Tuesday, 2 May 2017

અલીગઢ (૨૦૧૬) - માનવતા, નૈતિકતા અને એકલતા


હંસલ મહેતાનું ફિલ્મ 'અલીગઢ' વર્ષ ૨૦૧૬નાં શ્રેષ્ઠ ફિલ્મોની ગણતરી કરવી હોય તો હું જરૂર મૂકીશ. મનોજ બાજપેયીનાં ઉત્તમ અભિનય સાથે પ્રોફેસર સિરાસનાં જીવન પર બનાવેલી આ ફિલ્મ કળાનો એક શ્રેષ્ઠ નમૂનો છે. આ ફિલ્મ એક રીતે નૈતિકતા પર સવાલ કરે છે. સમાજનાં નિયમો અને દંભ સામે સવાલ ઉઠાવવો એ ખૂબ મોટી વાત છે. એ સાથે જ ફિલ્મની અંદર માનવતા અને એકલતા પણ વણાઈ ગઈ છે... આઠમી ફેબ્રુઆરી ૨૦૧૦નાં રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મરાઠી શીખવાડતા પ્રોફેસર રામચંદ્ર સિરાસનાં ઘરમાં બે લોકો ધસી આવ્યા, પ્રોફેસરની રિક્ષાચાલક દોસ્ત સાથેની અંગત પળોનો વીડિયો બનાવવામાં આવ્યો અને યુનિવર્સિટીમાંથી એ કારણે હોદ્દા પરથી એમને દૂર કરવામાં આવ્યા. આ સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મની અંદર એક વાત ખોટી એ છે કે, રાજકુમાર રાવે જે દીપુ નામનાં રિપોર્ટરનું પાત્ર ભજવ્યું છે, પ્રોફેસર તેને ક્યારેય રૂબરૂ મળ્યા નહોતા, એ લોકોનો ઇન્ટરવ્યૂ ફક્ત ફોન પર થયેલો. એ સિવાય ફિલ્મ પ્રમાણિતતા જાળવે છે. ફિલ્મની અંદર રહેલી કેટલીક વાતો વિશે આ પોસ્ટ...

આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે... 



દીપુ (રાજકુમાર રાવ) અને પ્રોફેસર સિરાસ (મનોજ બાજપેયી) પ્રથમ વખત મળે છે ત્યારે અશક્તિને લીધે સંતુલન ગુમાવેલા પ્રોફેસરને દીપુ સંભાળી લે છે, એમનો સામાન ઉઠાવી લે છે, એ સાથે જ એ સહારો આપીને એમને ઘર સુધી પહોંચાડે છે. દીપુનો દોસ્ત જ્યારે પ્રોફેસરને પૂછ્યા વિના એમનાં ઘરના ફોટોગ્રાફ્સ લે છે ત્યારે પણ એ ના પાડે છે અને એ પછી પણ એ જવાબ આપે છે કે પ્રસાર માધ્યમોની અંદર કામ કરતાં બીજા લોકોની જેમ એ વેચાયેલો નથી. દીપુને પ્રોફેસરની સંભાળ રાખવા સાથે કોઈ જ મતલબ ન હોવો જોઈએ, જો એક રીતે એને ફક્ત પોતાની જોબ કરવી હોય તો એણે એ કરવાની કોઈ જ જરૂર નથી. કારણ કે, સમાજમાં ઘણા લોકો માનવતા સમજી જ શકતાં નથી, એમની વચ્ચે દીપુ જેવા લોકો અલ્પ માત્રામાં જ છે. પ્રોફેસર જ્યારે એમનું બ્લડ પ્રેશર ચેક કરવા જાય છે ત્યારે એમને રાહ જોવડાવ્યા પછી પણ એ કોઈ ચેક કરી આપતું નથી. પ્રોફેસર પોતાની સાથે થયેલ ઘટનાની વાત કરે છે એ વખતે કહે છે કે એમનાં ઘરમાં ધસી આવેલા લોકો એમનાં દોસ્તને બેરહમીથી મારતાં હતા, એમને કપડાં પણ પહેરવા નહોતા દીધા. યુનિવર્સિટી તરફથી ઘર ખાલી કરવાની નોટિસ મળે છે એ વખતે પણ એમને ફક્ત થોડો સમય વીજળી મળશે એમ કહીને એમનું લાઇટ કનેક્શન કાપી લેવામાં આવે છે, જે પણ દીપુ ઠીક કરી આપી છે. આ બધી વાતો માનવતાની વ્યાખ્યા કરે છે, બુરાઈ ઉપર સારાઈને જીત મેળવતા સમય લાગશે. પરંતુ સારાઈ ધરાવતા લોકો પોતાની સારાઈ છોડશે નહીં.


