Wednesday, 14 December 2016

દિલ ચાહતા હૈ (૨૦૦૧) - દોસ્તી, યુવાની, પ્રેમ, જિંદગી



દરેક વ્યક્તિ અલગ હોય છે, એમનો જિંદગી વિશેનો અભિગમ અલગ હોય છે, પણ મિત્રો હમેંશા એકબીજાને સંભાળી લે છે, સહારો આપીને. નાની નાની વાતોને મોટું સ્વરૂપ નથી આપવાનું હોતું, એમ છતાં એક હદ પાર થાય છે પછી દોસ્તીમાં કડવાશ આવે છે, અથવા તિરાડ પડે છે... 

આકાશ (આમિર ખાન) પ્રેમ વિશે સીરિઅસ નથી, એ કોઈપણ લવ રિલેશનમાં વધારે ટકી શકતો નથી. સમીર (સૈફ અલી ખાન) પ્રેમ શોધતો રહે છે નવી નવી વ્યક્તિઓમાં અને ગૂંચવાયેલો રહે છે કે આ વ્યક્તિ સાથે પ્રેમ છે કે નથી, સિધ્ધાર્થ "સિડ" (અક્ષય ખન્ના) બંનેની સરખામણીમાં વિચારશીલ અને ગંભીર છે અને તેનો જિંદગી વિશેનો ખ્યાલ અલગ છે... અને બંનેને બેલેન્સ કરે છે એ. (હું ઘણો બધો સિધ્ધાર્થના પાત્ર જેવો છું!) કોલેજ હમણાં જ પૂરી થઈ છે અને ત્રણે જણ જિંદગી વિશે નચિંત છે હાલ, ફરે છે, પાર્ટી કરે છે... જિંદગી વિશેની વધારે ચિંતા વગરનાં દિવસો...

ગોવા


મને યાદ છે હું ચોથા ધોરણમાં હતો અને એ વર્ષે અમારી સ્કૂલનાં વાર્ષિકોત્સવમાં ધો-૭નાં વિદ્યાર્થીઓએ 'કોઈ કહે કહેતા રહે' પર ડાન્સ કરેલો... અને અમે લોકો હૉલની સીટ્સ પર બેઠા બેઠા પણ એમની સાથે ગીતની ટ્યૂન પર ઝૂમતા હતા...! આ ફિલ્મ જેણે હિન્દી સિનેમાને અલગ નઝરિયો આપ્યો... ફિલ્મ જે એ વખતે એટલી સફળ નહોતી થઈ એવું હાલ કોઈને કહીએ તો નવાઈ લાગે!

કોઈ કહે કહેતા રહે


કોલેજ પૂરી થયા પછી 'દુનિયા' ચાલુ થાય છે, એ દુનિયા જ્યાં આપણે બાકીની જિંદગી જીવવાની છે, આપણી કરિયર, પ્રેમ અને જીવવા માટેની ઈચ્છા શોધવાની છે, આકાશ પ્રેમ વિશે સીરિઅસ નથી એનો મતલબ છે કે એ લગ્ન માટે હાલ તૈયાર નથી, લગ્ન અને પ્રેમ, બંને અલગ વસ્તુઓને મોટેભાગે લોકો મિક્સ કરે છે, સમીર પણ એમ માને છે કે જેની સાથે લગ્ન કરીએ એને પ્રેમ કરવો જરૂરી છે, અને સિડ બંનેથી અલગ ફરીથી પ્રેમ વિશે ઊંડા ખ્યાલો ધરાવે છે, પ્રેમની અલગ દુનિયા જ્યાં એ જેને પ્રેમ કરે છે એ તારા (ડિમ્પલ કાપડીયા) એનાથી ઉંમરમાં મોટી છે, ડિવોર્સી છે, પણ એ બધી વાતો મહત્વની નથી, કારણ સિડ પ્રેમ મેળવવા માટે પ્રેમ નથી કરતો, એ ફક્ત 'પ્રેમ' કરે છે, આખેઆખું માણસ જેવું છે એવું સ્વીકારીને.


