એકલતા અને એકાંત વચ્ચેનો તફાવત કોઈને સમજાવવો હોય તો ક્યારેક કોઈ સમજતું નથી. પરંતુ બંને એકદમ સરળ શબ્દો છે. એકાંત એટલે હું મારી સાથે છું તે, એકલતા એટલે મારુ કોઈ જ નથી. ઘણી વખત આપણે પોતાની જાત સાથે સમય પસાર કરવાની ઇચ્છા રાખીએ છીએ. પરંતુ લોકોને લાગે છે કે આ માણસ એકલો છે અથવા આ વ્યક્તિ એકલી છે, તે માટે આપણે જવાબદાર નથી, એ લોકો ગેરસમજ કરે છે. કારણ કે એકાંત એટલે પોતાની મરજી અને ઇચ્છાથી આપણે એકલા રહીએ તે. જ્યારે એકલતામાં માણસને એકલા રહેવુ ન ગમે તે, ઉદાસી સતાવે તે...
'દિલ ચાહતા હૈ' ફિલ્મનું ગીત 'તન્હાયી' એકલતાની વ્યાખ્યા કરે છે. 'લવ આજ કલ' ફિલ્મનું ગીત 'મૈં ક્યા હૂં' એકાંતની વ્યાખ્યા કરે છે, જે એકાંત પાત્રની ઉદાસીમાં પરિણમે છે. જ્યારે 'યે જવાની હૈ દીવાની' ફિલ્મનું 'ઇલાહી' ગીત આઝાદીની વ્યાખ્યા કરે છે.
ત્રણ ગીતો નીચે મૂકી રહ્યો છું, એ સાથે કેટલીક વાતો ત્રણ ગીતો વિશે...
'તન્હાયી' ગીતમાં આકાશ એકલતા મહેસૂસ કરે છે. પોતાની નોકરી પર આકાશ ખુશ નથી, શાલિની ચાલી ગઈ છે એ પછી એ મહેસૂસ કરે છે જાણે બધી જ ખુશીઓ ચાલી ગઈ છે. આકાશની એકલતા પ્રેમ અને ગમતી વ્યક્તિ પાસે ન હોવાને કારણે છે, એ સાથે જ એની પાસે પોતાનું કોઈ નથી, એ પોતાની નોકરી પણ ફક્ત કરવા ખાતર જ કરે છે. તે જ રીતે શાલિની આકાશને પ્રેમ કરે છે, પણ લગ્ન કોઈ બીજી વ્યક્તિ સાથે કરી રહી છે. આ રીતે આકાશ અને શાલિની બંને એકલતા અનુભવે છે, કારણ કે બંનેને લાગે છે કે તેમની પાસે, તેમને સમજી શકે એવી કોઈ વ્યક્તિ નથી.
![]() |
| આકાશની એકલતા |
![]() |
| શાલિનીની એકલતા |
ગીત 'મૈં ક્યા હૂં' જઇનું એકાંત દર્શાવે છે. નવી નોકરી પર જઇ પોતાની જાત સાથે સમય ગાળે છે. જઇ શરૂઆતમાં પોતાની નોકરીથી ખુશ છે, નવી હેર સ્ટાઇલ અપનાવે છે, નવા લોકો સાથે ઓળખાણ કરે છે, એ પોતાની જાત સાથેનો સમય (એકાંત) માણે છે અને ખુશી અનુભવે છે. ધીમે ધીમે પછી એ થાકેલો અને એકલો થઈ જાય છે, પહેલા દોડીને બસ પકડીને ઉત્સાહ અનુભવતો જઇ પછીથી બસમાં ચડતી વખતે જાણે પોતાની શક્તિ ખોઈ ચૂક્યો છે. 'મૈં ક્યા હૂં' આખું ગીત જઇનું એકાંત એકલતામાં ફેરવાય છે તેની વાત કહે છે. શું થશે જો તમને વર્ષોથી સ્વપ્નો સેવેલી નોકરી ન ગમે? એ મહેસૂસ થાય કે જે જૂની જિંદગી હતી એ વધારે સારી હતી, જે જિંદગી અત્યાર સુધી જીવી હતી. ગીતને અંતે જઇ એ જ હાલત સાથે દર્શાવવામાં આવ્યો છે.
