Sunday, 14 May 2017

મધર્સ ડે (૨૦૧૭)




સ્કૂલમાં હતાં ત્યારે માતૃપ્રેમનો નિબંધ લખવાનું કહેવામાં આવતું અને આપણે 'ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર' કે પછી બોટાદકરની કવિતા 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' કવિતાની પંક્તિઓ ટાંકીને આપણી ઉંમર અને સમજણ પ્રમાણે મા વિશે લખીને પાનાંઓ ભરતાં હતાં, આજે આ લખી રહ્યો છું અને વિચારુ છું કે શું કહી શકાય એક એવી વ્યક્તિ વિશે જેના વિના આપણું અસ્તિત્વ જ ન હોઈ શકે, સમગ્ર માનવજાતનું જ અસ્તિત્વ ન હોઈ શકે,... મા, એક શબ્દ જેની અંદર આખી દુનિયાનો સમાવેશ થઈ જાય છે, એક વ્યક્તિ જેના થકી આપણે આ દુનિયામાં પ્રવેશ મેળવીએ છીએ, આ જીવનની શરૂઆત એના ગર્ભમાંથી કરીએ છીએ. એક વ્યક્તિ, મમતા અને વાત્સલ્યથી ભરેલી જીવતી જાગતી ભગવાનનાં રૂપ સમાન, જે પોતાની જાતને ભૂલીને આપણો ઉછેર કરે છે, સંસ્કારો સીંચે છે, જિંદગી વિશે બોધપાઠ આપે છે, નાનામાં નાની કાળજી રાખે છે અને સતત ટોકે છે, એક વ્યક્તિ જે એટલો પ્રેમ આપે છે અને એટલી કાળજી રાખે છે કે જે વર્ણવવા માટે શબ્દો જ નથી. મા ગૃહિણી હોય તો આપણે એને દરેકનું નાનામાં નાનું કામ કરીને કાળજી રાખતી અને કોઈને પણ તકલીફ ન પડે એ રીતે વર્તતી એક વ્યક્તિ તરીકે જોઈએ છીએ, જો એ નોકરી કે કામ કરતી હોય તો એ પછી પણ એ ક્યારેય પોતાની ફરજ ચૂકતી નથી. એક વ્યક્તિ જેને ક્યારેય રજા હોતી નથી, એ મા છે. એક વ્યક્તિ જેની ગેરહાજરી તરત જ વર્તાય છે, જેનું મહત્વ એની હાજરીમાં ક્યારેક આપણે સમજી શકીએ તે માટે સમર્થ જ નથી, કદાચ આખી જિંદગી ઓછી પડી જાય એ સમજવા માટે... 