સમીર અને એની ગર્લફ્રેન્ડ પ્રિયા (સુચિત્રા પિલ્લાઈ) બંને અલગ છે, સમીર પ્રિયાથી ડરે છે કારણ કે એ એને દુ:ખ પહોંચાડવા નથી માંગતો, પરંતુ એ એટલા માટે પણ ડરે છે કેમ કે એ દોસ્તી અને પ્રેમ વગર જીવી નથી શકતો, એકલો થઈ જવાનો એને સતત ડર છે. એ જ ડરના કારણે જ્યારે પછીથી ફિલ્મમાં એ પૂજા (સોનાલી કુલકર્ણી) સમક્ષ દિલની વાત કરવા માંગતો હોય છે એ નથી કરતો કારણ એના મિત્રો હાલ એની પાસે નથી, અને જો પૂજા એનો પ્રેમ ન સ્વીકારે તો એ પૂજાની દોસ્તી ગુમાવવા નથી માંગતો. તેમ છતાં પણ ફિલ્મની શરૂઆતમાં જ્યારે પ્રિયા એને આકાશ અને પોતાની વચ્ચે પસંદગી કરવા માટે કહે છે ત્યારે એ પ્રેમ અને દોસ્તીમાંથી દોસ્તી પસંદ કરે છે, કારણ એને ખબર છે એના દોસ્તો એને સાથ આપશે...

પ્રિયા (સુચિત્રા પિલ્લાઈ) અને સમીર (સૈફ અલી ખાન)


સિડનાં દોરેલા ચિત્રોને તારા સમજે છે, કે એ ચિત્રો શું કહેવા માંગે છે, એ ચિત્રોમાંથી એ સિડની જીવન જીવવાની રીત, સિડના જિંદગી વિશેના ખ્યાલો, એની સમજ અલગ તારવે છે, કારણ કે દરેક કલાકારની કલામાં એની જિંદગી ઝળકે છે એ વાત તારા જાણે છે, જ્યારે કોઈ એક વ્યક્તિ એવી મળે જેની સામે તમારી જાતને એક્સપ્રેસ કરો એ પહેલાં તમને સમજી જાય તો જિંદગી આસાન બની જાય છે...


ચિત્રો વડે વ્યકિતત્વની સમજ
તારા (ડિમ્પલ કાપડીયા) અને સિડ (અક્ષય ખન્ના)


ગોવાનાં ચપોરા ફોર્ટ પર આકાશ કહે છે કે એ લોકોએ દર વર્ષે ગોવા આવવું જોઈએ, અને સમીર સહમત થાય છે, પરંતુ સિડ એક વહાણને જોઈને કહે છે કે એ લોકો એ વહાણ જેવાં છે, દરેકને પોતાની સફર માટે નીકળવાનું છે અને કદાચ દરેકની મંઝિલ અલગ પણ હોઈ શકે, દર વર્ષે તો દૂર કદાચ એવું પણ બને કે દસ વર્ષ સુધી ન મળી શકાય,... અને એ વાત એકદમ સાચી પણ છે, ફિલ્મ માટે પણ અને જિંદગી માટે પણ, મોટાભાગના મિત્રો જિંદગીની ભીડમાં ખોવાઈ જાય છે અને દરેક પોતાનો રસ્તો પસંદ કરીને અલગ જિંદગી બનાવી લે છે, દોસ્તીનું સ્થાન ભૌગોલિક અંતર, ગેરસમજો, આક્ષેપો, સમય, કારકિર્દી અને બીજી કેટલીય વસ્તુઓ લઈ લે છે, અને એ આપણા બધાની જિંદગીમાં બને છે, પણ આકાશ કહે છે કે આપણે દોસ્તો હતા, છીએ અને રહીશું, સમયની સાથે દોસ્તીમાં ભરતી-ઓટ જરૂર આવે છે, પણ એટલો વિશ્વાસ હોવો જોઈએ કે એ દોસ્ત કિનારે પહોંચાડશે, કિનારો જિંદગીની સમસ્યાઓ વિશેનો, અને એકબીજાને સહારે દોસ્તીમાં મોટી મોટી સમસ્યાઓ નાની બની જાય છે. મારે ચપોરા ફોર્ટ પર એકવાર જરૂર જવું છે ત્યાંનો કુદરતી નજારો જોવા પણ અને સિડ અને આકાશની કહેલી વાત વધારે વિસ્તારપૂર્વક સમજવા માટે પણ!

ચપોરા ફોર્ટ, ગોવા




સિડનો રોલ મારો પર્સનલ ફેવરિટ છે ફિલ્મ માટે, એ એના દોસ્તોની સંભાળ રાખે છે, એમની નાની નાની વાતનું ધ્યાન રાખે છે, મારા જેવો જ! એટલે સુધી કે ગોવામાં એ દીપા (સમાન્થા ટ્રેમેન) જે એના દોસ્ત આકાશને પાગલની જેમ ચાહે છે એને સમજાવે છે કે આકાશ એના માટે નથી, હાથમાં રહેલી રેત જેમ વધારે પકડવાનો પ્રયત્ન કરીએ એમ હાથમાંથી વધારે સરકતી જાય છે... 