![]() |
| જઇની ખુશી અને એકાંત |
![]() |
| એકાંતથી ઉદાસી તરફ |
![]() |
| ઉત્સાહથી નિરાશા તરફ |
![]() |
| રોજબરોજની જિંદગીનો થાક |
પેરિસમાં બની પોતાની રીતે આઝાદી અનુભવે છે. તે એકલો ફરી શકે છે, પોતાના શોખ પ્રમાણે તસવીરો પણ ખેંચી શકે છે. એટલે સુધી કે તેની નોકરી પણ તેના શોખ પ્રમાણે છે, જે વસ્તુ તેને ગમે છે, એ જ એની નોકરી છે. એટલે એ પોતાનું કામ કરતી વખતે પણ આઝાદ અને ખુશ છે. આ રીતે 'ઇલાહી' ગીત બનીની આઝાદી રજૂ કરે છે...
![]() |
| બનીની આઝાદી |
કોઈપણ માણસની ખોરાકની ટેવ તેની ખુશી કે દુ:ખ વ્યક્ત કરે છે, આકાશ અને જઇ ઑફિસનાં કપડામાં એકલા ખોરાક લે છે. આકાશ ઉદાસી અને એકલતા અનુભવે છે. જઇ શરૂઆતમાં ખુશ છે, જે ધીમે ધીમે નિરાશા, ઉદાસી અને ચહેરા પર કોઈ જ પ્રકારનાં ભાવ ન હોય તે સ્થિતિમાં પરિણમે છે, એકદમ આકાશની જેમ જ. જ્યારે બંનેની સરખામણીમાં બની ખોરાક લેતી વખતે એકદમ ખુશ છે, તમારા ખોરાકની અસર તમારા મિજાજ પર પડે છે, તે જ રીતે મિજાજની અસર ખોરાક પર પડે છે...
![]() |
| ખોરાક |
'તન્હાયી' અને 'ઇલાહી' બંને ગીતોમાં આકાશ અને બની સ્મશાનની મુલાકાત લે છે, આકાશનાં ચહેરા પર કોઈ જ ભાવ નથી, એ ફક્ત પોતાનાં દુ:ખની અંદર ડૂબેલો છે. બની બે પળ માટે દુ:ખ અનુભવે છે, કદાચ એ પોતાના મૃત પિતાને યાદ પણ કરતો હોઈ શકે. દિગ્દર્શક અયાન મુખર્જી જેમણે 'યે જવાની હૈ દીવાની' બનાવી છે, એમની મનપસંદ ફિલ્મ છે- 'દિલ ચાહતા હૈ' ; આ રીતે એ જ દ્રશ્યો પુનરાવર્તિત કરીને તેમણે એ ફિલ્મને બિરદાવી છે.
![]() |
| તન્હાયી અને ઇલાહી |
બની પોતાના એકાંતમાં આઝાદી મહેસૂસ કરે છે. પણ 'ઇલાહી' ગીતને અંતે કેમેરા બદલતી વખતનાં દ્રશ્યોમાં બનીની આંખોમાં ઉદાસી અને થાક વર્તાય છે, એ પણ ક્યારેક એકલતા મહેસૂસ કરે છે, આઝાદી અને એકાંત હોવા છતાં... એની જિંદગીમાં કશુંક ખૂટે છે, જે એની આંખોમાં દેખાય છે... જ્યારે અદિતિનાં લગ્નમાં બની અવિ અને અદિતિ સાથે વાત કરે છે, ત્યારે અવિ કહે છે એ લોકો હવે મિત્રો નથી. એ વખતે બનીની આંખોમાં કંઈક ગુમાવવાનો અફસોસ વર્તાય છે,... અદિતિનો વીડિયો મેસેજ આવે છે ત્યારે બનીની આંખો ચમકી ઊઠે છે...
![]() |
| બનીની આંખો |
આમ આ ત્રણ ગીતો ત્રણ પાત્રોની એકલતા, એકાંત અને આઝાદી રજૂ કરે છે... તમારી જાત સાથેનો તમારો સમય એટલે કે એકાંત એકલતામાં ન પરિણમે એ જોવાની જવાબદારી તમારી પોતાની છે!
આભાર પંકજ.
મેં લખેલી કેટલીક બીજી પોસ્ટ્સ -
Some beautiful posts by Pankaj Sachdeva











