Thursday, 23 March 2017

હેપી બર્થડે કંગના રણૌત



હિમાચલ પ્રદેશનાં એક નાના શહેરમાં ધોરણ ૧૨ સાયન્સની કેમિસ્ટ્રીની એક યુનિટ ટેસ્ટમાં નાપાસ થયેલી છોકરી આગળ પ્રિ-મેડિકલ ટેસ્ટની તૈયારી છોડીને ૧૬ વર્ષની ઉંમરે ઘેરથી ભાગી ગયેલી. એ છોકરી આજે હિન્દી સિનેમાની ટોચની એક્ટ્રેસ ગણાય છે. કંગનાએ કહેલું કે એવું નહોતું કે એ ભણવામાં હોશિયાર નહોતી, એ હમેંશા સારા ગ્રેડ્સ સાથે પાસ થતી, અને "કહેવાતા ભણેશરી" પ્રકારનાં લોકો જેવી હતી. પેરેન્ટ્સની ઇચ્છા પ્રમાણે એ પણ ડૉક્ટર બનવા માંગતી હતી. પણ, એ એક ટેસ્ટનાં કારણે એણે વિચાર્યુ અને દિલ્હી ભાગી ગઈ. શરૂમાં એલાઇટ મોડેલ એજન્સીમાં મોડેલિંગ કર્યુ, પણ એમાં પણ એને સર્જનાત્મકતા ન લાગી. અસ્મિતા થિયેટર ગ્રુપમાં એ પછી એ નાટકોમાં કામ કરવા લાગી. એક દિવસે કોઈ મેલ એક્ટર હાજર ન રહેવાના કારણે એણે એ રોલ પોતાનાં સ્ત્રીનાં રોલની સાથે સાથે ભજવ્યો. એ વખતે એને ઓડિયન્સની ખૂબ વાહવાહી મળી. એ પછી ઘણા લોકોની સલાહથી એ મુંબઈ શિફ્ટ થઈ. કોઈ એક એડલ્ટ પ્રકારની ફિલ્મમાં એણે ઓફર સ્વીકારી જ લીધેલી એ વખતે એણે ભટ્ટ કેમ્પમાં અનુરાગ બાસુની ફિલ્મ 'ગેંગસ્ટર' માટે ઑડિશન આપ્યું. મહેશ ભટ્ટને લાગ્યું કે એની ઉંમર ખૂબ નાની છે અને એમનું એ મેચ્યોર પાત્ર એ ભજવી નહીં શકે. એ પાત્ર માટે ચિત્રાંગદા સિંઘની પસંદગી થઈ. પણ, ફિલ્મ શરૂ થયા પછી ચિત્રાંગદાએ કોઈ કારણોસર રોલ ન કર્યો, અને એ રોલ કંગનાને મળ્યો, જેનાથી એની જિંદગી બદલાઈ ગઈ. એક ગેંગસ્ટરનાં પ્રેમમાં પાગલ દારૂની લતવાળી સિમરનનાં પાત્રમાં કંગનાની ખૂબ પ્રશંસા થઈ. કંગનાએ કહેલું શરૂઆતની સ્ટ્રગલિંગ દરમિયાન એ બ્રેડ અને અથાણું ખાઈને દિવસો કાઢતી હતી. એના કુટુંબનો એને હજુ સાથ નહોતો. એની બીજી ફિલ્મ આવી મોહિત સુરીની 'વો લમ્હે', જે મહેશ ભટ્ટ અને પરવીન બાબીનાં સંબંધો પર આધારિત હોવાનું કહેવાય છે. કંગનાએ કહ્યુ હતું કે એ પાત્ર ભજવતી વખતે એને પોતાની ઉદાસી અને એકલતા વધારે મહેસૂસ થયેલી. સુભાષ ઝા નામનાં ફિલ્મ ક્રિટિકે એ ફિલ્મમાં એની તારીફ કરતી વખતી એને શબાના આઝમી અને સ્મિતા પાટિલ સાથે સરખાવેલી. એ રોલ વિશે મારુ પણ માનવું છે કે જો ૨૦૦૧-૨૦૧૦નાં દસકાની વાત થાય તો કંગનાનું એ રોલ માટે નામ જરૂર રાખવું જોઈએ. 