એક વ્યક્તિ જેના હાથની રસોઈ ખાધા પછી કોઈ પણ બીજી ગમે તેટલી સ્વાદિષ્ટ વસ્તુઓ એની તોલે ક્યારેય આવી શકતી જ નથી, એક વ્યક્તિ જે માથે હાથ ફેરવીને કહે કે બધું ઠીક થઈ જશે એ વખતે લાગે છે કે ખરેખર બધુ જ ઠીક થઈ જશે. એક વ્યક્તિ જે બહાર નીકળીએ ત્યારે વારંવાર બધુ જ યાદ અપાવડાવે છે કે આ ન ભૂલી જવાય, આ રહી ન જાય કે પેલી વસ્તુ ચૂકી ન જવાય, ગમે તે વખતે આપણી ગમે તે ઉંમર હોય એને એમ જ લાગે છે કે આપણે બહારની દુનિયાની ટક્કર લઈ નહીં શકીએ, એટલે એ બધી જ સલાહો, કાળજી, ચિંતા, પ્રેમ અને લાગણીઓ વરસાવીને વારંવાર કહેલી વાતો ફરીથી કહે છે. જ્યારે કોઈ વાર રાત્રે પાછા ફરતી વખતે મોડું થઈ જાય તો એ બે આંખો વાટ જોતી રહે છે, એ આંખો રસ્તા તરફ તાકી રહે છે, પાછા ફરીએ એટલે બધુ જ પૂછીને, બધુ જ જાણ્યા પછી એ ચહેરો અનહદ આનંદ પામે છે. કોઈ પ્રસંગે કે તહેવારે જો કોઈ ભેટ આપીએ ત્યારે એ પૂછે છે કે કેમ મારી માટે પૈસા બગાડ્યા! એ હમેંશા પોતાની જાતને છેલ્લે મૂકતી થઈ જાય છે, પણ એ જ મા હોંશથી એ ભેટ દરેકને બતાવે છે કે સંતાનની ભેટ છે આ, અને એટલા જ આનંદથી ઉપયોગમાં પણ લે છે. આપણે એની સતત કાળજી અને સંભાળ વચ્ચે ઉછરીએ છીએ, યુવાન થઈ જઈએ છીએ, ક્યારેક ભૂલી જઈએ છીએ કે એ પણ એક સમયગાળો જીવીને પોતે વૃધ્ધ થઈ રહી છે, આપણે ક્યારેક ચીડ અનુભવીએ છીએ જ્યારે મા અમુક વાતો કરે છે, કારણ કે આપણે સમજી જ નહીં શકીએ કે ક્યારેક એ દિમાગથી નહીં, પણ ફક્ત દિલથી જ વિચારે છે. મા ક્યારેક આપણી ઇચ્છાઓ કે માંગણીઓ પૂરી ન કરે ત્યારે આપણને ખરાબ લાગી જાય છે, પરંતુ આપણે ઘણી વખત એની માંગણીઓ વિશે પૂછવાનું ભૂલી જઈએ છીએ. 

કેટલાક સંતાનો અને મા વચ્ચે તાલમેલ થઈ જ શકતો નથી અથવા એક સમયનો ભૂતકાળ કે કોઈ એક વાતને કારણે અંતર આવી જાય છે. ક્યારેક મા નવી વાતો સમજી શકતી નથી કે કેમ સંતાન એ રીતે વર્તે છે, ક્યારેક સંતાન સમજી શકતું નથી કે કેમ મા જૂની જ રીતભાતો હજી સાચવે છે કે કેમ એના વિચારો સાથે સહમત થતી નથી. ક્યારેક મા પણ સંતાન પાસે અપેક્ષાઓ રાખે છે, જે કદાચ સંતાન ન પૂરી કરી શકે એમ હોય તો મા પણ સમજી શકવી જોઈએ કે દુનિયાનાં નિયમો કે બંધનોથી સંતાન ક્યારેય જીવનમાં ખુશ નહીં રહી શકે, સંતાનને અમુક આઝાદી આપવી પડશે. ક્યારેક સંતાન પોતાની મા માટે પોતાની મરજી અને ઇચ્છાઓનું બલિદાન આપે છે ત્યારે સંતાનને પણ સમજવું જોઈએ કે એ પણ પોતાની ક્ષમતાથી બહાર જઈને જે એને ઇચ્છા જ નથી એ કરી રહ્યું છે. તાલમેલનું સૌથી સરસ ઉદાહરણ છે બંને તરફથી સમાન હોય એવી ત્રાજવાની સ્થિતિ, જે લાગુ પાડી શકાય તો મા અને સંતાન બંને વચ્ચે સંઘર્ષ અને તણાવ ઓછો થઈ શકે. 

