Tuesday, 21 March 2017

યે જવાની હૈ દીવાની - વક્ત કો ગુઝરતે...અયાન મુખર્જીની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' જિંદગી વિશે કેટલીય વાતો શીખવાડે છે. આ ફિલ્મ વિશે મને લખવાની ખૂબ ઇચ્છા હતી, અને મારી ફ્રેન્ડ ભૂમિની આ ખૂબ મનપસંદ ફિલ્મ. એટલે એ વારંવાર મને કહેતી રહેતી આ ફિલ્મ વિશે લખવા માટે, હું હવે આ પોસ્ટ પૂરી કરી શક્યો છું. ફિલ્મ વિશે હજુ ઘણી પોસ્ટ્સ હું મૂકીશ. પણ, અત્યારે આ પોસ્ટ. ફિલ્મની અંદર બની (રણબીર કપૂર) પેરિસમાં પોતાની ફ્રેન્ડ રિયાના (પૂર્ણા જગન્નાથન) જ્યારે પૂછે છે કે એ શું જોઈ રહ્યો છે, ત્યારે જવાબ આપે છે કે એ સમયને પસાર થતાં જોઇ રહ્યો છે. ("વક્ત કો ગુઝરતે") સમય આપણને દેખાતો નથી, એ છતાં આપણી સાથે ને સાથે જ હોય છે. આખી ફિલ્મની અંદર સમય વિશે ખૂબ સુંદર વાતો કહેવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે સમય રોકાતો નથી, સતત જિંદગી ચાલતી રહે છે, આપણને ખ્યાલ બધી વસ્તુઓ વિશે હોય છે, પણ ક્યારેક વાત એ પ્રકારે બને છે કે સરળ રીતે સમજાવવામાં આવેલી વસ્તુ તરત જ સમજાય છે. વાત કેવી રીતે મૂકવી એ પણ ખૂબ જરૂરી છે. આખી ફિલ્મની અંદર વપરાયેલ સમયનાં સંદર્ભ અને ઉલ્લેખમાં એવી કોઇ જ વાત નથી જે વિશે આપણે અજાણ છીએ, તેમ છતાં સ્ક્રીન પર જ્યારે વાત મૂકાય છે, ત્યારે એ વાત બે ઘડી વિચાર કરવા માટે મજબૂર કરે છે. તો ફિલ્મની અંદર રહેલી સમયનાં સંદર્ભ વિશેની વાતો કરતી આ પોસ્ટ ખાસ ભૂમિ માટે, થેન્ક યુ ભૂમિ, મારા ખરાબ સમયમાં હમેંશા મને સૌથી પહેલા સાથ આપવા માટે... 