અનુરાગ બાસુની 'લાઇફ ઇન અ મેટ્રો' માટે પણ એના પાત્રનાં ખૂબ વખાણ થયેલાં. પણ, ફરી એની કારકિર્દી બદલાઈ મધુર ભંડારકરની 'ફેશન' સાથે. સુપરમોડેલ શોનાલી ગુજરાલનાં પાત્ર માટે વખાણ અને પ્રશંસાની સાથે સાથે એને પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, સહાયક અભિનેત્રી તરીકે આ ફિલ્મ માટે. વચ્ચે એ પછી એને ઘણી નિષ્ફળતા પણ મળી. જેમાં 'શાકાલાકા બૂમ બૂમ' (જે 'વો લમ્હે' પછી આવેલી), 'રાઝ - ધ મિસ્ટ્રી કન્ટિન્યૂસ' અને 'કાઇટ્સ' સમાવી શકાય. 'કાઇટ્સ' ફિલ્મ જોયાં પછી એને લાગેલું કે એના પાત્ર પર કાતર ફરી ગયેલી, કદાચ એટલે જ અનુરાગ બાસુ સાથે ફરી કામ ન કર્યુ. આ બધી પ્રક્રિયા દરમિયાન એ પોતાનાં અંગત જીવનની અંદર પણ ઘણી ચડ-ઉતરમાંથી પસાર થઇ. ઝરીના વહાબ અને એના પતિ આદિત્ય પંચોલી સાથે એને સારુ બનતું, એણે કહેલું કે એ લોકો માટે 'ઘરથી દૂર એક ઘર' જેવી લાગણી એને થતી. પણ, એ પછી આદિત્ય પંચોલી સાથે એના અફેરની વાત પણ ચગી. કંગનાએ આદિત્ય પંચોલી પર અસૉલ્ટની ફરિયાદ કરી. કંગના ઘણી બધી વખત માનસિક રીતે ભાંગી પડેલી. એની બહેન રંગોલી પર એસિડ એટેક થયેલો. 'લાઇફ ઇન અ મેટ્રો' પછી એના પરિવાર સાથે ફરી એના સંબંધો સારા થઈ ગયાં. પણ, આખી એ પ્રક્રિયાને ઘણી વખત એણે માનસિક રીતે થકવી નાખનર ગણાવી છે.

મિલન લુથરિયાની ફિલ્મ 'વન્સ અપન અ ટાઇમ ઇન મુંબઈ' માટે તેણે રેહાનાનું પાત્ર ભજવ્યું, જે એક ફિક્શનલ એક્ટ્રેસનું પાત્ર હતું અને તેણે એ સમયની અભિનેત્રીઓ જેવી કે ઝીનત અમાન અને પરવીન બાબીનાં કામને બારીકાઈથી નિહાળેલું. એ ફિલ્મ પછી પણ એણે ઘણી નિષ્ફળતાનો સામનો કર્યો. (નોક આઉટ, નો પ્રોબ્લેમ, ગેમ, ડબલ ધમાલ, રાસ્કલ્સ, તેઝ) એ બધા વચ્ચે આનંદ એલ. રાયની ફિલ્મ 'તનુ વેડ્સ મનુ' માટે એની ખૂબ ખૂબ પ્રશંસા પણ થઈ. એ પાત્ર એણે ત્યાર સુધી ભજવેલાં પાત્રોથી ઘણું અલગ હતું. એ પછી 'ક્રિશ ૩' વખતે એના અને રિતિક રોશન વચ્ચે જે પણ થયું હોય એ માટે પણ એને ઘણી બધી વસ્તુઓનો સામનો કરવો પડ્યો, છેક હમણાં થોડા સમય પહેલા સુધી. સંજય ગુપ્તાની 'શૂટઆઉટ એટ વડાલા' ફિલ્મમાં એના નાના પાત્ર માટે પણ એ વખાણને પાત્ર ઠરી. 