ઈતિહાસ અને પુરાણોમાં આવતી સ્ત્રીઓ જેમને કોઈ મહાન વ્યક્તિની મા થવા માટે સૌભાગ્ય સાંપડ્યું હતું, એ નામોની સંખ્યા ઓછી નથી, એ દેવકી હોય, યશોદા હોય કે કૌશલ્યા કે જીજાબાઈ કે રાણી લક્ષ્મીબાઈ કે મધર મેરી... સાહિત્ય અને સિનેમા જેવા માધ્યમોમાં પણ મા વિશે કે એના મહત્વ વિશેની કૃતિઓ ઓછી નથી. સ્કૂલમાં ભણતા હતાં ત્યારે કોઈ એક લેખકની 'બા' નામની કૃતિ આવતી હતી, એમનું નામ યાદ રહ્યુ નથી, પરંતુ એ રેખાચિત્ર વાંચતી વખતે હું રડી પડ્યો હતો એ યાદ છે. હમણાં છેલ્લા કેટલાક દિવસોથી કુન્દનિકા કાપડીઆનો વાર્તાસંગ્રહ 'જવા દઈશું તમને' વાંચી રહ્યો છું, એમાં ત્રીજી જ વાર્તા છે, 'મારી મા'... ખૂબ ઓછું ભણેલી અને ઝાઝી કોઠાસૂઝ ધરાવતી એક મા પોતાની દીકરીને ઉચ્ચ શિક્ષણ આપીને ઉછેરે છે એ વાત અને વાર્તાને અંતે આવતો મા અને દીકરીનો સંવાદ મારી આંખો ભીંજવી ગયેલો. મા એટલે જે જન્મ આપીને ફક્ત ઉછેર કરે છે, એ જ નહીં પરંતુ એક એવી વ્યક્તિ જે ડગલે ને પગલે સંતાનની પડખે જ રહે છે, દરેક પરિસ્થિતિ અને દરેક નિર્ણયમાં, એ સૂર વ્યક્ત કરતી ધીરુબહેન પટેલની 'કાદંબરીની મા' એક ખૂબ જ લાગણીશીલ અને નારીવાદી નવલકથા છે. મહેબૂબ ખાનની જગપ્રસિધ્ધ ફિલ્મ 'મધર ઇન્ડિયા' માતાની સંતાન તરફની કાળજી અને સૌથી ખરાબ પરિસ્થિતિઓ વચ્ચે પોતાનાં સંતાનોનો સારી રીતે ઉછેર કરતી એક મા અને એના દીકરાઓની કથા છે. ભારતીય ફિલ્મોને દુનિયામાં ખ્યાતિ અપાવનાર બંગાળી દિગ્દર્શક સત્યજીત રે ખરેખર મહાન કલાકાર રહી ચૂક્યા છે, તેમની પ્રખ્યાત ફિલ્મો 'ધ અપુ ટ્રિલોજી'નો બીજો ભાગ 'અપરાજિતો' મા અને પુત્ર વચ્ચેની કેટલીક સૂક્ષ્મ લાગણીઓ, મતભેદો, અલગ વિચારોને કારણે થતું ઘર્ષણ સુંદર રીતે રજૂ કરે છે. એ જ રીતે બંગાળી દિગ્દર્શક રિતુપર્ણો ઘોષની ફિલ્મો 'ઉનીશે એપ્રિલ' અને 'તીતલી' મા-દીકરી વચ્ચેનો સંબંધ એક અનોખી કક્ષાએ લઈ જનાર ઉત્તમ ફિલ્મો છે. પ્રખ્યાત ડિરેક્ટર સંજય લીલા ભણસાલી એમની પાછળ માતાનું નામ લખાવે છે, 'ગોલિયો કી રાસલીલા - રામલીલા' ફિલ્મમાં પણ એમણે દીપિકા પાદુકોણે જે પાત્ર ભજવ્યું હતું તેનું નામ પોતાની માતાનાં નામ પરથી 'લીલા' રાખ્યું હતું. મહેશ ભટ્ટની ફિલ્મ 'ઝખ્મ' પણ મા પોતાનાં સંતાનોની કાળજી માટે થઈને શું શું કરે છે તેમજ એક સંતાન નાનપણથી યુવાની સુધી માતાને કઈ રીતે સાચવે છે, તેની વાત માંડતી એક સંવેદનશીલ કથા છે. વિપુલ મહેતાની ત્રણેક મહિના પહેલા રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ 'કેરી ઓન કેસર' મોટી ઉંમરે આઇ.વી.