ફિલ્મની શરૂઆતમાં નૈના (દીપિકા પાદુકોણ) જૂની યાદો અને જૂનો સમય તાજા કરે છે. અદિતિ (કલ્કિ કોચલીન) લગ્ન કરી રહી છે, અને એની કંકોત્રી આવી છે ત્યારે નૈનાને એમની સ્કૂલની એ સમયની વાતો યાદ આવી જાય છે. પોતાની પાસે રહેલી બધી જૂની વસ્તુઓ પાથરીને નૈના બેઠી છે અને યાદોને મિઠાઇનાં ડબ્બા સાથે સરખાવે છે. એ સમય જે હવે પાછો નહીં આવે, પરંતુ એની ફક્ત યાદો રહેશે પાસે હમેંશા. નૈના પણ એ જ કહે છે કે વીતેલા સમયનાં નાના નાના ટુકડા યાદોમાં હમેંશા સલામત રહે છે, જૂના વીતેલા સમયની ઝંખનાની લાગણીને અંગ્રેજીમાં 'નોસ્ટેલ્જિયા' કહેવામાં આવે છે. વ્યક્તિ પોતાની પાસે રહેલી જૂના સમયની સારી યાદો યાદ કરીને ખુશ રહે છે. (મારી પાસે પણ 'યાદોનું એક બોક્સ' છે, નૈનાની જેમ. નૈનાની પાસે એની સ્કૂલની ડાયરીની સાથે બીજી નાની નાની વસ્તુઓ રહેલી છે, એ જ રીતે મારી પાસે પણ જૂના મિત્રોનાં પત્રો, કાર્ડ્સ, ગિફ્ટ્સ, કી-ચેન અને બીજી કેટલીય વસ્તુઓ પડી છે, એ બોક્સને હું ક્યારેક ખોલીને જૂની યાદો તાજા કરી લઉ છું.) નૈના જ્યારે બની (રણબીર કપૂર) સાથે પોતાના દિલની વાત કરી શકતી નથી અને એની મનાલીની મુસાફરી પૂરી થાય છે ત્યારે થોડી ઉદાસ છે. પણ નૈનાને એ વાતની ખુશી પણ છે કે એ પોતાની સાથે સારો સમય લઇ જઇ રહી છે, એ કહે છે કે 'વો દિન, વો રાતે, વો મસ્તી, વો બની'... એ યાદો અને સારા સમયને સથવારે સહારો મળી જાય છે ક્યારેક નાની નાની તકલીફોનો સામનો કરવા માટે. નૈના મનાલી જાય છે ત્યારે ખૂબ ખુશ રહેવા લાગે છે, કારણ કે એણે એ પ્રકારનો સમય ક્યારેય માણ્યો નથી, એટલે 'સુભાનલ્લાહ' ગીતની અંદર એ પ્રકારનાં શબ્દો પણ છે કે જે થઈ રહ્યુ છે એ પ્રથમ વખત જ છે. 'બલમ પિચકારી' ગીત પછી જ્યારે બની અને નૈના સાથે હોય છે ત્યારે બની કહે છે કે એ રાતની સવાર જ ન પડવી જોઇએ. ક્યારેક જિંદગીમાં એટલો સારો સમય આવે છે કે બસ એ સમયને, એ પળને, એ ક્ષણને ત્યાં જ રોકી લેવાની ઇચ્છા આપણને સૌને થાય છે. બની નૈનાની સાથે એ પળની અંદર ખુશ છે, એ સમયને એ બસ ત્યાં જ રોકી દેવા માંગે છે. જ્યારે નૈના પોતાની યાદો અને આઠ વર્ષ પહેલાની સફર વિશે ફિલ્મની અંદર વાત પૂરી કરે છે, એ પછી કહે છે કે બની એનાં સપનાઓ તરફ એટલી ઝડપથી ભાગ્યો કે આંખના પલકારામાં ગાયબ થઇ ગયો. કોઈ એટલાં નાના સમયની અંદર ગાયબ થઇ જતું નથી, પણ, આપણને લાગ્યા કરે છે કે સારો સમય ખૂબ ઝડપથી પસાર થઇ ગયો. નૈના બનીની રાહ જોતી નથી, પણ, એ બસ એ સમયને યાદ કરીને ખુશ છે, એ કહે છે કે આઠ વર્ષ વીતી ચૂક્યા છે એ વાતને અને બનીએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી કે ન એણે ક્યારેય એની રાહ જોઈ છે. સમય ચાલતો રહે છે, અને આપણે નવી વસ્તુઓ સાથે ટેવાઈ જઈએ છીએ. 