પરંતુ એની કારકિર્દી ફરી એક વખત કાયમ માટે બદલાઈ ગઈ, વિકાસ બહલની ફિલ્મ 'ક્વીન' દ્વારા. લગ્નનાં એક દિવસ પહેલાં મંગેતર દ્વારા ત્યજાયેલી રાનીનો રોલ ભજવીને ફરી એક વખત તેણે પોતાની જાતને સાબિત કરી. દર્શકો, ફિલ્મ ક્રિટિક્સ, બોક્સ ઓફિસ, એવોર્ડ્સ સૌ કોઈ એની પર ઓવારી ગયાં. એ પાત્ર માટે ફરી વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, પણ આ વખતે મુખ્ય અભિનેત્રી માટે. એના પછીનાં વર્ષે આનંદ એલ. રાયની 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' માટે ફરી વખત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને તેણે સૌને ચૂપ કરી દીધા. આગળની ફિલ્મથી ચાલ્યું આવતું તનુજા ત્રિવેદી અને આ વખતે ઉમેરાયેલ કુસુમ સાંગવાન ઉર્ફે દત્તો, બંને એકદમ જ અલગ અલગ પાત્રો એણે કાબિલ-એ-તારીફ ભજવ્યાં એમ ન કહેવું જોઈએ પણ કહેવું જોઈએ કે જીવી બતાવ્યાં. એ પછી પણ એને 'કટ્ટી બટ્ટી' અને 'આઇ લવ એનવાય' માટે નિષ્ફળતા મળી. પરંતુ હમણાં મહિના પહેલા રજૂ થયેલી વિશાલ ભારદ્વાજની અફલાતૂન ફિલ્મ 'રંગૂન' બોક્સ ઓફિસ પર ન ચાલી, એ છતાં એના પાત્રનાં ભરપૂર વખાણ થયાં. કંગના આજે ત્રીસ વર્ષની થઈ રહી છે. એની હંસલ મહેતાની ફિલ્મ 'સિમરન' આ વર્ષે રજૂ થશે. એના પ્રોડક્શનની શોર્ટ ફિલ્મ 'ધ ટચ' માટે કામ ચાલી રહ્યું છે, જેમાં એણે સ્ક્રીનપ્લે લખવામાં પણ ભાગ ભજવ્યો છે. ('ક્વીન'માં પણ કંગનાએ થોડાક ડાયલોગ્સ લખેલાં...) કદાચ આજે એણે કેતન મહેતાની આવનારી ફિલ્મ જેનું હાલ ટાઇટલ 'મણિકર્ણિકા' છે, તેનું શૂટિંગ શરૂ કર્યુ છે. તે આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવશે. કંગનાની શરૂઆતમાં અંગ્રેજી સરખી રીતે ન આવડવા અને એના એક્સન્ટને કારણે બોલીવુડમાં ખૂબ મજાક બનાવવામાં આવતી. એ ખાન એક્ટર્સ સાથે કામ નથી કરવા માંગતી એ માટે પણ એણે રાજીવ મસંદનાં લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહેલું કે એ એક એવા મુકામ પર પહોંચી છે, જ્યાં એના ફેન્સ એને મુખ્ય અને મજબૂત પાત્રમાં જ જોવા ઇચ્છશે અને એ ખાન એક્ટર્સની ફિલ્મમાં એના પાત્ર માટે જગ્યા નહીં હોય. હું એની એ વાત સાથે એકદમ સહમત છું. કંગનાએ ઘણી વખત મને ખૂબ પ્રેરણા આપી છે પોતાનાં સપનાઓ પૂરા કરવા વિશે. એ બધી જ સફળતા અને ખુશી માટે હકદાર છે. રિસ્પેક્ટ યુ કંગના. જન્મદિન મુબારક! 

આભાર મૃગેશ અને વિકિપીડિયા!

બીજી કેટલીક પોસ્ટ્સ - 








No comments:

Post a Comment