એફ. પધ્ધતિથી માતૃત્વ ધારણ કરનારી સ્ત્રીની વાર્તા માંડે છે, સુપ્રિયા પાઠકનાં અફલાતૂન અભિનય સાથેની દરેક ગુજરાતીએ જોવા જેવી ઉત્તમ ફિલ્મ. અવિનાશ કુમાર સિંઘની 'લિસન... અમાયા' દીકરી પોતાની માતાને અને એની લાગણીઓને સમજી શકતી નથી એ વિશે ઉલ્લેખ કરતી આધુનિક વાર્તા છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ 'રંગ દે બસંતી'માં એક સુંદર ગીત છે, 'લુકા છુપી', જે  મા અને મૃત પુત્ર વચ્ચેનો સંવાદ રજૂ કરે છે, લતા મંગેશકર અને રહેમાન જેવી મહાન હસ્તીઓ દ્વારા ગવાયેલું એ ગીત મારી આંખોમાં ઘણી વખત ઝળઝળિયાં લઈ આવે છે. આમિર ખાનની ફિલ્મ 'તારે ઝમીન પર'નું શંકર મહાદેવન દ્વારા ગવાયેલું ગીત 'મા' હમેંશા મને લાગણીશીલ બનાવે છે. એ ગીતની એક પંક્તિ છે, 'ક્યા ઇતના બૂરા હૂં મૈં મા?' જે દરેક એવા સંતાનની લાગણીને વાચા આપે છે જેને લાગે છે કે મા એમને સમજી શકતી નથી. ઉપર લખેલ કૃતિઓ/ગીતો/ફિલ્મો મેં વાંચી છે/સાંભળ્યાં છે/માણી છે. આ સિવાય પણ માતૃત્વ કે મા અને સંતાન પર બનેલી ફિલ્મો, ગીતો કે સાહિત્ય ઘણી જ માત્રામાં છે, 'દીવાર', 'કરણ અર્જુન' જેવી ફિલ્મો મેં જોઈ નથી. 'તુ કિતની અચ્છી હૈ' નામનું એક ગીત પણ સુંદર છે. મા વિશે વાત કરતાં એક બે દ્રશ્યો પણ મને ખૂબ ગમે છે, કરણ જોહરની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' પણ એક રીતે પોતાનાં મૃત્યુ વખતની ઇચ્છાને પોતાની દીકરી દ્વારા પૂર્ણ કરાવતી એક માતાની વાર્તા છે, એ ફિલ્મમાં સ્કૂલની 'વન મિનિટ કોમ્પિટિશન' વખતે જ્યારે દીકરી મા વિશે કહી શકતી નથી ત્યારે એક પિતા તરીકે શાહરુખનું પાત્ર એને મા વિશે અને માની લાગણીઓ, કાળજી અને મહત્વ વિશે સ્કૂલની સ્પર્ધાની વચ્ચે સમજાવે છે, એ ફક્ત ત્રણ ચાર લીટીનો સંવાદ પણ મા વિશેની બધી જ વ્યાખ્યાઓ પૂર્ણ કરી દે છે. મણિ રત્નમની 'દિલ સે'માં એક દ્રશ્યમાં અમર (શાહરુખ ખાન) મેઘનાને (મનિષા કોઈરાલા) પૂછે છે કે એને સૌથી વધારે શું ગમે છે, એ વખતે જવાબમાં મેઘના બે વસ્તુ કહે છે, 'ગાંવ કે મંદિર કે કબૂતર' અને 'મા કે હાથ'... મા જેને હજાર હાથવાળી માનવામાં આવે છે, જેના વિના આપણે બધા અધૂરા છીએ, તેવી માતાને સો સો સલામ... લવ યુ મા એન્ડ થેન્ક યુ ફોર એવરિથિંગ...



મા વિશેની ફિલ્મો, કૃતિઓ કે લાગણીઓ વિશેની કેટલીક મેં લખેલી પોસ્ટ્સની લીંક્સ...










3 comments:

  1. Heart Touching. . .
    Happy Mother's Day.

    ReplyDelete
    Replies
    1. Thank you so much DD... Happy Mother's Day.

      Delete
  2. ખુબ જ સરસ. ખુબ જ સુંદર.

    ReplyDelete