માનવતા



પ્રોફેસર દીપુ સાથેની વાતચીતમાં કહે છે કે જે શહેરની મુખ્ય ભાષા ઉર્દૂ છે, ત્યાં તેઓ મરાઠી શીખવે છે, એ વાત એમની એકલતાનો સૌથી મોટો પુરાવો છે. એ સાથે જ તેઓ ઉમેરે છે કે એમને યુનિવર્સિટીની અંદર બહારનો વ્યક્તિ ગણવામાં આવે છે. ઘણી બધી વખત ભાષા અને પ્રાંતને આધારે થતો ભેદભાવ રોજબરોજનાં આપણા જીવનમાં આપણી નજર સમક્ષ બને જ છે. પ્રોફેસર દીપુને પ્રેમની પણ વ્યાખ્યા કહે છે કે લાગણીઓ છુપાવી શકાતી નથી. પ્રેમને તેઓ 'ન રોકી શકાતી ઇચ્છા' સાથે સરખાવે છે. કવિતાની સાથે પણ તેઓ પ્રેમની સરખામણી કરે છે... દીપુ પ્રોફેસરને એમની 'સેક્સ્યુઆલિટી' વિશે પૂછે છે એ વખતે તેઓ કહે છે કોઈ એમની લાગણીઓને અમુક શબ્દોમાં વર્ણવી ન શકે, એ સાથે જ તેઓ ઉપર લખ્યું એ રીતે પ્રેમને ઇચ્છા અને કવિતા સાથે સરખાવે છે. 

કોર્ટની અંદર એક સમયે વકીલ (આશિષ વિદ્યાર્થી) ભારતીય બંધારણની કલમ ૨૧ ટાંકે છે, જે મુજબ દરેક વ્યક્તિને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર છે. જે અંતર્ગત કાયદાકીય નિયમો સિવાય કોઈ પણ વ્યક્તિ કોઈ વ્યક્તિની અંગત જિંદગી વિશે કોઈ મંતવ્ય આપી ન શકે. પ્રોફેસર સાથે થયેલી ઘટના પણ એ સાથે સંબંધ ધરાવે છે, પોતાના ઘરની અંદર પોતાની અંગત જિંદગીમાં એમણે શું કરવું, કેવી રીતે રહેવું એ સાથે બીજા લોકોને કોઈ જ નિસ્બત ન હોવી જોઈએ. દીપુ અને પ્રોફેસર સાથે ભોજન લે છે એ વખતે દીપુ સમાજનાં લોકો કોઈ એક વ્યક્તિની કારકિર્દી વિશે કેવા મંતવ્યો આપે છે એ વિશે વાત કરે છે. દીપુ કહે છે કે મોટાભાગના લોકો માને છે કે ડૉક્ટર કે એન્જીનિયર બનો, નહીં તો વિદેશ જઈને પૈસા કમાઓ. એ સિવાય પણ એક રીતે ઘણા બધા વિકલ્પો છે જ, પણ એ વિકલ્પો સાથે મોટાભાગના લોકો સહમત થતાં નથી, અથવા બીજા પ્રકારની કારકિર્દી સ્વીકારનારા લોકોને ખૂબ અલ્પ લોકો પ્રોત્સાહિત કરે છે. ક્યારેક કોઈની મરજી વિરુધ્ધ પણ બીજી કારકિર્દી પસંદ કરાવવામાં આવે છે, એ પણ એક રીતે કલમ ૨૧નું ઉલ્લઘંન જ છે, પણ, એ માટે સમાજમાં કોઈ જ શિક્ષાની જોગવાઈ નથી! પ્રોફેસર દીપુને પોતાના લગ્નજીવન અંગે પણ વાત કરે છે કે તેઓ તેમનાં પુસ્તકો અને ફિલ્મી ગીતોમાં જ ખોવાયેલા રહેતા હતા અને તેમની પત્ની તેમની સાથે ન રહી શકી. એ પછી પણ પ્રોફેસર કહે છે કે એમની ઉંમરે લોકો ખૂબ એકલતા અનુભવે છે. તમે સમાજનાં નિયમો અને લોકોથી અલગ થશો એટલે આપોઆપ અલગ મહેસૂસ થવાની સાથે ક્યારેક એકલતા કોરી ખાશે, એ પણ આ વાતથી સાબિત થાય છે. પરંતુ એકલા હોવું અને પોતાની મરજીથી એકલા હોવું એ વાતોમાં ખૂબ મોટો તફાવત છે.