પેરિસમાં પોતાની ફ્રેન્ડ રિયાના (પૂર્ણા જગન્નાથન) સાથે વાત કરતી વખતે બની કહે છે કે કોઈ જગ્યાએ પહોંચવા માટે જૂની જગ્યાએથી નીકળવું ખૂબ જરૂરી છે, ખરા સમયે વિદાય લેવી જોઈએ, નહીં તો ફરિયાદો વધવા લાગે છે. બની 'મૂવ ઓન' થિયરીમાં માને છે. શ્રીમદ ભાગવતમમાં પણ કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જે રીતે માણસ જૂના વસ્ત્રો ત્યાગ કરી નવા વસ્ત્રો ધારણ કરે છે તે જ રીતે આત્મા પણ જૂનું શરીર ત્યાગ કરી નવા શરીરની અંદર પ્રવેશ કરે છે. 
અદિતિ (કલ્કિ કોચલીન) લગ્ન કરી રહી છે, એ વખતે બનીની ઘણા લાંબા સમય પછી એના મિત્રો અદિતિ અને અવિ (આદિત્ય રોય કપૂર) સાથે મુલાકાત થાય છે. અદિતિ ઇચ્છે છે કે એ ત્રણ ઘણા સમય પછી મળ્યા છે તો પહેલાની જેમ કંઈક કરીએ, પરંતુ અવિ જવાબ આપે છે કે કશું જ પહેલાની જેમ નથી. અદિતિ પોતાની જિંદગીથી ખુશ છે, એ આટલા વર્ષ સુધી બનીને મળી નથી તો એ એની ફરિયાદો લઇને નથી બેઠી, જ્યારે અવિ કહે છે કે ઘણી બધી વાતોમાં ફેરફાર આવ્યો છે, અવિ આડકતરી રીતે બનીને મહેણું પણ મારે છે કે બની એટલું ફરે છે કે એ ભૂલી ગયો કે એ કઈ જગ્યાએ રહે છે. અવિ સમયની સાથે આવેલા પરિવર્તન સાથે ટેવાયો નથી, એની અપેક્ષા પૂરી થઈ નથી કે બની એની સાથે અત્યાર સુધી ન રહ્યો. દરેક ગમતી વ્યક્તિ કાયમ તમારી સાથે રહેતી નથી, દરેકને પોતાની જિંદગીમાં આગળ વધવાનું હોય છે, એ માટે ક્યારેક કોઈ એક તો નારાજ થાય જ છે, પણ, એનો મતલબ એ નથી કે દોસ્તી પૂરી થઈ ગઈ અથવા એ સંબંધ પૂરો થઈ ગયો. પરંતુ અવિ એ વાત સમજવા તૈયાર નથી. જ્યારે બની એમ કહે છે કે મિત્રોની વચ્ચે ક્યારેય કોઈ વસ્તુ બદલાતી નથી, ત્યારે અવિ કહે છે કે બની હવે એનો મિત્ર નથી. સમય સાથે આવતું પરિવર્તન આપણે સ્વીકારવું પડે છે, સામેની વ્યક્તિ જેને જાણ પણ નથી કે આપણને એની પાસેથી આટલી અપેક્ષાઓ હતી, એ વ્યક્તિને હમેંશા ફરિયાદો કરતાં રહેવાથી તો કશું જ મળવાનું નથી. અને મિત્રો વચ્ચે ગમે તેટલો ખરાબ સમય હોય પણ ક્યારેય કંઈ જ બદલાતું નથી, એ વસ્તુ આપણી ઉપર નિર્ભર કરે છે કે કેવી રીતે વાતને સમજવી અને કેવી રીતે એનો અર્થ કરવો. 

ઉદયપુરમાં ફરતી વખતે જ્યારે નૈનાને થાક લાગે છે ત્યારે એ બેસી જાય છે. પણ, બની એને ત્યાંથી ફટાફટ નીકળવા માટે કહે છે. નૈના કહે છે કે એ થાકી ગઈ છે અને ત્યાં બેસીને એને સારુ લાગે છે. બની જવાબ આપે છે કે બધુ જોઈ લઈશું પછી વધારે સારુ લાગશે. નૈના કહે છે બધી વસ્તુઓ એક દિવસમાં શક્ય ન બને ત્યારે બની એનું લિસ્ટ બતાવે છે કે ફક્ત આટલું બાકી છે, એ લિસ્ટ નૈના ફેંકી દે છે. ત્યારે પણ બની ફરિયાદ કરે છે કે જો એ લોકોને પાછળથી ખ્યાલ આવશે કે 'લાઇટ એન્ડ સાઉન્ડ શો' ખૂબ સારો હતો તો? ત્યારે નૈના કહે છે કે એ તો સારો જ હશે પણ, એ લોકો ત્યાંથી જતાં રહેશે તો એ સુંદર સૂર્યાસ્ત ચૂકી જવાશે. નૈના બનીને સમજાવે છે કે ગમે તેટલો પ્રયત્ન કરીએ, પણ, જીવનમાં કંઈક તો છૂટી જ જાય છે, તો જ્યાં હોઈએ ત્યાંનો જ આનંદ લેવો જોઈએ ને! આપણે બધા ભાગદોડમાં આપણી સામે જે છે એ વસ્તુ ભૂલી જઈએ છીએ, આપણી સામેની એ સુંદર વસ્તુ છે આપણો વર્તમાનકાળ, પ્રત્યેક પળે જિવાતી જિંદગી. ભવિષ્યકાળ સુધારવા માટે વર્તમાનકાળ જીવવાનું ભૂલી જઈએ છીએ. આ પળે ભૂલી જઈએ છીએ કે અત્યારે સામે છે એ પળ કેટલી સુંદર છે, આ સમય જશે પછી પાછો નહીં આવે, અને જે સમય હજુ આવ્યો પણ નથી એની ચિંતામાં આ ક્ષણની ખુશી મહેસૂસ કરવાનું ભૂલી જઈએ છીએ. બની નૈનાની સાથે એ પળની અંદર એ સુંદર સૂર્યાસ્ત જોઈને જીવનની અંદર નાની નાની ખુશીઓ અને વર્તમાનની ક્ષણને માણતાં શીખે છે. 