દીપા અને સિડ

સિડની પોતાની અલગ દુનિયા છે, એને એના ચિત્રો દોરીને ખુશી મળે છે, જ્યારે તારા એને પૂછે છે એના ચિત્રો વિશે કે એનું સૌથી સારુ ચિત્ર કયુ છે ત્યારે એ કહે છે કે એ હજું બનાવવાનું બાકી છે, કારણ કે એને છે કે જ્યારે એ તારાનુ પોટ્રેટ બનાવશે એ સૌથી સારુ બનશે, એ કામ જેમાં આપણને ખુશી મળે છે, એ કામ કરવાથી આપણે અલગ જ દુનિયામાં ખોવાઈ જઈએ છીએ, એ કામ કરીને આપણને સંતોષની લાગણી મળે છે કારણ કે એ બીજા કોઈ માટે નહીં પણ આપણી જાત માટે કરીએ છીએ.



એક સમય એવો આવે છે કે માતા-પિતા અચાનક લગ્ન માટે કહે છે, અચાનક 'પુરાની દોસ્તી કો રિશ્તેદારી મેં બદલને કે લિયે' મા-બાપ બાળકોને પોતાનાં ફ્રેન્ડ સર્કલનાં બાળકો વિશે વિચારવાનું સૌથી પહેલાં કહે છે અને એ સમીરની સાથે થાય છે, જેને છે કે લગ્ન કરવા માટે પ્રેમ કરવો જરૂરી છે, અને મૂંઝાયેલી પરિસ્થિતિમાં એ પૂજાને મળે છે, જેના માટે એ હાલ ચોક્કસ નથી પણ એ બંને એકબીજા માટે છે.

અરેન્જ્ડ મેરેજ માટેની સમીરની મુલાકાત પૂજા (સોનાલી કુલકર્ણી) સાથે


સિડ તારાને પ્રેમ કરે છે એટલે એના જન્મદિને એને દુ:ખી નથી જોઈ શકતો અને એ પાર્ટી પછી એ આકાશ અને સમીર બંનેને કહે છે તારા વિશે, પોતાની એની તરફની લાગણીઓ વિશે, પરંતુ આકાશ એ વાતને પણ મજાકમાં લે છે ત્યારે આકાશને થપ્પડ પડે છે સિડની પણ અને જિંદગીની પણ, અને બધાંને મહેસૂસ થાય છે કે પોતપોતાને રસ્તે જવાનું છે જિંદગીમાં, જરૂરી નથી કે દરેકને એકબીજાની બધી વાતો પસંદ જ આવે. દરેક મિત્રની પર્સનલ સ્પેસમાં એની મંજૂરી વિના નથી ઘૂસવાનું એ જાણ દરેક દોસ્તને હોવી જ જોઈએ. અને પછી એ રાતે ત્રણેયની જિંદગી બદલાય છે, બંનેને બેલેન્સ કરતો સિડ જ હવે નથી જ્યારે મિત્રતામાં ત્યારે હવે સિડ અને આકાશને બેલેન્સ કરવાની જવાબદારી પોતાની છે એમ સમીર માને છે, અને બધાંને થોડા બદલાવવાનું છે, જિંદગી વિશે અનુભવી બનવાનું છે,...

જિંદગી અને સંબંધો વિશે અલગ અલગ અભિગમ


એ રાતે દોસ્તીમાં પડેલી તિરાડ હવે એને સાંધવાની છે એમ માનીને બીજે દિવસે સમીર આકાશને ત્યાં જઈને કહે છે કે સિડને મળીએ, ત્યારે જિંદગીમાં કોઈ પણ ગુસ્સો તરત ઓગળતો નથી એ રીતે આકાશ સિડને હાલ માફ કરવા તૈયાર નથી, સમીર સિડને ત્યાં જાય છે, પણ સિડ પોતાની પેન્ટિંગ વર્કશોપ માટે કસૌલી (હિમાચલ પ્રદેશ) ચાલ્યો ગયો હોય છે, ત્યારે સમીરને અનુભવ થાય છે કે હવે ખબર નહીં ક્યારે જિંદગીમાં બધુ ઠીક થશે, અને એકદમ એકલો પડી ગયેલો એ પૂજા સાથે દોસ્તી વધારીને એના પ્રેમમાં પડી બેસે છે.

