી મુંબઈ કેપ્ચર કરતી શાઈ, મુન્ના અને શાઈ વચ્ચેની અદ્વિતીય કેમિસ્ટ્રી, યાસ્મીનની ટેપ્સ જોતી વખતે અરુણનાં ચહેરાનાં હાવભાવ, આ બધું જ આ મિઠાઈના બોક્સનાં સૌથી સારા ટુક્ડાઓ જેવું છે. પોતાના વાઈનનાં ગ્લાસમાં વરસાદ ઝીલતો અરુણ, વરસાદમાં ઝૂંપડીની છત બચાવતો મુન્નો, વરસાદમાં શાઈની આંખો, અને વરસાદ વિશે વાત કરતી યાસ્મીન, વાહ વાહ!! અને ફિલ્મના લગભગ દરેક સીનમાં ચાર ચાંદ ઉમેરતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક.
મુંબઈનાં ભીડવાળા બજારો, અરુણનું ઘર, દરિયો, ધોબી ઘાટ, બધું જ ડેબ્યુટન્ટ ડિરેક્ટર કિરણ રાવે ખૂબ સરસ કેપ્ચર કર્યુ છે. બધા જ પાત્રોની રોજબરોજની ખુશી અને એકલતા જોવી એ મારે માટે ખૂબ જ સરસ અનુભવ રહ્યો.
No comments:
Post a Comment