ઉદયપુર ફરીને પાછા વળતી વખતે બની નૈનાને પોતાના પિતાના મૃત્યુ વખતની વાત કરે છે. બનીને અફસોસ છે કે છેલ્લી વખતે એ પિતાને સરખી રીતે મળી ન શક્યો. એ નૈનાને કહે છે કે એને રંજ છે કે એના પિતા એને કહેતા હતા કે મળવા આવી જા, નૈનાની પાસે એ પોતાનાં દિલની વાત હલકી કરે છે કે એ વખતે બની કહે છે કે એના પિતાની વાત એણે સાંભળી લેવી જોઈતી હતી. અદિતિનાં લગ્ન પત્યાં પછી પાછા પેરિસ જતી વખતે બની એરપોર્ટ પર પોતે આઠ વર્ષ પહેલા શિકાગો જઈ રહ્યો હતો એ સમય યાદ કરે છે. બની એરપોર્ટ પરથી પોતાના ઘેર જાય છે. દીવાલ પર બનીની માતાની તસવીરની બાજુમાં એના પિતાની તસવીર લાગી ગઈ છે. એ ઘર જ્યાં બનીએ કેટલાય સમયથી પગ નથી મૂક્યો ત્યાં આટલા સમય પછી આવે છે ત્યારે યાદો ઘેરી વળે છે. જ્યારે શિકાગો જતી વખતે પિતાએ કહેલું પોતાની જિંદગી પોતાની શરતો મુજબ જીવવા વિશે. બની યાદ કરે છે કે એના પિતા ખુશ નહોતા કારણ કે એ દૂર જઈ રહ્યો હતો, તેમ છતાં પિતાએ એને પ્રોત્સાહન આપેલું કે જિંદગીમાં એક વાત યાદ રાખજે કે એ હમેંશા એની સાથે રહેશે. બની યાદ કરે છે એ સમય, પરંતુ બની એ સમયને પાછો લાવી શકે એમ નથી. બનીએ એનું સપનું પૂરુ કર્યુ છે, પણ, એના પિતા એની પાસે નથી અને એની સાવકી માને કહે છે કે એ થાકી ગયો છે ભાગીને, એણે સમયની કદર ન કરી અને એના પિતા આ દુનિયામાં નથી. સમય કોઈને માટે રોકાતો નથી. માણસ પોતાની સફર પૂરી થતાં વિદાય લે છે. રહી જાય છે ફક્ત યાદો અને દીવાલ પર તસવીરો. માણસ જીવતું રહેતું નથી ને દીવાલ પર એની તસવીર લાગી જાય છે, જેની પર ગમે તેટલાં સુખડનાં હાર ચડાવવાથી પણ એ વ્યક્તિ પાછી આવતી નથી. સમય સાથે દીવાલો અને તસવીરોનો રંગ ઝાંખો પડતો જાય છે અને એ યાદ કરીને આંખો ભીંજાઈ જાય છે. પરંતુ, દરેક વસ્તુનો યોગ્ય સમયે અંત આવે છે. આખરે અવિને પણ એ વાત સમજાયા બાદ એ પોતાનો ન ચાલતો બાર બંધ કરે છે, એ વખતે કહે છે કે એક આખુ વર્ષ પૂરુ થઈ રહ્યુ છે એ સાથે આ બારનો પણ બંધ થવાનો વખત આવ્યો છે.