એકલતા

પ્રેમની વ્યાખ્યા


જીવન જીવવાનો અધિકાર

સમાજનાં નિયમો


એકલતા


કોર્ટની અંદર વકીલ (આશિષ વિદ્યાર્થી) નૈતિકતાની ખૂબ જ સરસ વ્યાખ્યા કરે છે. તેઓ કહે છે કે પાડોશીઓને બીજા કોઈ વ્યક્તિની જિંદગી કે ઘરની અંદર ઝાંખવાની કોઈ જ જરૂર નથી. કોઈ બીજી વ્યક્તિની જિંદગી સાથે કોઈને મતલબ હોવો જ શું કામ જોઈએ! તેઓ આગળ કહે છે કે શાકાહારી લોકોનાં મત મુજબ માંસાહારી લોકો અનૈતિક છે. પરિણીત લોકો કુંવારા અથવા જેમનાં છૂટાછેડા થયા છે તેમને પણ અનૈતિક માની શકે. નૈતિકતાની કોઈ સીમા નથી. દરેક વ્યક્તિ પોતાને શું કરવું છે એ જ નક્કી કરી શકે, બીજા માટે એને નિર્ણય લેવાનો કે બીજી વ્યક્તિ ખરાબ કરી રહી છે કે એણે એ ન કરવું જોઈએ એમ કહેવાનો કે એ પ્રકારનો કોઈ જ હક કોઈ બીજી વ્યક્તિને છે જ નહીં.



નૈતિકતા







પ્રોફેસરની દીપુ સાથે છેલ્લી વખત વાત થાય છે એ વખતે તેઓ દીપુનાં વખાણ કરે છે, દીપુએ એમને એટલી મદદ કરી છે, એમને સહકાર આપ્યો છે. પ્રોફેસરનાં મૃત્યુની ખબર સાંભળીને પણ દીપુ તરત પ્રતિભાવ આપે છે કે એમને કંઈક કહેવું હોત તો એને કહી શક્યાં હોત... તેઓ લાગણીને તાંતણે જોડાઈ ગયાં છે, સંબંધને કોઈ પણ નામ આપ્યા વગર. પ્રોફેસરને મૃત્યુ પછી જોઈને દીપુ બે ઘડી હેબતાઈ જાય છે એ પછી એ દોડવા લાગે છે અને યાદ કરે છે કે પ્રોફેસરે કહ્યું હતું કે નિવૃત્તિ પછી તેઓ અમેરિકામાં રહેવા ઇચ્છે છે, જ્યાં તેઓ પોતાની મરજીથી જીવી શકશે. દીપુ એ યાદ કરીને દોડે છે એ વખતે સમાજનાં નિયમો અને જૂની યાદોથી દૂર ભાગી રહ્યો છે. દરેક માણસને પોતાનાં ભાગની ખુશી અને સુખ શોધી લેવાનો અધિકાર છે એ વાત કોઈએ કહેવાની જરૂર નથી, એ પણ દરેકનો એક અધિકાર જ છે.

ફિલ્મ વિશે બીજી પોસ્ટ -




કેટલીક બીજી પોસ્ટ્સ -





મૃત્યુ

યાદો અને સમાજનાં નિયમોથી દૂર ભાગવાની મથામણ

પ્રોફેસર રામચંદ્ર સિરાસ




No comments:

Post a Comment