વો લડકી હૈ કહા


આકાશ પિતાનો બિઝનેસ ચલાવવા માટે સિડની (ઓસ્ટ્રેલિયા) જાય છે, અને પ્લેનમાં શાલિની (પ્રિટી ઝિંટા) મળે છે, શાલિની આકાશથી એકદમ અલગ છે, એ પ્રેમમાં માને છે, સિડનીમાં બંનેની મુલાકાતો ધીમે ધીમે વધે છે... જીવનમાં એક એવી વ્યક્તિ પણ આવી શકે જેને લીધે આપણે પ્રેમમાં માનવા લાગીએ... ઓપેરા સીન અને શાલિની ભારત પાછી જાય એ પહેલાં એને ત્યાં ડિનર માટે ગયેલો આકાશ પહેલાં જેવો નથી રહેતો, એને પ્રેમ થઈ જાય છે,... પ્રેમમાં દર્દ થાય ત્યારે માણસ સદંતર હારી જાય છે એ લાગણીઓ 'તન્હાયી' ગીત અને એના પછીના સીનમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. દોસ્તીમાં તિરાડ પડે તો પણ દોસ્તો ભૂલાતા નથી, આકાશ અને સિડની વચ્ચે મિત્રતા નથી એમ છતાં એ સીનમાં આકાશ સમીરનાં બદલે સિડનો નંબર ડાયલ કરે છે, કારણ કે એને એ સમયે થયું હશે કે સિડ મને સંભાળી લેશે...  અને જિંદગીમાં બધું ઠીક કરવા માટે છેલ્લે પ્રેમમાં ન માનનાર આકાશને પણ પ્રેમ થાય ત્યારે બીજા લોકોની હાજરીમાં સમાજની વચ્ચે શાલિનીને પ્રપોઝ પણ કરવું પડે છે! 

બંધ આંખો વડે પણ થતો પ્રેમનો અનુભવ


ફિલ્મ ઘણી બધી રીતે એ સમયની ફિલ્મોથી અલગ હતી, ડિરેક્ટર ફરહાન અખ્તરની સિનેમા સ્ટાઈલ, એમની સ્ટોરીટેલિંગ મેથડ બધું અલગ હતું,... કેરેક્ટરની ડેપ્થ, ફિલ્મનું શંકર-અહેસાન-લોય દ્વારા કંપોઝ કરાયેલું મ્યુઝિક એવી ઘણી બધી સરસ વસ્તુઓ છે, જાવેદ અખ્તરના શબ્દો વડે ગીતો પણ વધારે જાનદાર બન્યા છે. 'કોઈ કહે કહેતા રહે' પોતાની રીતે જિંદગી જીવવાની સમજ આપતું અને દુનિયાના લોકોનું ન સાંભળવાની સમજ આપતું પાર્ટી સોંગ, પ્રેમમાં પડ્યા પછીની ખુશી અને જિંદગીની કલ્પના કરતું 'કૈસી હૈ યે રુત'... પ્રેમ વિશેનાં ખ્યાલો "જાને ક્યૂં"... યુવાની અને જિંદગી વિશે ટાઈટલ સોંગ ... બોલીવુડ ડાન્સ, કોસ્ટ્યૂમ્સ, '60 અને '70 ના દસકાની ફિલ્મ સ્ટાઈલ અને મ્યુઝિકને ટ્રિબ્યૂટ આપતું 'વો લડકી હૈ કહા' અને એટલો જ સરસ બેકગ્રાઉન્ડ સ્કોર અને થીમ્સ, ઈન્ટરવલ પછી સમીર જ્યારે આકાશને ત્યાં જાય છે ત્યારે રાતની સિડ સાથેની ઘટનાથી દુ:ખી અને ઉદાસ આકાશનાં રૂમમાં સ્ટિંગનું સોંગ 'ડિઝર્ટ રોઝ' વાગતું હોય છે...

શાલિની (પ્રિટી ઝિંટા) અને આકાશ (આમિર ખાન)


તારા એના ડેથ સીનમાં સિડને કહે છે કે અમુક સંબંધોના કોઈ નામ હોતા નથી. સમય બધાં ઘા રુઝાવી દે છે અને જિંદગી મુસ્કુરાતી રહે છે, સિડને ગોવામાં મળેલી નવી પાર્ટનર (જર્મન એક્ટ્રેસ મંદાલા તાયડે, મને સાચો ઉચ્ચાર ખબર નથી) એ મુસ્કુરાતી જિંદગીનું રૂપક છે મારી માટે કે જિંદગી ગમે તેટલા દુ:ખો છતાં સતત ચાલતી રહે છે.

મુસ્કુરાતી જિંદગી - જર્મન એક્ટ્રેસ મંદાલા તાયડે

No comments:

Post a Comment