અવિ જ્યારે બનીને કહે છે કે એ લોકો હવે મિત્રો નથી એ પછી બની નારાજ થાય છે. ત્યારે એ નૈનાને જુએ છે જેને પણ એ કેટલાંય વર્ષો પછી મળી રહ્યો છે. નૈના ઠંડા પાણીની અંદર પગ રાખીને બેઠી છે એ વખતે બની એ પાણીની અંદર પગ મૂકતાં ડરે છે. નૈના એને સમજાવે છે કે થોડો સમય આપવાથી બધુ સરખું થઈ જશે. થોડી વાતો કર્યા પછી નૈના પૂછે છે કે પાણી કેવું લાગે છે. એ વખતે બનીને પાણી બરાબર લાગે છે. નૈના ફરી યાદ દેવડાવે છે કે થોડો સમય આપવાથી બધુ સરખુ થઈ જશે. એ જિંદગી વિશેની શિખામણ આપે છે જ્યારે આપણે ક્યારેક હાર માની લઈએ છીએ. પણ, જરૂરત હોય છે થોડા સમયની. સમય ક્યારેય એકસરખો રહેતો નથી. ગમે તેટલો ઊંડો ઘા પણ રુઝાઈ જાય છે, ફક્ત એ માટે સમય લાગે છે. બની જ્યારે અદિતિ (કલ્કિ કોચલીન) સાથે વાત કરે છે કે એ તરણ (કુણાલ રોય કપૂર) સાથે લગ્ન કરવા જઈ રહી છે તો એ ખુશ છે કે નહીં. ત્યારે અદિતિ જવાબ આપે છે કે તરણ જીવનમાં આવ્યો એ પહેલાં એ ઠીક જ હતી. પરંતુ તરણને મળ્યા પછી એને અહેસાસ થયો કે ખુશ પણ રહી શકાય. અદિતિ કહે છે કે એકદમ સરળ વાત છે કે અમુક લોકોની સાથે ફક્ત સમય પસાર કરવાથી બધુ ઠીક થઈ જાય છે. એ વખતે બનીને અહેસાસ થાય છે કે એ પોતાનો સમય નૈનાની સાથે પસાર કરવા માંગે છે. બની જ્યારે પોતાના પિતા અને એનાં જિંદગીનાં અફસોસ વિશે એની સાવકી મા સાથે વાત કરે છે ત્યારે એની સાવકી મા પણ એમ કહે છે કે એને જે ગમતો હોય એ નિર્ણય લે, એ પછી બધુ ઠીક થઈ જશે. એ વખતે ફરી બનીને અહેસાસ થાય છે કે એ નૈના સાથે પોતાનો સમય વીતાવવા ઇચ્છે છે, અને એ પોતાની ડ્રીમ જોબની ઓફર છોડી નૈનાને પ્રપોઝ કરે છે એમ કહીને કે આ એ માટેનો યોગ્ય સમય છે, સમય કોઈને માટે રોકાતો નથી. સમય વીતતો જાય છે અને આપણે ખર્ચ થતાં જઈએ છીએ, એ પોતે ખર્ચ થઈ જાય એ પહેલાં નૈના સાથે સમય વીતાવવા ઇચ્છે છે. ફિલ્મની અંદર રહેલી બીજી આ પ્રકારની નાની સુંદર વસ્તુઓ યાદ દેવડાવવાં માટે ડિરેક્ટર અયાન મુખર્જીનો ખૂબ ખૂબ આભાર. 


  
નોસ્ટેલ્જિયા સંબંધિત પોસ્ટ્સ - 
આસમાની
અને
મિડનાઈટ ઈન પેરિસ (૨૦૧૧)

કેટલીક બીજી પોસ્ટ્સ - 

એપિક હગ સીન્સ - બોલીવુડ

બલમની પિચકારી અને જીવનનાં વિવિધ રંગો સાથે લેટ્સ પ્લે હોલી!

રાહ ન જુઓ - લતા હિરાણી

No comments:

Post a Comment